Get The App

અમેરિકાના ફાર્મા અને બાયોટેકમાં ચીનની વધતી મોનોપોલી

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાના ફાર્મા અને બાયોટેકમાં ચીનની વધતી મોનોપોલી 1 - image

- વર્લ્ડ વિન્ડો

- અમેરિકાના ચીન બાબતોના કમિશને ચિંતા વ્યક્ત કરી કે જો અમેરિકા ફાર્મા સેક્ટરમાં ચીનનો વિકલ્પ નહીં વિચારે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે

અમેરિકન ફાર્મા ઈન્ડસ્ટ્રી દુનિયામાં પ્રથમ ક્રમે છે. ગ્લોબલ ફાર્મા ઈન્ડસ્ટ્રી ૧.૬ ટ્રિલિયન ડોલરની છે અને એમાં અમેરિકાનો હિસ્સો ૬૩૪ અબજ ડોલર છે. દુનિયાભરમાં નવી દવાઓના રિસર્ચથી માંડીને સર્જિકલ પ્રોડક્ટ્સ સુધીની કેટલીય બાબતોમાં અમેરિકન કંપનીઓની મોનોપોલી છે. અમેરિકન કંપનીઓ બીજા દેશોમાં પ્રોડક્શન કરાવીને અબજો ડોલરની કમાણી કરે છે. ફાર્મા સેક્ટરમાં બીજા ક્રમે ચીન છે. ચીનનો ગ્લોબલ ફાર્મા સેક્ટરમાં ૩૫૦ અબજ ડોલર જેવો માતબર હિસ્સો છે. વૈશ્વિક ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં અમેરિકા-ચીન સંયુક્ત રીતે ૭૫ ટકા જેવો ભાગ ભજવે છે. વળી, બંનેની ફાર્મા ઈન્ડસ્ટ્રી એકબીજા પર આધારિત છે.

અમેરિકા ભલે ગ્લોબલ ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં પહેલા ક્રમે હોય અને મોનોપોલી ધરાવતું હોય, પરંતુ ખરી ચાવી ચીનના હાથમાં છે. અમેરિકાની કંપનીઓ ભલે રિસર્ચમાં આગળ હોય, પરંતુ દવાઓના પ્રોડક્શનમાં ચીનનો જવાબ નથી. અમેરિકાની જ કંપનીઓ ચીનની કંપનીઓ સાથે મળીને કે પછી સ્વતંત્ર રીતે ચીનમાં દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરાવે છે. ચીનની સરકારી પોલિસી વિદેશી કંપનીઓને પ્રોડક્શન કરાવવામાં અનુકૂળ બને છે. ચીનમાં લેબર કોસ્ટ ખૂબ નીચી હોવાથી દવાઓ બનાવતી ગ્લોબલ કંપનીઓ ચીનમાં તેમની દવાઓનું ઉત્પાદન કરાવે છે. ચીનમાં બનતી દવાઓ અમેરિકન કંપનીઓને અબજોનો નફો કરાવે છે.

