Get The App

ચીન-પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કરારથી દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલાં ભૂરાજકીય સમીકરણો

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ચીન-પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કરારથી દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલાં ભૂરાજકીય સમીકરણો 1 - image


- વર્લ્ડ વિન્ડો

- પાકિસ્તાન, માલદિવ્સ, નેપાળ, શ્રીલંકા, ભૂતાનમાં ચીનનો દબદબો વધ્યો છે. બાંગ્લાદેશમાં પણ ચીને પ્રભાવ વધાર્યો છે. હવે સીપીઈસી પ્રોજેક્ટ અફઘાનિસ્તાન સુધી લંબાવ્યો હોવાથી ભારતે સાવધાન રહેવું પડશે

૧૯મી સદીમાં બ્રિટનનો સૂર્ય ક્યારેય આથમતો નહીં એમ કહેવાતું, કારણ કે દુનિયામાં કોઈને કોઈ ખૂણે સૂર્ય તપતો હોય ને ત્યાં એકાદ દેશમાં બ્રિટનનો ધ્વજ ફરફરતો હોય. બધા ખંડોમાં બ્રિટનનો એટલો દબદબો હતો કે ૧૯મી સદી બ્રિટનના નામે રહી. પ્રથમ અને પછી દ્વિતીય વિશ્વયુદ્ધે બ્રિટનને આર્થિક ફટકો આપ્યો. એનો દબદબો ઓસરવા માંડયો ને તેના સ્થાને અમેરિકાને જગત જમાદારી મળી. ૨૦મી સદીનો સેકન્ડ હાફ અમેરિકાના નામે રહ્યો. અમેરિકાએ સાયન્સ-ટેકનોલોજી-સંરક્ષણ-અંતરીક્ષ-શિક્ષણ-પેટ્રોલિયમ-પ્રોડક્શન સહિત અનેકાનેક ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવ્યું ને વૈશ્વિક રાજકારણમાં અગાઉ કોઈનો ન હતો એટલો પ્રભાવ જમાવ્યો. 

અમેરિકાનો એ પ્રભાવ ૨૧મી સદીની શરૂઆત સાથે જ થોડો ઓસર્યો એ જોઈને ચીને અમેરિકા બનવાના ખ્વાબ જોવાનું શરૂ કર્યું. અમેરિકાથી વધારે દબદબો, અમેરિકાથી મજબૂત અર્થતંત્ર, અમેરિકાથી ચડિયાતું સૈન્ય, અમેરિકાથી વધારે રાજકીય પ્રભાવ ઊભો કરવા માટે ચીને દરેક ક્ષેત્રમાં અદ્વિતીય પ્રગતિ કરી. પ્રોડક્શનમાં તો ચીનનો વિકલ્પ નથી. તે એટલે સુધી કે વારંવાર પ્રતિબંધો મૂકવા છતાં અમેરિકાને એની કેટલીય પ્રોડક્ટ્સ વગર ચાલતું નથી. રાજદ્વારી સંબંધો ડોલી રહ્યા છે છતાં ભારતની ડિજિટલ ક્રાંતિ ચીની ડિવાઈસ આધારિત છે એ સ્વીકાર્યા વગર ય છૂટકો નથી. દક્ષિણ અમેરિકન દેશ પેરુથી લઈને યુરોપના પોર્ટુગલ સુધી, આફિકન દેશ સેનેગલથી એશિયાના સિંગાપોર સુધી બધે જ ચાઈનીઝ પ્રોડક્ટ ધૂમ મચાવે છે.

