Get The App

અમેરિકા-ફ્રાન્સ છ બંને દેશોની સત્તાધારી પાર્ટીની વિચારધારાની ટક્કરથી રાજકીય સંબંધો તંગ બન્યા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ફ્રાન્સ છ બંને દેશોની સત્તાધારી પાર્ટીની વિચારધારાની ટક્કરથી રાજકીય સંબંધો તંગ બન્યા 1 - image

- વર્લ્ડ વિન્ડો

- ટ્રમ્પની બીજા દેશોમાં દખલ કરવાની રીત ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંને પસંદ પડી નહીં. ફ્રાન્સે અમેરિકાના રાજદૂત પર નિયંત્રણો મૂક્યાં તેનાથી બંને દેશોના સંબંધો તંગ બન્યા છે

- ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈમાન્યુઅલ મેક્રોં

'નેતાઓને સભ્યતાની બાબતમાં પાછળ જતાં જોઈને આશ્વર્ય થાય છે. સન્માન એ દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોનો ખૂબ જ આવશ્યક હિસ્સો છે. સૌએ સામસામે નેતાઓને આદર આપવો જોઈએ. તમે એકબીજા સાથે સહમત કે અસહમત થઈ શકો, પરંતુ તેનું પણ સન્માન કરવું જોઈએ. તમારો અસહમત થવાનો રસ્તો પણ આદરપૂર્ણ હોવો જોઈએ. લોકશાહી તમને એ અવસર આપે છે કે તમે તમારો જુદો અભિપ્રાય આપી શકો. પોતાની માન્યતા જ આખરી માનવાની કોઈ નેતાની વિચારધારાથી રાજદ્વારી સંબંધો તંગ બને છે. અસહમત થવાનો રસ્તો અનાદરપૂર્ણ કે આક્રમક ન હોવો જોઈએ. માનવ ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન આ સમજ ઘડાઈ છે. સન્માન બનાવવામાં દાયકાઓ લાગે છે અને પરંતુ નાનકડી બાબતથી એ મિનિટોમાં ધ્વસ્ત થઈ જાય છે. સન્માનનું નજાકતથી જતન કરવું પડે છે.'

આ શબ્દો છે ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંના - અને કોના રેફરન્સમાં છે? દુનિયાના બેહદ ચર્ચાસ્પદ નેતા ડોનાલ્ડ ટ્રમ્પના. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમજાય એવા નથી. તેમનું વર્તન અણધાર્યું અને આશ્વર્યજનક હોય છે. પહેલી ટર્મમાં પણ એવું જ હતું, પરંતુ બીજી ટર્મમાં તો તેમનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું છે. ગમે ત્યારે ગમે તે દાવો કરે છે. ગમે ત્યારે ગમે તે નેતા વિશે સારું-ખરાબ નિવેદન આપે છે. ગમે ત્યારે ગમે તે દેશ વિશે બોલી નાખે છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંને લઈને ટ્રમ્પે એવું જ એક અણધાર્યું વર્તન કર્યું હતું, જેનાથી અમેરિકા-ફ્રાન્સના સંબંધો તંગ બનવાની શરૂઆત થઈ હતી. ટ્રમ્પે મેક્રોં સાથેની પર્સનલ ચેટ એકાદ મહિના પહેલાં જાહેર કરી દીધી હતી. ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કર્યું ત્યારે મેક્રોંએ ટ્રમ્પને કહેલું કે સમજ નથી આવતું તમે ગ્રીનલેન્ડને લઈને શું કરવા ધારો છો. આપણે મળીને કામ કરી શકીએ. જી-૭ની બેઠક બોલાવી શકીએ. એમાં યુક્રેન, ડેનમાર્ક, સીરિયા અને રશિયાને પણ સામેલ કરીએ અને દુનિયામાં શાંતિપૂર્ણ માહોલ બને તેવા પ્રયાસો કરીએ.

