Get The App

ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીનો પ્રભાવ ખાળવા ઈઝરાયલ-ગ્રીસ-સાઈપ્રસની રિસ્પોન્સ ફોર્સ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીનો પ્રભાવ ખાળવા ઈઝરાયલ-ગ્રીસ-સાઈપ્રસની રિસ્પોન્સ ફોર્સ 1 - image

- વર્લ્ડ વિન્ડો

- ત્રણેય દેશોએ 2500 સૈનિકોની રેપિડ રિસ્પોન્સ ફોર્સ બનાવવાનો કરાર કર્યો છે. ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીની સૈન્ય ગતિવિધિ વધી જતાં આ પગલું મહત્ત્વનું સાબિત થશે

ભૂમધ્ય સમુદ્ર. તેની પૂર્વએ જિબ્રાલ્ટનની ખાડી, ઉત્તરે યુરોપ, દક્ષિણે આફ્રિકા અને પૂર્વમાં એશિયા આવે છે. એટલાન્ટિક મહાસાગર સાથે જોડાયેલો આ સમુદ્ર યુરોપ-એશિયા-આફ્રિકાના ઈતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બધી જ બાજુએ ભૂમિખંડો છે એટલે એ ભૂમધ્ય સમુદ્રના નામે ઓળખાય છે. ત્રણ-ત્રણ ખંડોની વચ્ચે હોવાથી જળમાર્ગ માટે આ સમુદ્ર ખૂબ જ ઉપયોગી બનતો આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર પ્રાચીન ઈજિપ્ત, ગ્રીક અને રોમન સામ્રાજ્યના ઉદય-અસ્તનો સાક્ષી બન્યો હતો. એના કાંઠે અનેક સંસ્કૃતિઓ ઉદ્ભવી હતી, અનેક દેશો વિકસ્યા. આજેય નાના-મોટા દોઢેક ડઝન દેશોની જમીન ભૂમધ્ય સાગરને સ્પર્શે છે.

પૂર્વ તરફ કાળા સમુદ્ર સાથે જોડાયેલો આ ભૂમધ્ય સુએઝ નહેરના માધ્યમથી રાતા સમુદ્ર સાથે પણ જોડાયેલો છે. તેના કારણે વૈશ્વિક વેપારમાં તેનું મૂલ્ય ખૂબ વધી જાય છે. ભૂમધ્ય સમુદ્રમાં નાના-મોટા અનેક ટાપુઓ આવેલા છે. એમાંનો મહત્ત્વનો ટાપુ દેશ છે - સાઈપ્રસ. તુર્કીના કાંઠેથી સાઈપ્રસ ખૂબ નજીક છે એટલે હંમેશા તુર્કીની દખલ સાઈપ્રસની જળસીમામાં રહેતી આવી છે. સાઈપ્રસ પર બ્રિટિશરાજ હતું ત્યારે પણ તુર્કીએ સાઈપ્રસને તુર્કીનો ટાપુ બનાવવાની માગણી કરી હતી, પરંતુ બ્રિટને એ માન્ય રાખી નહીં ને છેક ૧૯૬૦માં સાઈપ્રસને સ્વતંત્રતા આપી.

સાઈપ્રસ આઝાદ થયું ત્યારથી જ તુર્કી આસપાસના સમુદ્રમાં પ્રભુત્વ જમાવવા પ્રયાસો કરે છે. તુર્કીની દખલ સામે સાઈપ્રસને વર્ષોથી ઈઝરાયલ સાથે ગાઢ દ્વિપક્ષીય સંબંધો છે. સાઈપ્રસને એવા જ મજબૂત દ્વિપક્ષીય સંબંધો ગ્રીસ સાથે પણ છે. ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયલ અને ગ્રીસ સામસામે છે. પૂર્વમાં તુર્કી છે અને એ ત્રણેય દેશોની વચ્ચે છે સાઈપ્રસ. ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીને પડકારી શકે એવા દેશોમાં ઈઝરાયલ અને ગ્રીસ મુખ્ય છે. ધાર્મિક દૃષ્ટિએ પણ તુર્કીને પડકાર ફેંકે એવા આ બે દેશો મુખ્ય છે. ઈઝરાયલ યહૂદીઓનો દેશ છે. ગ્રીસમાં ૯૫ ટકા ખ્રિસ્તીઓ છે. સાઈપ્રસમાં પણ ૭૫ ટકા વસતિ ખ્રિસ્તીઓની છે. તુર્કીની આજુબાજુ એ સિવાયના મોટાભાગના દેશો ઈસ્લામિક વર્લ્ડનો હિસ્સો છે અને તુર્કીની તેમની સાથે દ્વિપક્ષીય સંબંધો સુમેળભર્યા હોવાથી પડકાર મળવાની શક્યતા નહીંવત છે.

