Get The App

ભારત-પાકિસ્તાન સંઘર્ષઃ ટ્રમ્પ નમે એવા નથી, તેઓ મુંઝવનારા નિવેદનો કરતા રહેશે

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-પાકિસ્તાન સંઘર્ષઃ ટ્રમ્પ નમે એવા નથી, તેઓ મુંઝવનારા નિવેદનો કરતા રહેશે 1 - image


- યુદ્ધવિરામને લઈને અમેરિકાની દરમિયાનગીરી અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે

- આપણે આપણા લશકરી દળ પર વિશ્વાસ રાખવો રહ્યો અને સરકાર દ્વારા પાકિસ્તાનની સામે જે કંઈપણ સખત પગલાં લેવામાં આવે તેને ટેકો આપવો રહ્યો. પરંતુ સરકારને પ્રશ્નો પુછાતા રહેશે

ભારત-પાકિસ્તાન સંઘર્ષઃ ટ્રમ્પ નમે એવા નથી, તેઓ મુંઝવનારા નિવેદનો કરતા રહેશે 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

મને ખાતરી છે કે, તમને તમારા જીવનના એવા અનેક પ્રસંગો યાદ હશે જેમાં કોઈ વ્યક્તિને તમે ચાલી જવાનું  કહ્યું હશે અને તમને એકલા મૂકી દેવાનું પસંદ કર્યું હશે, પરંતુ સદર વ્યક્તિએ તમારી વાત માની નહીં હોય અને તમને વળગી રહ્યા હશે. મને એવું લાગે છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અદ્રષ્ય થઈ જાય તેવું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છતા હશે પરંતુ ટ્રમ્પ તેમની આ ઈચ્છા પૂરી નહીં કરે.

૨૨ એપ્રિલ, ૨૦૨૫ના પહલગામમાં  ત્રાસવાદી હુમલા બાદ શરૂ થયેલા ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં અમેરિકા એક હિસ્સેદાર હોવાનું ટ્રમ્પ માની રહ્યા હોવાનું જણાય રહ્યું છે. જ્યારે જ્યારે પણ તેઓ બોલે છે અથવા લખે છે ત્યારે ત્યારે તેઓ એ સ્પષ્ટ કરે છે કે તેઓ હિસ્સેદાર છે. શ્રી. મોદીએ અત્યારસુધી ચૂપકિદી સેવી છે. મને શંકા છે કે, શ્રી. મોદી મુંઝવણમાં છે અને અબકી બાર, ટ્રમ્પ સરકાર (હાઉસ્ટન, સપ્ટેમ્બર, ૨૦૧૯)ના તેમણે કરેલા સૂત્રોચ્ચાર બદલ તેમને અફસોસ થતો હશે. 

૨૨ એપ્રિલના રોજ અન્ય નેતાઓની જેમ ટ્રમ્પે, આઘાત અને દિલસોજી વ્યકત કરી હતી.  બન્ને દેશો પોતાની સમશ્યા આપસમાં ઉકેલી લેશે તેવું તેમણે ૨૫ એપ્રિલના રોજ નિવેદન કર્યું હતું. ૭ ંમેના રોજ ભારતે જ્યારે વળતો પ્રહાર કર્યો અને પાકિસ્તાનમાં ચોક્કસ ટાર્ગેટ પર મિસાઈલ તથા ડ્રોન વડે હુમલા કર્યા અને પાકિસ્તાન સાથે સંપૂર્ણ સ્તરનું યુદ્ધ કરવાનો ઈરાદો નહીં હોવાની સ્પષ્ટતા કર્યા બાદ, ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ સંઘર્ષનો જલદીથી અંત આવશે તેવી હું આશા રાખું છું. બીજા દિવસે જ્યારે લડાઈ ચાલુ હતી ત્યારે, તેમણે પોતાના તરફથી મદદની ઓફર કરી હતી. 