ટ્રમ્પે આ ચેટનો સ્ક્રીનશોટ શેર કરીને એવું બતાવવાની કોશિશ કરી હતી કે અમેરિકાના ગ્રીનલેન્ડ કબજે કરવાના દાવામાં ફ્રાન્સનું સમર્થન છે. એ ઘટનાથી શરૂ થયેલી તંગદિલી હવે નેક્સ્ટ લેવલે પહોંચી ગઈ છે. મેક્રોંએ ટ્રમ્પનું નામ લીધા વગર પણ ટ્રમ્પની ટીકા શરૂ કરી છે અને એવી રીતે ટીકા શરૂ કરી છે કે રેફરન્સ ટ્રમ્પનો છે એ તુરંત ખબર પડી જાય. મેક્રોં બહુ જ ઠાવકાઈથી ટ્રમ્પના તરંગી તુક્કાઓ બતાવીને તુંડમિજાજની ટીકા કરે છે. દાઓસમાં મેક્રોંએ ટ્રમ્પની ટીકા કરતા કહેલું કે દુનિયાના દેશો એકાદ-બે નેતાઓના કારણે એક નિયમ વગરના વિશ્વ તરફ ધકેલાઈ રહ્યા છે.' 

વળી, થોડા દિવસથી ફ્રાન્સ-બ્રિટને જુદી રીતે અમેરિકા સામે મોરચો ખોલ્યો છે. ફ્રાન્સ-બ્રિટને યુક્રેનને હથિયારો આપવાની તૈયારી તો બતાવી જ છે, હવે યુક્રેનને રશિયા સામે મજબૂત બનાવવા માટે પરમાણુ હથિયારોની ટેકનિક આપશે એવાય દાવા થઈ રહ્યાં છે. મેક્રોંએ છેલ્લા થોડા સમયમાં જ યુરોપના દેશોને અમેરિકાના પડછાયામાંથી બહાર નીકળવાની સલાહો આપી છે. મેક્રોંનો બદલાયેલો મિજાજ ટ્રમ્પને પસંદ પડયો નહીં. ફ્રાન્સની સરકારની ટીકા કરવાની રાહ જોઈને બેસેલા ટ્રમ્પને એક મુદ્દો મળી ગયો. થોડા દિવસ પહેલાં ફ્રાન્સમાં એક જમણેરી રાજકીય કાર્યકર્તા ક્વેંટિન ડેરેકની હત્યા થઈ ગઈ. એ સંદર્ભમાં ટ્રમ્પની સરકારે ટિપ્પણી કરી કે ફ્રાન્સના આ કાર્યકરની હત્યા ડાબેરી વિચારધારાના ઉગ્રવાદીઓએ કરી. એ ચિંતાનો વિષય છે. ટ્રમ્પ સરકારની એકથી વધુ એજન્સીઓએ આ નિવેદન રિપોસ્ટ કર્યું. તેનાથી મેક્રોંની સરકાર છંછેડાઈ ગઈ.

ફ્રાન્સની સરકારે અમેરિકાના ફ્રાન્સ સ્થિત રાજદૂત ચાર્લ્સ કુશ્નરને સમન્સ પાઠવ્યું. ફ્રાન્સની આંતરિક બાબતમાં અમેરિકા કેમ દખલ કરે છે તેની પૂછપરછ માટે ચાર્લ્સને બોલાવ્યા. ચાર્લ્સ હાજર રહ્યા નહીં એટલે ફ્રાન્સની સરકાર વધારે અકળાઈ. ફ્રાન્સની સરકારે તાત્કાલિક અસરથી ચાર્લ્સને ફ્રાન્સની સરકારનો સીધો એક્સેસ મળતો હતો તે બંધ કરી દીધો. ચાર્લ્સના અને અમેરિકાના આવા વલણની આકરી ઝાટકણી કાઢી. ફ્રાન્સના વિદેશમંત્રી જીન નોએલ બેરોટે કહ્યું કે દેશના નાગરિકની હત્યાની તપાસ દેશમાં થઈ રહી છે. તેનો રાજકીય ઉપયોગ થાય તે બિલકુલ ચલાવી શકાય નહીં. રાજદૂતને તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મળે છે. પરંતુ ફ્રાન્સ સ્થિત અમેરિકન રાજદૂત એ મૂળભૂત બાબત ભૂલી ગયા છે કે તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો સુમેળભર્યા રાખવાના છે. તેમણે અમેરિકાનું નામ લીધા વગર ઉમેર્યું કે અમને કોઈએ સલાહ આપવાની જરૂર નથી. બીજા દેશો આવીને દેશના રાજકારણની ચર્ચામાં ઝંપલાવે તે અયોગ્ય છે, વિદેશનીતિના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે અને બે દેશોના હિત માટે પણ વાજબી નથી. વાત જ્યારે હિંસાની હોય ત્યારે માનવ અધિકારીઓનું ઉલ્લંઘન કરતા દેશોએ તો અમને સલાહ ન જ આપવી. અમેરિકાએ વળતા નિવેદનમાં કહ્યું કે સરકાર આખાય મુદ્દે ધ્યાન આપી રહી છે. ગુનેગારોને સજા થાય એના પર નજર રહેશે.

