ભારતનો સમાજ તમામ પ્રકારના હુમલા અને સંકટ વચ્ચે પણ એકતાના સૂત્રને ભૂલ્યો નથી
- સ્વતંત્રતાનો અમૃત મહોત્સવઃ લોકશાહીનો સૌથી મોટો તહેવાર
- દત્તાત્રેય હોસબોલે
- ભારતીય અર્થવ્યવસ્થા તમામ કટોકટીઓ બાદ પણ પ્રગતિ કરી રહી છે, પરંતુ ભારતની આકાંક્ષાઓને પહોંચી વળવા તેને વધુ ઝડપથી આગળ વધવું પડશે
- ભારતે હજુ પણ સમરસતા માટે વધુ પ્રયત્નો કરવા પડશે કારણ કે સમાજ જેટલો સુમેળભર્યો હશે તેટલો જ મજબૂત હશે
આજે જ્યારે દેશની આઝાદીને ૭૫ વર્ષ થઈ રહ્યા છે ત્યારે દેશનો દરેક નાગરિક આ અવસર પર ઉત્સાહિત છે. આપણા દેશે તમામ અવરોધો અને સંકટોને પાર કરીને ૭૫ વર્ર્ષની મજલ પાર કરી છે. આ પ્રવાસ ઘણો જ રોમાંચક છે. આજે જ્યારે આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે દેશની તમામ ઉપલબ્ધિઓ અને પડકારો આપણી સામે છે. કેવી રીતે રાષ્ટ્રેે આઝાદ થતાંની સાથે જ વિભાજનની વિભીષિકાનો સામનો કર્યો અને વિભાજનને કારણે થયેલી હિંસાનો ભોગ બન્યો. તે પછી તરત જ તેણે સરહદી હુમલાનો સામનો કરવો પડયો, પરંતુ આ પડકારો આપણા રાષ્ટ્રની તાકાતને હરાવી શક્યા નહીં. આ પડકારોનો સામનો કરીને આપણા રાષ્ટ્રે તેની લોકશાહીના પાયાને મજબૂત કરવાનું ચાલું રાખ્યું. આજે આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ કે કેવી રીતે વિભાજન અને આક્રમણનો ભોગ બન્યા પછી આપણા દેશના નાગરિકોએ ૧૯૫૨ માં લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો અને ભારતમાં લોકશાહી સરકારની સ્થાપના કરી.
તે ભારતના લોકોનું સામર્થ્ય અને ઇચ્છાશક્તિ હતી, જેણે ૧૯૪૭ પછી ભારતના બાકીના ભાગ, ગોવા, દાદરા અને નગર હવેલી, હૈદરાબાદ અને પુડુચેરીને ફરીથી ભારતની ભૂમિમાં જોડવાનો પ્રયાસ ચાલુ રાખ્યો અને આખરે નાગરિકોના પ્રયત્નો દ્વારા લક્ષ્ય પ્રાપ્ત કર્યું. ઘણી વખત પ્રશ્ન થાય છે કે જે રાષ્ટ્રને માત્ર થોડા વર્ષો પહેલા જ રાજકીય આઝાદી મળી હતી તે આટલી ઝડપ કેવી રીતે કરી શકે? આ સમજવા માટે આપણે ભારતના સમાજને સમજવો પડશે. ભારતનો સમાજ તમામ પ્રકારના હુમલા અને સંકટ વચ્ચે પણ પોતાની એકતાના સૂત્રને ભૂલ્યો નથી. જો આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને સમજવાની કોશિશ કરીએ તો તમને જોવા મળશે કે શહેરો, ગામડાં, જંગલો, ટેકરીઓ, દરિયાકાંઠાના વિસ્તારોમાં દરેક જગ્યાએ સંઘર્ષના પદચિહ્ન જોવા મળે છે. સંથાલોનો વિદ્રોહ હોય કે દક્ષિણના નાયકોનો સસ્ત્ર સંઘર્ષ, તમામ સંઘર્ષોમાં તમને એક જ લાગણી જોવા મળશે. તમામ લોકો કોઈપણ કિંમતે આઝાદી ઈચ્છતા હતા અને તેઓ આ સ્વતંત્રતા માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેમના સમાજ અને સમગ્ર રાષ્ટ્ર માટે ઈચ્છતા હતા.
ભારતીય સમાજમાં આઝાદી માટે લોકો એટલા બધા વ્યાકુળ થઈ ઉઠયાં હતાં કે તે તેના માટે તમામ પ્રકારના બલિદાન આપવા અને દરેક પ્રકારના માર્ગને અનુસરવા તૈયાર હતાં. આ જ કારણ છે કે ભારતની આઝાદી માટે લંડન, અમેરિકા, જાપાન દરેક જગ્યાએ પ્રયાસો થયા હતા. લંડનમાં ઈન્ડિયા હાઉસ ભારતીય સ્વતંત્રતાનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું.
