Get The App

સેવ-વોટર... સેવ-વોટર

Updated: Jun 8th, 2022

GS TEAM


Google News
Google News
સેવ-વોટર... સેવ-વોટર 1 - image

- બખડજંતર નટખટ : નાગર

સામાન્ય દિવસોમાં  વધતી જાય મોંઘવારી અને ચૂંટણી નજીક આવે  એટલે દેખાવા માંડે  સોંઘવારી

'લાભુ, ઉનાળો  આવે એટલે આ  સેવ-વોટર... સેવ-વોટરની  બૂમરાણ  કેમ મચાવવામાં  આવે છે?'

'ઉનાળામાં  સેવ-વોટર એટલે પાણી  બચાવો  એની બૂમરાણ  મચાવવામાં  આવે છે, પણ ગુજરાતમાં  ચૂંટણી  આવે છે  એટલે સેવ-વોટરની બૂમરાણ સંભળાવા  માંડી છે.'

'લાભુ, ગુજરાતમાં  સેવ-વોટરની  બૂમરાણ સંભળાય છે  તો ચૂંટણી  સાથે એનો શુંં સંબંધ?'

'અરે સેવ-વોટર એટલે મતદાર બચાવો. અત્યાર  સુધી પોતાની પાર્ટીને મતદાન  કરતા  વોટરો બીજે  ચાલ્યા ન જાય  માટે સેવ-વોટર... સેવ-વોટર એવાં નારા  લગાવવામાં આવે છે.'

'લાભુ, અત્યાર સુધી  સેવ-પુરી, સેવ-ઉસળ, સેવ-ખમણ વગેરે  વગેરે વાનગીના  નામ સાંભળ્યા  હતા, પણ  આ સેવ-વોટર તો ચૂંટણી નજીક  આવે છે  એટલે સંભળાવા  માંડયું છે, બરાબર?'

'વોટરનો  અર્થ પાણી પણ થાય  અને મતદાર પણ  થાય.  એટલે જ  દરેક ચૂંટણી  વખતે હું  કહું છું કેઃ  જો વોટર દેખાડે  વોટર તો  ભલભલા ઉમેદવારોનું  મપાઈ જાય વોટર.'

'વાહ... વાહ ક્યા બાત  હૈ.લાભુ તે ખરી  વોટરદાર (પાણીદાર) વાત કહી  નાખી.'

'અરે ભાઈ, હજી સાંભળ તો ખરો  ? હજી ચૂંટણી  વધુ નજીક  આવવા દે પછી  જોજે  રસ્તામાં કૈંક નબળા, સબળા, અબળા  કેન્ડીડેટ  સામા ભટકાશે,  હાથ જોડીને  કહેશે,  આપનો   અમૂલ્ય વોટ મને આપજો. ભાઈ મારા, આજે  લોકતંત્રના  ખેલમાં  તારા-મારા  જેવા વોટરના  વોટનું  કોઈ મૂલ્ય જ નથી રહ્યું એટલે વોટ  અ-મૂલ્ય જ કહેવાયને?'

'લાભુ,  ચૂંટણી નજીક આવે ત્યારે  નેતાઓ  વચનની વર્ષા  કરતા હોય  છે, અને  જીત્યા પછી   કેટલાય એવાં હોય છે જે વચન ભૂલી જાય છે. એવું કેમ?'

'જીતવા  માટે  આવાં નેતાઓ  બહુ-વચનમાં  બોલે છે  અને જીત્યા પછી  એક-વચન પણ પાળતા નથી. એટલે   જ હું  વતનપરસ્તોને કહું છું કે  આવાં વચન-પરસ્તોથી ચેતતા  રહેજો.  બને તો  આ ગાણાની ચાર લીટી  ગોખી લેજોઃ

'વચન' પે જો ફિદા હોગા

હૈરાન વો નૌજવાં  હોગા

રહેગી  જબ તલક દુનિયા

યે અફસાના બયાં હોગા.'

'લાભુ, ચુનાવી  રમત કેવી  છે?  સામાન્ય દિવસોમાં  વધતી જાય મોંઘવારી અને ચૂંટણી નજીક આવે  એટલે દેખાવા માંડે  સોંઘવારી. આ કેવી ચાલ કહેવાય?'

'ચૂંટણીની  ચાલ પર  આ જોડકણું કે તોડકણું  સાંભળઃ

ચૂંટણીની ચાલ પર 

જાઉં વારી વારી

આમ કોઈ ભાવ ન પૂછે વોટરનો

મારી નાખે મોંઘવારી

જ્યારે શરૂ થાય સત્તાની દોડ

ત્યારે સોંઘવારી... સોંઘવારી.'

'લાભુ, હું તારી  પાણીદાર  શબ્દ-રમત પર જાઉં વારિ... વારિ...'