અમેરિકાની કંપનીઓ ચીની દવા કંપનીઓ સાથે પાર્ટનરશિપ ન કરે અને અમેરિકામાં જ ઉત્પાદન કરાવે તો અમેરિકામાં મોટા પાયે રોજગારી ક્રિએટ થાય. અમેરિકા દવાઓના ઉત્પાદનમાં ચીનને ટક્કર આપી શકે - આવું વિચારીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન-ભારત જેવા દેશોમાંથી આવતી દવાઓ પર માતબર ટેરિફ લગાડવા ધારે છે. ચીન-ભારતની કંપનીઓ પર અત્યારથી જ થોડો ટેરિફ તો લાગુ પડી ચૂક્યો છે. એ ટેરિફ ટ્રમ્પ વધારવા માગે છે અને દવાઓની આયાત ઘટાડવા ઈચ્છે છે. રાજકારણી તરીકે ટ્રમ્પની ગણતરી કદાચ યોગ્ય હશે, પરંતુ ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં અમેરિકાના દબદબાના હિસાબે ટ્રમ્પનું આ પગલું ઘાતક સાબિત થઈ શકે. ટ્રમ્પ પણ એ વાત સમજે છે એટલે વારંવાર ધમકી છતાં ઘણી ફાર્મા કંપનીઓ, ઘણી દવાઓના બંધારણને ટેરિફથી બાકાત રાખીને હજુ સુધી નરમ વલણ બતાવ્યું છે. ટ્રમ્પ ચીન સાથે કાયમી ધોરણે કોઈ રસ્તો નહીં કાઢે તો અમેરિકાનું ફાર્મા સેક્ટરમાં ગ્લોબલી જે સ્થાન છે એ જોખમમાં છે - એવી ચેતવણી અમેરિકન કમિશને ટ્રમ્પ સરકારને આપી છે. યુએસ-ચાઈના ઈકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યુ કમિશને લેટેસ્ટ અહેવાલમાં કહ્યું કે અમેરિકાના મેડિકલ ક્ષેત્રમાં ચીનની મજબૂત પક્કડ છે. જો ચીન-અમેરિકાના ફાર્મા સેક્ટરમાં સંબંધો યથાવત્ નહીં રહે તો ચીન અમેરિકાના મેડિકલ સેક્ટરને ધારણાથી વધારે ફટકો પહોંચાડી શકે.

દવાઓ ઉપરાંત સારવારમાં ઉપયોગી સાધનો ચીન અમેરિકાને આપે છે. જો અમેરિકન કંપનીઓ તૈયાર સાધનો ઈમ્પોર્ટ ન કરે તો પણ ચીનમાંથી કાચી સામગ્રી મંગાવે છે. ચીનને કાચી સામગ્રી આપવાનું પોષાય છે, કારણ કે ચીન નિષ્ણાતોથી લઈને મજૂરો સુધી તમામને ખૂબ ઓછા વળતરે કામ કરાવી જાણે છે. બાયોટેકનોલોજી ઈનોવેશન ઓર્ગેનાઈઝેશનના અહેવાલનુ માનીએ તો અમેરિકાની ટોચની ૧૨૪ બાયો ફાર્મા કંપનીઓ ચીનમાં બેઝ ધરાવે છે. આ કંપનીઓનાં યુનિટ ચીનમાં છે અથવા તો ચીનની કંપનીઓ સાથે કરાર થયેલા છે. આ કંપનીઓ પાસે આજની તારીખે એટલું ફંડ જ નથી કે એ અમેરિકામાં એટલું મોટું પ્રોડક્શન યુનિટ ઊભું કરી શકે. અમેરિકામાં જમીન ખરીદવાથી માંડીને સરકારી પરમિશન લઈને યુનિટમાં માણસો મેળવવા સુધીની લાંબી પળોજણ કોઈ કંપનીને કરવી નથી. એ બધું જ ચીનની સરખામણીએ ખૂબ મોંઘું પડે. એ માટે ધારણા બહારનું ફંડિંગ જોઈએ અને કંપનીઓ એટલું ફંડ આપવા તૈયાર નથી.

અમેરિકા ગ્લોબલ ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ભલે મોટો હિસ્સો ધરાવે છે, પરંતુ અમેરિકન ફાર્મા ૮૦ ટકા કાચી સામગ્રી ચીન પાસેથી ખરીદે છે. અમેરિકામાં ખૂબ જરૂરી અને વિશ્વમાં અમેરિકા નિકાસ કરે છે એવી ૭૦૦ મહત્ત્વની દવાઓનો આધાર એક નહીં તો બીજી રીતે ચીન પર છે. જો ચીન કોઈ રીતે આમાં અવરોધ ખડો કરે તો અમેરિકન માર્કેટમાં દવાઓ મોંઘી થઈ જાય. અમેરિકન કંપનીઓ દુનિયાભરમાં જે દવાઓ મોકલે છે એ પણ મોંઘી થાય, પરિણામે અમેરિકાના વિકલ્પે વિશ્વના દેશો અન્ય દેશોની દવા કંપનીઓ પર નજર દોડાવે. શક્ય છે કે આ દેશો અમેરિકાના વિકલ્પે ચીન-ભારતની કંપનીઓ પાસેથી દવાઓ ખરીદવા માંડે. અમેરિકન દવાઓની સરખામણીએ ચીન-ભારત જેવા દેશોમાં બનતી દવાઓ સસ્તી પડે છે છતાં અમેરિકા ઉપરાંત યુરોપના માર્કેટમાં અમેરિકન દવાઓનું મોટું માર્કેટ છે એ પાછળ અમેરિકાએ બનાવેલી ઉજળી ઈમેજ છે.

