- વર્લ્ડ વિન્ડો
- ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર યુરોપના દેશોને કોઈને કોઈ રીતે દાબમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે સંયુક્ત યુરોપને દેશ બનાવવાની ઓનલાઈન ઝુંબેશ ચાલી રહી છે
અમેરિકા નામનો દેશ કેવી રીતે બન્યો?
આજના અમેરિકામાં મૂળ નિવાસીઓને રેડ ઈન્ડિયન્સ કહેવામાં આવે છે. ૧૪૯૨માં કોલંબસ અમેરિકા સુધી પહોંચ્યો એ પછી યુરોપનો અમેરિકા સાથે પરિચય થયો. ત્યાં સુધી અમેરિકામાં મૂળ નિવાસીઓ રહેતા હતા. ૧૬મી સદીમાં બ્રિટિશ કોલોનીઝ અમેરિકામાં બનવા માંડી અને એ કોલોનીના લીડર્સે ૧૮મી સદીના અંતે બ્રિટિશ શાસન સામે લડાઈ લડીને અમેરિકા નામનો અલગ દેશ બનાવ્યો. આજે ૫૦ રાજ્યોમાં ફેલાયેલો અમેરિકા દેશ મૂળ તો ૧૩ સંઘનો બનેલો દેશ છે. અમેરિકાએ બ્રિટન સામે લડાઈ કરી તે વખતે તમામ સંઘોનો સાથ મળ્યો હતો એટલે એ સંઘોએ સંયુક્ત રીતે દેશ બનાવવાનું માન્ય રાખ્યું. તેના પરિણામે અમેરિકાનું સત્તાવાર નામ જ છે - યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા.
હવે આ જ તર્જ પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપ બનાવવાની વિચારણા થઈ રહી છે. વિશ્વયુદ્ધ પછી કેટલીય બાબતોમાં યુરોપના દેશો અમેરિકા પર નિર્ભર છે. અમેરિકા તેમના સંરક્ષણ-આર્થિક-વ્યાપારી હિતો જાળવતું આવ્યું છે. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઇઝેશન)ની સ્થાપના જ એ કારણે થઈ હતી. અમેરિકાની પૉલિસી યુરોપ કેન્દ્રિત રહેતી આવી છે. યુરોપ-અમેરિકા ધાર્મિક-વૈચારિક રીતે પણ જોડાયેલા છે. અમેરિકા શક્તિશાળી બન્યું ત્યારથી યુરોપ માટે મોટાભાઈની ભૂમિકામાં આવી ગયું. ૮૦ વર્ષથી અમેરિકાની યુરોપ પૉલિસીમાં કોઈ મોટો તફાવત આવ્યો નથી. સત્તામાં રિપબ્લિકન પ્રમુખો આવે કે ડેમોક્રેટિક પ્રમુખો આવે - બંને પાર્ટીએ યુરોપનાં હિતોને પ્રાધાન્ય આપવાની પૉલિસી જાળવી રાખી છે.
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ તમામ પ્રમુખોમાં જુદા તરી આવ્યા. અમેરિકા ફર્સ્ટની ટ્રમ્પની પૉલિસી અમેરિકાને કેન્દ્રમાં રાખીને વર્તે છે. એ પૉલિસીમાં પહેલો વિચાર અમેરિકાનો થાય છે અને છેલ્લો વિચાર પણ અમેરિકાનો જ થાય છે. તેના કારણે યુરોપને અત્યાર સુધી જે પ્રાથમિકતા મળતી હતી, જે પ્રકારે હિતો જળવાતા હતા એમાં મોટો તફાવત આવી ગયો.
ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કોઈને કોઈ રીતે યુરોપને દાબમાં રાખવાની કોશિશ તો કરે જ છે, સાથે સાથે ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની સલાહ આપે છે. અમેરિકા સાથેના વેપારમાં પણ યુરોપના દેશો ટ્રમ્પ કહે એ પ્રમાણે કરવાનું કહે છે. તે એટલે સુધી કે અમેરિકા સાથે વેપાર કરવો હશે તો એમાં સમાનતા જરૂરી છે. નહીં તો અમેરિકા ટેરિફ લગાડશે એવું પણ ટ્રમ્પ કહેતા થયા છે. રશિયા-યુક્રેન યુદ્ધવિરામના પ્રસ્તાવમાં પણ યુરોપનાં હિતોને ખાસ ધ્યાનમાં રખાયા નથી એવી ફરિયાદ ઉઠી રહી છે. યુક્રેનનાં હિતો જાળવવામાં, યુક્રેનની લશ્કરી મદદ કરવામાં અમેરિકાનું વર્તન જોયા પછી યુરોપના દેશોને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. અમેરિકામાં અત્યાર સુધી સંપૂર્ણ ભરોસો કર્યો, પણ હવે એવું કરવા જેવું નથી એ સમજાયું છે. ભવિષ્યમાં ટ્રમ્પની જેમ અતિ-રાષ્ટ્રવાદી નેતાઓ સત્તામાં આવતા રહે તો યુરોપનાં હિતો જોખમાશે. તેના પરિણામે હવે યુરોપના દેશોનો એક સંયુક્ત દેશ હોવો જોઈએ એવો વિચાર ઓનલાઈન વહેતો થયો છે અને એ વિચાર એક ઓનલાઈન ઝુંબશમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.
