Get The App

હોર્મુઝની ખાડી અને યુરેનિયમ : ઈરાન-અમેરિકાની સમજૂતી સામે બે મુખ્ય પડકાર

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝની ખાડી અને યુરેનિયમ : ઈરાન-અમેરિકાની સમજૂતી સામે બે મુખ્ય પડકાર 1 - image

- વર્લ્ડ વિન્ડો

- અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તેના ત્રણ મહિના થયા. ત્રણ મહિનાથી હોર્મુઝની ખાડી બંધ છે અને તેના કારણે ક્રૂડના વૈશ્વિક વેપારને મોટો ફટકો પડયો છે

ઈરાન 70 વર્ષથી પરમાણુ હથિયારો બનાવવા પ્રયાસો કરે છે, પરંતુ એમાં સફળતા મળતી ન હતી. છેક ૨૦૦૨માં ઈરાને પરમાણુ હથિયારો માટે જરૂરી યુરેનિયમનો જથ્થો એકઠો કરી લીધો હોવાનો દાવો તે વખતના વિપક્ષોએ કર્યો હતો. તે સમયે તો ઈરાનના ગુપ્ત ન્યૂક્લિયર સાઈટની તસવીરો પણ સામે આવી હતી. ત્યારે પહેલી વખત આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠયો હતો. ઈઝરાયલે તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ ઉઠાવ્યો હતો અને અમેરિકા એ વિરોધમાં જોડાયું હતું.

ઈરાને યુરેનિયમનો જથ્થો ભેગો કરવા માંડયો છે એની જાણકારી પહેલી વખત સામે આવી એ ઘડીએ જ ઈઝરાયલે એ પ્રોજેક્ટને તબાહ કરવા માટે તમામ કોશિશો શરૂ કરી દીધી હતી. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સાયન્ટિસ્ટ્સને વીણી વીણીને હત્યા કરવાનું ગુપ્ત ખતરનાક મિશન પણ એ સાથે જ હાથ ધરાયું હતું. તેના પરિણામે છેલ્લાં ૨૩ વર્ષમાં ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે જોડાયેલા ૧૫ મોટા સાયન્ટિસ્ટ્સના જુદા જુદા કારણોથી, અલગ અલગ દેશોમાં મૃત્યુ થઈ ચૂક્યા છે. એમાં ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામના જનક જેને કહેવાય છે એ મોહસીન ફખ્રીઝાહેદનો પણ સમાવેશ થાય છે. આ તમામના રહસ્યમય મોત પાછળ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પર આંગળી ચિંધવામાં આવે છે.

ઈરાનના પરમાણુ પ્રોગ્રામ સામે ઈઝરાયલને શરૂઆતથી જ વિરોધ છે. સાયન્ટિસ્ટ્સની હત્યા ઉપરાંત પરમાણુ પ્રોગ્રામની સંભવિત સાઈટ પર ઈઝરાયલ વર્ષોથી હુમલા કરે છે. આટલા વર્ષોમાં એકથી વધુ વખત ઈઝરાયલે દાવો કર્યો છે કે તેમના હુમલામાં ઈરાનની ન્યૂક્લિયર સાઈટ સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ છે અને યુરેનિયમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ઈઝરાયલને ડર છે કે જો ઈરાન ન્યૂક્લિયર બોમ્બ બનાવી લેશે તો એનું સરનામું ઈઝરાયલ હશે. ઈઝરાયલે આટલા વર્ષોમાં અમેરિકાને પણ એ વાત ગળે ઉતારી દીધી છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી લેશે તો અમેરિકા પણ સલામત રહેશે નહીં.

