તકલાદી શસ્ત્ર-સામગ્રી છતાં ચીનનો મિલિટરી વેપાર વધ્યો
- વર્લ્ડ વિન્ડો
- પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, કેન્યા, મોરોક્કો, ઈજિપ્ત, યુએઈ, સાઉદી, ઈરાક - આ બધા જ દેશો ચીની હથિયારના ગ્રાહક છે. ચીન સસ્તી શસ્ત્ર-સામગ્રી આપીને મજબૂત માર્કેટ બનાવી રહ્યું છે
પ્રાઈઝિંગ સ્ટ્રેટજી.
માર્કેટિંગની આ કળાના કારણે જગતની કેટલીય કંપનીઓ તરી ગઈ છે. આ એક જ વ્યૂહ બીજા ભલભલાં વ્યૂહ પર ભારે પડે છે. સસ્તું મેળવવા માટે માનવજાત સેંકડો સદીઓથી મથામણ કરે છે. દરેક યુગના માનવીને ઓછા ભાવે મળતી ચીજવસ્તુઓનું આકર્ષણ રહેતું આવ્યું છે. ધનવાનમાં ધનવાન માણસ પણ એને ગમતી ચીજ સસ્તી મળતી હોય તો તુરંત લેવા તૈયાર થઈ જાય છે. જરૂરિયાત હોય ત્યારે તો ઓછા ભાવમાં એ વસ્તુ ખરીદવા આમથી તેમ ભટકતા લોકો આખી દુનિયામાં મળી રહે છે. કોઈ પણ કંપની ભાવ ઓછા રાખીને દુનિયા સર કરી શકે છે, એવા અનેક કેસ સ્ટડીઝ તો માર્કેટિંગના અભ્યાસમાં ભણાવવામાં પણ આવે છે અને ચીન એનું જીવંત ઉદાહરણ છે. દરેક પ્રોડક્ટ્સ, દરેક ક્ષેત્રની ચીનની કંપનીઓએ આ વ્યૂહ અજમાવીને છેલ્લાં પાંચ દશકામાં અભૂતપૂર્વ પરિણામો મેળવ્યાં છે. એવાં જ પરિણામો હવે ચીનની ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ મેળવી રહી છે.
દુનિયામાં શસ્ત્રો અને લશ્કરી સામગ્રીનો ધંધો ધમધોકાળ ચાલે છે. વિશ્વયુદ્ધ પછી મહાસત્તા દેશોએ સુરક્ષાના નામે શસ્ત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. એકબીજા દેશોને લડાવીને એના પર શસ્ત્રોના વેપારની ઈમારત ઊભી કરનારા દેશોમાં અમેરિકા છેલ્લાં ૮૦ વર્ષથી ટોચ પર છે. ગ્લોબલ મિલિટરી ટ્રેડ માર્કેટમાં અમેરિકાનો હિસ્સો ૪૦ ટકા જેટલો છે. આ આંકડો અમેરિકાનો દબદબો દર્શાવવા માટે પૂરતો છે. શસ્ત્રોના વેપારમાં ટોપ-૧૦૦ મિલિટરી કંપનીઓમાંથી ૪૧ કંપનીઓ અમેરિકન છે. વિશ્વમાં શસ્ત્રો અને લશ્કરી સામગ્રીનું વાર્ષિક માર્કેટ ૬૫૦ અબજ ડોલરનું છે અને એમાંથી ૩૨૦ અબજ ડોલરનો વેપાર અમેરિકન કંપનીઓ પાસે છે. અમેરિકાએ રાજદ્વારી વ્યૂહ અજમાવીને, જગત જમાદારી બતાવીને, માતબર લોન ઓફર કરીને, યુદ્ધોમાં હથિયારોના પરીક્ષણો કરીને હરીફ કંપનીઓ પર ભારે પડયા પછી આ દબદબો બનાવ્યો છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની સીધી સ્પર્ધા રશિયા સાથે હતી. તે વખતે અમેરિકા તેમના સાથી દેશોને લોન પર હથિયારો આપતું હતું. તો રશિયા પણ કેટલાય દેશો સાથે લશ્કરી સહયોગ કરીને પ્રોડક્શન કરતું હતું. દોઢ દશકા સુધી અમેરિકા-રશિયા વચ્ચે ગ્લોબલ મિલિટરી ટ્રેડ પર અધિકાર જમાવવા લડાઈ ચાલતી રહી. પરંતુ દુનિયાભરના સંરક્ષણ સંશોધકોને પોતાના દેશમાં યોગ્ય માહોલ આપીને, સન્માન આપીને, વળતર આપીને અમેરિકાએ આકર્ષ્યા અને ડિફેન્સ ટેકનોલોજી રશિયાથી બહેતર બનાવી એમાં રશિયાના હાથમાંથી આ બાજી સરકી ગઈ.
