Get The App

ટ્રમ્પના વિઝા પોલિટિક્સથી ભારતીયો સામે નફરતનું ઝેર ઘોળાયું

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના વિઝા પોલિટિક્સથી ભારતીયો સામે નફરતનું ઝેર ઘોળાયું 1 - image

- વર્લ્ડ વિન્ડો

- અમેરિકામાં ભારતીયોને નફરતની નજરે જોવાનું એટલું વધ્યું છે કે સામાન્ય ભારતીય મૂળના નાગરિકો જ નહીં, કંપનીઓના ભારતીય મૂળના સીઈઓને પણ નિશાન બનાવવાનું શરૂ થયું છે

અમેરિકાનાં ઉદાહરણો આપતા થોડા દશકા પહેલાં કહેવાતું હતું : 'ત્યાં કોઈ ભેદભાવ થતો નથી. બીજા દેશમાં ન મળે એવી તકો અમેરિકામાં મળે છે. અમેરિકામાં ટેલેન્ટની કદર થાય છે. અમેરિકામાં કામનું યોગ્ય વળતર મળે છે. અમેરિકામાં અન્ય તમામ દેશો કરતાં સારી સ્વતંત્રતા મળે છે. અમેરિકામાં સમાન અધિકારોની હિમાયત થાય છે.'

આ બધું જ છેક હમણાં સુધી સાચું હતું. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ સુધી અમેરિકામાં એવી કોઈ નફરતની આગ લાગી ન હતી. ૨૦૧૬માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા અને તેમણે 'અમેરિકા ફર્સ્ટ'નું કટ્ટર રાજકારણ શરૂ કર્યું પછી વિદેશી નાગરિકો તરફનો અમેરિકન લોકોનો અભિપ્રાય બદલાવા લાગ્યો. જે અમેરિકનો વિદેશી મૂળના નાગરિકોને તેમના મૂળ જોઈને નફરત કરતા ન હતા એ જ અમેરિકન નાગરિકોને લાગવા માંડયું કે વિદેશીઓ આવીને તેમના નોકરીના અવસરો આંચકી જાય છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં એચ-૧બી સહિતની વિઝા કેટેગરીમાં પૉલિસી બદલાઈ. અસંખ્ય ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવ્યાં. જે પહેલાથી જ અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેતા હતા તેમનાં સંતાનોને અમેરિકાના અધિકારો મળી જતા હતા. ટ્રમ્પે એ બંધ કરાવ્યું. શરણાર્થીઓ સામેય કડક હાથે કામ લીધું.

વચ્ચે બાઈડેનના ચાર વર્ષના કાર્યકાળમાં થોડી રાહત મળી. થોડી શાંતિ હતી, પરંતુ ટ્રમ્પના કટ્ટર રાજકારણની અસર વર્તાવા માંડી હતી. નાગરિકોમાં વિદેશીઓને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ હતી. ટ્રમ્પે એ સમયગાળામાં પણ શરણાર્થીઓ, વિદેશી નાગરિકોને અપાતી નોકરીઓ વગેરેના મુદ્દા સતત ઉઠાવ્યા ને તેની અસર થતી રહી. ભારતીયો તરફ અમેરિકામાં ભેદભાવ થવા માંડયો. સાધારણ કામ કરતાં ભારતીયો પર હુમલા થવા માંડયા. હુમલા ન થાય તો અપશબ્દો કહેવાનું શરૂ થયું. તેમને સતત ભેદભાવ-શંકાની નજરે જોવાનું શરૂ થયું.

ગયા વર્ષે ટ્રમ્પે અમેરિકાની સત્તાનાં સૂત્રો હાથમાં લીધાં કે તરત જ વિદેશી નાગરિકો સામે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું. યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં લગામ લગાવવાની તાકીદ કરી. અમેરિકામાં અભ્યાસની સાથે પાર્ટટાઈમ નોકરીનું કલ્ચર ખૂબ પોપ્યુલર અને ઉપયોગી હતી. ટ્રમ્પે એ બંધ કરાવીને વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં આવતા ઘટે તેવા પ્રયાસો કર્યા. વિદેશી નાગરિકો સામે ટ્રમ્પ સરકારે એવી આક્રમકતાથી કામ લીધું કે મેટા, માઈક્રોસોફ્ટ, ગુગલ, એમેઝોન જેવી કંપનીઓમાં ભારતીયોની ડિમાન્ડ ૪૦ ટકા સુધી ઘટી ગઈ. જે અમેરિકન આઈટી સેક્ટરની ભારતીયો કરોડરજ્જુ ગણાતા હતા તેને મોટો ફટકો પડયો. ભારતીય આઈટી કંપનીઓના કર્મચારીઓનો રિજેક્શન રેટ ખૂબ ઊંચો ગયો. એચ-૧બી વિઝાની અરજી કરનારી ટોચની ૨૫ વિદેશી કંપનીઓમાં માત્ર ત્રણ જ ભારતીય કંપનીઓ છે. એચ-૧બી વિઝા કેટેગરીમાં નોકરી મેળવનારા ભારતીયોની સંખ્યા નોંધપાત્ર ઘટીને માત્ર ૪૫૦૦ થઈ ગઈ.

