'ફેક ન્યૂઝ'થી યુરોપમાં ચૂંટણીઓ પ્રભાવિત કરવાનો રશિયાનો પ્રયાસ
- વર્લ્ડ વિન્ડો
- લેટેસ્ટ અહેવાલનું માનીએ તો રશિયન સરકારે ફંડ આપ્યું હોય એવી સમાચાર એજન્સીઓએ છેલ્લાં વર્ષોમાં કેટલીક ચૂંટણીઓ પ્રભાવિત કરી હતી
ફેક ન્યૂઝ.
સોશિયલ મીડિયાના આ જમાનામાં આ શબ્દ દુનિયા આખીમાં હાહાકાર મચાવે છે. આજે ફેક ન્યૂઝથી બચવું ખૂબ જરૂરી છે. નહીંતર તેના ગંભીર પરિણામો ય આવી શકે છે.
ફેક ન્યૂઝ શું છે? ભારતનું એક એક ઉદાહરણ જુઓ!
ભારતમાં નવેમ્બર-૨૦૧૬ના દિવસે નોટબંધી થઈ. ૫૦૦-૧૦૦૦ની નોટો સરકારે રાતોરાત ચલણમાંથી પાછી ખેંચી લીધી અને એના બદલે ૨૦૦૦ની નવી નોટ માર્કેટમાં આવી.
નોટબંધીના બીજા જ દિવસે કોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી એવા મનઘડંત ન્યૂઝ વહેતા કરી દીધા કે ૨૦૦૦ની નોટમાં એવી ચિપ બેસાડવામાં આવી છે કે ૪૦૦ ફૂટ સુધી જમીનમાં દાટેલી નોટોની પણ ભાળ મળી જશે. જેના ઘરમાં ૨૦૦૦ની નોટોનો વધુ જથ્થો હશે એની માહિતી સરકારને સેટેલાઈટની મદદથી મળી જશે ને કાળંુ નાણું શોધવામાં આ ૨૦૦૦ની નવી નોટ ખૂબ ઉપયોગી સાબિત થશે. વોટ્સએપમાં ફરતા થયેલા આ સમાચાર પવન વેગે ફેલાયા. આશ્વર્ય તો એ વાતનું હતું કે દેશની મુખ્ય સમાચાર ચેનલોમાં બેસીને અર્થશાસ્ત્ર/ટેકનોલોજીના નિષ્ણાતોએ વિશ્લેષણો રજૂ કરી કે ૨૦૦૦ની નોટમાં ચિપ ક્યાં હોઈ શકે. વાતનું વતેસર થતું જોઈને ખુદ તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરવી પડેલી કે ૨૦૦૦ની નોટમાં એવી કોઈ ચિપ ગોઠવવામાં આવી નથી. આ સમાચાર પાયાવિહોણા છે!
વિશ્વભરમાં આવા તો કેટલાય ફેક ન્યૂઝે મુખ્ય સમાચાર માધ્યમોને ય પ્રભાવિત કર્યા હોય એવું છેલ્લાં થોડાં વર્ષમાં અસંખ્ય વખત બન્યું છે. ફેક ન્યૂઝની સર્વ સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે જે ઘટના બની જ નથી એમાં કલ્પનાના મનઘડંત રંગો ભેળવીને એવી રીતે રજૂ કરવી કે એ ઘટના એકદમ સાચી લાગે અને લોકો કોઈ જીવંત ઘટનાની જેમ તેને સ્વીકારી લેતા થાય.
