Get The App

જંગી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષણ સાથે 2025નું વર્ષ દેશ માટે એઆઈમાં ક્રાંતિના મંડાણનું વર્ષ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
જંગી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષણ સાથે 2025નું વર્ષ દેશ માટે એઆઈમાં ક્રાંતિના મંડાણનું વર્ષ 1 - image

- 2026માં નવી ટેકનોલોજી વેપાર ક્ષેત્રે કામકાજની પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ લાવશે 

- સસ્તા ડેટા સેન્ટરો હોય કે અન્ય સુવિધા ભારત હાલમાં આવી કોઈ ખાસ વિશિષ્ટતા ધરાવતું નથી. ચીપના ઉત્પાદનમાં પણ ભારત ટૂંક સમયમાં સુપરપાવર બનવાની શકયતા જોવાતી નથી

- ભારત હાલમાં નીચી સ્કિલ તથા ઓછી ઉત્પાદનક્ષમતા ધરાવતા કર્મચારીબળમાં અટવાયેલું છે. દેશમાં એઆઈનો વપરાશ હાલમાં ઝડપથી વધી રહ્યો છે પરંતુ તે ચોક્કસ ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે.

સમાપ્ત થઈ રહેલા ૨૦૨૫ના વર્ષને દેશમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની ક્રાંતિના પાયા તરીકચે જોવાઈ રહ્યું છે. એઆઈ ક્ષેત્રે ભારતને વિશ્વનું મથક બનાવવાના પ્રયાસોમાં આ વર્ષમાં ગતિ જોવા મળી છે. આને પરિણામે વિશ્વની મોટી ટેકનોલોજી કંપનીઓ, ચીપ ઉત્પાદકો દ્વારા ભારતમાં રોકાણ માટે ઉત્સુકતા બતાવવામાં આવી છે. એઆઈ ઉપરાંત વિવિધ ક્ષેત્રની  કંપનીઓએ  ભારતમાં ૧૩૫ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની વર્તમાન વર્ષમાં જાહેરાત કરી છે. એઆઈ તથા ટેકનોલોજી વિકાસને કારણે દેશમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં વ્યાપક ઈન્વેસ્ટમેન્ટ જોવા મળી રહ્યું છે. ગુગલ, માઈક્રોસોફટ, એનવિડિયા, એમેઝોન સહિતની ટેક જાયન્ટસ દ્વારા ભારતમાં જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. એઆઈની ક્રાંતિમાં સહભાગી  બનવા માગતા  વિશ્વના દરેક સાહસિક ટેકનોક્રેટસ જેઓ કોઈને કોઈ સ્વરૂપમાં એઆઈનો વિકાસ કરવા યોજના ધરાવે છે તેઓ જ્યાં ડેટા સેન્ટરો ઉપરાંત અન્ય માળખાકીય સુવિધા સસ્તામાં ઉપલબ્ધ હોય તેવા સ્થળોને શોધી રહી છે, જેમાંનુ એક સ્થળ તેમને ભારત જણાયું છે.

આ હકીકતને ધ્યાનમાં રાખીને જ વૈશ્વિક ટેક કંપનીઓ તરફથી ભારતમાં જંગી રોકાણની જાહેરાતો ૨૦૨૫માં આવી પડી છે. આ જાહેરાતોને ધ્યાનમાં રાખતા આવનારા ૨૦૨૬ના વર્ષમાં દેશમાં એઆઈ ટેકનોલોજી વેપાર ક્ષેત્રે   કામકાજની પદ્ધતિમાં ધરમૂળથી બદલાવ લાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

જો કે  સસ્તા ડેટા સેન્ટરો હોય કે અન્ય સુવિધા ભારત હાલમાં આવી કોઈ ખાસ વિશિષ્ટતા ધરાવતું નથી. ચીપના ઉત્પાદનમાં પણ ભારત ટૂંક સમયમાં સુપરપાવર બનવાની શકયતા જોવાતી નથી. ડેટા સેન્ટરો ઊભા કરવા કેટલાક પ્રોજેકટસ જાહેર થયા છે ખરા પરંતુ ઊંચા ઊર્જા ખર્ચ તથા જમીનની અછતને જોતા આ ડેટા સેન્ટરોના કદ મર્યાદિત રહેશે. આમ છતાં ભારતને એઆઈ માટે વિશ્વના મોટા મથક તરીકે જોવાઈ રહ્યું છે. ટેકનોક્રેટસોની ભારત તરફની આ નજર ભારતમાં એઆઈના વિકાસ માટે આવશ્યક સુવિધાઓને કારણે નહીં પરંતુ વિશાળ લોકસંખ્યાને કારણે ભારત એઆઈનો એક મોટો વપરાશકાર દેશ બની રહેવાની ક્ષમતા ધરાવે છે, જેને વિકાસકો લાભ ઉઠાવવાની દિવસોદિવસ તકો શોધી રહ્યા છે.

