Get The App

સુએઝ અને પનામાની જેમ તુર્કી ઈસ્તામ્બુલ નહેર બનાવીને કમાણી કરશે

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
સુએઝ અને પનામાની જેમ તુર્કી ઈસ્તામ્બુલ નહેર બનાવીને કમાણી કરશે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- તુર્કીમાં કુદરતી નહેર બોસ્ફોરસનો વૈશ્વિક વેપારમાં મોટો ફાળો રહે છે. એ કુદરતી નહેર હોવાથી તુર્કી ટોલ ઉઘરાવી શકતું નથી. કૃત્રિમ નહેર બનાવીને તુર્કી એ કસર પૂરી કરવા ઈચ્છે છે

દુનિયામાં એક સમુદ્રને બીજા સમુદ્ર સાથે જોડતી અસંખ્ય ખાડીઓ છે. જ્યારે બાંધકામની ટેકનોલોજી વિકસી ન હતી ત્યારે નાવિકો લાંબો રસ્તો લઈને એક સમુદ્રમાંથી બીજા સમુદ્રમાં પ્રવેશ કરતાં હતા અને એમ દુનિયા ખૂંદતા હતા. દરિયામાં કુદરતી રસ્તાઓનો જ ઉપયોગ થતો હોવાથી સમુદ્રી પ્રવાસો જોખમી પણ બની રહેતા. એક દરિયામાંથી બીજા દરિયામાં જવું હોય તો ફરીને જવું પડતું અને એમાં વર્ષો નીકળી જતાં. જહાજ પાછું આવશે કે નહીં એ નક્કી ન હોય. ઘણી વખત વર્ષો સુધી જહાજ ન આવે તો એ દરિયામાં તોફાનનો ભોગ બનીને ડૂબી ગયું હશે એમ માની લેવાતું.

માનવ સભ્યતાના વિકાસમાં ઓજારો શોધાયાં અને બાંધકામની ટેકનિક વિકસી તેમ નદીઓના કે દરિયાના જળમાર્ગો બનાવવાની શરૂઆત થઈ. નદીઓનું પાણી સિંચાઈ માટે દૂર પહોંચાડવા નહેરો બનવા લાગી અને નહેર બનાવવાની જ ટેકનિકથી સમુદ્રોને જોડવા માટે ખાડીઓ બનવા લાગી. જુદી જુદી દરિયાઈ નહેરોનો અભ્યાસ કરીને સંશોધનો એવાં તારણ પર આવ્યાં છે કે સેંકડો વર્ષોથી આવી નહેરો બનતી હોવી જોઈએ. પરંતુ એનો દસ્તાવેજી ઈતિહાસ મળતો નથી. માત્ર સાંયોજિક પુરાવા મળે છે. કથાઓ-દંતકથાઓમાં ઉલ્લેખો મળે છે. મધ્યયુગમાં પણ ઘણા રાજાઓએ વેપારના હેતુથી આવા માર્ગો બનાવ્યા હોવાનું કહેવાય છે.

પરંતુ આધુનિક યુગમાં, ઔદ્યોગિક વિકાસના ગાળામાં પહેલી કૃત્રિમ નહેર બની ૧૮૬૯માં.૧૬૭ વર્ષ પહેલાં, ૧૮૫૯માં નહેર બનાવવાનું કામ શરૂ થયું હતું. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી આ કૃત્રિમ નહેરથી એશિયા-યુરોપનું અંતર ઘટી ગયું હતું. આ નહેર બન્યા પછી ભારત-બ્રિટનનું અંતર ૯૭૦૦ કિલોમીટર ઘટી ગયું હતું. ફ્રાન્સ, બ્રિટન અને ઈજિપ્તની કંપનીઓએ મળીને તે વખતે કેનાલ બનાવી હતી. એ કેનાલને પછીથી વિશાળ વેપારી જહાજોને અનુકૂળ કરવા માટે સમયાંતરે પહોળી કરવામાં આવી હતી. આજે સુએઝ કેનાલ વૈશ્વિક વેપારમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. દુનિયાનો ૧૫ ટકા જેટલો સામાન આ કેનાલથી પસાર થાય છે. સુએઝની માલિકી ઈજિપ્ત પાસે છે અને ઈજિપ્ત એમાંથી ધીકતી કમાણી કરે છે.

