Get The App

ટ્રમ્પની આક્રમક યુરોપ નીતિનું પરિણામ : ચીન-બ્રિટનના સંબંધો સુધર્યા

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની આક્રમક યુરોપ નીતિનું પરિણામ : ચીન-બ્રિટનના સંબંધો સુધર્યા 1 - image

- વર્લ્ડ વિન્ડો

- બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરની ચીન મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે કેટલાંય વર્ષો પછી વેપારને લગતા કરારો થયા. તે પછી ચીને બ્રિટનના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જોગવાઈ કરી છે

- કીર સ્ટાર્મર અને શી ઝિનપિંગ 

અમેરિકા-બ્રિટન એકબીજાને 'સ્પેશિયલ ફ્રેન્ડ' ગણાવે છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધના સમયથી અમેરિકા-બ્રિટન એકબીજાને સાથ આપતા આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં અને પછી છેક બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી બ્રિટન મોટાભાઈની ભૂમિકામાં હતું. તે અરસામાં બ્રિટનનો અડધી દુનિયામાં દબદબો હતો. કેટલાય દેશો એના તાબામાં હતા. બ્રિટન સુપરપાવર હતું. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા નિર્ણાયક ભૂમિકામાં હતું. એ પછી અમેરિકાનું પ્રભુત્વ જામ્યું. અમેરિકાએ જગત જમાદારી શરૂ કરી એ પછી બ્રિટને તેની પાછળ પાછળ ચાલવાની પૉલિસી અપનાવી. વિશ્વયુદ્ધ પછી બ્રિટને નાણાકીય ભીડ અનુભવી ત્યારે અમેરિકાએ મદદ કરી. અમેરિકાને વિશ્વના રાજકારણમાં જ્યારે જ્યારે બ્રિટનના સાથની જરૂર પડી ત્યારે ત્યારે બ્રિટને સાથ આપ્યો.

એક સદીથી કરતાં વધુ સમયથી અમેરિકા-બ્રિટન એકબીજાને સહકાર આપે છે. અમેરિકા-રશિયા વચ્ચે કોલ્ડ વોરની સ્થિતિ દાયકાઓ સુધી રહી ત્યારેય બ્રિટનનો સાથ અમેરિકાને મળ્યો. ડિફેન્સ ડીલથી લઈને વેપારી કરારો સુધી અમેરિકા-બ્રિટનનાં હિતો જોડાયેલા રહ્યાં. ગુપ્તચર એજન્સીઓની જાણકારી ભાગ્યે જ કોઈ દેશ બીજા દેશને આપે છે, પરંતુ બ્રિટન-અમેરિકા એકબીજાને લગતી ગુપ્તચર વિગતો શેર કરે છે. અમેરિકા-બ્રિટનમાં સરકારો બદલાય છતાં એકબીજાના દેશ માટેની પૉલિસી બદલાતી નથી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં સમીકરણો ધીમે ધીમે બદલાઈ રહ્યાં છે. એમાંય ૨૦૧૬થી ૨૦૨૦ સુધીના ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં બ્રિટનને લાગ્યું કે અમેરિકા પર નિર્ભર રહેવાનું યોગ્ય નથી. છેલ્લા એક વર્ષથી ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થયો છે અને ત્યારથી બ્રિટન-અમેરિકાના સંબંધોમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યાં છે.

ટ્રમ્પે બ્રિટન સહિત યુરોપના દેશોને સૈન્યમાં અમેરિકા પર નિર્ભરતા ઘટાડવાની ભલામણ શરૂ કરી છે. અમેરિકાએ તો નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન)માંથી નીકળી જવાની ધમકી પણ આપવાનું શરૂ કર્યું છે. યુરોપની લશ્કરી સુરક્ષાનો મોટો આધાર નાટો પર છે. અમેરિકા સાત દશકાથી નાટોને માતબર ફંડ આપે છે, પરંતુ ટ્રમ્પને એટલું ફંડ આપવું યોગ્ય લાગતું નથી. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ટ્રમ્પ મધ્યસ્થી કરી રહ્યા છે. રશિયન પ્રમુખ પુતિન સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે. પુતિનની અમુક શરતો સ્વીકારવા ટ્રમ્પ સંમત થયા છે અને એમાં યુરોપનું હિત જોખમમાં મૂકાયું છે.

