Get The App

કર્મચારીઓના પેન્શનનું ફન્ડિંગ કોણે અને કેવી રીતે કરવું તે એક પેચીદો પ્રશ્ન છે

Updated: Sep 1st, 2024

GS TEAM

Google News
Google News
કર્મચારીઓના પેન્શનનું ફન્ડિંગ કોણે અને કેવી રીતે કરવું તે એક પેચીદો પ્રશ્ન છે 1 - image

- લોકસભાની ચૂંટણીના પરિણામોએ  પેન્શનના ગણિતોને પણ બદલવાની ફરજ પાડી

- ખાનગી ક્ષેત્રમાં રોજગાર ધરાવતા લાખો ભારતીયો નિવૃત્તિ બાદ પેન્શન મેળવતા નથી. ભારતના સંરક્ષણ દળમાં શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર્સને પણ પેન્શન મળતું નથી

- મોટાભાગના રાજ્યોએ  યુપીએસ પર કોઈ પ્રતિસાદ આપ્યો નથી. કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો યુપીએસ પર ચર્ચા કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનોએ સદર સ્કીમમાં કર્મચારીઓના યોગદાનનો વિરોધ કર્યો છે

કર્મચારીઓના પેન્શનનું ફન્ડિંગ કોણે અને કેવી રીતે કરવું તે એક પેચીદો પ્રશ્ન છે 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

કેન્દ્રમાં શાસન કરતા પક્ષ સહિતના રાજકીય પક્ષો અને મુખ્ય પ્રધાનો પેન્શનના મુદ્દે હાલમાં અવઢવની સ્થિતિમાં છે. ભારતના  ચોક્કસ વયના દરેક નાગરિકોને પેન્શન મળતું નથી. નાગરિકને પેન્શન પૂરું પાડી શકે તેવી દેશમાં કોઈ સામાજિક સલામતિ સ્કીમ નથી. ખાનગી ક્ષેત્રમાં રોજગાર ધરાવતા લાખો ભારતીયો નિવૃત્તિ બાદ પેન્શન મેળવતા નથી. ભારતના સંરક્ષણ દળમાં શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસર્સને પણ પેન્શન મળતું નથી. 

દલીલ સામે પેન્શનની જીત

જ્યારે આયુષ્ય ઓછા હતા ત્યારે પેન્શનનું ખાસ મહત્વ નહોતું.  થોડાઘણાને પેન્શન મળતા હતા પરંતુ નિવૃત્તિ બાદ ઓછા લોકો લાંબુ જીવતા હતા. ૧૯૪૭માં ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે,  સરેરાશ આયુષ્ય ૩૫ વર્ષથી નીચે હતું. આજે તે ૭૦ વર્ષથી સહેજ વધુ છે. માટે પેન્શનની જવાબદારી નિવૃત્તિ બાદ ૧૦થી ૧૨ વર્ષ સુધી રહે છે, જો કે ફેમિલી પેન્શનના કિસ્સામાં જીવનસાથીને ચાલુ રહે છે. માટે જ દરેક માલિકો પેન્શનનો વિરોધ કરે છે. બીજી બાજુ કર્મચારીઓની બાજુ મજબૂત છેઃ પેન્શન એ લાંબી અને વફાદાર સેવા બાદનો એક હક છે અથવા પેન્શન એ બાકી પડેલું વેતન છે અથવા પેન્શન નિવૃત્તિ બાદ સ્વમાનભેર જીવવાનો સહારો છે. 

સરકારી કર્મચારીઓના કિસ્સામાં, પેન્શનના અધિકારના દલીલની જીત થઈ છે અને તે ખરો ન્યાય છે. જે લોકોને પેન્શનના હક નથીતેવા વર્ગના લોકોની ચિંતા કરનારાને એક જ જવાબ છે અને તે એ છે કે તેમને પણ પેન્શનના હક મળવા જોઈએ. હકીકતમાં દરેક વર્ગના લોકો માટે એક સમાન પેન્શન સ્કીમ હોવી જોઈએ.

જેમ સરકારી કર્મચારી માટેના પેન્શન્સના મૂળિયા  ઊંડે ગયેલા છે  તેમ ખાતરીલાયક લઘુત્તમ પેન્શન્સનો કન્સેપ્ટ પણ  ઊંડો હતો. ખાતરીલાયક લઘુત્તમ પેન્શનમાં અંતિમ બેઝિક સેલેરીના પ૦ ટકા અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ હતો. 

બદલાતા ગણિતો

જ્યારે ૨૦૦૪માં જૂની પેન્શન સ્કીમ (ઓપીએસ)ના સ્થાને નવી પેન્શન સ્કીમ  (એનપીએસ) લાવવામાં આવી હતી ત્યારે તેનાથી પેન્શનના બે પાયા ખોરવાઈ ગયા હતા.   ફાળા વગરની નિશ્ચિત કરાયેલી લાભ યોજનાને નવી સ્કીમમાં  પડતી મૂકીને  તેને ફાળા સાથેની સ્કીમ બનાવી દેવાઈ હતી અને તેમાં લઘુત્તમ પેન્શનના કન્સેપ્ટને ચૂપકેથી સમેટી લેવાયો હતો. 

