- વર્લ્ડ વિન્ડો
- સાઉદી અને યુએઈના રાજકીય સંબંધો દાયકાઓથી ખૂબ જ ઉષ્માભર્યા રહ્યા છે. આ બંને ખાડી દેશો એકબીજાનાં આર્થિક હિતોનું ધ્યાન પણ રાખતા હતા, પરંતુ અચાનક સમીકરણો બદલાઈ ગયાં છે
ગલ્ફ દેશોમાં સાઉદી અરબિયા અને યુનાઈટેડ આરબ અમિરાત-યુએઈ - આ બે દેશો આર્થિક રીતે શક્તિશાળી છે. ગલ્ફ દેશોમાં અર્થતંત્રની રીતે સાઉદી અરબિયા સૌથી મોટું અર્થતંત્ર છે, તો યુએઈ આર્થિક ઉપરાંત લશ્કરી દૃષ્ટિએ વધારે સ્ટ્રોંગ છે. છ ખાડી દેશો- બહેરાન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અને યુએઈનું એક સંગઠન છે, જેનું નામ છે - ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. આ છ દેશોના સંગઠન પર સાઉદી-યુએઈનો દબદબો રહેતો આવ્યો છે. સાઉદી-યુએઈ વચ્ચે છેક ૧૯૭૧માં યુએઈની આઝાદીથી જ દ્વિપક્ષીય રાજકીય સંબંધો છે. શરૂઆતમાં બંને દેશો વચ્ચે સીમાને લઈને જે વિવાદ હતો તેનો ઉકેલ આવ્યો પછીથી રાજકીય-આર્થિક સંબંધો ખૂબ મજબૂત બન્યા હતા. ધાર્મિક રીતેય સાઉદી-યુએઈમાં સામ્ય હતું. બંને દેશોમાં સુન્ની મુસ્લિમોની બહુમતી હોવાથી સંબંધો મજબૂત બનવાને કારણ હતું. બંને દેશો એકબીજાનાં આર્થિક-રાજકીય હિતોને ધ્યાનમાં રાખતા હતા.
એ હિતોને ધ્યાનમાં રાખીને જ સાઉદી અરબિયાએ જ્યારે ૨૦૧૫માં યમનના હૂથી બળવાખોરો સામે મોરચો માંડયો ત્યારે યુએઈએ સાઉદીના સમર્થનમાં સૈન્ય મોકલ્યું હતું. સાડા ચાર વર્ષ સુધી સાઉદીના નેતૃત્વમાં હૂથી બળવાખોરો સામે લડતા સૈન્યનો હિસ્સો રહ્યા પછી પહેલી વખત ૨૦૧૯માં યુએઈને વાંધો પડયો. યમનમાં હૂથી બળવાખોરો સામેય સ્થાનિક સરકાર ઉપરાંત અન્ય અલગતાવાદી જૂથો પણ લડી રહ્યાં છે. સાઉદીના નેતૃત્વમાં લડતું સૈન્ય હૂથીઓની સામે લડતા એ તમામ બળવાખોર જૂથોને સમર્થન આપતું હતું, પરંતુ ૨૦૧૯માં યુએઈએ અલ-અસ્લાહ નામના જૂથનો વિરોધ કર્યો અને એસટીસી જૂથને ટેકો આપ્યો. અત્યારે યમનનો મોટો હિસ્સો આ એસટીસી જૂથના તાબામાં છે.