એટલું ઓછું હોય એમ એચ-૧બી વિઝા રિન્યુ કરનારાઓ સામેય કડક પગલાં ભર્યા. અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને થોડા સમય પહેલાં એચ-૧બી વિઝાની અપોઈન્ટમેન્ટ પાછી ઠેલવાનો આદેશ આપ્યો. તેના કારણે અમેરિકાની આઈટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા. અસંખ્ય એચ૧-બી વિઝાધારકોના વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. એવા લોકો પોતપોતાના દેશમાં વિઝા રિન્યૂ કરવા આવવા લાગ્યા હતા. દૂતાવાસમાં અપોઈન્મેન્ટ મેળવીને વિઝા રિન્યૂની પ્રોસેસ કરવાની હોય છે. અનેક ભારતીયો રિન્યૂઅલ પ્રોસેસ માટે ભારત આવ્યા હતા. એ પછી અચાનક અમેરિકન સરકારે આ નવું નોટિફિકેશન આપતા બધી જ અપોઈન્ટ્સ રદ્ થઈ અને કેટલાયને આવતા વર્ષે એપ્રિલ-મેની તો ઘણાને આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની નવી અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે. તેના કારણે બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ છે. એક, જે લોકો અપોઈન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે. તેમના વિઝાની અવધિ પૂરી થતાં હવે તેઓ ફરીથી અમેરિકા જઈ શકે નહીં. બીજી મુશ્કેલી, જે લોકો અમેરિકામાં છે તેઓ આ રીતે અમેરિકામાં રહી શકે નહીં. જો સરકાર એની તપાસ કરે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. વળી, એ લોકો દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં.

ટ્રમ્પ માત્ર આટલેથી અટક્યા નહીં. અમેરિકામાં બી૧ અને બીટુ વિઝા મેળવીને વિઝિટ કરી શકાય છે. દુનિયાભરના વિઝિટર્સ આ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા ફરવા જાય છે. અમેરિકન સરકારે નવું નોટિફિકેશન બહાર પાડયું ને તેનો તાત્કાલિક અમલ કરાવ્યો કે જો આ કેટેગરીમાં વિઝા લઈને આવનારા વિદેશી નાગરિકો ક્યાંક કામ કરતાં ઝડપાશે તો તુરંત દેશનિકાલ કરવામાં આવશે અને તેમને બ્લેકલિસ્ટ પણ કરાશે. ભારતીય સહિત વિદેશી ડ્રાઈવરો પર પણ કડક કામ લીધું. થોડા મહિના પહેલાં ફ્લોરિડા હાઈવે પર એક ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરથી અકસ્માત થયો અને એમાં ત્રણ લોકોનાં મોત થયા પછી હવે અમેરિકામાં વિદેશી ટ્રક ડઈવરો પર તવાઈ આવી. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તાત્કાલિક અસરથી વિદેશી ટ્રક ડ્રાઈવરોના વિઝા કેન્સલ કરી દીધા. અચાનક ભારતીય ટ્રક ડ્રાઈવરોને નફરતની નજરે જોવાનું શરૂ થયું ને તેના કારણે ડ્રાઈવરો સામે હિંસામાં પણ વધારો થયો.

અત્યાર સુધી આ બધું ચાલતું હતું તેના કારણે ભારતીયોની ઈમેજ અમેરિકામાં નોકરી ચોર, ઘૂસણખોર, વિઝા સ્કેમર્સ તરીકે જ થવા માંડી. ભારતીયો પર હિંસાના બનાવોમાં ૧૨ ટકાનો વધારો છેલ્લાં એક વર્ષમાં થયો. ભારતીયોને ઓનલાઈન ટાર્ગેટ કરીને અપશબ્દોનો ઉપયોગ ૬૯ ટકા સુધી વધી ગયો છે. અમેરિકાના નાગરિકો ભારતીયો માટે વિઝા સ્કેમર્સ, ઘૂસણખોરો, નોકરી ચોર જેવા શબ્દો પ્રયોજે છે. ફેડએક્સ, વોલમાર્ટ, વેરિઝોન જેવી કંપનીઓ ભારતીયોને નોકરી આપે છે, તેથી અમેરિકી નાગરિકો હવે આ કંપનીઓને પણ ટાર્ગેટ કરે છે અને સોશિયલ મીડિયામાં તેમની વિરૂદ્ધ અસંખ્ય પોસ્ટ થતી રહે છે.

વાત હવે તો એનાથી પણ આગળ વધી છે. સામાન્ય નોકરિયાત ભારતીયો તો ઠીક, અમેરિકન કંપનીઓમાં ખૂબ ઊંચા હોદ્દે હોય એવા ભારતીય મૂળના નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવે છે. એવા થોડા કિસ્સા હમણાં સામે આવ્યાં છે. ફેડએક્સના સીઈઓ રાજ સુબ્રમણ્યમ સામે સોશિયલ મીડિયામાં રીતસર ટ્રેન્ડ ચાલ્યો અને માત્ર ભારતીયોને જ નોકરી આપે છે એવું જૂઠાણું ચલાવાયું. ભારતીય મૂળના વિશેન લખિયાની સામેય આવો જ ટ્રેન્ડ ચાલ્યો. તેમને તો એફબીઆઈના એજન્ટે એરપોર્ટમાં બિનજરૂરી રીતે પરેશાન કર્યા. લાંબી પૂછપરછ કરી. ગ્રેડિયન્ટના સીઈઓ અનુરાજ વાજપેયી સામે પણ અપશબ્દોનો ઉપયોગ થયો. તે એટલે સુધી કે સુંદર પિચાઈ અને સત્ય નાડેલા જેવા ટોચના ટેકનોક્રેટ્સ સામેય હવે ટીકા કરતી પોસ્ટ લખવાનું શરૂ થયું છે.

ટ્રમ્પ અમેરિકાના રાજ્યોમાં ઈમિગ્રેશન કેમ્પેઈન ચલાવી રહ્યાં છે. તેના કારણે મિનેસોટામાં ભારે હોબાળો પણ થયો છે. જો આ જ ટ્રેન્ડ ચાલતો રહ્યો તો ભારતીયો માટે અમેરિકામાં રહેવાનું દિવસે દિવસે કપરું થતું જશે.