ને એ જ કારણે ઈરાન પર વૈશ્વિક પ્રતિબંધો લાગ્યા હતા. વારંવાર અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર પરમાણુ કરાર કરવા દબાણ કર્યું હતું. ઈરાન તેનો યુરેનિયમનો જથ્થો નાશ કરે એવી ડિમાન્ડ અમેરિકા કરતું આવે છે અને એ મુદ્દે અસંખ્ય વખત હુમલાની ધમકી પણ આપતું આવ્યું છે. આખરે એ જ મુદ્દે હુમલો થયો પણ ખરો. ૨૮ ફેબુ્રઆરીએ અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલા શરૂ કર્યા ત્યારે એવી ગણતરી હતી કે અમુક કલાકોમાં મિશન પૂરું થઈ જશે. ચારેબાજુથી ઘેરાયેલું ઈરાન શરણે આવી જશે અને અમેરિકા આકરી શરતો મૂકીને પોતાની તરફેણમાં માહોલ બનાવી દેશે.

પણ ગણતરી પ્રમાણેનું થયું નહીં. ઈરાનના સર્વોચ્ચ નેતાને ઉડાવી દીધા પછી તો ઈરાન લાંબું ટકશે નહીં એવા એનાલિસિસ થવા લાગ્યા હતા. ખામૈનીની હત્યા પછી ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાંથી કહેતા હતા કે ઈરાનની સરકારને ઉખાડી ફેંકવા માટે વધુ ચાર દિવસ જોઈએ. ચાર-પાંચ દિવસમાં ઈરાન આત્મસમર્પણ કરી દેશે અને અમેરિકા ઈરાનમાં લોકશાહીથી ચાલતી સરકાર સ્થાપી દેશે. જોકે, આ નિવેદનો માત્ર ઠાલા દાવા જ સાબિત થયા. એ વાતને ત્રણ મહિના થઈ ગયા. ત્રણ મહિનામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૩૦૦ નિવેદનો આપી ચૂક્યા છે. આજે યુદ્ધ પૂરું થશે, કાલે યુદ્ધ પૂરું થશે. આજે હુમલા કરીને ઈરાન પાસે આત્મ સમર્પણ કરાવીશું, કાલે ઈરાન ગરીબડું થઈને પાણીમાં બેસી જશે - આ બધા જ દાવાઓને ઈરાને ભરી પીધાં છે.

એટલું જ નહીં, અમેરિકા-ઈઝરાયલને બબ્બે મોરચે જવાબ આપવા ઉપરાંત હોર્મુઝની ખાડી બંધ કરીને અમેરિકાને જ દાદાગીરી બતાવી દીધી. હોર્મુઝની ખાડી બંધ થઈ જતાં વૈશ્વિક વેપારને મોટો ફટકો પડયો. હોર્મુઝની ખાડીમાંથી વિશ્વનો ૨૫ ટકા વેપાર થાય છે. વેપારી જહાજો માટે જે મહત્ત્વના દરિયાઈ માર્ગો છે એમાં હોર્મુઝની ખાડી અગત્યનો છે. યુદ્ધ પહેલાં દરરોજ બે કરોડ બેરલ ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા હતા. ભારત-ચીન જેવા વિશ્વના સૌથી મોટા ક્રૂડ આયાતકાર દેશો માટે તો હોર્મુઝની ખાડીના માધ્યમથી પહોંચતું ક્રૂડ  અર્થતંત્ર માટે કરોડરજ્જુ છે. યુરિયાનો ૩૦ ટકા વેપાર આ માર્ગથી થાય છે.

ઈરાન-અમેરિકાના યુદ્ધમાં હોર્મુઝની ખાડી બંધ થઈ તે ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો. એક તરફ ઈરાનની નાકાબંધી, બીજી તરફ અમેરિકાની આડસ અને વચ્ચે અનેક જહાજો ફસાઈ ગયા. એમાંથી ઘણાં જહાજો નીકળ્યા પણ ખરા. એક તબક્કે ૮૦૦ જહાજો હોર્મુઝની ખાડીમાં ફંસાઈ ગયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ક્રૂડ અને ગેસના વેપારને મોટો ફટકો પડયો. ભારત જેવા દેશમાં ક્રૂડ બચાવવાની અપીલ કરવાની નોબલ આવી. અમેરિકામાં પેટ્રોલ અને ગેસના ભાવમાં ૫૦થી ૧૦૦ ટકા સુધીનો વધારો થયો. યુરોપના દેશોમાં મોંઘવારી ફાટી નીકળી. ઈનફેક્ટ, દુનિયાભરમાં આવી હાલત થઈ ગઈ છે.