આમ જુઓ તો સોશિયલ મીડિયાના કારણે ફેક ન્યૂઝનું પ્રમાણ વધ્યું છે અને તેનો ફેલાવો ય વધ્યો છે, પરંતુ ફેક ન્યૂઝ અખબારી આલમ માટે નવી વાત નથી. ૧૯મી સદીના અંતમાં ફેક ન્યૂઝનું પ્રમાણ અતિશય વધ્યું હતું. અખબારો વચ્ચે સ્પર્ધાનો માહોલ પૂરજોશમાં હતો એ અરસામાં અફવાઓને સમાચાર માનીને છાપી નાખવામાં આવતા અને પછી તેની સચ્ચાઈની જાણ થતી કે ખરેખર એવી કોઈ ઘટના બની જ નથી. અખબારોમાં છપાતા એ ફેક ન્યૂઝને યેલ્લો જર્નલિઝમ યાને પીળું પત્રકારત્વ પણ કહેવામાં આવતું, જેમાં કોઈ શંકાના આધારે વ્યક્તિ કે સંસ્થાની છબી ખરડાવવાનો હીન પ્રયાસ થતો.
પરંતુ એમાં પછી તુરંત કાબુ પણ આવી ગયો. અખબારો ઉપર કેસ થઈ શકતો. બદનક્ષીના કેસમાં અખબારોએ જવાબ આપતો પડતો. ધીમે ધીમે મેઇનસ્ટ્રીમ અખબારોમાં એ તત્ત્વ બહુ જ ઓછું થયું. ધીમે ધીમે સમાચાર સંસ્થાઓ વચ્ચે વિશ્વસનીય બનવાની હકારાત્મક હોડ જામી એટલે ફેક ન્યૂઝને બદલે ફેક્ટ ન્યૂઝ આપવાનું વલણ વધ્યું. જે-તે વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો હોય તો એ વ્યક્તિને પણ તેનું વર્ઝન પૂછવામાં આવતું. એકતરફી ન્યૂઝને બદલે બંને પક્ષોનાં વલણ છપાતાં અને એમ ફેક ન્યૂઝ ઉપર ઘણો કાબુ રહેતો.
સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું પછી હવે એવી સેન્સરશિપ રહેતી નથી. સાઈબર ક્રાઈમના કાયદા લગભગ બધા દેશોમાં એટલા નબળા છે કે ફેક માહિતીનો પ્રચાર કરનારાને છૂટો દોર મળે છે. છેવાડાના ખૂણે બેસીને કોઈ વ્યક્તિ કલ્પનાના રંગો પૂરીને ફેક ન્યૂઝને વોટ્સએપ-ફેસબુક જેવાં માધ્યમોથી વાયરલ કરી શકે છે. વાયરલ થયેલા સમાચારો એટલા ફેલાઈ જાય કે તેની અસર આપોઆપ લોકોમાં થતી હોવાથી મેઈન સ્ટ્રિમ સમાચાર ચેનલો કે અખબારોને પણ એમાં ઝંપલાવવું પડે છે.
બ્રિટનની કૉલિન્સ ડિક્શનરીના કહેવા પ્રમાણે, આ શબ્દના વપરાશમાં એક જ વર્ષમાં ૩૬૫ ટકાનો વધારો થયો છે. ડિક્શનરીએ નોંધ કરી હતી કે ફેક ન્યૂઝનો ઉપયોગ અને તેની ચર્ચા વધી છે. આ શબ્દનો ઉપયોગ ઈન્ટરનેટ ઉપર વધ્યો છે, પરંતુ એથીય ગંભીર બાબત એ છે કે સરકારો ખુદ ફેક ન્યૂઝને ફેલાવે છે. અથવા તો ફેક ન્યૂઝ પ્રત્યે જાણી-જોઈને આંખ-આડા કાન કરે છે.
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વખતે અને ચૂંટણી પછી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મીડિયાને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે ટ્રમ્પ વારંવાર ફેક ન્યૂઝ શબ્દનો ઉપયોગ કરતા હતા. અમેરિકામાં ફેક ન્યૂઝ શબ્દને ચર્ચાસ્પદ બનાવવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું.
ફેક ન્યૂઝ માત્ર સોશિયલ મીડિયાના આધારે જ ફેલાય છે એવું નથી. કેટલાક દુશ્મન દેશો વચ્ચે પણ એકબીજાના દેશ વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનું સતત વધ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા આપણાં પાડોશી દેશ પાકિસ્તાનનું નામ આ યાદીમાં ટોચ ઉપર મૂકવું પડે.