સાઉદી અલ-અસ્લાહને સમર્થન કરે છે એટલે એ મુદ્દે બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો. યમનમાં લાંબી લશ્કરી લડાઈનું પરિણામ આવશે કે નહીં તે મુદ્દેય મતભેદો થયા. જો પરિણામ આવે તો એમાં ક્રેડિટ સાઉદીને મળશે એવું યુએઈને લાગતું હતું એટલે સાઉદીના નેતૃત્વમાંથી બહાર નીકળી જવાની યુએઈએ ૨૦૧૯માં જાહેરાત કરી, પણ ત્યારે રાજકીય-આર્થિક સંબંધો એટલા તંગ બન્યા નહીં. એ તંગદિલી શરૂ થઈ ગયા વર્ષના અંતે. દક્ષિણ યમનના આખા હિસ્સાને કાબૂ કરવા માટે એસટીસી જૂથે મોટા પાયે લશ્કરી ઓપરેશન શરૂ કર્યું અને એને યુએઈનો ટેકો મળ્યો. એ પછી યમનમાં સાઉદી-યુએઈનું લશ્કર રીતસર સામસામે આવી ગયું. સાઉદીએ યુએઈના સમર્થિત એસટીસી જૂથ પર એરસ્ટ્રાઈક કરી. યુએઈના સપોર્ટથી એસટીસી જૂથે પણ વળતો જવાબ આપ્યો. અકળાયેલા સાઉદીએ એને લશ્કરી પગલું ગણીને યુએઈને ગયા ડિસેમ્બરમાં ૨૪ કલાકમાં એસટીસીની મદદ માટે મોકલેલી સેના પાછી બોલાવી લેવાની તાકીદ કરી. યુએઈએ તુરંત પીછેહઠ ન કરી એટલે એક સમયના ખાસ દોસ્ત ગણાતા બંને દેશો ઓલમોસ્ટ સીધા યુદ્ધની સ્થિતિમાં આવી ગયા.
આ બધું ચાલતું હતું ત્યારે સુદાનમાં પણ બંને દેશો અલગ અલગ જૂથના સમર્થનમાં રહ્યા. સુદાનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સુદામી આર્મ્ડ ફોર્સ અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે જંગ જામ્યો છે. બે લશ્કરી અધિકારીઓ સુદાનની સત્તા હાથમાં લેવા પ્રયાસો કરે છે. સાઉદીએ સુદામી આર્મ્ડ ફોર્સના વડા અબ્દેલ ફતેહને સમર્થન જાહેર કર્યું. તેની સામે યુએઈએ રેપિડ સપોર્ટ ફોર્સના વડા મુહમ્મદ હમદાનને ટેકો આપ્યો. બંને દેશો સુદાનમાં લાંબા ગાળાનાં હિતો જુએ છે. અબ્દેલ ફતેહ જીતે તો એ હંમેશા સાઉદી તરફી રહે. હમદાન જીતે તો એ કાયમ યુએઈ તરફી રહે. સુદાનમાં જે સત્તામાં આવે તે પોતાના કહ્યામાં રહે તે માટે સાઉદી-યુએઈ અત્યારથી મહેનત કરે છે. વળી, યમન-સુદાનમાં જે દેશનો દબદબો વધે તે ભવિષ્યમાં ગલ્ફમાં શક્તિશાળી બનીને ઉભરી આવે તે સ્પષ્ટ છે. વૈશ્વિક રાજકારણમાં પણ પ્રભુત્વ વધી જાય.
ટૂંકમાં, લાંબા ગાળાની ગણતરી સાથે યમન અને સુદાનમાં પ્રભુત્વ જમાવવા માટે શરૂ થયેલી હોડ એટલી વધી ગઈ કે સાઉદી-યુએઈ જ સામસામે આવી ગયા. એકબીજાની વિરૂદ્ધમાં નિવેદનો આપવા લાગ્યા. સાઉદી અરોપ લગાવે છે કે યુએઈની સરકાર મીડિયાના માધ્યમથી અપપ્રચાર કરે છે. યુએઈ કહે છે કે સાઉદી યુએઈનાં આર્થિક હિતોને નુકસાન થાય એવા પગલાં ભરે છે અને ઓર્ગેનાઈઝેશન પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ-ઓપેક સંગઠનમાં પણ પ્રભાવ જમાવીને સંતુલન ખોરવે છે. આ બંને મોરચે ચાલી રહેલી તંગદિલીની અસર આર્થિક મોરચે પણ થયા વગર રહી નથી. ૨૦૨૧થી ઓપેકમાં ઓઈલ પ્રોડક્શનના નિયંત્રણ મુદ્દે બંને દેશો સહમત થતા નથી. ઓપેક ક્રૂડ ઓઈલનું પ્રોડક્શન કરતા દેશોનું સંગઠન છે અને તે ભાવ, જથ્થો વગેરે નક્કી કરે છે. આ સંગઠનની બેઠકોમાં કેટલીય વખત મતભેદો સપાટી પર આવી જાય છે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની બેઠકોમાં પણ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે દલીલો થતી રહે છે.
