- વર્લ્ડ વિન્ડો
- મિડલ ઈસ્ટમાંથી આવતો પૂરવઠો ખોરવાયો હોવાથી યુરોપમાં ગેસનો રિઝર્વ જથ્થો ઘટયો છે. એશિયા-યુરોપ વચ્ચે કુદરતી ગેસ સંગ્રહ કરવાની હોડ જામી છે તેની અસર પણ યુરોપના દેશોને પડશે
યુરોપિયન યુનિયન (ઈયુ)ના દેશોને વર્ષે ૩૩૦ અબજ ક્યુબિક મીટર ગેસની જરૂર પડે છે. ઈયુના ૨૭ દેશો ગેસનો મોટો જથ્થો રશિયા પાસેથી આયાત કરતા આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ યુરોપિયન સંઘે અમેરિકાના ઈશારે રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા છતાં ગેસની આયાત સદંતર બંધ કરી ન હતી. ગેસની આયાત ઘટાડી તે છતાં એક નહીં તો બીજા રસ્તેથી યુરોપિયન સંઘ રશિયા પાસેથી જ ગેસ ખરીદે છે. હજુય ૪૦-૪૫ અબજ ક્યુબિક મીટર ગેસ રશિયામાંથી આવે છે.
રશિયાએ ગેસનો જથ્થો ઘટાડયો પછી યુરોપિયન સંઘ નોર્વે પાસેથી ૩૩ ટકા જેટલો જથ્થો ખરીદે છે. ૯૭ અબજ ક્યુબિક મીટર ગેસ નોર્વેમાંથી આવે છે. યુરોપિયન સંઘના દેશોની કુલ જરૂરિયાતમાંથી ૮૦ અબજ ક્યુબિક મીટર ગેસ અમેરિકા આપે છે. આફ્રિકા પાસેથી યુરોપિયન સંઘ ૪૦ અબજ ક્યુબિક મીટર જેટલો જથ્થો આયાત કરે છે. ૧૦-૧૨ અબજ ક્યુબિક મીટર ગેસ બ્રિટનની કંપનીઓ મોકલે છે. કતર પાસેથી યુરોપિયન સંઘ લગભગ ૨૦ અબજ ક્યુબિક મીટર જેટલો ગેસ આયાત કરે છે. ખાડી દેશોમાંથી યુરોપને ગેસનો પૂરવઠો મળે છે એ તો ખરું, પરંતુ ખાડી દેશો નજીકના દરિયાઈ માર્ગોના માધ્યમથી યુરોપ સુધી મોટો ગેસનો જથ્થો પહોંચે છે.
ઈરાન યુદ્ધના કારણે આ દરિયાઈ માર્ગ ખોરવાઈ ગયો. ખાસ તો હોર્મુઝની ખાડી અને રાતા સમુદ્રના રસ્તે દુનિયાના ઓઈલ અને ગેસના વેપારનો ૨૦-૨૫ ટકા વેપાર થાય છે. અનેક દેશો આ માર્ગથી ક્રૂડ અને ગેસનો પૂરવઠો મંગાવે છે. એમાં યુરોપનો પણ સમાવેશ થાય છે. બ્રિટિશ કંપની યુરોપિયન સંઘને જે ગેસનો પુરવઠો મોકલે છે એમાંથી કતરમાંથી આવતા ગેસનો હિસ્સો ઘણો મોટો છે. બ્રિટન સહિત આખાય યુરોપની વાત કરીએ તો નોર્વે, રશિયા, અમેરિકા અને કતર ગેસની ૮૦ ટકા જરૂરિયાત પૂરી કરે છે. જો ખાડી દેશોમાંથી ગેસનો પૂરવઠો યુરોપ પહોંચતો બંધ થઈ જાય તો ગેસના ભાવમાં ભડકો બોલી જાય.
