મધ્ય-પૂર્વમાં તંગદિલી વચ્ચે ચીને તાઈવાનને ડરાવ્યું
- વર્લ્ડ વિન્ડો
- મધ્ય-પૂર્વમાં અશાંતિ સર્જાઈ તેનાથી દુનિયાના શ્વાસ અદ્ધર ચડી ગયા. હાલ પૂરતી થાળે પડેલી જણાતી પરિસ્થિતિ ગમે ત્યારે તંગ બની શકે છે. એ વચ્ચે ચીને ફરીથી તાઈવાન મુદ્દે અવળચંડાઈ કરી છે
'ચીન તિબેટને ગળી ગયું એમ વહેલાં મોડું ચીન તાઇવાનને ગળી જશે.'
અમેરિકાની ફોરેન પૉલિસી રિસર્ચ થિંક ટેંક વારંવાર આવી ચિંતા વ્યક્ત કરે છે. બાઈડેનની સરકારને બે વર્ષ પહેલાં આ થિંક ટેંકે અહેવાલ આપ્યો હતો કે જો અમેરિકા તાઈવાન બાબતે જરાય પણ ઢીલ મૂકશે તો ચીન ગમે તેમ કરીને તાઈવાનને કબજે કરી લેશે. તાજેતરમાં ફરીથી આ થિંક ટેંકે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને પણ એવી જ ચેતવણી આપી છે. અત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ધ્યાન રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વ પર છે. ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારે દાવો કરતા હતા કે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી દઈશ. એ પછી બંને પક્ષે વાટાઘાટો ચાલીય ખરા, પરંતુ એકબીજાની શરતોમાં બંને દેશો સહમત થતા નથી. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ઈચ્છે છે કે યુદ્ધવિરામ બિનશરતી થાય. યુક્રેન એવી સ્થિતિમાં નથી કે એ રશિયા સાથે વાટાઘાટો કરે. રશિયાએ જે હિસ્સા પર કબજો જમાવ્યો છે એ હવે રશિયા પાસે જ રહેશે. બીજી તરફ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી એમાં સહમત નથી. ટ્રમ્પના શાંતિના દાવાઓ વચ્ચે વાટાઘાટો પડી ભાંગે છે ને દર બે-ચાર દિવસે બંને તરફથી મોટા હુમલા થઈ રહ્યા છે.
એ મોરચો ઠરે તે પહેલાં ઈઝરાયલે-ઈરાન સામે મોરચો માંડી દીધો. અમેરિકાના સમર્થનથી ઈઝરાયલે ઈરાન પર એક પછી હુમલા કર્યા. ખુદ અમેરિકાએ ઈરાનની સંભવિત પરમાણુ સાઈટ્સ પર મિસાઈલ એટેક કર્યો. જવાબમાં ઈરાને કતર સ્થિત અમેરિકાના એરબેઝને નિશાન બનાવ્યું ને ઈઝરાયલનાં શહેરો પર પણ મિસાઈલો છોડી. આ યુદ્ધ ભયાનક બને તે પહેલાં હાલ પૂરતું અટકી ગયું છે, પરંતુ બંને તરફથી હોંકારા-પડકારા થઈ રહ્યા છે એ જોતાં ગમે ત્યારે ઈરાન-ઈઝરાયલ બાખડી પડે તો નવાઈ નહીં. અગાઉ પણ આ રીતે સામસામા હુમલા કર્યા પછી શાંતિની સમજૂતી થઈ હતી, પરંતુ એ સમજૂતી બીજા હુમલામાં તોડવા માટે જ થાય છે!
દુનિયા આખીનું ધ્યાન મધ્ય-પૂર્વની કટોકટી અને યુક્રેન-રશિયા યુદ્ધ પર મંડાયેલું હતું એનો ગેરલાભ લઈને ચીને દક્ષિણ ચીની સમુદ્રમાં ફરીથી અવળચંડાઈ કરી. ફિલિપાઈન્સની જળસીમા નજીક પહોંચીને ચીની નૌકાદળે ફિલિપાઈન્સની ઉશ્કેરણી કરી. છેક દક્ષિણ કોરિયા સુધી બે સપ્તાહમાં તો ચીન ફરી વળ્યું. એ બધામાં સૌથી ધ્યાન ખેંચે એવી ઘટના તાઈવાનમાં બની. ચીને તેની સરહદ પરથી એક સામટા ૭૪ ફાઈટર વિમાનોનો કાફલો તાઈવાન તરફ રવાના કર્યો. એમાંથી ૧૩ વિમાનો સરહદની સાવ નજીક ચક્કર લગાવીને પાછા ફર્યાં. ૬૧ વિમાનો તાઈવાનની એરસ્પેસમાં ઘૂસ્યાં. થોડાં સમય સુધી ચીનના એ ફાઈટર વિમાનોએ તાઈવાનના આકાશમાં શક્તિ પ્રદર્શન કર્યું અને પછી ફરીથી ચીનમાં પાછા ફર્યા.
ચીનના આ શક્તિ પ્રદર્શન પાછળ બે-ત્રણ ઘટનાઓ જવાબદાર હતી. બે સપ્તાહ પહેલાં અમેરિકન નૌસેનાનું એરક્રાફ્ટ યુએસએસ નિમિત્ઝે દક્ષિણ ચીની સમુદ્રમાંથી નીકળીને મધ્ય-પૂર્વ ગયું હતું. એ ઘટનાના થોડા દિવસ પછી જ બ્રિટિશ જહાજ એચએમએસ સ્પી તાઈવાનમાં આવ્યું. તાઈવાનની નૌસેનાએ તેનું સ્વાગત કર્યું. આ જહાજ આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે દરિયાઈ સફરે નીકળ્યું હતું. આવી રીતે ઘણા દેશો શક્તિ પ્રદર્શન કરે છે. ફ્રી નેવિગેશનના બહાને કે રિસર્ચના નામે જહાજો આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પસાર થઈ શકે છે. જે દેશો સાથે સંધિ હોય ત્યાં રોકાઈ શકે છે. એમાં સીધી રીતે નિયમોનું ઉલ્લંઘન થતું ન હતું એટલે ચીન તેનો વિરોધ નોંધાવી શકે તેમ નહોતું. તો ચીને આડકતરી રીતે તાઈવાનને દબાવ્યું.