કોમ્પ્યુટર હોય કે ઈન્ટરનેટ કે પછી મોબાઈલ ફોન હોય ટેકનોલોજીના વપરાશમાં ભારત હમેશા અગ્રસ્તરે રહ્યું છે. ભારત જેટલા ટેકનોલોજીના વપરાશકારો વિશ્વના બીજા કોઈ દેશમાં ભાગ્યેજ જોવા મળી રહ્યા છે. યુવા ભારતીયો ટેકનોલોજીનો ઝડપથી સ્વીકાર કરતો વર્ગ બની રહ્યો છે. એઆઈના વિકાસમાં ટેલિકોમ કંપનીઓ પણ જોડાઈ રહી છે અને પોતાની આવકમાં વધારો કરવાનો માર્ગ શોધી રહી છે. પોતાના સબસ્ક્રિપ્સન પ્લાનમાં ટેલિકોમ ઓપરેટરો ગ્રાહકોને વિવિધ પ્રોડકટસ પૂરા પાડતા થઈ જશે તે દિવસો હવે દૂર નથી. જો કે અન્ય પ્રોડકટસની સરખામણીએ એઆઈ સંચાલિત પ્રોડકટસ વેચવાનું ટેલિકોમ કંપનીઓ માટે સરળ નહીં હોય કારણ કે તેમાં મનોરંજન કરતા તકનિકી પાસા વધુ જોડાયેલા છે. 

ભારત હાલમાં નીચી સ્કિલ તથા ઓછી ઉત્પાદનક્ષમતા ધરાવતા કર્મચારીબળમાં અટવાયેલું છે. દેશમાં એઆઈનો વપરાશ હાલમાં ઝડપથી વધી રહ્યો છે પરંતુ તે ચોક્કસ ક્ષેત્રો પૂરતો મર્યાદિત છે. સરકારી થિંક ટેન્ક નીતિ આયોગે તાજેતરમાં જણાવ્યું હતું કે, એઆઈ ભારતના અસંગઠીત  કર્મચારીની ઉત્પાદન ક્ષમતા આગામી એક દાયકામાં પ્રતિ કલાક પાંચ ડોલર પરથી ત્રણ ગણી વધારી ૧૫ ડોલર પહોંચાડશે તેવી ધારણાં છે. એઆઈના વ્યાપક સ્વીકારથી ૨૦૩૫ સુધીમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ૫૦૦ અબજથી ૬૦૦ અબજ ડોલરની વચ્ચેનો ઉમેરો થઈ શકશે તેવી ગણતરી મૂકવામાં આવી છે. જો કે આ ધારણાં અતિશયોક્તિ ભરી હોવાનું કહી શકાય એમ છે. કારણ કે ભારતમાં લાખો યુવાઓને સ્કિલ પૂરી પાડી  તેમને રોજગાર લાયક બનાવવાના પ્રયાસોમાં સફળતા કરતા નિષ્ફળતા વધુ જોવા મળી છે. 

આ નિષ્ફળતા માટેનું કારણ ભાષા રહેલું છે. ભારતના યુવાનોને એઆઈ ટેકનોલોજીના ઝડપથી વપરાશકાર બનાવવા હશે તો તેઓ જે ભાષા સમજી શકે છે તે ભાષામાં તેમને સ્કિલિંગની સાથોસાથ તે જ ભાષાના એઆઈ મોડેલ્સ અને સોલ્યુશન્સ પૂરા પાડવાનું એઆઈના વિકાસકો માટે જરૂરી બની રહ્યું છે. 

તાજેતરમાં જ આવેલા એક સર્વે રિપોર્ટમાં સર્વેમાં ભાગ લેનારા મોટાભાગના વ્યવસાયીકોએ પોતાની કારકિર્દીમાં ટકી રહેવા અથવા પ્રગતિ કરવા એઆઈની જાણકારી હોવી  લગભગ ફરજિયાત બની ગયું છે. સર્વેમાં ભાગ લેનારામાંથી ૬૦ ટકાથી વધુ લોકોએ એઆઈની જાણકારી મહત્વની હોવાનો મત વ્યકત કર્યો હતો. રોજબરોજના કામકાજોમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. ૯૦ ટકા વ્યવસાયીકોએ એઆઈ બાબત વધુ માર્ગદર્શન અને ટેકાની જરૂરત હોવાનું જણાવ્યું હતું. દેશના રોજગાર ઈચ્છુકો તથા વ્યવસાયીકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી દેશમાં એઆઈ સોલ્યુશન્સ વિકસાવવામાં આવી રહ્યા છે પરંતુ તેની સામે અનેક પડકારો રહેલા છે જેને  નવા વર્ષમાં ગંભીરતાથી હાથ ધરવાના રહેશે. 

શિક્ષણ, આરોગ્ય તથા કૃષિ જેવા રાષ્ટ્રીય અગ્રતા તરીકે ઓળખી કઢાયેલા ક્ષેત્રોમાં એઆઈ પ્રેરિત પ્રોજેકટસ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર એમ બે હિસ્સામાં વહેચાયેલા ભારતમાં એઆઈના વપરાશકારોના સ્તર પણ અલગઅલગ છે. આમ વપરાશકારોના સ્તર પ્રમાણે એઆઈ સોલ્યુશન્સ ઊભા કરવાની કામગીરી પડકારરૂપ હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.  કૃષિ ક્ષેત્ર માટે એઆઈ સોલ્યુશન્સના વિકાસ માટે વ્યાપક ડેટાની આવશ્યકતા રહે છે, કારણ કે દેશની પચાસ ટકા જનસંખ્યા કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્ર  સાથે સંકળાયેલી છે ત્યારે તેમની આવશ્યકતા પણ અલગઅલગ રહે છે એટલું જ નહીં ભારતમાં અનેક ભાષાઓનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ભાષા પણ હાલમાં એક મોટી સમશ્યા જણાઈ રહી છે. અપેક્ષા રાખીએ કે વિદેશી ટેક કંપનીઓના ઈન્વેસ્ટમેન્ટને સાર્થક કરવા ૨૦૨૬માં એઆઈ ક્ષેત્રના વિકાસ સામે રહેલા અવરોધો દૂર થતા જણાશે.