આઘાતજનક માહિતી

૮/૯ની રાતે કશુંક બદલાઈ ગયું. મને શંકા છે કે, ચીની બનાવટના યુદ્ધ વિમાન અને મિસાઈલ્સ તથા તુર્કીસ બનાવટના ડ્રોન્સનો પાકિસ્તાન ઉપયોગ કરી રહ્યું હોવાની માહિતી મળી ગઈ હશે. હુમલાના દરેક પ્રયાસો મારી હઠાવાયા હોવાનું ભારતના સીનિયર લશકરી ઓફિસરનું નિવેદન આવ્યું હતું. જો કે થોડાક દિવસ બાદ, ભારતે થોડાક ''નુકસાન''ની કબૂલાત કરી હતી. એક યુદ્ધમાં નુકસાન બન્ને બાજુએ થતા હોય છે. ભારત ચિંતીત હોય તેવું જણાતું નહોતું. શ્રી. ટ્રમ્પ દ્વારા ૧૦મી મેના રોજ તેમના ખાનગી સોશ્યલ મીડિયા સાઈટ, ટ્રુથ સોશ્યલ પર સંદેશ મારફત ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. સાંજે ૫.૨૫ કલાકે શ્રી. ટ્રમ્પે અમેરિકા દ્વારા આખી રાત કરાયેલી મધ્યસ્થીનો ે ઉલ્લેખ કર્યો હતો અને સંપૂર્ણ અને તાત્કાલિક ધોરણેથી યુદ્ધવિરામ  માટે બન્ને દેશો સહમત થયા હોવાનું જાહેર કર્યું હતું. તેમણે બન્ને દેશોને અભિનંદન આપ્યા હતા. થોડીક મિનિટો બાદ, અમેરિકાના વિદેશ પ્રધાનનું પણ સોશ્યલ મીડિયા પર નિવેદન આવ્યું હતું અને ભારત તથા પાકિસ્તાન તટસ્થ સ્થળે મળી મંત્રણા કરશે તેમ જણાવ્યું હતું. અમેરિકાના ઉપ પ્રમુખ વાન્સે પોતાને મળેલી ચેતવણીભરી ગુપ્ત માહિતીની મોદીને આગલી રાતે જાણકારી આપી હોવાનું મીડિયામાં અહેવાલ આવ્યા હતા. 

સોશ્યલ મીડિયા પર જાહેર થયેલી આ બધી માહિતીઓ આંચકાજનક હતી.

૧૦મી મેના સાંજે ૬ કલાકે, ભારતના વિદેશ સચિવે બન્ને દેશોના ડીજીએમઓ વચ્ચે બપોરે ૩.૩૫ કલાકે વાતચીત થયાનું અને સાંજે પાંચ વાગ્યાથી યુદ્ધવિરામ નક્કી કરાયાનું સ્વીકાર્યું હતું. લડાઈ અટકી ગઈ હતી અને શ્રી. ટ્રમ્પે કરેલા દાવા ખોટા નહોતા. મને આનંદ છે કે આપણા સંરક્ષણ દળોએ બહાદૂરીપૂર્વક લડત આપી હતી, અને અનેક સફળતા હાંસલ કરી હતી અને યુદ્ધ અટકયું હતું.

ગાજર અને લાકડી

૧૨મી મેના રોજ, ટ્રમ્પે અણુ સંઘર્ષ અટકાવ્યો હોવાનો દાવો કર્યો હતો અને જો તમે યુદ્ધ અટકાવશો તો જ વેપાર થશે એવું જણાવ્યું હોવાનું પણ નિવેદન કર્યું હતું. જો લડાઈ નહીં અટકે તો અમેરિકા વેપાર નહી ંકરે તેવી પણ ચીમકી અપાઈ હોવાનું જણાવ્યું હતું. (સાઉદી અરેબિયા તથા કતારની મુલાકાત વખતે ટ્રમ્પે તેમના આ નિવેદનના પુનરોચ્ચાર કર્યા હતા) ૧૩ મી મેના રોજ, મોદીએ જણાવ્યું હતું કે, ભારત ન્યુક્લિઅર બ્લેકમેલિંગ આગળ ઝૂકશે નહીં. 

