ખાંડની શોધ ભારતમાં થઈ હતી
ખોરાકમાં ગળપણ માટે વિશ્વભરમાં ગોળ અને ખાંડનો ઉપયોગ થાય છે. આ બંને પદાર્થોની શોધ ભારતમાં થઈ હતી. અગાઉ લોકો મધ અને ફળોમાંથી ગળપણ મેળવતાં.
અંગ્રેજીમાં ખાંડને શુગર કહે છે તે સંસ્કૃત શર્કરા ઉપરથી ઉતરી આવ્યો છે. ખાંડ એ પાણીમાં ઓગળતું કાર્બોહાઈડ્રેટ છે. આપણા રોજીંદા વપરાશમાં લેવાતી ખાંડ વિજ્ઞાાનની દૃષ્ટિએ સુક્રોઝ છે. તે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ડિસેકેરાઈડ સ્વરૂપ છે. ખાંડ શેરડી અને શુગરબીંટ એમ બંનેમાંથી બને છે. ગોળ શેરડી ઉપરાંત તાડીમાંથી બને છે.
દરેક વનસ્પતિમાં થોડા ઘણા અંશે શુગર હોય છે. શેરડી અને શુગરબીટમાં તેનું પ્રમાણ ખાંડ બનાવી શકાય તેટલું હોય છે. ભારતમાં ખાંડ કે સાકર પ્રાચીનકાળથી બને છે. પાંચમી સદીમાં ભારતમાં સાકર બનતી તે સ્ફટિક કે ગાંગડા સ્વરૂપે હતી તેને શર્કરા કે ખંડ કહેતાં. જે રીતે શર્કરા ઉપરથી શુગર શબ્દ બન્યો તે જ રીતે ખાંડ ઉપરથી અંગ્રેજી કેન્ડી શબ્દ બન્યો છે. આરબ દેશોમાં પણ ખાંડ બનતી પણ ભારતની સાકર વિશ્વભરમાં સારી ગણાતી યુરોપમાં ખાંડનો ઉપયોગ માત્ર દવા તરીકે થતો.
ભારત સિવાયના દેશોમાં સાકર વૈભવી ખાદ્ય ગણાતું. છઠ્ઠી સદીમાં ભારતમાં સફેદ ગાંગડા સ્વરૂપે રિફાઈન્ડ સાકર બનાવવાનો ઉદ્યોગ વિકસેલો. બારમી સદીમાં તે યુરોપ સહિત વિદેશોમાં પહોંચી હતી. કેમિસ્ટ્રીની દૃષ્ટિએ સુક્રોઝ, ગ્લુકોઝ, ફૂકટોઝ જેવા મોનોસેકેરાઈડઝ કાર્બોહાઈડ્રેડ છે જેને 'સિમ્પલ શુગર' કહે છે. તે લોહીમાં સીધી ભળે છે. અન્ય વનસ્પતિજ આહારમાંથી પણ શુગર મળે છે તેને કોમ્પલેક્ષ શુગર કહે છે. આજે સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતાં દેશોમાં બ્રાઝિલ, ભારત અને ઓસ્ટ્રેલિયા છે.