આવી ભૂરાજકીય સ્થિતિનો લાભ લઈને તુર્કીએ ભૂમધ્ય સમુદ્રમાં પ્રભાવ સતત વધાર્યો છે. ભૂમધ્ય સમુદ્ર વૈશ્વિક વેપારમાં પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાતા સમુદ્રમાંથી વાયા સુએઝ નહેર ભૂમધ્ય સમુદ્રના માધ્યમથી જે વેપાર થાય છે એનો હિસ્સો ગ્લોબલ ટ્રેડમાં ૧૫ ટકા જેટલો ઊંચો છે.

 એક ટ્રિલિયન ડોલરથી વધુની સામગ્રી આ માર્ગથી થાય છે. આ માર્ગના વેપારી હિતો જળવાય તે ખૂબ આવશ્યક છે. તુર્કીના સમર્થનથી અમુક આતંકવાદી સંગઠનો જો આ માર્ગને આંતરે તો કેટલાય દેશોનો વેપાર પ્રભાવિત થઈ શકે. રાતા સમુદ્રમાં હોથી આતંકવાદીઓ વૈશ્વિક વેપારને રંજાડે છે. ભૂમધ્ય સમુદ્રમાં આતંકવાદી સંગઠનો સક્રિય થાય તો અબજોના વેપારને અસર થઈ શકે. આર્દવાનના નેતૃત્વમાં તુર્કી કટ્ટરતાના માર્ગે છે એ જોતાં ભવિષ્યમાં આ શક્યતા નકારી શકાય નહીં.

આવું ન થાય તે માટે ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા ત્રણ દેશો ઈઝરાયલ-ગ્રીસ-સાઈપ્રસ સક્રિય થયા છે. આ દેશોના વડાઓ વચ્ચે રેપિડ રિસ્પોન્સ ફોર્સ બનાવવાના કરારો થયા છે. એ પહેલાં લશ્કરી અધિકારીઓ અને રાજકીય સમીક્ષકો વચ્ચે કેટલાય સમય સુધી વાટાઘાટો અને ચર્ચા વિચારણા ચાલી હતી. રેપિડ રિસ્પોન્સ ફોર્સ બને તો તેનું કામ શું હશે? કેવી રીતે ભૂમધ્ય સમુદ્રમાં આ દેશોનાં હિતો માટે તેમ એક્ટિવ થશે અને ભવિષ્યમાં એ ફોર્સ કેવી ભૂમિકા ભજવી શકે - એ તમામ બાબતો નક્કી થયા પછી ચોક્કસ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

ત્રણેય દેશો સહમત થયા છે એ પ્રમાણે રેપિડ રિસ્પોન્સ ફોર્સની શરૂઆત ૨૫૦૦ સૈનિકોથી થશે. એમાં એક હજાર સૈનિકો ઈઝરાયલના હશે, એક હજાર સૈનિકો ગ્રીસ આપશે અને ૫૦૦ સૈનિકો સાઈપ્રસના હશે. ઈઝરાયલ-ગ્રીસ વધારે ફંડ આપશે. સાઈપ્રસના ભાગે બજેટ ઓછું આવશે એવું આયોજન થઈ રહ્યું છે. ભૂમધ્ય સમુદ્રમાં વિસ્તારો પ્રમાણે અલગ અલગ ભાગ પડયા છે. એમાં ઈજિયન અને લેવેન્ટિન સાગરો અનુક્રમે ગ્રીસ અને ઈઝરાયલની જળસીમામાં આવે છે ને વળી લેવેન્ટિન તો સાઈપ્રસની પણ જળસીમા છે. આ બંને સાગરો તુર્કીની રેન્જમાં હોવાથી ત્રણેય દેશોની સંયુક્ત ફોર્સ એના પર વોચ રાખશે. ભૂમધ્ય સમુદ્રના આ બંને સાગરોમાં તુર્કીની નૌસેના વારંવાર ઘૂસણખોરી કરે છે એવી ફરિયાદ ઉઠતી રહે છે.

