Get The App

સાત દશકામાં પહેલી વખત નાટો દેશોની એકતામાં ભંગાણ પડયું

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
સાત દશકામાં પહેલી વખત નાટો દેશોની એકતામાં ભંગાણ પડયું 1 - image

- વર્લ્ડ વિન્ડો

- અમેરિકાના પ્રમુખે મદદ માટે અપીલ કરી હોય પછીય નાટોના દેશોએ જવાબ ન આપ્યો હોય એવું સ્થાપના પછી પહેલી વખત થયું છે. ટ્રમ્પે નાટો સાથે જેવું વર્તન કર્યું એવું વર્તન નાટોએ પણ ટ્રમ્પ સાથે કર્યું!

બીજા વિશ્વયુદ્ધ પછી તુરંત અમેરિકા અને ફ્રાન્સે યુરોપ-અમેરિકા વચ્ચે સહયોગ વધારવા માટે વાટાઘાટો શરૂ કરી હતી. તેના ફળ સ્વરૂપે નાટોના ટૂંકા નામે ઓળખાતું ધ નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન અસ્તિત્વમાં આવ્યું હતું. આ સંગઠનની સત્તાવાર રચના ૭૪ વર્ષ પહેલાં ૧૯૪૯માં અમેરિકા-કેનેડા-ફ્રાન્સ-બ્રિટન-ડેનમાર્ક-ઈટાલી સહિતના ૧૨ દેશોએ મળીને કરી હતી. તે વખતે સોવિયેત રશિયાનો નકશો ઘણો અલગ અને વિશાળ હતો. રશિયા ખૂબ શક્તિશાળી હતું. અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ રશિયાને ભવિષ્યનો ખતરો ગણતા હતા. વિશ્વયુદ્ધમાં ભલે સાથે મળીને લડયા હતા તેમ છતાં અમેરિકાને ડર હતો કે રશિયાનું દુનિયામાં આધિપત્ય જામી જશે અને અમેરિકા પાછળ રહી જશે.

ભવિષ્યમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તો પણ અમેરિકા-યુરોપ મળીને રશિયા ઉપરાંત આરબ વર્લ્ડને પણ ટક્કર આપી શકે એવો હેતુ હતો. ઈઝરાયલ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો પછી તેના વિરોધમાં આરબ દેશો એક થયા હતા અને કદાચ યુદ્ધ થાય તો પડકાર આપી શકાય. ૧૯૫૦ના દશકામાં એવી ઘટનાઓ બની પણ ખરી કે જેના કારણે નાટોની રચનાને, નાટોની એકતાને બળ મળ્યું. 

નાટો રચવાનો મુખ્ય હેતુ એવો હતો કે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થાય તો ઉત્તર એટલાન્ટિકના દરિયાકાંઠાના દેશો વચ્ચે લશ્કરી સહયોગ કરી શકાય. એટલાન્ટિક મહાસાગરના એક કાંઠે યુરોપ છે. બીજા કાંઠે અમેરિકા-કેનેડા છે. આ સંગઠનની રેન્જમાં ઉત્તર અમેરિકા અને યુરોપ ઉપરાંત આફ્રિકા ખંડના દેશો અને દક્ષિણ અમેરિકન દેશો પણ આવે છે.

અમેરિકાના તમામ પ્રમુખોએ નાટોના, યુરોપના દેશોના અને યુરોપિયન સંઘનાં હિતોને મહત્ત્વ આપ્યું. નાટોની સ્થાપનાને ૭૭ વર્ષ થયાં. આ સમયગાળા દરમિયાન અમેરિકા નાટોમાં મોટાભાઈની ભૂમિકામાં રહ્યું. નાટોના મિલિટરી બજેટમાં ૫૦થી ૬૦ ટકા ફાળો અમેરિકાનો હોય છે. તેથી અમેરિકાનો હાથ ઉપર રહેતો હતો. અમેરિકાએ તેનો ફાયદો પણ બરાબર ઉઠાવ્યો. નાટોને આગળ કરીને અમેરિકન સૈન્ય યુરોપના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. એ જ કારણે રશિયા-યુક્રેનનું યુદ્ધ થયું. યુક્રેનને નાટોનું સભ્ય બનાવીને તેના રક્ષણના બહાને અમેરિકન સૈન્ય રશિયાની સરહદે તૈનાત થવાની તૈયારીમાં હતું. રશિયન પ્રમુખ પુતિને વારંવાર તેનો વિરોધ કર્યો અને એ જ વિરોધના ભાગરૂપે અંતે યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેન રશિયા સામે ૨૪ કલાક ટકી શકે તેમ ન હતું, પરંતુ નાટોના સહયોગથી હજુ ચાર વર્ષેય ઝઝૂમે છે.