એ જ તર્જ પર ૧૯૧૪માં પનામા કેનાલ બની. ૮૨ કિલોમીટર લાંબો આ કૃત્રિમ જળમાર્ગ વૈશ્વિક વેપારમાં મહત્ત્વનો છે. તેના માધ્યમથી ૬-૭ ટકા વૈશ્વિક વેપાર તો થાય છે, પરંતુ અમેરિકા માટે તો આ જળમાર્ગ ચાવીરૂપ છે. એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતી આ કેનાલ શરૂઆતમાં અમેરિકાના નિયંત્રણમાં હતી અને હવે પનામા તેનું સંચાલન કરે છે. નહેર બની ન હતી તે પહેલાં અમેરિકા જવા માટે જહાજોએ લાંબો રસ્તો લેવો પડતો હતો. સવાસો વર્ષ પહેલાં પનામા કેનાલ બની ત્યારે એ ઈજનેરી અજાયબી ગણાતી હતી. પનામાના સાંકળા ભાગને કાપીને નહેર બનાવવામાં આવી હતી. પનામાએ ૨૦૧૬માં તેને મોટી બનાવી હોવાથી વિશાળ જહાજો પણ હવે પસાર થઈ શકે છે. પનામાને આ નહેરના કારણે અબજોની કમાણી થાય છે.

સુએઝ અને પનામા નહેર બની એ જ ગાળામાં જર્મનીમાં કિલ કેનાલ, ગ્રીસમાં કોરિન્થ કેનાલ, રશિયાની વ્હાઈટ સી-બાલ્ટિક સી કેનાલ, ડેનુબ-બ્લેક સી કેનાલ વગેરેનું નિર્માણ થયું હતું. આ અને આ સિવાયની કૃત્રિમ નહેરોમાં અમુક રકમ લઈને જહાજોને પસાર થવા દેવાય છે. જોકે, સુએઝ અને પનામા જેટલી ક્ષમતા આ કેનાલોની નથી. એ એટલી વિશાળ પણ નથી કે મોટા જહાજો નીકળી શકે. અમુક કેનાલો સ્થાનિક જહાજો માટે જ મહત્ત્વની હોવાથી એટલી જાણીતી નથી. કમાણી પણ સુએઝ અને પનામાની સરખામણીએ તો ખૂબ ઓછી છે. આવી કૃત્રિમ નહેરો જહાજોનો સમય અને બળતણ બંને બચાવે છે અને તેના બદલામાં જહાજો ટોલ ચૂકવે છે. જે દેશો આ કૃત્રિમ નહેરોનું સંચાલન કરે છે એ નહેરોના રખરખાવ, વારંવારના સમારકામ અને સુરક્ષાના બદલામાં જહાજો પાસેથી ચોક્કસ રકમ વસૂલે છે. સુએઝની વાર્ષિક કમાણી ૧૦થી ૧૨ અબજ ડોલર છે ને પનામા પણ આઠેક અબજ ડોલરની કમાણી કરી લે છે. એ બંને નહેરોનું લોકેશન એવું છે કે વર્ષે લાખો જહાજોને એ માર્ગ લીધા વગર છૂટકો નથી.