આ ફોર્સનો મુખ્ય હેતુ ભૂમધ્ય સમુદ્રની રખેવાળીનો રહેશે, પરંતુ એ માત્ર એક નૌકાદળ કે કોસ્ટ ગાર્ડ જેવી ફોર્સ નહીં હોય. ત્રણેય દેશોના સૈનિકો હવાઈ ઓપરેશન માટે પણ તૈયાર રહેશે અને જરૂર પડે તો આર્મીનું કામ કરીને જમીની હુમલા પણ કરશે. ફોર્સમાં ત્રણેય પાંખના સૈનિકોને સામેલ કરવામાં આવશે. અત્યારે જે રીતે કરાર થયા છે એ પ્રમાણે ઈઝરાયલમાં આ ફોર્સને સ્પેશિયલ ટ્રેનિંગ આપીને કોઈ પણ પરિસ્થિતિ સામે તૈયાર રહેતા શીખવવામાં આવશે. કોઈ પાડોશી દેશની નેવી કે કોસ્ટ ગાર્ડ આ ત્રણેય દેશની જળસીમામાં ઘૂસણખોરી કરે તો તેનો જવાબ આ રેપિડ રિસ્પોન્સ ફોર્સ એના નામ અને હેતુ પ્રમાણે તુરંત આપશે. આ દેશો અને તેમના મિત્ર રાષ્ટ્રોના વેપારી હિતો જોખમાતા લાગશે તો પણ આ ફોર્સ સહાય કરશે. કોઈ આતંકવાદી જૂથ વેપારી જહાજને બાનમાં લેશે તો આ ફોર્સની જવાબદારી એને છોડાવવાની રહેશે.

ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીનો પ્રભાવ ઘટાડતો એ રેપિડ રિસ્પોન્સ ફોર્સ બનાવવા પાછળનો મુખ્ય ઉદેશ્ય છે. છેલ્લાં ઘણાં સમયથી તુર્કીની દખલ ભૂમધ્ય સાગરમાં વધતી જાય છે. જેમ ચીન દક્ષિણ ચીની સમુદ્ર અને હિંદ મહાસાગરમાં કોઈને કોઈ બહાને ઘૂસણખોરી કરે છે અને તેના કાંઠે આવેલા દેશોને રંજાડે છે એમ તુર્કીએ પણ પાડોશી માટે પડકાર ખડો કર્યો છે. તુર્કીના પ્રમુખ આર્દવાનને ઈસ્લામિક વર્લ્ડના દેશોના અગ્રણી તરીકે છવાઈ જવાની મહત્ત્વાંકાંક્ષા છે. તુર્કીના જહાજો રિસર્સ અને એવા જાતભાતના બહાને ભૂમધ્ય સમુદ્રમાં ફરતાં થયાં છે. તુર્કીની નજર ભૂમધ્ય સાગરના પેટાળમાં પડેલા કુદરતી ખજાના પર છે. તુર્કી આસપાસના દેશો સાથે સમુદ્રની સરહદનો વિવાદ સર્જીને, પોતાની જળસીમા હોવાનો દાવો કરીને સમુદ્રમાંથી ગેસનો ખજાનો ઉલેચવા ધારે છે. વળી, ભવિષ્યમાં કોઈ મોટું યુદ્ધ થાય તો એમાં તુર્કીની પહોંચ ભૂમધ્ય સમુદ્રમાં દૂર સુધી રહે તે માટે આર્દવાને નાના-નાના ટાપુઓમાં વિકાસના નામે લશ્કર ગોઠવવાનો મનસૂબો પણ ઘડવા માંડયો છે. તુર્કીએ આ ફોર્સને કાઉન્ટર કરવા સીરિયા અને લીબિયા સાથે વાતચીત શરૂ કરી છે.

આ પરિસ્થિતિમાં ઈઝરાયલ-ગ્રીસ-સાઈપ્રસની સંયુક્ત રેપિડ રિસ્પોન્સ ફોર્સ લાલ આંખ કરીને ગમે તેવી સ્થિતિનો જવાબ આપવા તૈયાર રહેશે, જેનાથી તુર્કીને સમુદ્રમાં પડકાર તો મળશે જ, સાથે સાથે વિશ્વના અબજો ડોલરના વેપારનું પણ હિત જળવાશે. ભૂમધ્ય સમુદ્રમાં શક્તિના સંતુલન માટે સંયુક્ત રેપિડ રિસ્પોન્સ ફોર્સ બને તે જરૂરી છે.