Get The App

રશિયાને જી-7માં ફરી એન્ટ્રી આપવાનો તખ્તો તૈયાર

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાને જી-7માં ફરી એન્ટ્રી આપવાનો તખ્તો તૈયાર 1 - image

- વર્લ્ડ વિન્ડો

- રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના ભાગરૂપે રશિયાનો સમાવેશ દુનિયાના સૌથી શક્તિશાળી ફોરમ જી-૭માં થાય તેવી ભલામણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે

૧૯૭૦ પછી વૈશ્વિક રાજકારણનું ચિત્ર કંઈક આવું હતું - અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું હતું. અમેરિકા જગતનું નંબર વન અર્થતંત્ર હતું. પેટ્રોડોલરનો કરાર કરીને અમેરિકાએ દુનિયામાં ક્યાંય પણ પેટ્રોલિયમની ખરીદી થાય તો બેઠી કમાણી કરવાનો માસ્ટર પ્લાન અમલી બનાવી દીધો હતો. સાયન્સ-ટેકનોલોજીમાં અમેરિકાએ નવી ઊંચાઈ મેળવી હતી. ચંદ્ર પર માનવીને પહોંચાડીને દુનિયામાં સિક્કો જમાવી દીધો હતો.

તે વખતે અમેરિકાને ટક્કર આપી શકે એવો એક જ દેશ હતો - રશિયા. અર્થતંત્રની રીતે અમેરિકા પછી રશિયા બીજા નંબરનો દેશ હતો. અંતરીક્ષની સ્પર્ધામાં શરૂઆતમાં આગળ રહ્યા પછી રશિયા અમેરિકા કરતાં પાછળ રહ્યું હતું. અલબત્ત, અંતરીક્ષ વિજ્ઞાાનમાં અમેરિકા પછી બીજો નંબર તો રશિયાનો જ હતો. દુનિયાના દેશોને પોતાની તરફ કરવા બંને દેશો પ્રયાસો કરતા હતા. અમેરિકાએ તેના સાથી દેશોને શસ્ત્રો અને આર્થિક સહાય કરવાનું શરૂ રાખ્યું હતું, તો રશિયાએ પણ શસ્ત્રો અને આર્થિક સહાયથી જગતના અનેક દેશો પર પ્રભાવ પાડયો હતો. બંને દેશો વૈશ્વિક લડાઈઓમાં પોતપોતાની રીતે દબદબો જાળવવા મથતા હતા.

એવા સમયે ૧૯૭૩માં અમેરિકાના ઈશારે ફ્રાન્સમાં એક બેઠક મળી. ફ્રાન્સના આમંત્રણથી અમેરિકા, બ્રિટન, જર્મની, ઈટાલી, જાપાન એમ છ દેશોના મંત્રીઓ વચ્ચે સુરક્ષા, અર્થતંત્ર, વેપાર, ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દે ચર્ચા થઈ.એ બેઠકમાં જ દુનિયાના શક્તિશાળી અને વિકસિત દેશોનું એક ગુ્રપ હોવું જોઈએ એવો પ્રસ્તાવ રજૂ થયો અને એ જ વર્ષે સત્તાવાર રીતે જી-૬ ફોરમની સ્થાપના થઈ. જી-૬ મંચના સ્થાપક સભ્યો તે વખતે અર્થતંત્રમાં ટોપ-૧૦માં હતા. તે વખતે અમેરિકાનું અર્થતંત્ર પ્રથમ અને રશિયાનું અર્થતંત્ર બીજા નંબરે હતું. ત્રીજા નંબરનું અર્થતંત્ર જાપાનનું હતું, ચોથા ક્રમે જર્મની, પાંચમા ક્રમે ફ્રાન્સ, છઠ્ઠા ક્રમે બ્રિટન અને આઠમા ક્રમનું અર્થતંત્ર હતું ઈટાલીનું. આજે બીજા નંબરનું અર્થતંત્ર છે એ ચીન તે વખતે છેક સાતમા ક્રમે હતું. નવમા ક્રમે કેનેડા હતું અને એ પછી બ્રાઝિલનો નંબર હતો ૧૦મો.