ભારતની આઝાદીની ચળવળ એટલી વ્યાપક હતી કે તેણે તમામ ભૌગોલિક, આર્થિક અને સામાજિક વિભાજનથી આગળ વધીને ભારતના લોકોને એક કર્ર્યા હતા. આના માટે કોઈનું નામ લેવું અન્યાય ગણાશે કારણ કે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમાંથી કેટલાકના નામ આપણે જાણીએ છીએ અને કેટલાકના નામ નથી જાણતા. આ એક એવું આંદોલન હતું જેમાં અસંખ્ય નાયકો હતા. પરંતુ દરેક નાયકનો હેતુ એક જ હતો.
આ જ કારણ છે કે આઝાદી પછી દેશને પરમ વૈભવ તરફ લઈ જવાનો વિચાર દેશની જનતાના મનમાં હતો અને તે આ માટે જનતા રાજકીય નેતૃત્વ પર નિર્ભર ન હતી. આ જ કારણસર જ્યારે કટોકટીના રૂપમાં દેશની લોકતાંત્રિક વ્યવસ્થા પર પ્રહાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે દેશની જનતાએ તેને સંભાળીને પોતે જ સંઘર્ષ કર્યો.
આજે જ્યારે આપણી આઝાદીને ૭૫ વર્ષ થઈ રહ્યા છે ત્યારે આપણે એ પણ વિચારવું પડશે કે આઝાદીના શતાબ્દી વર્ષ સુધીનું આપણું લક્ષ્ય શું હશે? આજે જ્યારે આખું વિશ્વ કોરોના અને વૈશ્વિક અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે એક રાષ્ટ્ર તરીકે આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? તેમાં કોઈ શંકા નથી કે ગત દાયકો ભારત માટે સિદ્ધિઓથી ભરેલો રહ્યો છે. ભારતના નાગરિકોને આરોગ્ય, આવાસ અને નાણાકીય સમાવેશ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાબત હોય, તે બધું પ્રતિબિંબિત કરે છે કે ભારતીય સમાજ અને નાગરિકો સશક્ત થઈ રહ્યા છે. આ ભારતની બુદ્ધિ પ્રતિભા છે, જેણે કોરોનાના સમયે સૌથી ઓછા સમયમાં સૌથી સસ્તી અને સલામત રસી બનાવી. જેણે આખી દુનિયાની મદદ કરી અને કરોડો લોકોના જીવ બચાવ્યા.
આ બધી બાબતો હોવા છતાં, ભારતીય સમાજ અને એક રાષ્ટ્ર તરીકે, આપણે ઘણા આંતરિક અને બાહ્ય સંકટોનો સામનો કરવાનો છે એટલું જ નહીં, પરંતુ તેના ઉકેલો પણ શોધવાના છે. ભારતે હજુ પણ સમરસતા માટે વધુ પ્રયત્નો કરવા પડશે કારણ કે સમાજ જેટલો સુમેળભર્યો હશે તેટલો જ તે મજબૂત હશે. તેથી આના પર વધુ કામ કરવાની જરૂર છે. આજે ભારતીય અર્થવ્યવસ્થા તમામ કટોકટીઓ બાદ પણ પ્રગતિ કરી રહી છે, પરંતુ ભારતની વધતી જતી વસ્તીની આકાંક્ષાઓને પહોંચી વળવા તેને વધુ ઝડપથી આગળ વધવું પડશે. આ માટે જરૂરી છે કે આપણે ભારતીય ઉદ્યોગો અને સાહસોને પ્રોત્સાહન આપીએ. આના વિના આપણે ભારતની રોજગારની અપેક્ષા પૂરી કરી શકીશું નહીં. ભારત ત્યારે જ સાચા અર્થમાં સશક્ત બનશે જ્યારે ભારત સ્વાવલંબી હશે.
ભારત આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે એ જરૂરી છે કે ભારતની નીતિની સ્થાપના વર્તમાન ભારતની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સાથે સુસંગત છે કે કેમ. જો તે ન હોય તો તેને કેવી રીતે બદલી શકાય, તે પણ વિચારવાની જરૂર છે. આજે આપણે આવી ઘણી વ્યવસ્થા જોઈએ છીએ, જેમાં સામાન્ય માણસ પોતાની જાતને અસહજ અને અસમર્થ અનુભવે છે, પછી ભલે તે આજની ન્યાય વ્યવસ્થા હોય કે રાજકીય વ્યવસ્થા. તે સહજતાથી અને સરળતાથી સામાન્ય માણસની પહોંચમાં કેવી રીતે પહોંચી શકે, તે વિચારવાની જરૂર છે.
ભારત ત્યારે જ વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે છે જ્યારે તેની આંતરિક વ્યવસ્થા મજબૂત હોય અને આંતરિક વ્યવસ્થા માત્ર આથક કે માત્ર સામાજિક સશક્તિકરણ પર આધારિત નથી. ભારતની આંતરિક વ્યવસ્થાનો ઉકેલ આર્થિક અને સામાજિક બંને પડકારોના સમાધાનમાં સમાયેલો છે.
(લેખક રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ છે)