- વર્લ્ડ વિન્ડો
- ઈરાન પરમાણુ પ્રોગ્રામ બંધ કરવાની ખાતરી આપશે તો જ ઈઝરાયલ આ શાંતિકરારને માન્ય રાખશે. ઈઝરાયલ અમેરિકાને પણ આ મુદ્દે ધમકી આપી ચૂક્યું છે એ જોતાં આજે થનારી બેઠક બહુ મહત્ત્વની રહેશે
સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિકરાર થવાનો છે. એના પર આખી દુનિયાની નજર છે. અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો એ પછી આખી દુનિયાના શ્વાસ અદ્ધર ચડી ગયા છે, કારણ છે હોર્મુઝની ખાડી. દુનિયાને ઈરાન પર થતાં હુમલામાં જે હિંસા થાય છે એની જેટલી ચિંતા નથી એટલી ચિંતા વૈશ્વિક વેપાર ખોરવાઈ ગઈ છે તેની છે. હોર્મુઝની ખાડીથી વિશ્વનો ૨૦ ટકા જેટલો વેપાર થાય છે. ક્રૂડનો ૨૫ ટકા જેટલો વેપાર આ માર્ગથી થાય છે. હોર્મુઝની ખાડી બંધ થઈ એ સાથે જ ભારત સહિત કેટલાય દેશોના અર્થતંત્ર પર બોજ આવ્યો છે. મોંઘવારી આખી દુનિયામાં વધી ચૂકી છે.
ચીન-ભારત-ફ્રાન્સ જેવા કેટલાય દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન સંઘ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવાં અનેક સંગઠનોએ હોર્મુઝની ખાડી ખોલીને વૈશ્વિક વેપાર પૂર્વવત્ કરવાની એકધારી હિમાયત કરી છે, પરંતુ હજુ સુધી પરિણામ મળ્યું નથી. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તો બે મહિના પહેલાં ચેતવણી આપી હતી કે જો હોર્મુઝને રસ્તે થતો વેપાર ફરીથી શરૂ નહીં થાય તો દુનિયામાં મોંઘવારી વધી જશે. ચેતવણી સાચી પણ પડી છે.
યુદ્ધ ઈરાન-અમેરિકા-ઈઝરાયલની વાત ન કરીએ તો એ સિવાયના દેશોમાં મોંઘવારીનો હાહાકાર મચી ગયો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે ચેતવણી આપી હતી કે યુદ્ધ પહેલાં જે મોંઘવારીનો દર ૨.૩ ટકા હતો તે વધીને ૩.૫ થઈ જશે. હવે આંકડો એની નજીક પહોંચી પણ ગયો છે. એનર્જીના ભાવમાં એવો ભડકો થયો છે કે ૧૩.૧ ટકાનો વધારો એક જ મહિનામાં થઈ ચૂક્યો છે. યુરોપમાં ગેસ અને ફ્યુઅલની કિંમતમાં વધારો થયો તેનાથી નાગરિકો ત્રસ્ત છે. રશિયા-યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્યારે યુરોપે રશિયાના ગેસની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો. એ વખતે લાગતું હતું કે આ યુરોપને નુકસાન છે. રશિયાને ખાસ વાંધો આવ્યો ન હતો. રશિયાએ ભારત-ચીન જેવા વૈકલ્પિક બજારો શોધી લીધા હતા, પણ યુરોપ એમાંથી એક નહીં તો બીજી રીતે બચી શક્યું હતું. ભલે, એનાથી ગેસના ભાવમાં વધારો થયો હતો ખરો, છતાં એટલો વાંધો આવ્યો ન હતો.
ઈરાન-અમેરિકા યુદ્ધથી તો ગ્લોબલ અર્થતંત્રમાં મંદીની લહેર આવી ગઈ. યુરોપના દેશો ગમે તેમ કરીને આ યુદ્ધ પૂરું કરાવવા મથે છે. ઈન ફેક્ટ, આખી દુનિયાના દેશો એવી હિમાયત કરે છે કે આ યુદ્ધ હવે બંધ થાય. યુદ્ધવિરામ એ જ કલ્યાણ - એ વાત ખુદ અમેરિકાને સમજાઈ ગઈ છે. ટ્રમ્પે હવે ઈરાન યુદ્ધ બંધ કરાવવા મક્કમતા બતાવી છે. અત્યાર સુધી હા-ના, હા-ના ચાલતું હતું, પરંતુ પહેલી વખત શાંતિકરાર થઈ જાય એવી આશા જાગી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૯મી જૂને (આજે) ઈરાન-અમેરિકા વચ્ચે બેઠક થવાની છે. જો છેલ્લી ઘડીએ કોઈ અવરોધ નહીં આવે તો ભારતના સમય પ્રમાણે આજે સાંજે બંને દેશો વચ્ચે શાંતિકરારમાં હસ્તાક્ષર થઈ જશે.
