તુર્કીના પ્રમુખ એર્ડોઆનનું ભારત વિરોધી વલણ યથાવત્
- વર્લ્ડ વિન્ડો
- તુર્કીમાં ભૂકંપ આવ્યો ત્યારે ભારતે કરેલી આટ-આટલી મદદ છતાં રેચેપ તૈયબ એર્ડોઆનનો પાકિસ્તાન પ્રેમ ઓછો થયો નથી. એર્ડોઆને ફરીથી યુએનમાં કાશ્મીર રાગ આલાપ્યો
'ઓપરેશન દોસ્ત'
તુર્કી-સીરિયામાં ફેબુ્રઆરી માસમાં મહા વિનાશક ભૂકંપ થયો ત્યારે ભારતે આ ઓપરેશન લોંચ કરીને સહાય મોકલી હતી. ભૂકંપ પછી તુરંત સહાયની જાહેરાત કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થતો હતો. તાકીદની અસરથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, મેડિકલ ટીમ, સૈન્યના જવાનોને તુર્કી-સીરિયામાં રાહત-બચાવ કામગીરી માટે મોકલી દીધા હતા. ધાબળાથી લઈને ફૂડ પેકેટ્સ, અનાજ, કપડાં સહિતની કેટલીય જીવનજરૂરી ચીજવસ્તુઓ ભારતે મોકલાવી. તે માટે બંને દેશોના વિદેશ મંત્રાલયે ભારતનો આભાર માન્યો હતો.
તુર્કીની એર્ડોઆન સરકારનું વલણ પાકિસ્તાન તરફી રહેતું આવ્યું છે. કાશ્મીર જેવા મુદ્દે તુર્કી પાકિસ્તાનનું આંધળું સમર્થન કરે છે, પરંતુ તાત્કાલિક સહાયના નિર્ણયથી તુર્કીના નાગરિકોમાં ભારતની અલગ ઉમદા ઈમેજ બની હતી. તુર્કીના મીડિયામાં ભારતને તારણહાર ગણાવીને નવાજવામાં આવ્યું હતું. ભારતની આ પહેલથી તુર્કીના સામાન્ય નાગરિકો ભારતને, ભારતીયોને સન્માનની દૃષ્ટિથી જોતાં થયા હતા. ભારતીય સૈન્યની હોસ્પિટલે સેંકડો લોકોનો જીવ બચાવ્યો તેનાથી પ્રભાવિત થઈને તુર્કીના અનેક યુવાનો ભારતની હોસ્પિટલમાં સ્વયંસેવક બન્યા હતા. ભારતીય સૈન્યની મોંફાટ પ્રશંસા કરતા હતા.
ભારતની આટઆટલી મદદ છતાં માર્ચ-૨૦૨૩માં મળેલી યુએનની હ્મુમન રાઈટ્સ કાઉન્સિલમાં તુર્કીના રાજદૂતે જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. એ જ ઈતિહાસ છ મહિને રીપિટ થયો છે. તુર્કી (તુર્કીયે)ના પ્રમુખ એર્ડોઆને સંયુક્ત રાષ્ટ્રસંઘની સાધારણ સભાના ૭૮મા સત્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. વૈશ્વિક નેતાઓને સંબોધન કરતી વખતે એર્ડોઆને કહ્યુંઃ 'ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદ અને સહયોગ સાધીને કાશ્મીરનો મુદ્દો ન્યાયપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. એનાથી દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાશે. ભારત-પાકિસ્તાન સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછીય શાંતિ સ્થાપી શક્યા નથી એ દુર્ભાગ્યપૂર્ણ છે.'