તાઈવાનને દબાવવા પાછળ બીજુંય એક કારણ હતું. ગયા સપ્તાહે મધ્ય-પૂર્વની ક્રાઈસિસ ચાલતી હતી અને દક્ષિણ ચીની સમુદ્રમાં ઘૂસણખોરી કરીને ચીન પાડોશી દેશોની ઉશ્કેરણી કરતું હતું, બરાબર ત્યારે જ અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ તાઈવાનની મુલાકાતે આવ્યું હતું. તાઈવાનના પ્રમુખ તેઈ ચિંગ તેએ ગુજરાતી મૂળના અમેરિકન સાંસદ અમી બેરાના નેતૃત્વમાં તાઈવાન પહોંચેલા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું હતું.
એની તસવીરો તાઈવાન અને અમેરિકાના વિદેશ મંત્રાલયે જાહેર કરી પછી ચીન ભડક્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે તો આ પ્રતિનિધિ મંડળની આ રીતે તાઈવાનની સીધી મુલાકાતનો રાબેતા મુજબ વિરોધ પણ કર્યો હતો. ચીન તાઈવાનને અખંડ ચીનનો હિસ્સો ગણાવે છે એટલે વારંવાર કહે છે કે તાઈવાનના કોઈ સ્વતંત્ર વિદેશી સંબંધો નથી. એ ચીનનો હિસ્સો છે એટલે તેનાં વિદેશી હિતો ચીન નક્કી કરશે.
કોઈ પણ દેશ સત્તાવાર રીતે તાઈવાનના નામનો ઉલ્લેખ કરે તો પણ ચીન એનો વિરોધ કરે છે. કોઈ પ્રતિનિધિ મંડળ તાઈવાનમાં આવે એની સામેય ચીન વાંધો ઉઠાવે છે.
આ ત્રણ ઘટનાઓ પછી ચીને તાઈવાનને ડરાવવા માટે ફાઈટર જેટ્સ તો ઉડાવ્યાં જ, સાથે સાથે જળસીમાની નજીક નૌકાદળની સંખ્યા વધારી દીધી. યુદ્ધજહાજો પણ તૈનાત કરી દીધા. દુનિયામાં ચાલતી કટોકટી વચ્ચે ચીને તાઈવાન તરફ જે આક્રમકતા બતાવી તે પછી અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ટ્રમ્પને મળીને ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે એવી ચેતવણી આપી છે. અમેરિકાના ડિફેન્સ વિભાગનું માનવું છે કે અમેરિકા અત્યારે અન્ય મોરચા પર વ્યસ્ત છે એનો લાભ લઈને ચીન તાઈવાનમાં હુમલો કરી શકે છે. જો અમેરિકા તાઈવાનના બચાવવા યુદ્ધમાં ઉતરે તો અત્યારની પરિસ્થિતિ જોતાં મહાયુદ્ધ ફાટી નીકળે. ચીન બરાબર જાણે છે કે અમેરિકા ચીન સામે સીધું યુદ્ધમાં ઉતરશે નહીં ને ઉતરે તો ચીન બધો દોષ અમેરિકા પર ઢોળી શકે. આમેય તાઈવાનને એ પોતાનો અભિન્ન હિસ્સો ગણાવે છે એટલે અમેરિકાની દખલને એ આંતરિક દખલ ગણાવશે.
અમેરિકન ડિફેન્સ એક્સપર્ટ્સે ટ્રમ્પ સમક્ષ ચીન-તાઈવાન અંગે કંઈક આવી શક્યતા વ્યક્ત કરી છે - તાઈવાન પર એક વખત ચીન હુમલો કરી દેશે પછી જ્યારે યુદ્ધવિરામની વાત આવશે ત્યારે ચીનના પ્રમુખ જિનપિંગ પણ પુતિનની જેમ જે હિસ્સો પોતાના કબજામાં છે એ કબજામાં રાખશે. દુનિયાએ દખલ કરવી નહીં એવો રાગ આલાપશે.
જો આવું થાય તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. મહાસત્તાઓમાં રશિયા યુક્રેન સામે બાખડે છે. અમેરિકા ઈરાનને ધમકીઓ આપે છે. ફ્રાન્સ-બ્રિટન પણ યુક્રેનને સમર્થન કરે છે. બધા દેશો કોઈને કોઈ દેશમાં દખલ કરી રહ્યા હોય ત્યારે અવળચંડા ચીનને રોકવાનું અઘરું છે. તાઈવાનને બચાવવાનો અમેરિકાએ કરાર કર્યો છે.
અમેરિકા ખરેખર બચાવવા ઉતરે તો મહાયુદ્ધ ફાટી નીકળે એમાં શંકા ન રહે. તાઈવાનના મોરચે ચીનની સૈન્ય તૈયારી જોતાં વધુ એક યુદ્ધની ભીતિ વ્યક્ત થઈ રહી છે. તાઈવાનના સંયમની કસોટી થશે. ઈન ફેક્ટ, તાઈવાનના સંયમ પર મહાયુદ્ધનું ભવિષ્ય નક્કી થશે.