ચીનના વધતા પ્રભાવ અંગે દર બે-ત્રણ મહિને એક અમેરિકન થિંક ટેન્ક કોઈને કોઈ નવી ચેતવણી આપે છે. કોઈ કહે છે કે ચીનનું લશ્કર ૨૦૩૦ સુધીમાં અમેરિકાને ટક્કર આપતું થઈ જશે. કોઈ કહે છે ૨૦૩૫ સુધીમાં ચીન રશિયાથી પણ વધુ પરમાણુ હથિયારો ધરાવતો દેશ થઈ જશે. કોઈ કહે છે દોઢ દશકા પછી ટેકનોલોજીની બાબતે ચીનને દુનિયામાં કોઈ હંફાવી નહીં શકે. કોઈ કહે છે સ્પેસ સાયન્સમાં અમેરિકાને પછાડીને ચીન ૨૦૪૦માં સુપરપાવર થઈ જશે. કોઈ કહે છે એક દશકામાં રાજકીય રીતે દુનિયાભરમાં અમેરિકાને બદલે ચીન પથરાઈ જશે.

એની શરૂઆત થઈ ચૂકી હોવાના વૈશ્વિક સંકેતો પણ મળે છે. ૨૦૧૩માં જિનપિંગે સત્તા સંભાળી ત્યારથી મોબાઈલ ઉત્પાદન સસ્તું કરવા કંપનીઓને મજૂરોનું શોષણ કરવા છૂટો દોર આપી દેવાયો. બીજી તરફ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ શરૂ કરીને જૂના સિલ્ક રોડ ફરી ધમધમતો કરવાના બહાને ચીનનો પથારો છેક આફ્રિકા-યુરોપ સુધી પાથરી દીધો. ચીને એક પછી એક દેશોને એક નહીં તો બીજા કારણથી પોતાના પ્રભાવમાં રાખવાનો વ્યૂહ અજમાવ્યો છે. એનું લેટસ્ટ ઉદાહરણ અફઘાનિસ્તાન છે. એમાંય ભારતની ફરતે તો ચીની ડ્રેગને ભરડો જ લઈ લીધો છે. ૨૦૧૫ સુધી ભારત-નેપાળના મજબૂત સંબંધો હતા. ચીને સસ્તી ચીજવસ્તુઓ આપવાના નામે નેપાળના બજારમાં પ્રવેશ કર્યો. ચીને નેપાળને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તગડી લોન આપી. વિમાનો ભાડેથી આપ્યાં. નેપાળના રાજકારણીઓને પણ પોતાની તરફ વાળીને ભારતની વિરૂદ્ધમાં એટલા ઉશ્કેર્યા કે નેપાળે રાજકીય નકશો જાહેર કરીને થોડા વર્ષ પૂર્વે બિહારના ભાગે નેપાળમાં દર્શાવ્યા હતા.

૨૦૧૬માં ભારતના ખૂબ મહત્ત્વના વ્યૂહાત્મક સહયોગી શ્રીલંકાને સાધ્યું. હંબનટોટા બંદર ૯૯ વર્ષના ભાડે લઈને હિન્દ મહાસાગરમાં પગપેસારો કર્યો. એ પછી માલદિવ્સ સાથે સંબંધો મજબૂત બનાવ્યા. ભારત તરફી નેતાઓનો વિરોધી નેતાઓને માતબર ફંડ આપીને પોતાની તરફ કર્યાં. અત્યારે ચીન તરફી નેતા મોઈઝ્ઝુ માલદિવ્સમાં સત્તામાં છે અને ભારત-માલદિવ્સના સંબંધોમાં અગાઉ ક્યારેય આવી ન હતી એટલી તંગદિલી આવી ચૂકી છે. ચીને ભૂતાનના પછાત વિસ્તારોને ડેવલપ કરવાના નામે ફંડ આપ્યું છે અને ભારતની સરહદ નજીક ગામડાં બનાવ્યાં. ભૂતાનના વિદેશ મંત્રી ટાંડી દાર્જી દોઢ વર્ષ અગાઉ ચીનની મુલાકાતે ગયેલા. તે વખતે બંને દેશો વચ્ચે કેટલાય કરારો થયા હતા. ભૂતાનના કોઈ વિદેશ મંત્રીએ ચીનની યાત્રા કરી હોય એવું પ્રથમ વખત બન્યું હતું.