'ધ ગાર્ડિયન'ના એક અહેવાલ પ્રમાણે કાશ્મીરને લઈને પાકિસ્તાનમાં એટલા બધા ફેક ન્યૂઝ ફરે છે કે જ્યારે એ ફરતા ફરતા કાશ્મીરમાં પહોંચે છે ત્યારે ખુદ કાશ્મીરીઓને ય આશ્વર્ય થાય છે! જેવી ઘટના બની જ ન હોય એવી ઘટનાઓને પાકિસ્તાનું સ્થાનિક મીડિયા તોડી મરોડીને એવી રીતે રજૂ કરે છે. એમાં વળી સરકારનો પણ અંદર ખાને ટેકો મળે છે.
જેમ પાકિસ્તાન ભારતના સંદર્ભમાં કરે છે એવું રશિયા અમેરિકા યુરોપ માટે કરે છે. અમેરિકાની ચૂંટણી વખતે મેડ ઈન રશિયા ફેક ન્યૂઝ ૧૨ કરોડ અમેરિકનો સુધી પહોંચ્યા હતા. એમ મનાય છે કે ટ્રમ્પ જીતી એમાં પુતિન પોતાનું હિત જોતા હતા, બાયડન યુક્રેનને મોટું ફંડ આપતા હતા અને ટ્રમ્પ શરૂઆતથી જ એનો વિરોધ કરતા હતા, જે રશિયાની તરફેણની વાત હતી. જોકે આ આરોપથી બચવા ડોનાલ્ડ ટ્રમ્પ આ શબ્દનો ઉપયોગ વારંવાર ટ્વિટ પર કે ભાષણમાં કરતા આવે છે ને અમેરિકી મીડિયાની ટીકા કરતા રહે છે.
લેટેસ્ટ અહેવાલનું માનીએ તો રશિયન સરકારે ફંડ આપ્યું હોય એવી સમાચાર એજન્સીઓએ છેલ્લા વર્ષોમાં કેટલીક ચૂંટણીઓ પ્રભાવિત કરી હતી. એમાં પણ યુરોપના દેશોમાં ચૂંટણી વખતે પોતાનાં હિતો જાળવવા રશિયાએ મોટાપાયે ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. તે એટલે સુધી કે યુરોપીયન સંઘની ગયા વર્ષની ચૂંટણીને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો.
ભારતમાં પણ સત્તાપક્ષ અને વિપક્ષો વારંવાર ફેક ન્યૂઝનો ઉપયોગ કરે છે અથવા તો ફેક ન્યૂઝ શબ્દનો ઉપયોગ કરે છે. ગંભીર બાબત તો એ સામે આવી છે કે પોતાને માફક આવે એવા સમાચાર ન હોય તો સાચા ન્યૂઝને પણ ફેક ન્યૂઝ જાહેર કરતા આ નેતાઓ એક મિનિટનો સમય પણ લગાડતા નથી અને પોતાને અનુકૂળ હોય તો ફેક ન્યૂઝના પણ એવા વખાણ કરે છે કે તેનાથી પ્રભાવિત થઈને લોકો એને ફેક્ટ ન્યૂઝ માની બેસે છે. 'ધ ગાર્ડિયન' જેવા અખબારોના નિષ્ણાતો ફેક ન્યૂઝના તોડરૂપે એક જ બાબત એકીસૂરે કરે છે. માહિતીને સાચી માનતા પહેલાં એક વખત વિશ્વસનીય સ્ત્રોત પર ક્રોસ ચેક કરો. મોટાભાગના સમાચારો માટે અખબારોની માહિતી હજુ ય ચેનલો કે અન્ય માધ્યમો કરતા વધુ વિશ્વસનીય સાબિત થઈ છે. આ એક્સપર્ટ્સ કહે છે કે અખબારોમાં ન છપાય ત્યાં સુધી ઘટનાને સાચી માનવાની ભૂલ ન કરો!