અમેરિકાના નેતૃત્વમાં નાટોએ મોટા કહેવાય એવા ૨૦ લશ્કરી ઓપરેશન્સ અને સહાયતા મિશનો પાર પાડયા છે. લીબિયા, અફઘાનિસ્તાનથી લઈને બાલકન્સ દેશોના મિશનોનો સમાવેશ થાય છે. બોસ્નિયાથી યુગોસ્લાવિયા સુધી અમેરિકાની એક હાકલે નાટોનું સૈન્ય ઓપરેશન માટે મધરાતેય તૈયાર થઈ જતું, પણ ઈરાનના યુદ્ધમાં એવું ન થયું. નાટોની સ્થાપના પછી પહેલી વખત જાહેરમાં અમેરિકાના પ્રમુખે નાટોના દેશોને સહાય કરવા અપીલ કરી, પરંતુ નાટોએ 'આ લડાઈ અમારી નથી' - એવી દલીલ કરીને મદદ ન કરી. હોર્મુઝની ખાડીના માધ્યમથી થતો આંતરરાષ્ટ્રીય વેપાર બંધ થયો પછી ડોનાલ્ડ ટ્રમ્પે સાથી દેશોને વિનંતી કરી કે હોર્મુઝની ખાડીમાં યુદ્ધજહાજ તૈનાત કરીને અમેરિકાની, વૈશ્વિક વેપારની મદદ કરો. ટ્રમ્પે નામ લીધા વગર મદદની અપીલ કરી, પણ એમાં ફ્રાન્સ, જર્મની, ઈટાલી, બ્રિટન તરફ ઈશારો હતો.

ટ્રમ્પે મદદની અપીલ કરી તે પહેલાંનો ઘટનાક્રમ પણ સમજવા જેવો છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો ત્યારે અમેરિકા એમ માનીને ચાલતું હતું કે ૪૮-૭૨ કલાકમાં ઈરાનનો ખેલ ખતમ થઈ જશે. શરૂઆતના દિવસોમાં અમેરિકાને એવી આશા ન હતી કે ઈરાન મજબૂત ટક્કર આપશે. ખૌમેનીની હત્યા પછી અમેરિકાએ ધાર્યું હતું કે ઈરાન શરતો સ્વીકારીને યુદ્ધવિરામ કરી લેશે. તે વખતે બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોએ અમેરિકાની તરફેણમાં યુદ્ધમાં ઉતરવાની તૈયારી બતાવતા નિવેદનો આપ્યા હતા. નાટોના સભ્ય હોવાથી ને વળી અમેરિકા સાથે મજબૂત ગઠબંધન હોવાથી આ દેશોના સત્તાવાર નિવેદનોમાં અમેરિકાની તરફેણ કરવામાં આવતી હતી. એ ગાળામાં ટ્રમ્પને જ્યારે યુરોપના દેશોની, નાટોની મદદના સંદર્ભમાં પૂછાયું તો ટ્રમ્પે અહંકારથી જવાબ આપ્યો હતો, 'અમેરિકાને કોઈની મદદની જરૂર નથી.' સામાન્ય રીતે અમેરિકાના પ્રમુખ આવો ફિલ્મી ડાયલોગ જેવો જવાબ ન આપે. તેમને મદદ ન જોઈતી હોય તો પણ ટોન થોડો જુદો હોય.