ભારત હંમેશાથી પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે ત્રીજા પક્ષના હસ્તક્ષેપનો વિરોધ કરતું આવ્યું છે. પાકિસ્તાન વિદેશી દખલગીરીથી સરહદી વિવાદ ઉકેલવાની માગણી કરતું રહે છે. એર્ડોઆનના નિવેદનનો અર્થ પણ એ જ થતો હતો. ભારત-પાકિસ્તાનના સરહદી વિવાદમાં ભારતનું સ્ટેન્ડ વર્ષોથી સ્પષ્ટ છેઃ 'સમગ્ર કાશ્મીર ભારતનો હિસ્સો છે અને એમાં ભારત કોઈ બાંધછોડ નહીં કરે.' ભારતના આ સ્પષ્ટ વલણ અંગે અમેરિકા શરૂઆતમાં ગણગણાટ કરતું હતું. અમેરિકા મધ્યસ્થી માટે તૈયાર હોવાનું પણ ઘણા પ્રમુખો કહેતા હતા, પરંતુ હવે અમેરિકા સહિતના દેશો એ મુદ્દે ભારતને સમર્થન આપે છે. કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછીય અમેરિકા સહિતના કોઈ દેશોએ હોબાળો મચાવ્યો નહીં અને ભારતના નિર્ણયને મૂક સંમતિ આપી. ચીન સિવાય વિટો ધરાવતા કોઈ દેશનું સમર્થન પાકિસ્તાનને મળતું નથી.
પણ તુર્કીએ આ બાબતે પહેલેથી ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનને સમર્થન આપે છે. ૩૭૦ હટાવ્યાના મુદ્દે પણ એર્ડોઆને ડહાપણ ડહોળીને તેને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય પગલું ગણાવ્યું હતું. એર્ડોઆનને મુસ્લિમ દેશોના મસિહા બનવાની મહત્ત્વાકાંક્ષા છે. છેલ્લાં ૨૦ વર્ષથી એર્ડોઆન તુર્કીમાં એકહથ્થું સત્તા સંભાળે છે. ૨૦૦૧માં જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (એકેપી) સ્થાપી હતી અને ૨૦૦૨ની સંસદની ચૂંટણીમાં પક્ષને બહુમતી મળી હતી. ૨૦૦૩માં એર્ડોઆન પહેલી વખત વડાપ્રધાન બન્યા હતા. એ પછીની ત્રણ ચૂંટણીમાં ચૂંટાયા હતા અને ૨૦૧૪ સુધી વડાપ્રધાનપદ જાળવી રાખ્યું. ૨૦૧૪માં પ્રમુખ બન્યા. ૨૦૧૮માં પ્રમુખપદે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. આ વર્ષે થયેલી ચૂંટણીમાં પવન વિરોધમાં ચાલતો હતો અને વિપક્ષના નેતા કમાલ કલચદારલૂએ મજબૂત પડકાર ફેંક્યો હોવા છતાં એર્ડોઆન ચૂંટાઈ આવ્યા છે. એર્ડોઆન સત્તામાં છે ત્યાં સુધી તુર્કીની પાકિસ્તાન પૉલિસી બદલે એવી શક્યતા નથી.
ભારતે આટલા વર્ષોમાં તુર્કી સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ઘણા પ્રયાસો કર્યા છે. છેલ્લે ભૂકંપ ત્રાટક્યો ત્યારે ઓપરેશન દોસ્તી લોંચ કર્યું એ લેટેસ્ટ પ્રયાસ હતો. ભારતે માનવતાના ધોરણે ભૂકંપ પછી મજબૂત ટેકો કરી આપ્યો હતો, પણ એર્ડોઆનના વલણમાં જરાય ફરક પડયો નથી. એક જ સપ્તાહમાં આ બીજી વખત એર્ડોઆન આડા ફાટયા છે. યુએનની સાધારણ સભામાં પાકિસ્તાન પ્રેમ બતાવીને ભારતનો વિરોધ કર્યો એ પહેલાં ભારતના નવા ઈકોનોમિક કોરિડોરમાં પણ એર્ડોઆને અડંગો નાખ્યો હતો. ઈન્ડિયા મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર બને તેનાથી ભારત શક્તિશાળી બને, ભારત સાથે યુરોપ સુધીના દેશોનો દ્વિપક્ષીય વેપાર વધે, ચીનના સિલ્ક રોડને બરાબરની ટક્કર મળે.