આપણે આપણા લશકરી દળ પર વિશ્વાસ રાખવો રહ્યો અને સરકાર દ્વારા પાકિસ્તાનની સામે જે કંઈપણ સખત પગલાં લેવામાં આવે તેને ટેકો આપવો રહ્યો. પરંતુ સરકારને પ્રશ્નો પુછાતા રહેશે. લોકશાહીમાં સરકારને સવાલ કરવાના  જનતાને અધિકાર છે. 

પ્રશ્નોત્તરી

કેટલાક તર્કબદ્ધ સવાલો આ પ્રમાણેે છેઃ 

૧. ત્રણ મુદ્દાની ફોર્મ્યુલામાં કશું જ નવું નથી. ત્રાસવાદી હુમલાને તે પ્રમાણે જ જવાબ અપાશે, ન્યુક્લિઅર બ્લેકમેલિંગ નહીં ચલાવી લેવાય અને  ત્રાસવાદીઓ અને ત્રાસવાદના માસ્ટરમાઈન્ડસ વચ્ચે કોઈ જ ફરક નહીં રખાય. સુસ્થાપિત સિદ્ધાંત હેઠળ શું શ્રી. મોદીએ માત્ર જાડી લાલ રેખા જ દોરી નથી? 

૨. અમેરિકાના ઉપ-પ્રમુખ વાન્સ અને વિદેશ પ્રધાન રુબીઓએ ૮ અને ૯ મેના રોજ યુદ્ધવિરામ વિશે ભારત સાથે વાત કરી હતી ખરા? જો તેમણે આ મુદ્દે પાકિસ્તાન સાથે પણ  ચર્ચા કરી હોય તો તે શું મધ્યસ્થી ન કહી શકાય? 

૩. શું શ્રી. વાન્સે ૯મી મેના મોદીને ચેતવણી જેવી માહિતી પૂરી પાડી નહોતી? શું તે પાકિસ્તાન દ્વારા અણુ શસ્ત્રોના ઉપયોગના જોખમ અંગેની ગુપ્ત માહિતી હતી? ના, તો, પછી વડા પ્રધાને (૧૨મી મેના રોજ) અને સંરક્ષણ પ્રધાને (૧૫મી મેના રોજ) ન્યુક્લિઅર બ્લેકમેલિંગનો ઉલ્લેખ શા ંમાટે કર્યો હતો?

૪. બન્ને દેશોના ડીજીએમઓ ૩.૩૫ કલાકે  યુદ્ધવિરામ અંગે સહમતિ સધાઈ ગઈ હોવાની પ્રમુખ ટ્રમ્પને કઈ રીતે જાણ થઈ? જેની તેમણે સાંજે ૫.૨૫ કલાકે સોશ્યલ મીડિયા પર શેના આધારે  જાહેરાત કરી?

૫. ૨ એપ્રિલના રોજથી ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કર્યા બાદ શું ભારતે તેની સામે કોઈ દરખાસ્તો મોકલી નથી? પોતાની ભારત મુલાકાત વેળાએ વાન્સે વેપાર કરાર મુદ્દે શ્રી. મોદી સાથે શું ચર્ચા કરી નહીં હોય? (સ્રોતઃ ટીઓઆઈ, એચટી)

૬. યુદ્ધવિરામ અંગે  તથા તે નહીં થાય તો વેપાર નહીં કરવાની ચીમકીના ટ્રમ્પના વારંવારના દાવા સામે શું ભારતે  વિરોધ દર્શાવ્યો ખરા?

૭. પાકિસ્તાનને આઈએમએફ લોન કાર્યક્રમની સામેના મતદાનમાં ભારત શા માટે ગેરહાજર રહ્યું અને મતદાન ન કર્યું?ે

બીજા અનેક પ્રશ્નો છે પરંતુ તે ઉપસ્થિત કરવાનો હાલમાં આ સમય નથી? ટ્રમ્પ નમી જાય એવા નથી, તેઓ અટકશે નહીં તેઓ મુંઝવનારા નિવેદનો કરતા રહેશે અને સવાલો કરવા પૂરતી સામગ્રી પૂરી પાડશે. શું આપણને જવાબો મળી રહેશે ખરા કે પછી ચૂપકિદીમાં જવાબો સંતાયેલા છે?

Tags :