આની સામે વિરોધ શરૂ થયો  હતો પરંતુ તે વેળાના વડા પ્રધાન એ. બી. વાજપેયી અને તેમના અનુગામી ડો. મનમોહન સિંહ પણ દસ વર્ષ સુધી ઝૂકયા નહોતા. નરેન્દ્ર મોદી પણ દસ વર્ષ સુધી ઝૂકયા નહોતા પરંતુ  ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામોએ ગણિતોને સંપૂર્ણ બદલી નાખ્યા છે. 

૩ ઓગસ્ટ, ૨૦૨૨ની પીઆઈબીની યાદી પ્રમાણે કેન્દ્ર સરકારના કુલ પેન્શનરોની સંખ્યા ૬૯,૭૬,૨૪૦ હતી. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં પેન્શન્સ પાછળનો ખર્ચ રૂપિયા ૨,૪૩,૨૯૬ કરોડ  મુકાયો છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, માર્ચ, ૨૦૨૩ના નવી પેન્શન સ્કીમમાં કેન્દ્ર સરકારના ૨૩.૮૦ લાખ સભ્યો હતા અને રાજ્ય સરકારના સભ્યોની સંખ્યા ૬૦.૭૦ લાખ હતી.  ૨૦૨૪માં આ સંખ્યામાં વધઘટ હોઈ શકે છે. જો કે અમને અંદાજિત આંકડા ખબર છે. ભારતની લોકસંખ્યાના તે થોડાઘણાં છે. 

જૂની પેન્શન સ્કીમ જેવી જ ભંડોળ વગરની પેન્શન સ્કીમ દેશમાં નાણાંકીય અસ્થિરતા ઊભી કરશે.   કોઈકે તો સ્કીમને નાણાં પૂરા પાડવા રહ્યા. યા તો સરકાર અથવા તો કર્મચારી અથવા બન્નેએ યોગદાન આપવું રહ્યું. નવી પેન્શન સ્કીમમાં સરકાર (૧૪ ટકા) અને કર્મચારી (૧૦ ટકા) બન્ને યોગદાન આપતા હતા. ફન્ડિંંગ એક મજબૂત વ્યવસ્થા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી યુનિફાઈડ પેન્શન  સ્કીમ (યુપીએસ)માં સરકાર (૧૮.૫૦ ટકા) અને કર્મચારી (૧૦ ટકા) બન્નેનું યોગદાન નિશ્ચિત કરાયું છે. સેવામાં ઓછામાં ઓછા ૨૫ વર્ષ પૂરા કરનારા કર્મચારીને તેમની નિવૃત્તિ પૂર્વેના ૧૨ મહિનાના સરેરાશ બેઝિક પગારના ૫૦ ટકાનું લઘુતમ પેન્શન પૂરું પાડવાની યુપીએસમાં ખાતરી અપાઈ છે. ફુગાવા સામે એડજસ્ટ સાથે  મહિને ઓછામાં ઓછા રૂપિયા ૧૦,૦૦૦ના પેન્શનની ખાતરી અપાઈ છે. આની ફાઈન પ્રિન્ટ આવવાની બાકી છે.

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે, મોટાભાગના રાજ્યોએ  યુપીએસ પર કોઈ પ્રતિસાદ આપ્યો નથી. કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષો યુપીએસ પર ચર્ચા કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારના કેટલાક કર્મચારી સંગઠનોએ સદર સ્કીમમાં કર્મચારીઓના યોગદાનનો વિરોધ કર્યો છે. 

ફન્ડિંગ કોણે અને કેવી રીતે કરવું જોઈએ?

ફન્ડિંગ કોણે અને કેવી રીતે કરવું જોઈએ તે પ્રશ્ન સરકાર, રાજકીય પક્ષો તથા કર્મચારી સંગઠનો દરેક માટે પેચીદો છે. નાણાંકીય રીતે સ્પષ્ટ વાત  કરુ તો, યુપીએસ એકદમ નકારી શકાય એમ નથી, પરંતુ કેટલાક પ્રશ્નો વિચાર માગી લે છેઃ

૧. સરકાર તથા કર્મચારીઓના યોગદાન વચ્ચે હાલમાં જે ૮.૫૦ ટકાનો તફાવત છે તે ભવિષ્યમાં વધશે ખરા?

૨. યોગદાનના ૧૦+૧૦ ટકા માન્યતા પ્રાપ્ત પેન્શન ફન્ડ મેનેજરોને સોંપવાના છે ત્યારે ૮.૫૦ ટકાના યોગદાનનું ઈન્વેસ્ટમેન્ટ કરાશે કે કેમ અને હા તો, કોણ અને કયાં કરશે?

૩. પ્રથમ વર્ષ માટે રૂપિયા ૬૨૫૦ કરોડનું વધારાનું ફન્ડ ઓછું અંકાયેલું જણાય છે, શું તે સાચી વાત છે?

૪. કેબિનેટે યુપીએસને મંજુરી આપી તે પહેલા રાજ્ય સરકારો સાથે સલાહમસલત કરાઈ હતી ખરી? કર્મચારી સંગઠનોનો સાથ લેવાશે ખરા? 

આ અવઢવમાંથી હિસ્સેદારો કેવી રીતે માર્ગ કાઢે છે તે જોવાનું રહેશે.