આ નહેરોની કમાણી જોઈને એવું જ મહત્ત્વનું લોકેશન ધરાવતા દેશને કેટલાય વર્ષોથી મોંમાં પાણી આવી રહ્યાં છે. એ દેશ છે - તુર્કી. દક્ષિણ-પૂર્વ યુરોપ અને એશિયાને જોડતો માર્ગ તુર્કીથી નીકળે છે. તુર્કી યુરોપ-એશિયા વચ્ચે કુદરતી સેતુ છે. મધ્યયુગમાં નવા જળમાર્ગો શોધાયા ન હતા ત્યાં સુધી યુરોપ-એશિયાનો માર્ગ તુર્કીથી જ નીકળતો હતો. હજુય સમુદ્ર માર્ગે થતાં વેપારમાં તુર્કીનું લોકેશન અગત્યનું બની રહે છે. રશિયાને બ્લેક સમુદ્રના માધ્યમથી તુર્કીથી નીકળતો જળમાર્ગ જ દુનિયા સાથે જોડે છે. બ્લેક સમુદ્ર અને માર્મરા સમુદ્ર તુર્કીની બોસ્ફોરસ ખાડીના માધ્યમથી જોડાય છે. આ બંને સમુદ્રોમાં જહાજોને જવું હોય તો બોસ્ફોરસ ખાડીમાંથી જ નીકળવું પડે છે. આ ખાડી કુદરતી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સમુદ્રના કાયદા પ્રમાણે કુદરતી ખાડીઓમાં ટોલ વસૂલી શકાતો નથી, પરંતુ ચાવીરૂપ લોકેશનનો ગેરલાભ લઈને નહેરના મેઈન્ટેઈન્સના નામે તુર્કી જહાજો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલે છે.

પરંતુ તુર્કીને આ સર્વિસ ચાર્જથી સંતોષ નથી. કૃત્રિમ કેનાલ બનાવીને એમાંથી સુએઝ-પનામાની જેમ રોકડી કરવાનો તુર્કીનો વિચાર દાયકાઓ જૂનો છે. એ માટે તુર્કીની સરકારે ૧૯૮૫માં ઈસ્તામ્બુલ કેનાલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તુર્કીમાંથી જ બોસ્ફોરસની ખાડીના માધ્યમથી જહાજો પસાર થાય છે તો પછી આ નવી કેનાલની શું જરૂર છે? આ સવાલના જવાબમાં તુર્કી દરિયાઈ પ્રદૂષણ, વધતાં જહાજો જેવા કારણો આગળ ધરે છે. બોસ્ફોરસની ખાડી બરાબર ઈસ્તામ્બુલની વચ્ચેથી પસાર થાય છે. જ્યારે નવી ખાડી ઈસ્તામ્બુલ પૂરું થાય ત્યાં બની રહી છે.

તુર્કીના વર્તમાન પ્રમુખ રીસેપ તાયીપ આર્દવાન જ્યારે ૨૦૦૯માં વડાપ્રધાન હતા ત્યારે તેમણે ૯૦ના દશકામાં પડતો મૂકાયેલો પ્રોજેક્ટ ફરી શરૂ કરાવ્યો હતો. ૨૦૧૪માં પ્રમુખ બન્યા પછી આર્દવાને રૂટમાં થોડો ફેરફાર કરાવ્યો હતો અને ૨૦ અબજ યુરોના ફંડ સાથે ૨૦૨૧માં ૪૫ કિલોમીટરનો આ દરિયાઈ માર્ગ બનાવવાનું શરૂ કરાવ્યું. ૨૦૨૩માં પ્રમુખની ચૂંટણી વખતે પણ આર્દવાને આ પ્રોજેક્ટનો ખૂબ પ્રચાર કર્યો હતો. ઈસ્તામ્બુલ કેનાલમાંથી વર્ષે આઠ અબજ ડોલરની કમાણી થશે એવી આર્દવાનની ગણતરી છે. ઈરાન-અમેરિકાના યુદ્ધ વખતે હોર્મુઝની ખાડી બંધ થતાં વૈશ્વિક વેપારને અસર થઈ તે પછી આર્દવાને નવેસરથી આ પ્રોજેક્ટ તાકીદે પૂરો કરવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. ૨૦૨૭માં આ કેનાલ ઓપરેશનલ થઈ જાય તેવી ગણતરી છે. આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે પછી ઈજિપ્ત, પનામા બાદ સમુદ્રી ટોલથી કમાણી કરવામાં તુર્કી ત્રીજા નંબરે આવી જશે.