યુરોપમાં સૌથી શક્તિશાળી દેશ છે બ્રિટન. બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનું પ્રભુત્વ ખતમ થયું ને વર્લ્ડ ઓર્ડર બદલાયો એ પછી અમેરિકાએ જગત જમાદારી શરૂ કરી હતી. બ્રિટન-અમેરિકાની દોસ્તી પણ ઐતિહાસિક રીતે મજબૂત રહી છે, પરંતુ બ્રિટન-અમેરિકાના સંબંધોમાં પણ ટ્રમ્પના શાસનકાળમાં થોડું પરિવર્તન આવ્યું છે. યુરોપમાં એ પછી શક્તિશાળી દેશ ફ્રાન્સ છે. ફ્રાન્સ અમેરિકા-બ્રિટનની જેમ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિટો પાવર ધરાવે છે. ડિફેન્સની રીતે ફ્રાન્સ મજબૂત છે - વિશાળ સૈન્ય છે, હથિયારોનું મોટું ઉત્પાદન કરે છે. જર્મની અને ઈટાલીની ગણતરી પણ યુરોપના શક્તિશાળી દેશોમાં થાય છે.
આ દેશોએ મળીને યુરોપિયન સંઘની સ્થાપના કરી હતી, પરંતુ બ્રિટન એમાંથી અલગ થયું ત્યારથી યુરોપિયન સંઘની શક્તિ ઘટી છે. છતાં ફ્રાન્સ-જર્મની અને ઈટાલીના જોરે સંઘ હજુય ૨૭ સભ્ય દેશો વૈશ્વિક રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ દેશો જુદા જુદા હોય એના કરતાં એક છે એટલે સંયુક્ત શક્તિ તરીકે તેમનું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. જો આ દેશો એક સંગઠન તરીકે નહીં, પરંતુ એક સંયુક્ત દેશ હોય તો વિશ્વમાં યુરોપના દબદબો વધી જાય. અત્યારે વર્લ્ડ ઓડર્સની વાત આવે તો અમેરિકા પછી રશિયા સર્વાધિક શક્તિશાળી ગણાય છે, પરંતુ હવે રશિયાનું સ્થાન ચીને લેવા માંડયું છે. ચીનનો રાજકીય પ્રભાવ દુનિયાભરમાં વર્તાઈ રહ્યો છે. ભારત વિકસતા અર્થતંત્ર તરીકે દુનિયામાં જાણીતું થયું છે. ઓપન પૉલિસીના કારણે દુનિયાભરની કંપનીઓને ભારતમાં અપાર તકો દેખાઈ રહી છે. જાપાન પણ આર્થિક રીતે અને ટેકનોલોજીમાં આગળ પડતું રહે છે. એવો દબદબો હવે યુરોપનો રહ્યો નથી. ઘણા એક્સપર્ટ્સ માને છે કે યુરોપ એક સંયુક્ત દેશ બનીને ઉભરે તો જ એ દબદબો સ્થાપિત કરી શકે. ૨૭ દેશો સંયુક્ત રીતે દેશ બનાવે તો એ અમેરિકા પછી દુનિયામાં બીજા નંબરનું અર્થતંત્ર બની જાય. અમેરિકા-ચીન પછી ત્રીજા નંબરનું મજબૂત લશ્કર યુરોપ પાસે હોય. આ બધાના કારણે વૈશ્વિક રાજકારણનાં સમીકરણો બદલાઈ જાય.
પણ આ મનોહર કલ્પના ક્યારેય વાસ્તવિકતા બની શકે તેમ નથી. જે અમેરિકાને ઉદાહરણમાં રાખીને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે અમલી બનાવવાનું કામ અશક્ય જેટલું અઘરું છે. વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત યુરોપને એક દેશ બનાવવાનો વિચાર મૂક્યો હતો, પરંતુ એ વખતે પણ બ્રિટન એમાં સામેલ થવા ઈચ્છતું ન હતું. આ દેશોનાં જૂથને મોટો દેશ બનાવીને એના મોટાભાઈની ભૂમિકા રહેવાની બ્રિટનની ગણતરી હતી, પરંતુ ત્યારે ફ્રાન્સ-જર્મનીએ એમાં રસ બતાવ્યો નહીં. ફ્રાન્સ અને જર્મની જૂના દુશ્મનો છે. અત્યારે બંને દેશો વચ્ચે ભલે સંબંધો મજબૂત છે, પણ ખરેખર આ દેશો સદીઓ સુધી અંદરોઅંદર બાખડયા છે. બંનેનું કલ્ચર જુદું છે. બંનેની ભાષા જુદી છે.
૧૯૫૭ પછી યુરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટીની રચના થઈ. ઘણા દેશો કોમન કરન્સી માટે સહમત થયા, પરંતુ એક દેશ તરીકે એક જ નેજા હેઠળ આવવાની આ દેશોની તૈયારી ન હતી. ફ્રાન્સ-જર્મની અને બ્રિટન વગર પણ જો યુરોપના દેશોનો એક સંયુક્ત દેશ બને તો એના પ્રયાસો પણ થયા, પરંતુ યુરોપમાં સામાજિક ઢાંચો અને ભાષાનું વૈવિધ્ય લોકોને સૌથી મોટો અવરોધ લાગે છે. યુરોપિયન સંઘ એક દેશની જેમ જ ચાલે છે, એમાં ચૂંટણી થાય છે, એમાં સંયુક્ત નિર્ણયો લેવાય છે છતાં એક દેશ બનવામાં કોઈ શક્તિશાળી દેશના પ્રભાવનો ખતરો અન્ય દેશોને જણાય છે. પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપનો વિચાર માત્ર કલ્પનામાં જ રહી જશે, કારણ કે દરેક દેશમાં ભારત જેવી ભાતીગળ એકતા કદાચ શક્ય નથી.