અમેરિકાએ પહેલો ક્રમ મેળવી લીધો ને પહેલા ક્રમે આવવાના પ્રયાસો કરતા રશિયાએ ૨૪ ટકા માર્કેટ શેર સાથે બીજો નંબર જાળવી રાખ્યો. આજેય ગ્લોબલ મિલિટરી ટ્રેડમાં રશિયા બીજા નંબરે છે. હથિયારો, લડાકુ વિમાનો, સબમરીન, લશ્કરી હેલિકોપ્ટર્સ વગેરેના આ ધંધામાં અમેરિકા-રશિયા ઉપરાંત ફ્રાન્સ, બ્રિટન અને જર્મની પણ બિગ પ્લેયર્સ છે. ફ્રાન્સ પાસે ગ્લોબલ મિલિટરી માર્કેટનો ૧૬ ટકા જેટલો મોટો હિસ્સો છે અને ભવિષ્યમાં રશિયાને ટક્કર આપે તો નવાઈ નહીં. એ બધામાં છેલ્લાં થોડા વર્ષોમાં ધ્યાન ખેંચી રહેલું નામ છે ચીન.
અમેરિકા-રશિયા-ફ્રાન્સ-બ્રિટન-જર્મની-ઈઝરાયલ જેવા દેશો પાસેથી શસ્ત્રો ખરીદવાનું બધા દેશોનું ગજું ન હતું. અમેરિકા સામે ગ્લોબલ મિલિટરી ટ્રેડની બેટલ હાર્યા પછી રશિયાએ મધ્યમ આવક ધરાવતા વિકાસશીલ દેશોને હથિયાર આપવાનું શરૂ કર્યું. તેમ છતાં એવા અસંખ્ય દેશો હતા, જેમને શસ્ત્ર-સરંજામની જરૂર તો હતી પરંતુ બજેટ ન હતું. એ દેશોને ધ્યાનમાં રાખીને ચીને હથિયારો બનાવ્યા. પ્રોડક્ટ ડિઝાઈનની કોપી કરવામાં કુખ્યાત ચીને અમેરિકા-રશિયા-ફ્રાન્સના યુદ્ધજહાજો, સબમરીન, લડાકુ વિમાનો, બંદૂકો, તોપો વગેરેની ડિઝાઈન કોપી કરી અને એ સસ્તાં ભાવે વેચવાનું શરૂ કર્યું. એના શરૂઆતના ઘરાક બન્યા - પાકિસ્તાન, શ્રીલંકા, મલેશિયા, થાઈલેન્ડ, ઈરાક, સર્બિયા, કઝાકિસ્તાન વગેરે.