બાંગ્લાદેશમાં શેખ હસીના વડાંપ્રધાન હતાં ત્યાં સુધી ભારતનાં હિતો જળવાતાં હતાં. તેમણે બાંગ્લાદેશની વિદેશનીતિમાં સંતુલન જાળવી રાખ્યું હતું, પરંતુ તેમનું પતન થયું કે તરત જ ચીને શેખ હસીનાના વિરોધી નેતાઓને પોતાની તરફ કર્યા છે. તેમને ભારત વિરોધી ઉશ્કેરવાનું કામ ચીન કરે છે. ચીને ભારતના એક પછી એક બધા પાડોશી દેશોમાં મજબૂત સકંજો કસવાનું ષડયંત્ર રચ્યું છે અને એમાં વધુ એક દેશ અફઘાનિસ્તાનનો ઉમેરો થયો છે.

પાકિસ્તાન-ચીનની દોસ્તી તો જગજાહેર છે જ. બીઆરઆઈના ભાગરૂપે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) ચાલી રહ્યો છે. ભારત સામે પ્રોક્સી વોર કરવા માટે ચીન પાકિસ્તાનની નાપાક જાસૂસી એજન્સી આઈએસઆઈને તમામ પ્રકારની મદદ કરે છે. પાકિસ્તાનના આંતકીઓ પાસેથી ચીની ડિવાઈસ, ચીની વેપન્સ મળતાં રહે છે. આ બધા ઉપરાંત સીપીઈસી પ્રોજેક્ટના બહાને ચીને ભારતની સરહદ નજીકમાં કેટલાય બાંધકામો કર્યાં છે. આ પ્રોજેક્ટ હવે માત્ર ચીન-પાકિસ્તાન પૂરતો મર્યાદિત ન રહેતા અફઘાનિસ્તાન સુધી પહોંચશે. તાજેતરમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી આમિર ખાન વચ્ચે સીપીઈસી પ્રોજેક્ટ અફઘાનિસ્તાન સુધી લંબાવવા કરાર થયો. ચીને પાકિસ્તાન-અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓને બેઈજિંગમાં બોલાવ્યા હતા. એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી તંગદિલીનો માહોલ છે ત્યારે જ ચીને આ પ્રોજેક્ટમાં અફઘાનિસ્તાનને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતને અફઘાનિસ્તાન સાથે સીધી જમીની સરહદ જોડાયેલી નથી, પરંતુ છેક પ્રાચીનકાળથી ભારત-અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો છે. અખંડ ભારત વખતે ભારતીય રાજાઓને અફઘાનિસ્તાન સાથે સીધા સંબંધો હતા અને તે વખતે ભારત-અફઘાનિસ્તાન સરહદથી જોડાયેલા દેશો હતા.

ભારત આમેય સીપીઈસીનો વિરોધ કરે છે. ખાસ તો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ થાય તેનો ભારત યોગ્ય રીતે વિરોધ નોંધાવે છે. પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો છે અને એેમાં ભારત સરકારની મંજૂરી વગર કોઈ પણ દેશ બાંધકામ સહિતના એકેય પ્રોજેક્ટ ચલાવી શકે નહીં. વળી, સીપીઈસીમાં આ બે સિવાય કોઈ ત્રીજા દેશનો સમાવેશ થાય તેનેય ભારત અયોગ્ય ગણાવે છે. આ પ્રોજેક્ટમાં બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન કે અફઘાનિસ્તાન કોઈનોય સમાવેશ થાય તો તેનાથી ભારતનાં પ્રાદેશિક હિતોને જોખમ છે. અફઘાનિસ્તાનનો સમાવેશ કરીને ચીને એ જોખમ ખડું કરી દીધું છે. ચીન બાંગ્લાદેશનેય આ પ્રોજેક્ટમાં સમાવવા ધારે છે.

જો આ ટ્રેન્ડ યથાવત રહ્યો તો એ ભારતના હિતમાં નથી. સીપીઈસીના બાંધકામોનો માત્ર આર્થિક હેતુથી ઉપયોગ નહીં થાય એ સ્પષ્ટ છે. એની પાછળ સંરક્ષણનો છુપો હેતુ પણ છે જ, ત્યારે ભારત માટે સાવધાન રહેવું જરૂરી બની ગયું છે.

Tags :