...ને એવું જ થયું છે. વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઈરાન યુદ્ધ પછી જબરો ઉછાળો આવ્યો. ગેસનો જથ્થો ઘટી જવાના ડરથી એશિયન દેશોમાં પણ ડિમાન્ડ વધી ગઈ ને યુરોપના દેશોમાં આવતા શિયાળાને ધ્યાનમાં રાખીને ચિંતા વધી એટલે સંગ્રહ કરવાનું વધ્યું. તેના પરિણામે એશિયા-યુરોપના દેશો વચ્ચે ગેસ ખરીદવાની હોડ જામી ગઈ. એમાંય ઈરાને હથિયાર મૂકવાને બદલે મક્કમ ફાઈટ આપવાનું શરૂ રાખ્યું પછી દુનિયાને એવો ડર લાગ્યો કે રશિયા-યુક્રેન યુદ્ધની જેમ જો ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધ પણ લાંબું ચાલશે તો હોર્મુઝની ખાડીના રસ્તે થતો વેપાર અટકી જશે. ગેસના વેપારને પણ ફટકો પડશે. ભવિષ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને ગેસ સંગ્રહ શરૂ થયો ને ભાવમાં અણધાર્યો ઉછાળો આવ્યો.
મિડલ-ઈસ્ટમાં કુદરતી ગેસનું ઉત્પાદન ઘટી ગયું છે. અમુક રિફાઈનરીઝ પર હુમલા થયા એટલે ત્યાં પ્રોડક્શન બંધ પડયું છે. ઘણી રિફાઈનરીઝે યુદ્ધની પરિસ્થિતિમાં સુરક્ષાનાં કારણોથી ઉત્પાદન બંધ કરી દીધું છે. ઘણી કંપનીઓએ ગેસનો જથ્થો ઈમ્પોર્ટ કરવાનું માંડી વાળ્યું. દરિયાઈ જોખમ ખેડીને કરોડોનું નુકસાન વેઠવાની તેમની તૈયારી ન હતી. લાંબા રસ્તે ગેસનો જથ્થો મોકલવાનો હોય તો એની કોસ્ટ વધી જાય એવી ભીતિ હતી. ખરીદનારી અને વેચનારી કંપનીઓ વચ્ચે રસ્તો બદલવાથી ભાવમાં જે તફાવત આવે તેને લઈને સહમતી ન બની એટલેય અમુક જથ્થો અટકી પડયો. સરવાળે ઈરાન યુદ્ધ શરૂ થતાંની સાથે જ ક્રૂડના સંકટની ભીતિ હતી તે સાચી પડી છે. અધૂરામાં પૂરું, રશિયન પ્રમુખ પુતિને પણ ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે જ એવો સંકેત આપ્યો કે કદાચ એ રશિયામાંથી યુરોપ જતો ગેસનો જથ્થો અટકાવી દેશે. હજુય ૪૦-૪૫ અબજ ક્યુબિક મીટર ગેસ રશિયાથી આવે છે. જો રશિયા આગામી મહિનાઓમાં આ ગેસ અટકાવી દે ને કતર સહિત ખાડી દેશોમાંથી આવતો જથ્થો અટકી જાય તો યુરોપમાં રીતસર ઉર્જા કટોકટી સર્જાઈ જાય.
યુરોપમાં અત્યારે શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે. યુરોપને સૌથી વધુ ઉર્જાની જરૂર શિયાળામાં પડે છે. યુરોપિયન દેશોમાં શિયાળા દરમિયાન હીટર વગર રહી શકાય નહીં. એ માટે ગેસના પૂરવઠાની જરૂર પડે છે. માર્ચ મહિનાના અંતે શિયાળો પૂરો થઈ જાય છે, પરંતુ એપ્રિલ અને મે સુધી ચોમાસું હોય છે. વરસાદ પડે પછી ઠંડીનું મોજું ફરી વળે ત્યારે પણ ઉર્જાની માંગ વધી જાય છે. જો રિઝર્વ જથ્થો રાખવામાં ન આવે તો કદાચ આ શિયાળા-ચોમાસાની સીઝન નીકળી જાય, પરંતુ આવતા શિયાળામાં અછત સર્જાઈ શકે. યુરોપનો શિયાળો આકરો હોય છે. નવેમ્બરથી જ શિયાળાની શરૂઆત થઈ જાય છે એટલે અત્યારથી જ બધા દેશો ગેસનો રિઝર્વ જથ્થો સરભર કરે છે. શિયાળો પૂરો થાય ત્યારે જે જથ્થો વપરાયો હોય એ પછીના ત્રણ-ચાર મહિના સુધી ભરવામાં આવે છે ત્યારે આવતા શિયાળામાં જરૂરી ઉર્જાની વ્યવસ્થા થાય છે.