શરૂઆતમાં અહંકાર બતાવ્યા પછી જ્યારે ખરેખર મદદની જરૂર પડી ત્યારે આ દેશોએ પણ આડકતરી રીતે પરખાવી દીધું, આ અમારી લડાઈ નથી. નાટોના આવા વલણથી અકળાયેલા ટ્રમ્પે કટાક્ષમાં લાંબી-લચક સોશિયલ મિડીયા પોસ્ટ લખીઃ 'અમેરિકાના સહયોગી નાટો દેશોએ અમેરિકાને જણાવ્યું કે તેઓ આતંકવાદી પ્રવૃત્તિથી ધમધમતા ઈરાનમાં ચાલતા અમેરિકાના લશ્કરી ઓપરેશનમાં ભાગ લેવા ઈચ્છતા નથી. મધ્ય-પૂર્વમાં અમે જે કરી રહ્યાં છીએ તે બાબતે બધા સહયોગી દેશો સહમત હોવા છતાં તેમણે અમેરિકાના લશ્કરી ઓપરેશનમાં સહયોગ ન આપ્યો તેનાથી મને આશ્ચર્ય થયું છે.

 નાટો પાછળ અમેરિકા અબજો ડોલર ફાળવે છે, પરંતુ આ દેશોએ અમારા માટે કશું જ ન કર્યું. જ્યારે અમેરિકાને જરૂર હતી ત્યારે આ દેશો મૌન રહ્યા. આ તો સારું થયું કે અમેરિકાએ ઈરાનની આર્મી, વાયુસેના અને નેવીનો કચ્ચરઘાણ વાળી દીધો છે, કારણ કે અમારી પાસે મજબૂત લશ્કર છે, આધુનિક શસ્ત્રો છે. અમારે નાટો દેશોના સહયોગની અપેક્ષા નથી. અમે ક્યારેય એવી અપેક્ષા રાખી પણ નથી.'

ટ્રમ્પે બળાપો કાઢ્યો પછી નાટોએ રહી રહીને કહ્યું કે અમે ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની સાથે છીએ, પરંતુ એ માત્ર નિવેદન જ સાબિત થયું. યુદ્ધજહાજો મોકલવા જેવું કોઈ એક્શન નાટોએ લીધું નહીં. નાટોના મહાસચિવ માર્ક રૂટે હોર્મુઝની ખાડીના માધ્યમથી થતો વેપાર તુરંત શરૂ થવો જોઈએ એવું સત્તાવાર સ્ટેટમેન્ટ આપ્યું એટલે ટ્રમ્પે ફરીથી ઝાટકણી કાઢતા કહ્યું, નાટોના દેશો કાગળના વાઘ છે. 

ઈરાન યુદ્ધમાં સહયોગ ન આપ્યો, પરંતુ હવે ક્રૂડના ભાવ વધ્યા છે એટલે અમેરિકાને એમાંથી બચાવવાની વિનંતી કરે છે. ટ્રમ્પનું નાટો તરફનું વલણ સત્તામાં આવ્યા ત્યારથી જ આવું છે એટલે નાટો સહિત યુરોપના દેશોએ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પ સાથે પણ એવું જ કર્યું. ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારથી નાટોમાં ફંડ ઘટાડવાની હિમાયત કરે છે. યુરોપના દેશોને ડિફેન્સમાં સ્વનિર્ભર થવાની સલાહ આપે છે. ટેરિફની ધમકીઓ આપે છે. રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા પુતિન સાથે વાટાઘાટો કરી એમાંય યુરોપ અને યુક્રેનના હિતોની અવગણના થઈ હતી.

અમેરિકાને જરૂર પડી ત્યારે નાટોએ આ બધું બરાબર યાદ રાખ્યું. અમેરિકાના એક્શનમાં યુરોપના દેશો મજબૂત સમર્થન આપતા દેખાતા હોય છે, પરંતુ સાત દશકામાં પહેલી વખત અમેરિકા-નાટો વચ્ચે એકતા દેખાઈ નહીં. શું આ બદલાતા વર્લ્ડ ઓર્ડરનો સંકેત છે?