૧૯૭૬માં નવમા નંબરનું અર્થતંત્ર ધરાવતા કેનેડાને ગુ્રપમાં સામેલ કરાયું ને તે સાથે જ ફોરમને નવું નામ અપાયું - ગુ્રપ ઓફ સેવન. આ બધા દેશોની વિચારધારા કોમન હતી. તેમણે અમેરિકાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું. આ તમામ દેશો વિકસિત અર્થતંત્ર ગણાતા હતા. અથવા તો ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રી ગણાતા હતા. વેસ્ટર્ન મીડિયાએ વિકસિત દેશોને ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝ કહેવાનું શરૂ કર્યું હતું. રશિયા તરફી દેશો સેકન્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાતા અને ભારત જેવા દેશો કે જે એકેય જૂથમાં ન હતા તેમને થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવામાં આવતા હતા.

તો આ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીના જી-૭ દેશોએ અર્થતંત્ર, આર્મી, સાયન્સ-ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાને છે એ બતાવવા આ મંચની રચના કરી હતી. તે વખતે આ સાત દેશોને આર્થિક-લશ્કરી કે એવી કોઈ રીતે રશિયા-ચીન જેવા સામ્યવાદી દેશો મળીનેય ટક્કર આપી શકે તેમ ન હતા. અર્થતંત્રની કે લશ્કરી શક્તિને દૃષ્ટિએ ટોપ-૧૦માંથી રશિયા-ચીનને બાદ કરતાં બધા જ દેશો અમેરિકાને પૂછીને પાણી પીતાં હતા. યુરોપિયન સંઘ નામે યુરોપના દેશોનું સંગઠન બન્યું એનેય ઓબ્ઝર્વર તરીકે બિનસત્તાવાર રીતે સ્થાન મળ્યું. બિનસત્તાવાર એટલે કે યુરોપિયન સંઘના મહત્ત્વના દેશો આ ફોરમમાં હતા જ. આમ આ જી-૭ સૌથી શક્તિશાળી મંચ બનીને ઉભરી આવ્યું.

વર્ષો સુધી જી-૭ નામથી ઓળખાતા આ સંગઠનમાં પહેલું મોટું પરિવર્તન આવ્યું ૧૯૯૭માં. અમેરિકા સાથે લાંબા કોલ્ડ વોર પછી આખરે ૧૯૯૧માં સંયુક્ત રશિયાનું વિઘટન થયું. ૧૫ દેશો એમાંથી જુદા પડયા હતા અને અમેરિકાની સરખામણીએ રશિયા ઘણું નબળું પડી ચૂક્યું હતું. શક્તિહીન બનેલા રશિયાને જી-૭ ફોરમમાં સામેલ થવા આમંત્રણ મળ્યું અને ૧૯૯૭માં રશિયા એમાં જોડાઈ જતાં આ ફોરમને વધુ એક વખત નવું નામ મળ્યુંઃ જી-૮. વિઘટન પછી અમેરિકાને રશિયાનો ભય ન હતો. રશિયાએ પણ ધીમે ધીમે અમેરિકાના નેતૃત્વમાં પશ્વિમનો સાથ મેળવવાનું પસંદ કર્યું. એમાં રશિયાનો ફાયદો હતો. અમેરિકા-યુરોપનું માર્કેટ રશિયા માટે ઓપન થયું હતું. યુરોપિયન દેશોએ રશિયા સાથે ફર્ટિલાઈઝરથી લઈને ગેસ, ખનીજ તેલના કરારો કરવા માંડયા હતા. વિઘટન પછી આર્થિક રીતે ફટકો પડયો હોવાથી રશિયાએ અર્થતંત્ર ફરીથી મજબૂત બનાવવા પર ધ્યાન આપ્યું. વિભાજન પછી ટોચનાં પાંચ અર્થતંત્રોમાંથી રશિયા બહાર ફેંકાઈ ચૂક્યું હતું. રશિયા બીજા નંબરેથી ગગડીને છેક નવમા ક્રમે પહોંચી ગયું હતું.