ટ્રમ્પ હવે બ્રિટન સહિત યુરોપનાં આર્થિક હિતો પણ જાળવવાના પક્ષમાં નથી. આયાત-નિકાસમાં અમેરિકા-બ્રિટન વચ્ચે ભેદભાવ નહીં ચાલે એવું નિવેદન ટ્રમ્પ આપી ચૂક્યા છે. એવું ટ્રમ્પ માત્ર બ્રિટનને નહીં, યુરોપના બધા મોટા દેશોને કહી ચૂક્યા છે. ટ્રમ્પની આવી ધમકીઓના પગલે ગયા વર્ષે બ્રિટનમાં યુરોપના દેશોની એક સમિટ મળી હતી ને બ્રિટનના નેતૃત્વમાં વૈશ્વિક વેપાર તેમ જ ડિફેન્સ સેક્ટરની સમીક્ષા થઈ હતી. બ્રિટને ભારપૂર્વક સૌ દેશોને હથિયારો વધારવા અને આત્મનિર્ભર બનવાની ભલામણ કરી હતી. બ્રિટન અને ફ્રાન્સ યુરોપનું નેતૃત્વ લઈને લશ્કર વધારવાની હિમાયત કરે છે. બીજી તરફ, બ્રિટન પોતાની રીતે પણ બધા દેશો સાથે વેપાર વધારવા પ્રયાસો કરી રહ્યું છે. તેના ભાગરૂપે બ્રિટન-ભારત વચ્ચે થોડા મહિના પહેલાં ટ્રેડ ડીલ થઈ હતી. હવે એવી જ ડીલ બ્રિટન-ચીન વચ્ચે થવાની શક્યતા છે.

૨૦૧૮માં તત્કાલિન બ્રિટિશ વડાંપ્રધાન થેરેસા મે ચીનની મુલાકાતે ગયાં હતાં. તે વખતે ચીન-અમેરિકાના સંબંધો પણ આજે છે એટલા તંગ ન હતા. કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો તે પછી ચીનના સંબંધો દુનિયાભરમાં તંગ બન્યા. ચીનની આક્રમક વિદેશનીતિના પરિણામે યુરોપ-અમેરિકાના સંબંધો તો ખૂબ તંગ બન્યા. તેના કારણે થેરેસા મે પછીના એકેય વડાપ્રધાને ચીનનો પ્રવાસ કર્યો ન હતો. ચીનના પ્રમુખ જિનપિંગ પણ છેલ્લે ૨૦૧૫માં બ્રિટનની મુલાકાતે ગયા હતા. તે પછી તેમણે પણ બ્રિટનની મુલાકાત ટાળી છે. ૧૧ વર્ષથી જિનપિંગ બ્રિટન ગયા નથી કે આઠ વર્ષથી બ્રિટનના કોઈ વડાપ્રધાન ચીન આવ્યા ન હતા.

પરંતુ બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણો વચ્ચે કીર સ્ટાર્મરે ચીનનો પ્રવાસ કરી આવ્યા. સ્ટાર્મરે ચીનની મુલાકાતનો નિર્ણય મંત્રાલય સમક્ષ જાહેર કર્યો ત્યારે બહુ જ મહત્ત્વનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ચીન-બ્રિટનના સંબંધો સુવર્ણયુગમાંથી શીતયુગમાં પહોંચી ગયા છે. હવે બ્રિટને તેમની વિદેશનીતિને નવેસરથી આકાર આપવાનો સમય આવી ચૂક્યો છે અને તેમાં ચીન સાથેના વ્યૂહાત્મક સંબંધો અગત્યના બની રહેશે. સ્ટાર્મરે ટ્રમ્પને મેસેજ આપતા કહ્યું, 'ચીન વિશ્વનું બીજા નંબરનું મોટું અર્થતંત્ર છે અને ચીન સાથે વ્યાપારી સંબંધો વિકસાવવામાં બ્રિટન પાછળ રહી શકે નહીં. ચીનના વિશાળ અર્થતંત્ર સામે બ્રિટન આંખો બંધ રાખી શકે નહીં. બ્રિટન તેમના નાગરિકોનાં હિત માટે વેપાર વધારવા સજ્જ છે. બ્રિટન પાસે ચીનને દેવા માટે ઘણું છે. બ્રિટનની ઘણી પ્રોડક્ટ ચીનમાં જગ્યા મેળવી શકે તેમ છે અને ચીનની ઘણી ચીજવસ્તુઓની બ્રિટનમાં ડિમાન્ડ વધે તેમ છે.'

