પડે છે ત્યારે સઘળું પડે છે : જીવનચક્ર અજાયબ છે
- ભારતીય અર્થતંત્રની હાલત પડયા પર પાટુ જેવી છે
જીવનચક્ર અજાયબ છે. ભારતીય અર્થતંત્રને તો તકલીફ છે જ અને હતી પરંતુ દુનિયાના સુખી દેશોને હવે એ સંકટનો અનુભવ થઈ રહ્યો છે. ધમધોકાર ચાલતા બિઝનેસને તાળા વાગ્યા છે. જેણે સંકટમાં જિંદગીના રૂપ એકવાર પણ જોયેલા છે એમને માટે આ દિવસો કંઈક પણ સહ્ય રહેશે પરંતુ જેમણે કદી દુ:ખનો અનુભવ જ લીધો નથી એવા અમેરિકા અને યુરોપના લાખો લોકો માટે અકલ્પિત કોરોનાકાણ્ડ મુંઝવણ લઈને આવ્યો છે. રસોડાની ડિમાન્ડ સિવાયની કોઈ ડિમાન્ડ રહી નથી. લોકડાઉન ખુલશે એમ ધીરે ધીરે ડિમાન્ડનો બજારમાં ઉદય થશે, જાણે ઉગતા સૂરજના નવા કિરણો. એ આપણી આ હજુય ચાલતી લાંબી રાત જેવી શૂન્યતા પછીનું નૂતન પ્રભાત હશે જેની પ્રતીક્ષા હવે આબાલવૃદ્ધ સહુ કરી રહ્યા છે. આરોગ્ય સલામતી એક પૂર્ણકાલીન સભાનતા તરીકે પ્રજામાં વિકસી રહી છે અને એ જ હવે તો દુનિયાના સર્વ મનુષ્યનો પ્રાણાધાર છે.
ભારતીય અર્થતંત્રની હાલત પડયા પર પાટુ જેવી છે. અને દુનિયાના બીજા દેશો તો ભાગ્યું તોય ભરૂચ જેવા છે. ન સમજાતી જૂની ઉક્તિ હવે સહુને સમજાય છે કે પડે છે ત્યારે સઘળું પડે છે. ઈંગ્લિશમાં પણ જૂની કહેવત છે કે ટ્રબલ કમ્સ ઈન બટાલિયન. આપત્તિઓ સામટી આવે છે, એકલ-દોકલ નહિ. જિર્ણશિર્ણ થયેલી આર્થિક વ્યવસ્થાના કોરોનાકાળમાં હાંજા ગગડી ગયા છે. જે ક્ષેત્રો મંદીના મોજામાં અથડાતા હતા એ ક્ષેત્રો તો જાણે બંધ જ થઈ ગયા છે. જેમ કે ઓટો સેકટર. દેશના વાર્ષિક ઘરેલુ ઉત્પાદનમાં ઓટોમોબાઇલ સેક્ટરનો મોટો ફાળો છે. લોકડાઉન શરૂ થયું એની પહેલા મહિનાઓ સુધી ટુ વ્હિલર અને ફોર વ્હિલરના ખરીદ વેચાણમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. સરકાર તરફી દલીલબાજોએ તેમની ફરજ અને પરંપરા મુજબ ઉત્પાદનથી માંડીને નવા નિયમો સહિત ઘણા પરિબળોને ઓટો સેક્ટરની મંદી માટે કારણભૂત ગણાવ્યા હતા.
પરંતુ સેકન્ડ હેન્ડ વાહનોનું ખરીદ-વેચાણ પણ તળિયે બેસી ગયું હતું, જેનો કોઈ ખુલાસો મળતો ન હતો. આ બધું વગર કોરોનાએ જ હતું. ત્યારે કોઈ મહામારી ન હતી પણ મંદી મહાભારી હતી. ઓટોમોબાઇલ સેક્ટર જેવી જ હાલત રિયલ એસ્ટેટની હતી. નોટબંધી અને રેરાના કાયદાએ બાંધકામ ક્ષેત્રમાં આવતા ભરપુર રોકાણને આંચકા સાથે બ્રેક લગાવી. લોકડાઉન પછી આ બંને ક્ષેત્રો સાવ ઠપ્પ થઈ ગયા છે. લોકડાઉન ખુલે કે કોરોનાની રસી શોધાઈ જાય પછી પણ લોકો કેટલા સમય સુધી નવી પ્રોપર્ટી કે નવા ચકચકિત વાહનો ખરીદવા માટે વિચારશે તે કાબેલ અર્થશાસ્ત્રીઓ પણ કહી શકતા નથી. આ તો બે જ ક્ષેત્રની ઉદાહરણરૂપ વાત કરી. દેશના વિશાળ ચિત્રને નજર સામે લાવીને જોઈએ તો ભાવિ બહુ ચિંતાજનક દેખાય છે. અર્થશાસ્ત્રનો સાદો નિયમ એવું કહે છે કે તંત્રમાંથી બધા જ ધનવાન અમીરો અદ્રશ્ય થઈ જાય કે તેની સંપત્તિ સરખે ભાગે વહેંચી દેવામાં આવે તો અર્થતંત્રને ખાસ કંઈ નુકસાન નથી થતું.