પરિણામે અમેરિકા પર શાંતિ કરારનું દબાણ વધ્યું. ખાડી દેશોનો ક્રૂડનો વેપાર અટકી ગયો છે. એનાથી ખાડી દેશો ઉપરાંત અમેરિકન કંપનીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડની મોટી કંપનીઓમાં અમેરિકન ધનપતિઓનું રોકાણ છે. જો આ વેપાર લાંબો વખત ઠપ રહે તો એને કરોડો ડોલરની ખોટ થાય. એ બધા પણ ટ્રમ્પને શાંતિકરાર માટે પ્રેશર કરી રહ્યા છે. ટ્રમ્પ એક દિવસે શાંતિકરાર હાથવેંતમાં હોવાનો દાવો કરે ને બીજા દિવસે ક્યાંક ધમાકા કરે એવુંય બનતું રહ્યું છે. ઘણાં ડિફેન્સ એક્સપર્ટ્સ કહે છે કે આ યુદ્ધ અત્યારે અટકશે નહીં, હજુ લાંબું ચાલશે. અચાનક યુદ્ધવિરામ અને એકાએક હુમલાના સિલસિલા વચ્ચે ભલે આ વાત સાચી લાગતી હોય, તેમ છતાં હવે હોર્મુઝની ખાડી લાંબો વખત બંધ રહે તે કોઈને પરવડે તેમ નથી.

ટ્રમ્પે દાવો કર્યો કે ટૂંક સમયમાં હોર્મુઝની ખાડી ખુલી જશે. બંને દેશો વચ્ચે શાંતિકરારનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. વાટાઘાટો એકથી વધુ વખત પડી ભાંગી છે એનું કારણ છે ઈરાનની શરતો. ઈરાન હવે હોર્મુઝની ખાડીનો કબજો મેળવવાની શરત મૂકે છે. અમેરિકા એ શરત સ્વીકારે તો દુનિયામાં ફ્રી નેવિગેશનના નિયમોનો કૂરચા ઉડી જાય. અત્યારે કુદરતી નહેર કે કુદરતી જળમાર્ગમાં ટોલ વસૂલી શકાતો નથી. પનામા કે સુએઝ જેવી કૃત્રિમ નહેરો જ જહાજો પાસેથી એવો ચાર્જ વસૂલી શકે છે. જો એક વખત કુદરતી નહેર પર ટોલ વસૂલીનો કોઈ એક દેશને પરવાનો મળી જાય તો પછી ઘણાં દેશો એ ધંધો શરૂ કરી શકે તેવી ભીતિ છે.

બીજો મુદ્દો છે યુરેનિયમ. ઈરાન એકથી વધુ વખત સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે યુરેનિયમનો મુદ્દો કરારમાં સામેલ નથી. યુરેનિયમનો જથ્થો સોંપી દેવાનો કે યુરેનિયમનો જથ્થો ન વધારવો એ શરત જો ઈરાન ન સ્વીકારે તો પછી અમેરિકા માટે આ યુદ્ધ માત્ર ધડાકા-ભડાકા કરવા સિવાય કોઈ પરિણામ આપવાનું બની રહે નહીં. ઈરાન હોર્મુઝની ખાડીની સ્વતંત્રતા તો સ્વીકારી પણ લેશે, પણ એના માટે યુરેનિયમનો મુદ્દો નેગોશિએશનના ટેબલ પર મૂકશે. અંતે અમેરિકા માટે - ક્યાં ગયા હતા? તો કે ક્યાંય નહીં - જેવો ઘાટ થશે.