યમન-સુદાનમાં અલગ અલગ પક્ષે હોવા છતાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મધ્ય-પૂર્વની ભૂરાજકીય સ્થિતિની ચર્ચા કરવા માટે સાઉદીના ક્રાઉનપ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અને યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યાન વચ્ચે સાઉદીના પાટનગર રિયાધમાં મુલાકાત થઈ હતી. સલમાન અને ઝાયેદની દોસ્તી ચર્ચામાં રહેતી આવી છે. એ વખતે અહેવાલોમાં કહેવાયું હતું કે બંનેની દોસ્તીના કારણે સંબંધોમાં ફરીથી ઉષ્મા આવશે. મુલાકાત બાદ સત્તાવાર નિવેદન આવ્યું હતું કે મતભેદો તેના સ્થાને હોવા છતાં માનવતા માટે તેમ જ મધ્ય-પૂર્વની સ્થિરતા માટે બંને દેશોની સરકારના વડાઓએ બેઠક કરી છે. એ પછીય સાઉદી-યુએઈનો સંઘર્ષ યમન-સુદાનમાં ચાલતો રહ્યો, પરંતુ એની સમાંતરે બંને દેશોના પ્રતિનિધિઓ કોઈ ઉકેલ લાવવા મળતા રહ્યા. કદાચ તેની અસર હોય કે પછી ઓપેક અને ગલ્ફ કાઉન્સિલના સભ્ય દેશોની મધ્યસ્થીનું કારણ હોય, છેલ્લાં થોડા દિવસમાં બંને પક્ષે નરમાશ આવી છે. યુએઈએ યમનમાંથી સૈન્ય પાછું બોલાવી લેવાની તૈયારી બતાવી એટલે સાઉદીએ નરમ પડતાં કહ્યું કે ગલ્ફ દેશોમાં સ્થિરતા જાળવવા સાઉદી-યુએઈના સંબંધો સુધરે તે આવશ્યક છે. સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને મહત્ત્વની ટીપ્પણી કરી કે ગલ્ફ કાઉન્સિલમાં યુએઈ-સાઉદી મહત્ત્વના સભ્યો છે. યુએઈ સાથે સકારાત્મક સંબંધો બનાવવા સાઉદી ઉત્સુક છે.
સાઉદીના વિદેશ મંત્રીને યુએઈના યમન ઓપરેશન મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે યમનના મુદ્દે હજુય બંને પક્ષે સહમતી થઈ નથી, પરંતુ યુએઈ સૈન્ય પાછું બોલાવી લેશે તો સાઉદી અરબ યમનની જવાબદારી લેશે. ઘણાં અહેવાલોમાં એવુંય કહેવાયું કે સાઉદી-યુએઈ વચ્ચે અમેરિકાની મધ્યસ્થી પછી યમન-સુદાનની સમજૂતી થઈ છે. યુએઈ યમનમાંથી સૈન્ય પાછું બોલાવી લેશે તો સુદાનમાંથી સાઉદી બહાર નીકળી જશે. એક દાવો એવોય થઈ રહ્યો છે કે યુએઈ ઓઈલનું પ્રોડક્શન વધારવા ઈચ્છે છે. સાઉદી અત્યાર સુધી એની તરફેણમાં રહ્યું નથી, પરંતુ યમનમાંથી પીછેહઠ કરવાના બદલામાં યુએઈનો ઓઈલ પ્રોડક્શન વધારવાનો માર્ગ મોકળો બની જશે. આર્થિક હિતો જળવાતાં હોય તો ભલભલા દેશો નમતું જોખી લેતા હોય છે. કદાચ યુએઈએ પણ એ માર્ગ લીધો લાગે છે.