અવરોધ જો આવશે તો એનું નામ હશે - ઈઝરાયલ. અમેરિકાએ ઈરાન સાથે શાંતિકરારની તૈયારી બતાવી તેનો સૌથી પહેલો વિરોધ ઈઝરાયલે કર્યો હતો. શાંતિકરારની વાત સામે આવી પછી ઈઝરાયલે કહ્યું હતું કે ઈરાન સાથેની કોઈ પણ શાંતિ વાર્તા ભરોસેમંદ નથી. પરમાણુ કાર્યક્રમ જ્યાં સુધી નેસ્તનાબુદ નહીં થાય ત્યાં સુધી ડીલ શક્ય નથી. ઈઝરાયલ તેની સંપ્રભુતા સાથે કોઈ સમજૂતી નહીં કરે. ઈઝરાયલના ડિફેન્સ મંત્રી બેન ગ્વિરે તો ત્યાં સુધી કહી દીધું કે અમે અમેરિકાને આધીન નથી, અમેરિકાના કરારો પાળવા માટે બંધાયેલા નથી. ઈઝરાયલ આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરવા પણ બંધાયેલું નથી, કારણ કે જ્યારે જ્યારે કરારોનું પાલન કર્યું છે ત્યારે ત્યારે ઈઝરાયલને નુકસાન ભોગવવું પડયું છે. આ દલીલમાં ઈઝરાયલે અગાઉ જ્યારે જ્યારે મિડલ ઈસ્ટના દેશો સાથે ઘર્ષણ થયા પછી શાંતિકરાર થયા એનાં ઉદાહરણો ટાંક્યા હતા. ઈઝરાયલ માને છે કે ઈરાન પણ અત્યારે શાંતિકરાર કરીને પરમાણુ પ્રોગ્રામ આગળ વધારશે. જો એવું થાય તો પછી આ યુદ્ધનું કોઈ પરિણામ મળ્યું કહેવાશે નહીં.
અમેરિકા-ઈરાને શાંતિવાર્તા માટે તૈયારી બતાવી એ જ દિવસે ઈઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તે હુમલા અટકાવશે નહીં. લેબેનોનમાં હિઝબુલ્લાહના કેમ્પો પર જ નહીં, જવતાર, મરકબા અને ખિયામ જેવા શહેરોમાં ઈઝરાયલે એરસ્ટ્રાઈક કરી હતી. ડ્રોન હુમલા અને મિસાઈલમારો કર્યો હતો. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહને કેટલું નુકસાન થયું તેની જાણકારી ઈઝરાયલે આપી ન હતી. દક્ષિણ લેબેનોનના અધિકારીઓએ પણ વિગતો જાહેર કરી ન હતી. હવાઈ માર્ગે ઉપરાંત જમીની હુમલા કર્યા હોવાની શક્યતા છે. ઈઝરાયલે લેબેનોનની જમીન કબજે કરી છે તે પણ આપવાનો ઈનકાર કર્યો હતો. ટ્રમ્પે ઈરાનના શાંતિકરારના ભાગરૂપે લેબેનોનમાં પણ હુમલા બંધ થશે એવી ખાતરી આપી હતી, તેની કલાકોમાં જ ઈઝરાયલે આ દાવો તોડી પાડયો એટલે ટ્રમ્પ પણ બરાબર ગુસ્સે થયા હતા. તેમણે ઈઝરાયલના પીએમ નેતન્યાહૂની ટીકા પણ કરી હતી.
હિઝબુલ્લાહ સહિતના આતંકી અને બળવાખોર જૂથો ઈરાનનું સમર્થન કરે છે. ઈઝરાયલ એટલે જ તેમના પર તૂટી પડે છે. ઈઝરાયલ તો આ વલણમાં કોઈ પરિવર્તન નહીં લાવે તો ઈરાન આ શાંતિકરારને માનશે નહીં. ટ્રમ્પ અત્યારે ગમે તેમ કરીને આ યુદ્ધ અટકાવવા માંગે છે. ઈરાનમાં અમેરિકાએ મહિનાઓ સુધી લડવું પડયું તેનાથી અમેરિકન નાગરિકોમાં રોષ છે. ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ગગડી ગયું છે. ટ્રમ્પ કોઈ નિર્ણય લઈ શકતા નથી એટલે લોકોમાં હાંસીપાત્ર તો બને જ છે, તેના નિર્ણયોની વિપક્ષો ઝાટકણી કાઢી રહ્યા છે. યુદ્ધ જેટલું ખેંચાઈ રહ્યું છે તેમ તેમ અમેરિકાના આબરુના લીરા ઉડી રહ્યા છે.
મોંઘવારી-બેરોજગારી જેવા ફેક્ટર્સને ધ્યાનમાં ન લઈએ તો પણ ઈરાન જેવા દેશ પર હુમલો કર્યા પછી ચાર-ચાર મહિના સુધી લડવું તે અમેરિકા માટે શરમજનક થઈ પડયું છે. ટ્રમ્પ પહેલાં જ દિવસે જ દાવો કરતા હતા કે અમને ઈરાનમાં સત્તા ઉથલાવીને નવી ડેમોક્રેટિક સરકાર રચવામાં એક વીકનો સમય લાગશે. એ પછી આવા દાવાઓ આવતા રહ્યા, પરંતુ ઈરાને નમતું ન મૂક્યું.
હવે મિડલ ઈસ્ટના અમેરિકાના સાથી દેશોનું પણ ટ્રમ્પ દબાણ વધ્યું છે. આ દેશોની કંપનીઓનો બિઝનેસ અટકી પડયો છે. જો હજુ આ યુદ્ધ બે-ત્રણ મહિના વધારે ચાલે તો આ કંપનીઓને અબજોનું નુકસાન થાય. અમેરિકાને ડર એવો પણ છે કે તેનાથી રશિયાને ફાયદો થઈ રહ્યો છે. મિડલ ઈસ્ટના ક્રૂડનો જે અવકાશ પડયો છે એ રશિયાએ ભરવા માંડયો છે અને રશિયાની સરકારી કંપનીઓ અત્યારે રોકડી કરે છે તે અમેરિકાને પસંદ ન આવે તે સમજી શકાય છે. આ બધા ફેક્ટર્સથી ટ્રમ્પ માટે ઈરાન સાથે સમજૂતી બહુ જ મહત્ત્વની સાબિત થશે.