અમેરિકામાં દવાઓ મંજૂર કરવાના હાઈ સ્ટાન્ડર્ડ સેટ થયાં છે. ગુણવત્તામાં જરાય બાંધછોડ ન કરવાની અમેરિકન સરકારની પૉલિસીના કારણે અમેરિકન કંપનીઓની દવાઓ વધારે ઓથેન્ટિક ગણાય છે. એ જ કારણે માર્કેટમાં અમેરિકન દવાઓનો દબદબો રહેતો આવ્યો છે, પરંતુ દવાઓ જ ઓછી બનવા માંડે અને ભાવ બમણો ચૂકવવાનો થાય તો કોને પોષાય? જો એવું થવા માંડે તો અમેરિકન ફાર્મા ઈન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો પડે. આ સંભવિત પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમેરિકન કમિશને સરકારને ચીન સાથે સંબંધો સુધારવાની સલાહ આપી છે. અમેરિકન નિષ્ણાતોને ભય એ પણ ખરો કે જો અમેરિકામાં કોઈ મહામારી ત્રાટકે ત્યારે ચીન કાચી સામગ્રી બંધ કરી દે તો અમેરિકાની સ્થિતિ શું થાય? કરોડો અમેરિકનોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો આવી પડે.

આ કમિશને તો ત્યાં સુધી કહ્યું કે માત્ર દવાઓ જ નહીં, બાયોટેકનોલોજી, સેમીકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં પણ અમેરિકાએ હિતો જાળવવાની જરૂર છે. આ કમિશનના વડા માઈકલ કૂઈકેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: અમેરિકાને ચીન સાથે લાંબા ગાળાનો સંઘર્ષ થવાની શક્યતા છે. ચીનની મહત્ત્વાકાંક્ષા અપાર છે, પરંતુ જો અમેરિકા ચીન સાથે અત્યારે હિતો જાળવીને સમાધાન નહીં કરે તો અમેરિકાનું આ ક્ષેત્રનું માર્કેટ ચીનના હાથમાં જાય એવી શક્યતા નકારી શકાતી નથી. અમેરિકાએ લાંબું આયોજન કરીને કોઈ કાયમી ઉકેલ શોધવાની જરૂર છે. અમેરિકાએ વર્તમાન વલણ બદલીને કામ લેવું જોઈએ.

કાચી સામગ્રીની બાબતમાં ચીનની મોનોપોલીને નકારી શકાય તેમ નથી. છેલ્લા એક દશકામાં અમેરિકામાં જ ચીનની કાચી સામગ્રીની નિકાસ ૨૭૦૦ ટકા વધી છે. ચીન ગમે ત્યારે કાચી સામગ્રી બંધ કરે તો અમેરિકાએ રાતોરાત દોડતાં થવું પડે. ચીન આગામી પાંચ વર્ષમાં અમેરિકાના વલણનો ફાયદો ઉઠાવવાની પેરવીમાં છે. ૩૫૦ અબજ ડોલરમાંથી એની ફાર્મા ઈન્ડસ્ટ્રીને બમણી કરીને ચીન ૭૦૦ અબજ ડોલર બનાવવા ધારે છે. એવું થાય તો અમેરિકન કંપનીઓનું સ્થાન ડગમગી જાય ને એના સ્થાને ચીની કંપનીઓ મેડિસીનના ગ્લોબલ માર્કેટમાં ગોઠવાઈ જાય. ચીનની તાસીર જોતાં આવું થાય તો એ દુનિયાના હિતમાં નહીં હોય.