પરંતુ પિરામિડના પાયામાં રહેલો કામદાર વર્ગ જો ન રહ્યો તો અર્થતંત્ર પત્તાના મહેલમાં પરિવર્તિત થઈ જાય અને પવનની એક નાનીશી લહેરખી પણ તેને કડડભૂસ કરી નાખે. કામદાર વર્ગ તો એના ઘર ભણી ઉચાળા ભરી ગયો છે, અગર તો તેણે ભરવા પડયા છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના આંકડાઓ કહે છે કે દુનિયામાં ૩૩૦ કરોડ લોકો લેબર અર્થાત મજૂરી સાથે જોડાયા છે અને કોરોનાએ આ બધા જ લોકોની જિંદગીમાં નકારાત્મક પરિવર્તન આણ્યું છે. આમાંથી અડધા ઉપરાંત લોકો પાસે અત્યારે કોઈ જ નોકરી કે કમાણીનું સાધન નથી. બીજા પ્રાંતના કામદારો ખૂબ જ કષ્ટ વેઠીને ઘરે પરત ફર્યા. ભારતમાં આઝાદીના સમયમાં થઈ હતી એના પછીની આ સૌથી મોટી હિજરત છે. તેમાંથી અડધા ઉપરાંતના કામદારોની પાછા આવવાની શકયતા નહિવત છે. આવા સંજોગોમાં લોકડાઉન ખુલે તો પણ ઉત્પાદન ક્ષેત્રના ચક્રો બહુ મંથર ગતિએ ચાલશે જેને કારણે ભારતીય અર્થતંત્ર સુષુપ્ત જ રહેશે.
સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર, એમ બે ક્ષેત્રોમાં માનવ સંસાધનો વહેંચાયેલા હોય છે. કોરોનાએ લોકોના ફેફસા ઉપરાંત આ અસંગઠિત ક્ષેત્ર ઉપર તરાપ મારી છે. દેશનો મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગ સીધી યા આડકતરી રીતે અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. સંગઠિત ક્ષેત્રના ઉદ્યોગોને સરકારી સબસીડી કે બીજા સરકારી લાભ મળતા હોય છે, પરંતુ તેની અધારશીલા પણ અસંગઠિત ક્ષેત્ર જ છે. સાયકલના શો-રૂમ સાથે પંક્ચર ઢાંકવા દ્વારા રિપેર કરવાવાળા પણ જોઈએ જ. આ બંને ક્ષેત્રોમાં મંદી હતી અને કોરોના વાયરસે બંનેનો તાલમેલ વીંખી નાખ્યો છે. લોકડાઉનને કારણે લોકોની ખરીદશક્તિ ઉપર પણ કાપ આવ્યો છે. સો રૂપિયા ખર્ચતો ભારતીય નાગરિક ચાલીસથી સાઠ રૂપિયા ખર્ચતો થઈ ગયો છે. વાતાવરણમાં ગરમી વધતી જાય છે પરંતુ દેશનું ભાવિ અને અર્થતંત્ર ઘણા સમય સુધી ઠંડકમાં જ રહેવાનું છે. એમાં ઉષ્મા આવતા વાર લાગે એનો અર્થ એ નથી કે સવાર નહિ પડે. ભારતીય પ્રજા તો દસ વાર પડી છે, પણ અગિયાર વાર ઊભી થઈ છે. ઇતિહાસ એની મજબૂત સાક્ષી આપે છે. આ વખતના પતન પછી પણ પ્રજા માટે બેઠા થવાનું નિશ્ચિત છે, ભલે એની અવધિ જરાક લાંબી હોય.