75 વર્ષના ઈતિહાસમાં બંધારણને મજબૂત બનાવવા અસંખ્ય સુધારાઓ લવાયા છે
- ૧૯૭૫ની કટોકટી એ કડવું પ્રકરણ હતું પરંતુ ઈંદિરા ગાંધીએ તે બદલ માફી માગી લીધી હતી
- બંધારણની રચનામાં તથા તેને મજબૂતાઈ પૂરી પાડવામાં શું કોંગ્રેસનો અન્ય કોઈ સહભાગ નથી? સહભાગ છે, અને તે વિશે ભાગ્યે જ કોઈ બોલે છે. બંધારણની કલમ ૩૬૮ બંધારણમાં સુધારો કરવાની સંસદને સત્તા પૂરી પાડે છે
- બંધારણિય (૫૨મો સુધારા) ધારો, ૧૯૮૫, જેની મારફત બંધારણના દસમા પરિશિષ્ઠની રજૂઆત થઈ હતી તે આયારામ-ગયારામના દૂષણ પર કાબૂ લાવવા સંબંધિત હતો
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
૨૬ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આપણે દેશના બંધારણના સ્વીકારની ૭૫મી જયંતિ ઉજવી ગયા. બંધારણના ૭૫ વર્ષના પ્રવાસની ચર્ચા મારફત યાદ તાજી કરવા સંસદના બન્ને ગૃહો દરેકને બે દિવસની ફાળવણી કરવામાં આવી હતી. મીઠાની સાથોસાથ કડવા ભાષણો પણ રહ્યા હતા પરંતુ ૧૪-૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના જવાહરલાલ નેહરુએ તથા ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણિય સભામાં આપેલા પ્રવચન જેવી યાદ અપાવે તેવા કોઈ પ્રવચનો થયા નથી.
૭૫ વર્ષ પહેલા, બંધારણિય સભાની ચર્ચાઓમાં કોંગ્રેસ પક્ષનો દબદબો રહેતો હતો. ડો. આંબેડકરે કોંગ્રેસને બંધારણિય સભામાં સુવ્યવસ્થા અને શિસ્તતા લાવનાર તરીકે ઓળખાવી હતી. આજે કોંગ્રેસ લોકસભા તથા રાજ્ય સભામાં વિપક્ષની પાટલીએ બેઠી છે. આ બદલાવ પીડાદાયક છે પરંતુ તે કાયમી નથી.
કટોકટી પ્રત્યે ભાજપનો વળગાડ
કોંગ્રેસ વિરોધી રાજકીય ગઠબંધનો ખાસ કરીને ભાજપ તથા જમણેરી-પાંખના સાથીઓ એવું માની રહ્યા છે કે જૂન ૧૯૭૫થી માર્ચ, ૧૯૭૭ દરમિયાન લાગુ થયેલી કટોકટી અને નાગરિકોના મૂળભૂત અધિકારોના સસ્પેન્શન પૂરતું જ કોંગ્રેસ બંધારણ સાથે સંકળાયેલી છે. એ હકીકત છે, કે કોંગ્રેસના ૧૩૯ વર્ષના ઈતિહાસમાં આ એક કડવું પ્રકરણ રહ્યું હતું પરંતુ ઈંદિરા ગાંધીએ તે બદલ માફી માગી લીધી હતી અને કટોકટીનું પુનરાવર્તન નહીં થાય તેની ખાતરી આપી હતી. દેશની જનતાએ તેમની માફીનો સ્વીકાર કર્યો હતો અને ૧૯૮૦માં ભારે બહુમતિ સાથે તેમને ફરી સત્તા પર બિરાજમાન કર્યા હતા.
બંધારણની રચનામાં તથા તેને મજબૂતાઈ પૂરી પાડવામાં શું કોંગ્રેસનો અન્ય કોઈ સહભાગ નથી? સહભાગ છે, અને તે વિશે ભાગ્યે જ કોઈ બોલે છે. બંધારણની કલમ ૩૬૮ બંધારણમાં સુધારો કરવાની સંસદને સત્તા પૂરી પાડે છે. કોઈપણ દેશના બંધારણમાં આ એક જરૂરી સત્તા છે. કારણ કે એક દેશ ચડતીપડતીમાંથી પસાર થતો હોય છે, કારણ કે કોઈ દેશ સામે નવા જોખમો અને તકો ઊભી થતી હોય છે અને કારણ કે બંધારણનું કોઈ કેસમાં જજો દ્વારા અર્થઘટન અને ફેર-અર્થઘટન થતું રહે છે. બંધારણ એક એવો દસ્તાવેજ છે જેનો બદલાતી સ્થિતિ પ્રમાણે દેશે સ્વીકાર કરતા રહેવું પડે છે.