ભારતના નવા ઈકોનોમિક કોરિડોરનો એક સંભવિત રૂટ તુર્કીમાંથી પણ પસાર થાય છે. સદીઓ જૂનો જે સ્પાઈસ રૂટ હતો એ ઘણા દેશોમાંથી નીકળતો હતો, એમાં તુર્કી મહત્ત્વનો પડાવ રહેતો. તુર્કી એશિયા-યુરોપને જોડે છે અને પ્રવેશદ્વારે છે એટલે એનું ભૌગોલિક મહત્ત્વ છે. જળમાર્ગ શોધાયો ન હતો ત્યાં સુધી તુર્કીનો રૂટ ભારતના મરી-મસાલાના વેપારમાં ચાવીરૂપ હતો. ભારત નવેસરથી સ્પાઈટ રૂટને જીવંત કરે તો એનો એક માર્ગ તુર્કીથી પસાર થઈ શકે. એક આયોજન પ્રમાણે કોરિડોરમાં બે માર્ગ હશે. એક પૂર્વી કોરિડોર બનશે, જે ખાડી દેશોમાંથી પસાર થશે. બીજો કોરિડોર ઉત્તરમાંથી નીકળશે. એ માર્ગ ખાડી દેશોને યુરોપ સાથે જોડે તો એમાં તુર્કીનો સમાવેશ કરવો પડે.
ભારતે જી-૨૦ સમિટમાં આ કોરિડોરની જાહેરાત કરી તેનાથી એર્ડોઆનનો ઈગો હર્ટ થઈ ગયો. તુર્કીના પ્રમુખે કોરિડોરની વિરોધમાં નિવેદન આપીને કહ્યુંઃ 'અમારા વગર આ કોરિડોર શક્ય નથી. તુર્કી એવા ભૂભાગ પર આવેલું છે કે એ યુરોપ-એશિયા વચ્ચે સેતુ બને છે. ભારતનો કોરિડોર તુર્કી વગર આગળ વધી શકશે નથી.'
ભારતનો જે સંભવિત બીજો માર્ગ હશે એમાં તુર્કી નહીં હોય. મુંબઈથી સમુદ્રના માર્ગે દુબઈને જોડયા બાદ ત્યાંથી સડક કે ટ્રેનના માધ્યમથી સામાન સાઉદી પહોંચે. સાઉદીથી ટ્રેન કે સડકના માર્ગે ઈઝરાયલ થઈને સામાન ફરીથી સમુદ્રી માર્ગે ગ્રીસ થઈને યુરોપ પહોંચે. આ રૂટમાં ક્યાંય તુર્કીની જરૂર પડે નહીં. ભારત તુર્કીને સાઈડલાઈન કરીને નવો કોરિડોર વિકસાવી નાખે એ વાતથી એર્ડોઆનને પેટમાં દુખે છે. ભૂમધ્ય સમુદ્રમાં તુર્કીનો દબદબો છે. એ માર્ગે અત્યારે એશિયા-યુરોપનો વેપાર ધમધમે છે. અત્યારે મોટા માલવાહક જહાજો તુર્કીની જળસીમામાંથી પસાર થાય છે અને તેનાથી તુર્કીનું મહત્ત્વ રહે છે. આર્થિક ફાયદો પણ થાય છે. ભારતનો કોરિડોર ઈઝરાયલની જળસીમામાંથી ભૂમધ્ય સમુદ્રના રસ્તે જ પસાર થશે. તેનાથી તુર્કીનો વિકલ્પ સર્જાય. તુર્કીની સ્ટ્રેટેજિક સ્થિતિ નબળી પડે.
વેલ, આ જ કારણ છે કે તુર્કીના પ્રમુખે ઈકોનોમિક કોરિડોર અંગે નારાજગી વ્યક્ત કરી ને બીજા જ સપ્તાહે યુએનમાં જઈને કાશ્મીર રાગ આલાપ્યો. ભારત ગમે એટલી મદદ કરે છતાં એર્ડોઆનનું વલણ બદલાશે કે કેમ એ કાયમ મોટો સવાલ રહેશે. આમેય ગમે એટલા પ્રયાસો કરો, વાંકી પૂછડી ક્યારેય સીધી થાય?