શસ્ત્રોના વેચાણમાં પણ ચીને અમેરિકાનો વ્યૂહ જ અજમાવ્યો - લોનથી હથિયારો લઈ જાઓ! જે દેશો અમેરિકન કંપનીઓના મોંઘાં હથિયારો ખરીદી શકે તેમ ન હતા તેમને ચીન એવા જ પરંતુ સસ્તાં હથિયારો આપતું હતું. બીજી બધી પ્રોડક્ટ્સમાં પ્રાઈઝિંગ સ્ટ્રેટજી અજમાવીને ગ્લોબલ પ્રોડક્શન હબ બની ચૂકેલું ચીન આમાંય કાઠું કાઢવા માંડયું. નેપાળથી લઈને, મોઝામ્બિક, ક્યૂબાથી આર્જેન્ટિના, સુદાનથી સેનેગલ સુધીના દેશો સાથે ચીને લશ્કરી કરારો કરવા માંડયા ને ફટાફટ શસ્ત્રોની ડિલિવરી પણ આપવા માંડી. અમેરિકા-રશિયા-જર્મની-ફ્રાન્સ-ઈઝરાયલની કંપનીઓ આ દેશોમાં પહોંચે તે પહેલાં ચીનની કંપનીઓ પહોંચી ગઈ. ધડાધડ સોદાઓ થવા માંડયા. દોઢ દશકામાં તો ચીને જર્મનીને પાછળ રાખી દીધું. ૨૦૨૫ની સ્થિતિ પ્રમાણે ચીન પાસે વૈશ્વિક હથિયારના વેપારમાં ૬ ટકા હિસ્સો છે. ચીને આ ક્ષેત્રમાં એટલી ઝડપે પ્રગતિ કરી કે અમેરિકા-રશિયા-ફ્રાન્સ પછી એ ચોથા ક્રમે આવી પહોંચ્યું છે. અત્યાર સુધી જર્મની અને ઈઝરાયલ આ યાદીમાં રહેતા હતા. ચીને ૮૦ ટકા હથિયારો એશિયા અને આફ્રિકામાં વેચ્યા છે. ૨૦૨૨માં પહેલી વખત ચીને ગ્લોબલ મિલિટરી માર્કેટમાં ટોપ-૬માં એન્ટ્રી લીધી હતી. એ પછી ઉત્તરોત્તર દર વર્ષે વેચાણમાં વૃદ્ધિ કરીને ચોથો નંબર મેળવી લીધો. જર્મની પાસેથી ઈજિપ્ત સૌથી વધુ હથિયારો ખરીદતું હતું, ચીને જર્મની કરતાં સસ્તાં હથિયારોનો પ્રસ્તાવ મૂકીને ઈજિપ્તને અબજો રૂપિયાના હથિયારો વેચવા માંડયા. આ વ્યૂહ કામ કરી ગયો એટલે ચીને જર્મનીનું એક મોટું ગ્રાહક અને સ્થાન બંને ઝૂંટવી લીધા.
જેમ બીજી બધી પ્રોડક્ટમાં થાય છે એમ મેડ ઈન ચાઈના હથિયારો જરૂર હોય ત્યારે કામ આપતા ન હોય કે તૂટી પડતાં હોવાના બનાવોય બનવા માંડયા છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને ચીનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે દગો આપ્યો એવા અહેવાલો હતા. તાજેતરમાં જ બે ઘટનાઓએ ફરીથી ચીનની લશ્કરી સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ખડા કર્યા. પાકિસ્તાનમાં શાહીન મિસાઈલ તૂટી પડી, એ પણ પરમાણુ સાઈટની નજીકમાં. શાહીન-૩ મિસાઈલ પાકિસ્તાને વિકસાવી છે, પરંતુ એનું પ્રોડક્શન ચીને કરી આપ્યું છે. બાંગ્લાદેશમાં એફ-૭ લડાકુ વિમાન તૂટી પડયું. એમાં તો બે ડઝનથી વધુ લોકો મૃત્યુ પામ્યા એટલે વિદ્યાર્થીઓએ દેખાવો કરીને વિરોધ પણ કર્યો. છેલ્લા બે દાયકામાં લડાકુ વિમાનો અકસ્માતમાં તૂટી પડયા હોય એવા ૧૧ બનાવો બન્યા છે અને એમાં ૭ વિમાનો ચીનના છે. પરીક્ષણો દરમિયાન કે પછી કોઈ દેશમાં ચીનના વિમાનો તૂટી પડયા હોય એવા ત્રણ દશકામાં ૨૫ બનાવો બન્યા છે.
ગુણવત્તા સામે આટ-આટલા સવાલો છતાં ચીનનો ડિફેન્સ વેપાર વધતો જાય છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયુટ (સિપ્રી)ના અહેવાલ પ્રમાણે ચીન ૪૪ દેશોને શસ્ત્રો વેચે છે. તકલાદી શસ્ત્ર-સામગ્રીનો પર્દાફાશ એકાધિક વખત થઈ ચૂક્યો હોવા છતાં ચીન આ ક્ષેત્રમાં કેમ પ્રગતિ કરી રહ્યું છે તેનો એક જ જવાબ છે
- પ્રાઈઝિંગ સ્ટ્રેટજી.