સુધારાઓએ બંધારણને મજબૂત બનાવ્યું છે
જો ચર્ચામાં મેં ભાગ લીધો હોત તો કોંગ્રેસ સરકારો દ્વારા બંધારણમાં કરાયેલા સુધારાની મેં યાદ અપાવી હોત, જેનાથી બંધારણ મજબૂત થયું છે અને બંધારણની પ્રસ્તાવનામાં જે લક્ષ્યાંકો નિશ્ચિત કરાયા છે ખાસ કરીને, ન્યાય (સામાજિક, આર્થિક અને રાજકીય) તથા સમાનતા (દરજ્જાની અને તક)ને તેને આગળ વધારવામાં સફળતા મળી છે.
બંધારણિય (પ્રથમ સુધારો) ધારો, ૧૯૫૧ એક મુખ્ય કાયદો હતો. આ કાયદો સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગના અથવા અનુસૂચિત જાતિ અથવા જનજાતિના ઉદ્ધાર માટેના અનામતને બંધારણિય રક્ષણ આપનારો છે. પ્રથમ સુધારાની ગેરહાજરીમાં અનામતોની સંપૂર્ણ શ્રેણીઓની રચના શકય બની ન હોત.
પ્રથમ સુધારામાં કલમ ૩૧એ તથા કલમ ૩૧બીનો ઉમેરો કરાયો હતો અને દમન, જમીનદારી વ્યવસ્થાની નાબુદી તથા જમીન સુધારા અને જમીન વિતરણ માટેના માર્ગ મોકળા કર્યા હતા.
પ્રથમ સુધારામાં વેપાર તથા ઉદ્યોગ કરવા માટે જાહેર ક્ષેત્રના ઉપક્રમોની સ્થાપના માટેની જોગવાઈ કરાઈ હતી.
બંધારણિય (૪૨માં સુધારા) ધારો ૧૯૭૬ બંધારણમાં કરાયેલા ઘણાં ફેરબદલની નિંદા માટેનો હતો. જો કે કેટલાક લોકો જણાવે છે કે, આ ધારા મારફત બે જ બદલ કરાયા હતા. જેમાં પ્રથમ સુધારો સમાન ન્યાયની ખાતરી માટે નિઃશુલ્ક કાનૂની મદદ પૂરી પાડવા રાજ્યો પર કાયદેસર ફરજ પાડવા કલમ ૩૯-એનો ઉમેરાને લગતો હતો. અન્ય ઉમેરો કલમ-૪૮-એ હતો જે દ્વારા વન તથ વન્ય જીવોના રક્ષણ તથા પર્યાવરણની જાળવણી તથા સુધારા માટે રાજ્યો પર જવાબદારી નંખાઈ હતી.
બંધારણિય (૫૨મો સુધારા) ધારો, ૧૯૮૫, જેની મારફત બંધારણના દસમા પરિશિષ્ઠની રજૂઆત થઈ હતી તે આયારામ-ગયારામના દૂષણ પર કાબૂ લાવવા સંબંધિત હતો. જો કે આ સુધારાનું અપેક્ષિત પરિણામ જોવા મળ્યું નથી. સુધારાના હેતુને સિદ્ધ કરવા સદર પરિશિષ્ઠમાં વધુ સુધારો કરવો જરૂરી છે.
સૌથી વધુ દૂરગામી અસર કરનારા બંધારણિય સુધારાઓમાં બંધારણિય (૭૩મો સુધારા) ધારો, ૧૯૯૨ અને બંધારણિય (૭૪મો સુધારા) ધારો, ૧૯૯૨નો સમાવેશ થાય છે. આ સુધારાઓ મારફત પંચાયતો તથા મહાનગરપાલિકાઓ માટે અલગ જોગવાઈઓ લવાઈ હતી જેને પરિણામે લોકશાહી વધુ મજબૂત બની છે. લાખો મહિલાઓ તથા અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને રાજકારણના મુખ્ય પ્રવાહમાં લાવી શકાયા હતા અને લોકતાંત્રિક સત્તાનો ઉપયોગ કરવા સશકત બનાવાયા હતા. આવા મોટા ફેરબદલો અને સત્તાનું પુનઃવિતરણ ઈતિહાસમાં જોવા મળ્યું નથી.
બન્ને ગૃહોમાં ચર્ચા કમનશીબે આરોપ-પ્રતિઆરોપ સુધી મર્યાદિત રહી હતી. બંધારણના ૭૫ વર્ષના પ્રવાસમાં જે મુદ્દો ભુલાઈ ગયો હતો તેના પર જ આ ચર્ચા કેન્દ્રીત રહી હતી. ભાજપ દ્વારા લવાયેલા વન નેશન, વન ઈલેકશન તથા અન્ય ફેરબદલો હકીકતમાં વિકૃત છે. તેનાથી લોકશાહી અને સંઘવાદ સામે જોખમ છે. આમછતાં, મે માની લીધું છે કે, બંધારણના મજબૂત પાયા અને તેનો જોરદાર અને પ્રગતિકારક ઉત્સાહ છેવટે જળવાઈ રહેશે.