આ નિવેદનની ધારી અસર પણ થઈ હતી. સ્ટાર્મર તેમનો મેસેજ ટ્રમ્પ સુધી પહોંચાડવા ધારતા હતા ને એમ જ થયું. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ વખતે બ્રિટનના હિતેચ્છુ હોય એવા અંદાજમાં કહ્યું, 'બ્રિટન માટે ચીન સાથે સંબંધો વિકસાવવા બહુ ખતરનાક સાબિત થઈ શકે છે. અમેરિકા બ્રિટનના આર્થિક-રાજકીય-સંરક્ષણનાં તમામ હિતોનો બરાબર ખ્યાલ રાખે છે. બ્રિટન-અમેરિકા મોડર્ન આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં સૌથી જૂના અને વિશ્વાસુ સહયોગી છે. બ્રિટન તેનો ખ્યાલ રાખશે એવી આશા છે.'

નિવેદનોની વચ્ચે બ્રિટન-ચીન વચ્ચે વેપારના કરારો પણ થયા. ચીન બ્રિટનને ઈલેક્ટ્રિક વાહનોમાં ડિસ્કાઉન્ટ કરી આપશે. ચીન બ્રિટનને જરૂરી દવાઓ આપશે. ચીની કંપનીઓ માટે બ્રિટનમાં દવાઓનું માર્કેટ ખૂલશે. બદલામાં ચીનને બ્રિટિશ વાઈન વાજબી ભાવે મળશે. બ્રિટનની લક્ઝુરીયસ કાર ચીનના માર્કેટમાં ઉપલબ્ધ બનશે. બંને દેશો વચ્ચે વિઝા-ફ્રી યાત્રાની શરૂઆત થશે. તેના ભાગરૂપે ચીને તો એક મહિના માટે બ્રિટિશ નાગરિકોને વિઝા વગર ચીનમાં આવવાની પરવાનગી પણ આપી દીધી છે. અત્યારે ચીન-બ્રિટન વચ્ચે ઘણો વેપાર થાય છે, પરંતુ છેલ્લાં પાંચેક વર્ષમાં બંનેના વેપારમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. હવે આ મુલાકાતથી ભવિષ્યમાં બંને વચ્ચે વેપાર ફરીથી વધશે. ચીન બ્રિટનમાં મોટા પાયે ઈલેક્ટ્રિક વાહનો વેચવા ધારે છે. આગામી વર્ષોમાં કદાચ ચીન એમાં સફળ પણ થઈ શકે.

વેલ, અત્યારે બંને દેશો વચ્ચે ભલે એવી મોટી ટ્રેડ ડીલ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં બંને પક્ષે આવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિટન-ચીનના સંબંધો સુધરશે અને વેપાર વધશે તેની અસર યુરોપના બીજા દેશો પર પણ થશે. દ્વિપક્ષીય વેપારમાં કદાચ એટલો મોટો ફરક ન પડે તો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણો માટે પણ ચીન-બ્રિટનના સંબંધોની અસર થવાની છે. ટ્રમ્પની આક્રમક અને આડેધડ પૉલિસીનો ચીન ફાયદો મેળવે છે. અમેરિકાનું આ વલણ વૈશ્વિક સંતુલન માટે બેહદ જોખમી સાબિત થઈ રહ્યું છે.