બરાબર ત્યારે જ રશિયાના રાજકારણમાં વ્લાદિમીર પુતિનની એન્ટ્રી થઈ. પુતિન ઉત્તરોત્તર શક્તિશાળી બન્યા. વિરોધીઓને ઉગતા ડામી દીધા. રશિયન અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડાવી. વૈશ્વિક રાજકારણમાં ફરીથી રશિયાનું મહત્ત્વ સ્થાપિત કર્યું. લશ્કરને શક્તિશાળી અને આધુનિક બનાવ્યું. દ્વિપક્ષીય વેપારનો ફેલાવો યુરોપથી એશિયા-આફ્રિકા સુધી કર્યો. બે દશકામાં રશિયાએ એટલી પ્રગતિ કરી લીધી ને એટલું કદ વધારી દીધું કે ફરીથી અમેરિકા સામે શિંગડા ભરાવવા માંડયાં. ૨૦૧૪માં ક્રીમિયા પર આક્રમણ કરીને આખો વિસ્તાર રશિયામાં ભેળવી દીધો. યુક્રેન પર પણ આક્રમણ કર્યું. આ ઘટનાઓથી દુનિયામાં હાહાકાર મચી ગયો. પુતિને રશિયાનો અસલ રંગ બતાવ્યો એટલે વૈશ્વિક રાજકારણનાં સમીકરણો બદલાયાં. એના પડઘા જી-૮ ફોરમ પર પડયા. તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જી-૮માંથી રશિયાની હકાલપટ્ટી કરાવી એટલે નામ ફરીથી જી-૭ થયું.

પણ એક દશકા પછી પરિસ્થિતિ બદલાતી દેખાય છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા. તેમણે યુક્રેન-રશિયાનું યુદ્ધ અટકાવવા પ્રયાસો શરૂ કર્યા. શાંતિના નોબલ પર નજર ખોડીને બેસેલા ટ્રમ્પને કોઈ પણ રીતે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવું છે.

 ેપરિણામે યુક્રેનને ક્યારેય નાટોનું સભ્ય ન બનાવવું એ શરત તો અમેરિકા સ્વીકારી જ લેશે. બ્રિટન, જર્મની અને ફ્રાન્સ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર કરે છે. એમાં વિવિધ બાબતોના ઉલ્લેખ સાથે ટ્રમ્પે જી-૭માં રશિયાની એન્ટ્રીની ભલામણ કરી છે. યુરોપના આ દેશો આનાકાની કરે છે, પરંતુ ટ્રમ્પ રશિયાને જી-૭માં લાવવા મક્કમ છે. ટ્રમ્પ આ વર્ષે જુલાઈમાં જ એવું કહી ચૂક્યા છે કે રશિયાને જી-૮માંથી હાંકી કાઢવાનો નિર્ણય અયોગ્ય હતો. જો રશિયા આ જૂથનું સભ્ય હોત તો યુક્રેન પર આક્રમણ થયું ન હોત.

ટ્રમ્પ યુદ્ધ અટકાવવાની ક્રેડિટ મેળવવા માગે છે. એ માટે રશિયાને ખુશ કરવા ઈચ્છે છે. રશિયા જી-૭માં એન્ટ્રી લે એનો અર્થ એ થાય કે યુરોપના દેશોનો વૈશ્વિક રાજકારણમાં પ્રભાવ ઘટયો છે અને રશિયાએ વિઘટનના સાડા ત્રણ દશકા પછી ફરીથી વૈશ્વિક રાજકારણમાં પક્કડ જમાવવા માંડી છે. એક સદી પહેલાં વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં રહેલું યુરોપ ઝડપભેર હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે એનો આ વધુ એક પુરાવો છે.