આ અસલ ટ્વિટર છે, બીજે ક્યાંય છેતરાવું નહીં
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- આપણી દુકાનોમાં લાગતાં હતાં એવાં પાટિયાં મૂકવાનો મસ્કને કોઈ આઇડિયા આપો
'હેં લ્યા, આ થ્રેડનું શું નવું ડિંડવાણું છે ? 'ગગુભાઈએ તેમના ગગાને પૂછયું.
ગગો કન્ફ્યૂઝ થઈ ગયો. 'ડિઅર બાપા, વ્હોટ ઈઝ ડિંડવાણું?'
ગગુભાઈએ ગગાને ડિંડવાણું સમજાવવાની મહેનત કરવાન ેબદલે શોર્ટમાં પતાવ્યું. 'છોડ . તું એ કહે કે થ્રેડ એટલે શું છે?'
'ઓહ ડિઅર બાપા, થ્રેડ એટલે દોરો. બહુ સિમ્પલ છે.'
'તે ગગા, પહેલાં દોરીવાળા ફોન આવતા હતા એ પાછા ચાલુ થયા છે? આજે મને કોઈ કહેતું હતું કે મોબાઈલમાં નવું થ્રેડ આવ્યું છે.'
ગગાને હવે લાઈટ થઈ. 'બાપા, બાપા... મોબાઈલની લાઈનમાં એપલ એટલે સફરજન ન હોય. એ થ્રેડ એટલે એવું એક મોબાઈલ એપ છે. એમાં હાય હેલ્લો ને બધી પંચાત કરવાની.'
'આ તો પેલા ફેસબૂકની કોપી મારી?
'તમે રહેવા દો. ફેસબુક નહીં ટ્વિટરની કોપી મારી છે.'
'મને તો કાંઈ સમજાતું નથી.'
'તમારે સમજીને કરવું પણ છે શું? અત્યારે જે ટ્વિટરથી કંટાળ્યા છે ને ઈન્સ્ટાગ્રામ પર છે એ બધા થ્રેડ પર આવી ગયા. તમે તો ક્યાં કશે છો? '
'ઈન્સ્ટાગ્રામ એટલે વળી કેટલા ગ્રામે કિલો થાય? '
'બાપા , ઈન્સ્ટાગ્રામમાં પહેલાં લોકો ફોટા મૂકતા. હવે ઝાઝી બધી રીલ જ મૂકે છે. 'લ્યા, સમજ્યો. પહેલાં ઉતરાયણ વખતે તૈયાર રંગેલી ફિરકીઓ ન મળતી. ત્યારે હું તારા માટે દોરાની રીલ લાવતો. હવે રીલ અને થ્રેડનો તાળો મળ્યો.'
'ગ્રેટ બાપા, થ્રેડ બનાવવા વાળા ઝુકરબર્ગને પણ આ આઇડિયા નહીં હોય. એણે તો મસ્તીમાં જ થ્રેડ બનાવ્યું, કારણ કે પેલા મસ્કે ટ્વિટર પર નવા કાયદા લાવી બધી મસ્તી મારી નાખી હતી. પણ હવે બબાલ થઈ છે. મસ્ક એટલે દુનિયાનો સૌથી માલદાર વેપારી. એણે ઝુકરબર્ગને ધમકી આપી દીધી છે કે મારા ટ્વિટરની નકલ કરી છે એટલે કેસ ઠોકી દઈશ. '
ગગાભાઈ ખડખડટા હસતાં કહે, 'લ્યા, એ મસ્ક કોઈને કોઈ ધંધો કરીને જ માલદાર થયો હશેને. તો એને કહે કે ધંધામાં તો આવું બધું અસલ નકલ ચાલ્યા કરે છે.મસ્કને કહેજે કે અમદાવાદના દરેક એરિયામાં એક ખાસ નામની ચોળાફળી મળે. વડોદરામાં એક ખાસ નામની લીલા ચેવડા ને ભાખરવડીની દુકાનો ગામના ખૂણે ખૂણે છે. કચ્છમાં ખાવડા ગામમાં જેટલી વસતી છે તેના કરતાં આખા કચ્છમાં ખાવડા નામની પકવાનની ઝાઝી દુકાનો છે. અહીં આપણા દુકાનદારો આવા કેસ કરવા બેસે તો અસલી નકલી દુકાનો નક્કી કરવામાં માટે જ અલાયદી કોર્ટો નક્કી કરવી પડે .'
'બાપા, આ ટ્વિટર ને થ્રેડ બધા કાંઈ ખાવાના ખેલ નથી'
'લ્યા, અમદાવાદમાં ત્રણ દરવાજા એરિયામાં લેંઘા ઝભ્ભાની એક જ નામની લાઈનબંધ દુકાનો હતી. એના ગુમાસ્તા બૂમો પાડી પાડીને બોલાવતા કે ઓરિજનલ દુકાન આ છે, છેતરાવા બીજે જતા નહીં. તું મસ્કને મારા નામે મસ્ત આઇડિયા મોકલ કે એક આંટો અહીં મારી જાય. અમારી બીજે કશે બ્રાન્ચ નથી એવાં પાટિયામાંથી જેની ડિઝાઈન પસંદ પડે એ ડિઝાઈન વાપરે. અહીં કોઈ કેસ કરશે નહીં.'
ગગો બાપાની સામેથી લોગ આઉટ થઈ ગયો.
સ્માઈલ ટીપ
પોલિટિક્સમા પાર્ટી અસલી હોય કે નકલી, બેય દુકાને છેતરાવાનું તો છે જ!