અગાઉ ચાર્લ્સ કુશ્નરને બીજા એક મુદ્દે થોડા મહિના પહેલાં સમન્સ મળ્યું હતું. ચાર્લ્સે મેક્રોંને પત્ર લખીને એવું કહ્યું હતું કે ફ્રાન્સની સરકાર યહૂદીઓની સુરક્ષા માટે જે પગલાં ભરે છે તે પર્યાપ્ત નથી. એ વખતે પણ તેમને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા હતા ને ત્યારે પણ ચાર્લ્સ હાજર રહ્યા ન હતા. ચાર્લ્સને ટ્રમ્પ સરકારનું આટલું બેકઅપ હોવાનું કારણ એ છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પના વેવાઈ છે. ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ જેરેડ સાથે લગ્ન કર્યા છે અને ચાર્લ્સ જેરેડના પિતા છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયને લાગે છે કે ચાર્લ્સ રાજદૂતો જેવું વર્તન કરતા નથી. તેમની દખલ વધારે રહે છે. તેમનાં નિવેદનોમાં પણ એ સ્પષ્ટ દેખાય છે. મેક્રોં તટસ્થ વિચારધારાના હિમાયતી છે. તેમની પાર્ટીને પણ ફ્રાન્સમાં એટલે જ જનસમર્થન મળ્યું હતું. ટ્રમ્પના અમેરિકા કેન્દ્રિત વિચારો સાથે મેક્રોં શરૂઆતથી જ સહમત થતા નથી.

મેક્રોંની પાર્ટી રેનેસીએન્સ માને છે કે ટ્રમ્પની સરકાર આડકતરી રીતે દેશમાં જમણેરી પાર્ટીઓને સમર્થન મળે એવું કરે છે. તેનાથી ફ્રાન્સમાં પણ કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટીઓનો ઉદય થાય તો ટ્રમ્પની વિચારધારા સાથે મેળ બેસે. ફ્રાન્સમાં આવતા વર્ષે પ્રમુખપદની ચૂંટણી થવાની છે. આમેય ફ્રાન્સમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય સ્થિતિ સ્થિર નથી, એમાં જો અમેરિકાનું વલણ આવું રહે તો તેનાથી સત્તાધારી પાર્ટીને નુકસાન થાય. મેક્રોંની પાર્ટી માને છે કે ટ્રમ્પે ચાર્લ્સને ચોક્કસ એજન્ડા સાથે ફ્રાન્સમાં મોકલ્યા છે. ટ્રમ્પને મેક્રોંની લિબરલ પૉલિસી માફક આવતી નથી ને અમેરિકાથી જુદી દિશામાં યુરોપને વાળવાની તેમની રીત પણ ટ્રમ્પને પસંદ નથી.

ફ્રાન્સ-અમેરિકાના સંબંધો છેલ્લા આઠેક દશકાથી ખૂબ મજબૂત છે, પરંતુ અત્યારે ફ્રાન્સ અને અમેરિકાના સંબંધો તંગ થયા એમાં બંને દેશોની પૉલિસી કરતાં સત્તાધારી પાર્ટીની વિચારધારાનો પડઘો વધારે પડે છે.