- રિઝર્વ બેંકના રૂપિયાને સ્થિર કરવા માટે તમામ પ્રયાસો
- અર્થશાસ્ત્રીઓએ સંકેત આપ્યો છે કે આગામી ત્રિમાસિક ગાળો ભારતીય અર્થતંત્ર માટે સરળ નહીં હોય
ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની ગરમી હવે ભારતીય બજારો અને સામાન્ય માણસના ખિસ્સા સુધી પહોંચી રહી છે. ગત સપ્તાહે, ભારતીય રૂપિયો ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાં પહોંચ્યો,તે જેમાં ૯૫.૪૪ રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરે ઉતરી આવ્યો હતો. આ ઘટાડો માત્ર આર્થિક આંકડો નથી, પરંતુ દેશના અર્થતંત્ર માટે એક મોટી ચેતવણી છે. વિશ્વભરના બજારો ધૂ્રજી રહ્યા છે, અને દરેકની નજર આ ઘટાડો ક્યાં અટકશે તેના પર ટકેલી છે. યુદ્ધ ચાલુ થયું ત્યારથી રૂપિયો સતત ઘટી રહ્યો છે, નિષ્ણાતોના મતે રૂપિયો હજુ વધુ ઘટી શકે છે.
રૂપિયાની આ ઐતિહાસિક નબળાઈ પાછળનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પરિબળ હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણને લઈને યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષ છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુદ્ધે આ માર્ગ દ્વારા પુરવઠો ખોરવી નાખ્યો છે, જેના કારણે કાચા તેલના ભાવ તાજેતરમાં પ્રતિ બેરલ ૧૨૫ ડોલરથી વધુ થયા બાદ હાલ અથડાઈ ગયા છે.
રિસર્ચ એનાલિસ્ટોના મતે હોર્મુઝ કટોકટી કાચા તેલના ભાવ નક્કી કરતું સૌથી મોટું પરિબળ છે. મોંઘુ ક્રૂડ તેલ ભારતને ભારે અસર કરી રહ્યું છે. યુદ્ધ પહેલા ભારત તેલની આયાત પર દર મહિને આશરે ૧૦-૧૧ બિલિયન ડોલર ખર્ચતું હતું, પરંતુ હવે આ ખર્ચમાં ૭૦-૮૦%નો વધારો થયો છે. સરળ શબ્દોમાં કહીએ તો, ક્રૂડ તેલનું પ્રમાણ એ જ રહે છે, પરંતુ હવે તેને ખરીદવા માટે વધુ ડોલર ખર્ચવામાં આવી રહ્યા છે. જ્યારે વધુ ડોલર દેશમાંથી નીકળી જાય છે, ત્યારે રૂપિયો નબળો પડવાનું શરૂ થાય છે.
રૂપિયાના નબળા પડવાનું બીજું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) ની ચિંતા છે. જ્યારે વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધ અથવા અનિશ્ચિતતા ફાટી નીકળે છે, ત્યારે આ રોકાણકારો જોખમ લેવાનું ટાળે છે અને ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમનું ભંડોળ પાછું ખેંચી લે છે. અને તેમના રોકાણોને સોના અથવા યુએસ ડોલર જેવા સુરક્ષિત માર્ગો તરફ ખસેડે છે, જ્યાં તેઓ અનિશ્ચિતતાના સમયમાં ઓછું જોખમ અનુભવે છે.
યુદ્ધ શરૂ થયુ ત્યારથી, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે ૨૧ બિલિયન ડોલર અથવા આશરે રૂ. ૧.૮ લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. માર્ચ અને એપ્રિલમાં જ આશરે ૧૯ બિલિયન ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જ્યારે આટલી મોટી રકમ દેશમાંથી નીકળી જાય છે, ત્યારે બજારમાં ડોલરની અછત અનુભવાવા લાગે છે, અને રૂપિયો નબળો પડતો રહે છે. આ જ કારણ છે કે ડોલર ઇન્ડેક્સ ૯૮.૨૬ પર પહોંચી ગયો છે, જે યુએસ ચલણની મજબૂતાઈ દર્શાવે છે.
ભારતીય રિઝર્વ બેંક આ મુશ્કેલ સમયમાં રૂપિયાને સ્થિર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. ગત મંગળવારે, જ્યારે રૂપિયો ૯૫.૪૩ પર પહોંચ્યો, ત્યારે જાહેર ક્ષેત્રની બેંકોએ રિઝર્વ બેંકના નિર્દેશનમાં બજારમાં મોટી માત્રામાં ડોલર વેચ્યા હતા. સ્પષ્ટ ઉદ્દેશ્ય રૂપિયાને ૯૫.૫૦ ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે ઉતરતા અટકાવવાનો હતો.
જોકે, રૂપિયાને સ્થિર કરવાના આ પ્રયાસથી દેશના વિદેશી વિનિમય ભંડાર પર પણ અસર પડી રહી છે, જે ઝડપથી ઘટી રહ્યું છે. ભારતનો વિદેશી વિનિમય ભંડાર ૭૨૮.૫ બિલિયન ડોલરના તેમના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી ઘટીને લગભગ ૬૯૮ બિલિયન ડોલર થઈ ગયો છે.
એક અહેવાલ મુજબ, ડોલરની સતત વધતી માંગ રૂપિયા પર દબાણ ચાલુ રાખશે. તેમનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં રૂપિયો ૯૫.૭૦ સુધી પહોંચી શકે છે. હાલમાં, ભારતીય રિઝર્વ બેંક રૂપિયાને મોટા ઘટાડાથી રોકી શકતી મુખ્ય શક્તિ છે, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકી હોત.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રૂપિયામાં આ ઘટાડો ક્યારે બંધ થશે? નિષ્ણાતો માને છે કે રૂપિયાનું ભવિષ્ય સંપૂર્ણપણે પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)ની પરિસ્થિતિ પર નિર્ભર છે. જો હોર્મુઝથી તેલ પુરવઠો ખોરવાશે, તો ક્ડ તેલ ૧૨૫-૧૩૦ ડોલર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, એક ડોલરની કિંમત ૯૭.૦૦ થી ૯૭.૫૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તણાવ ઓછો થાય અને પરિસ્થિતિ સામાન્ય થાય અને ક્રૂડ ઓઇલના ભાવ ૧૦૦ ડોલરથી નીચે આવે તો જ રૂપિયો મજબૂત થવાની અપેક્ષા રાખી શકાય છે. અર્થશાસ્ત્રીઓએ સંકેત આપ્યો છે કે આગામી ત્રિમાસિક ગાળો ભારતીય અર્થતંત્ર માટે સરળ નહીં હોય અને તે અસ્થિર રહી શકે છે.