'તને  ખબર છે?  વારિનો અર્થ પણ થાય પાણી, પાણીને અંગ્રેજીમાં કહેવાય વોટર અને મતદારને  પણ કહેવાય વોટર. મોંઘવારી  અને સોંઘવારીના ચડે  અને ઉતરે  વારિ... જ્યારે  ઢૂંકડી  આવે ચૂંટણીની સવારી.'

'લાભુ તું વોટરને બીજી શું શિખામણ આપીશ?'

'હું કહીશ કે-

વોટ એક કો દો, 

મગર નેક કો દો,

ફેક કો 'મત' દો, 

ફેક કો ફેંક-દો.'

'લાભુ, ડેમોક્રેસીમાં  તો આવાં  ખેલ ચાલતા જ  રહે છેને?'

'એટલે જ ડેમોક્રેસી શબ્દનું  પોસ્ટમોર્ટમ હિન્દીમાં શું  કરવામાં આવ્યું છે ખબર છે? દે-મોહે-કુર્સી.'

તારા પછી મારો વારો... લીડરો કરતા રહે લ-વારો

'લાભુ, આપણાં દેશમાં  લીડરોની  જે લવારાબાજી  ચાલે છે  એવી બીજા  કોઈ દેશમાં નહીં ચાલતી હોય, બરાબર કે નહીં?'

'એટલે જ  મારે કહેવું પડે  છે કે  માંડ એક  બોલતો થાય  ત્યાં બીજો  બોલવા માંડે.  રાજકારણની  આઈપીએલ (ઈન્ડિયન પોલિટિશિયન  લીગ)માં બોલ બોલ કરતા 'બોલરો'નો જ દબદબો છેને? '

'લાભુ, બહુ ઓછા લીડરોની  વાણીમાં  પાણી હોય છે, બાકીના  લીડરોની  વાણી જ  પાણીમાં જાય છે.'

'લીડરોના  ભાષણથી  પ્રજાનું પેટ થોડું જ ભરાય? 'રોટી, કપડાં ઔર મકાન' ફિલ્મનો  ડાયલોગ યાદ આવે  છેઃ યહાં  રાશન  પે ભાષણ મિલતા  હૈ પર  ભાષણ પે રાશન નહીં મિલતા.'

'લાભુ, પ્રાચીન ગ્રીસમાં  એવો રિવાજ  હતો કે  નેતા ભાષણ કરવા  માટે ઊભો  થાય ત્યારે  તેણે લાકડીને ટેકે એક પગેઊભા  રહી ભાષણ કરવું પડતું.   એટલે  ઝાઝીવાર   ઊભો રહીને  ભાષણ ન કરી શકે, જે કહેવાનું  હોય એ જલ્દી  બોલીને બેસી જાય.'

'અત્યારે  મુશ્કેલી  એ થઈ છે કે લીડરો  પ્રાચીન  ગ્રીસની  જેમ લાકડીને ટેકે ઊભા  રહેવાને બદલે માઈકના   ટેકે ઊભા રહીને  ભાષણ  ફફડાવતા  રહે છે.  અધવચ્ચેથી કોઈ  શ્રોતા  ઊભો  થવા જાય તો પક્ષના  કાર્યકરો  લાકડીની ધાક દેખાડી  બેસાડી દે છે.'

'લાભુ, મોટા મોટા  લીડરોની  ચૂંટણી  સભા હોય ત્યારે તે  જોયું હશે  કે લીડર મંચ  ઉપર ચડે એ  પહેલા બોમ્બ  સ્કવોડના  શ્વાન મંચ  પર ચડી  જાય છે અને  ખૂણેખૂણો  સૂંઘે  છે. અરે, માઈક સુદ્ધાં   સૂંઘે  છે. આવું કેમ?'

'જોયું ને?  બેમાંથી  પહેલું કોણ  ચડે? એ શ્વાન  માઈક સૂંઘવાની  સાથે સાથે  વફાદારીની   ફૂંક  પણ મારે  છે, કદાચ  લીડરમાં  વફાદારીના ગુણ આવે તો?'

'લાભુ, તને લીડર બની ભાષણ ઠોકવાનું  મન નથી થતું?'

'હે ભગવાન, આજે  કેટલાય એવાં  લીડર  ફૂટી નીકળ્યા છે   જેને  જોઈને ડર લાગે.  આમ જેને જોઈને  ડર લાગે  એવાં લી-ડરની મંડળીમાં  એકનો વધારો  કોણ  કરે?'

'લાભુ, મને કહે તો ખરો કે  તારે ભલે લીડર  નથી બનવું,  તો પછી તું  શું  બનવા માગે છે?'