પરંતુ ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં સમીકરણો બદલાઈ ગયાં છે. બ્લૂમબર્ગના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવાયું કે યુરોપમાં ગેસનો જે ભાવવધારો થયો છે તેમાંથી તુરંત રાહ મળે એવી શક્યતા નથી. જો ઈરાનનું યુદ્ધ આગામી ૧૦-૧૫ દિવસમાં પૂરું થાય તો પણ ૨૦૨૭ સુધી યુરોપમાં ગેસનો ભાવ નિયંત્રણમાં આવશે નહીં. જો ઈરાન યુદ્ધ એક મહિનાથી વધારે લાંબું ચાલશે તો યુરોપમાં ૨૦૨૮ સુધી ગેસના ભાવ આસમાને રહેશે. અંદાજ એવો બાંધવામાં આવી રહ્યો છે કે યુરોપમાં આગામી મહિનાઓમાં ૪૦ ટકા સુધી ગેસનો ભાવ વધી જશે. જો યુદ્ધ લાંબું ખેંચાશે તો કદાચ આ વધારો ૪૪ ટકા પણ થઈ શકે.
યુરોપ પાસે રિઝર્વ જથ્થો હતો એ ઝડપભેર ઘટી રહ્યો છે. યુરોપ ગેસ ટ્રેકર્સનું માનીએ તો રિઝર્વ જથ્થામાંથી ૪૪ ટકા આ શિયાળામાં વપરાઈ ગયો છે. હજુ આ મહિનાના અંત સુધીમાં સ્થિતિ વધારે ગંભીર થવાની છે. માર્ચ મહિનાના છેલ્લાં સપ્તાહમાં યુરોપમાં ગેસ રિઝર્વ જથ્થો ઘટીને ૩૦ ટકા આવી જશે. ૨૦૨૨માં યુક્રેન યુદ્ધ થયું અને યુરોપે અમેરિકાના કહેવાથી રશિયા પર આર્થિક પ્રતિબંધો મૂક્યા ત્યારે રિઝર્વ જથ્થો ૪૦ ટકા થઈ ગયો હતો. પહેલી વખત રિઝર્વ જથ્થો ગગડીને ૩૦ આસપાસ પહોંચશે.
અહીંથી યુરોપિયન સંઘે ગેસનો રિઝર્વ જથ્થો ફરીથી ૬૦ ટકાએ પહોંચાડવો હશે તો ૬૦થી ૮૦ અબજ ક્યુબિક મીટર ગેસ ખરીદવો પડશે. અત્યારની સ્થિતિ જોતાં આટલો મોટો જથ્થો મેળવવાનું અઘરું થઈ પડશે. કદાચ આ જથ્થો મળી જશે તો એમાંથીય ઘણો ગેસ દેનિક જરૂરિયાત માટે ખર્ચાઈ જશે એટલે સ્થિતિ ઠેરની ઠેર રહેશે. એની અસર અત્યારે તુરંત નહીં પડે. યુરોપિયન સંઘે ગ્રાહકો પર ગેસના ભાવનો વધારો ન ઝીંકાય એનો ખ્યાલ રાખ્યો છે એટલે હજુ સુધી ભાવમાં કમરતોડ વધારો થયો નથી, પણ જો યુદ્ધ લાંબું ચાલશે તો આવતા શિયાળામાં આખું યુરોપ ગેસના ભાવના ભડકાથી દાઝતું હશે.