'બનવા  માગે છે  એમ નહીં, પણ  બની ગયો છું બિલ્ડર... બિલ્ડર...'

'શું વાત  કરે છે? તું  બિલ્ડર બની ગયો છે?'

'હું એકલો બિલ્ડર નથી  બન્યો,  આ મોંઘવારીના પ્રતાપે  દરેક  દેશવાસી બિલ્ડર બની ગયા છે બિલ્ડર.'

'બધા  બિલ્ડર કેવી રીતે  બની ગયા  એ કહે તો  ખરો? મોંઘવારી અને બિલ્ડરને  શું સંબંધ?'

'જો  ધ્યાનથી સાંભળ. વધતી  મોંઘવારીમાં   બે છેડા ભેગા  કરવાની  મુશ્કેલી હોય ત્યારે  મહિનો પૂરો થાય અને  મોટા મોટા   બિલ આવવા માંડે. અનાજ  કરિયાણાનું  બિલ આવે,  વીજળીનું  બિલ  આવે, સોસાયટીના  મેન્ટેનન્સનું બિલ આવે  અને દૂધનું બિલ આવે  એ બધા બિલ  જોઈને મનમાં  ફફડાટ  થાય અને  ડર પેસી જાય.  એટલે  જેને બિલનો  ડર લાગે ઈ બિલ્ડર.'

'સાચી વાત કરી,  રાશન પે  ભાષણ મિલતા હૈ, પર ભાષણ પે રાશન નહીં મિલતા.'

'ભાષણ કરીને પ્રજાને બોર કરે  એવો બોરિંગ લીડરને  અંગ્રેજી  અને ગુજરાતીની  ભેળસેળવાળી  ગુજરેજી  ભાષામાં શું કહેવાય ખબર છે? બોર-વેલ.'

'વાહ લાભુ, બોર-વેલ સરસ  નામ આપ્યું. બોલે  એના બોર વેંચાય, પણ બહુ બોલે  એનાથી  સહુ બોર થાય.'

'બંગાળીમાં  'વ'નો  ઉચ્ચાર 'બ' થાય છે, ખબર છેને?   ચૂંટણી સભાને   સંબોધવા  કોઈ વક્તા  આવે ત્યારે  બંગાળી બાબુ  કહેતા હોય છેઃ  યે બક્તા હૈ... બક્તા હૈ'

'લાભુ, અત્યારે દેશમાં બહુ  ઓછા એવાં  લીડર હશે જેનું  ભાષણ સાંભળવાનું   ખરેખર ગમે. બાકી તો  બધા  બક... બક  કરતા   બકતા જ હોય છેને?'

'હા વળી,  સ્કૂલમાં  વિજ્ઞાાનના  વિષયમાં  બકનળીનો  પ્રયોગ  જોતા,  અત્યારે  લીડરો   બક-બક  નળીનો પ્રયોગ કરે છે.'

'લાભુ, તે કોઈનું  મજેદાર  ભાષણ સાંભળ્યું  હોય એ યાદ છે?'

'દાયકાઓ પહેલાં કચ્છમાં  એક નેતા  હતા. ચૂંટણી  વખતે  એમને ખાસ ભાષણ ફફડાવવા માટે  બોલાવતા. રમૂજ  અને  ટુચકાથી  ભરપૂર ભાષણ સાંભળવા  ભીડ  જામતી.'

'લાભુ, એ ભાષણમાં   શું  કહેતા?'

'એક વાર  મોટા મોટા  લીડરો મંચ  પર બેઠા  પછી કચ્છના  આ બોલકા  નેતા ભાષણ  કરવા માઈક સામે આવ્યા. એમણે શરૂઆતમાં જ ધડાકો કર્યો કે  આ પક્ષ-પ્રમુખની  મા...ને,  જિલ્લા પ્રમુખની મા...ને, મહામંત્રીની  મા...ને... આ  સાંભળી  સહુ સ્તબ્ધ  થઈ ગયા એટલે એમણે  આગળ  ચલાવ્યું  કે જનતા  આ બધાની  (વાત)  માને પણ મારા જેવાં  સાચા  માણસની  વાત ન માને એટલે છેવટે હેરાન  થાય. આ સાંભળી  સભામાં તાળીઓનો ગડગડાટ થયો.'

'વાહ લાભુ, ગજબની  શબ્દ-રમત કહેવાય, હો? બાકી તો  આજકાલના  લીડરો  રાજ-રમતમાંથી  ઊંચા નથી  આવતા પછી  એવાના ભાષણ કોણ  સાંભળે?'

ફન કી બાત

જીસે દેખ કે જનતા

અપના વિશ્વાસ ખોતી હૈ

અય લીડર દેખ

કિતની દાગદાર તેરી ધોતી હૈ.

Tags :