- વર્લ્ડ વિન્ડો
- 33 વર્ષ પછી અમેરિકામાં ઈઝરાયલ-લેબેનૉન વચ્ચે શાંતિમંત્રણા ચાલી રહી છે, પરંતુ ઈઝરાયલે હુમલા રોક્યા નથી એટલે વાટાઘાટો પડી ભાંગે એવી શક્યતા છે
ઈઝરાયલ-લેબેનૉન વચ્ચે સંઘર્ષનાં મૂળિયાં ઈઝરાયલ અલગ દેશ બન્યો ત્યારથી રોપાયાં હતાં. આજના લેબેનૉન અને ઈઝરાયલ પર એક સમયે ઓટોમન સામ્રાજ્યનો કબજો હતો. ૧૭મી-૧૮મી સદીમાં ઓટોમન સામ્રાજ્ય નબળું પડયું ત્યારે યુરોપમાં બ્રિટન અને ફ્રાન્સનો ઉદય થઈ રહ્યો હતો. બ્રિટન-ફ્રાન્સ વચ્ચે દુનિયા ખૂંદવાની હોડ જામી હતી અને એક પછી એક ટાપુઓ કે દેશમાં વેપાર કરવા કે આધિપત્ય જમાવવા બંને દેશો મથી રહ્યા હતા. છેક પ્રથમ વિશ્વયુદ્ધ સુધી લેબેનૉન આ બંનેમાંથી એકેયના હાથમાં ન આવ્યું. ઓટોમન સામ્રાજ્યએ તેના પર કબજો જાળવી રાખ્યો, પરંતુ વિશ્વયુદ્ધ પછી બ્રિટન-ફ્રાન્સના અંકુશમાં આવેલો આ વિસ્તાર સમયાંતરે સંપૂર્ણ રીતે ફ્રાન્સનો બની ગયો. ફ્રાન્સે લેબેનૉનને ૧૯૪૩માં સ્વતંત્રતા આપી ત્યારે યહૂદીઓની અલગ દેશ ઈઝરાયલની માગણી મજબૂત થતી જતી હતી. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં ધનવાન યહૂદીઓએ મહાસત્તાઓને મદદ કરી હતી અને એ મદદના ભાગરૂપે ઈઝરાયલ નામના અલગ દેશને માન્યતા આપવાની તેમની માંગણી હતી.
તેની સામે ઈઝરાયલનો વિસ્તાર મુસ્લિમ દેશોનો છે - એવી માંગણી સાથે ૧૯૪૫માં આરબ લીગની સ્થાપના થઈ. એના સ્થાપક દેશોમાં એક દેશ હતો લેબેનૉન. વિશ્વયુદ્ધના અંતે યહૂદીઓની માંગણી સ્વીકારી લેવામાં આવી. ભારે વાદ-વિવાદ અને ચર્ચા-વિચારણા બાદ ૧૯૪૮માં ઈઝરાયલનું સર્જન થયું ને એ સાથે ઈઝરાયલ-આરબ દેશો વચ્ચે સંઘર્ષનું નવું પ્રકરણ આલેખાયું. ઈઝરાયલના અસ્તિત્વને નકારીને આરબ દેશોએ ઈઝરાયલ સાથે લડાઈ ચાલુ રાખી, પરંતુ લેબેનૉને આઝાદી મેળવ્યાના ટૂંકાં ગાળામાં વેપારમાં કાઠું કાઢ્યું હતું. પશ્વિમના દેશો સાથે મજબૂત રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. આ બધાં ફેક્ટર્સની અસર ઈઝરાયલ-લેબેનૉનના દ્વિપક્ષીય સંબંધોમાં થઈ. મુસ્લિમ દેશોના સંગઠનને આશ્ચર્યમાં મૂકીને લેબનૉન એવો પહેલો આરબ દેશ બન્યો જેણે ૧૯૪૯માં ઈઝરાયલ સાથે સુલેહનો સંકેત આપ્યો. ૧૯૬૭માં આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે ખેલાયેલા છ દિવસના જંગમાં લેબેનૉને ભાગ લીધો ન હતો. ૧૯૭૩ની યોમ-કિપુરના યુદ્ધથી પણ લેબેનૉને અંતર જાળવ્યું. ભલે બંને દેશો વચ્ચે સત્તાવાર સંબંધો શરૂ થયા નહીં, આંતરરાષ્ટ્રીય સરહદ પણ નક્કી થઈ ન હતી, છતાં સરહદે લગભગ દોઢેક દશકા સુધી એકંદરે શાંતિ સ્થપાયેલી રહી.
લેબનૉનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ૧૯૮૦ના દશકામાં બંને દેશોના સંબંધો ભારે તંગ બની ગયા. ઈઝરાયલે લેબેનૉનમાં સત્તા ઉથલાવવા મેદાને પડેલા ખ્રિસ્તી બળવાખોરોને સમર્થન આપવાનું શરૂ કર્યું. તેની સામે લેબેનૉને તીવ્ર વિરોધ ઉઠાવ્યો અને સમર્થન ન આપવાની તાકીદ કરી, પરંતુ ઈઝરાયલે પીછેહઠ ન કરી એટલે સંબંધો વધુ વણસી ગયા. લેબેનૉને ઈઝરાયલ સાથે જ કોઈ જ રાજદ્વારી સંબંધો શરૂ ન કરવાની જાહેરાત કરી. સામે ઈઝરાયલની એજન્સીઓએ લેબેનૉનને દુશ્મન દેશોની શ્રેણીમાં મૂકી દીધું હતું. લેબેનૉને પણ ઈઝરાયલી નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો. લેબેનૉન ઈઝરાયલે એ ગાળામાં સામસામે સરહદે સેના ગોઠવી દીધી.
વચ્ચે થોડા થોડા સમયે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો કરારો કરવા તૈયાર થતા હતા ને પછી વાટાઘાટો પડી ભાંગતી હતી. એવું ૧૯૯૩ સુધી ચાલ્યું. છેલ્લી વાટાઘાટો છેક ૧૯૯૩માં થઈ હતી. એ પછી બંને દેશો સત્તાવાર રીતે સુલેહ કરવા સહમત થયા નહીં.
બંને દેશો વચ્ચે અત્યારે હિઝબુલ્લાહનો મુદ્દો મુખ્ય છે. હિઝબુલ્લાહ લેબેનૉનમાં લશ્કર ધરાવતી એક રાજકીય પાર્ટી છે. ઈઝરાયલ તેને આતંકવાદી સંગઠન ગણે છે. હિઝબુલ્લાહ ૧૯૮૨માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ ઈઝરાયલ પર હુમલા કરે છે. ઈઝરાયલ તેનો સંપૂર્ણ ખાતમો કરવા ધારે છે. લેબેનૉનની સરકારે આ વર્ષે જ અમેરિકાના દબાણથી અને ઈઝરાયલ સાથે વાટાઘાટો કરવાની શરતના ભાગરૂપે પહેલી વખત હિઝબુલ્લાહ પર પ્રતિબંધ મૂક્યો છે. ૩૩ વર્ષ પછી અમેરિકામાં ઈઝરાયલ-લેબેનૉન વચ્ચે શાંતિમંત્રણા ચાલી રહી છે. લેબેનૉનની શરત હતી કે શાંતિમંત્રણા શરૂ થાય ત્યારે ઈઝરાયલ તેના દેશમાં હુમલા ન કરે. લેબેનૉનની દલીલ એવી છે કે ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહને નુકસાન થાય છે તેનાથી વધુ નુકસાન નાગરિકોને થાય છે. દોઢ મહિનામાં ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં ૨૧૦૦ લેબેનીઝ નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. લેબેનૉનની શરતનો પહેલા સ્વીકાર કર્યો પણ પછી ઈઝરાયલે હુમલા રોક્યા નહીં એટલે વાટાઘાટો પડી ભાંગે એવી શક્યતા છે.
જોકે, બંને દેશો વચ્ચે હિઝબુલ્લાહ એક માત્ર મુદ્દો નથી. કેટલીય બાબતોમાં મતભેદો છે. ઈઝરાયલે ભૂમધ્ય સમુદ્રના પેટાળમાંથી કુદરતી ગેસના બે ભંડાર શોધી કાઢ્યા હતા. ભૂમધ્ય સમુદ્રના એ વિસ્તાર પર પોતાનો અધિકાર હોવાનું ઈઝરાયલ કહે છે. બીજી તરફ તેની આસપાસના વિસ્તાર પર લેબેનૉન પણ દાવો કરે છે. ઈઝરાયલ-લેબેનૉન ભૂમધ્ય સાગરના ૮૬૦ વર્ગ કિલોમીટર વિસ્તારમાં દાવો કરતા આવ્યાં છે. લેબેનૉને ગેસના ભંડારમાંથી પોતાના હિસ્સોની ડિમાન્ડ કરે છે. ઈઝરાયલે સ્પષ્ટ ઈનકાર કરીને એ જથ્થો પોતાના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં હોવાની વાત પકડી રાખી. ૨૦૨૦માં બંને દેશો વચ્ચે અમેરિકાએ મધ્યસ્થી કરાવી હતી એટલે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ હતી. વાટાઘાટોમાં આખરે બંને વચ્ચે પોતપોતાની જળસીમામાં ગેસનો ભંડાર ઉલેચવામાં અવરોધ ઉભો ન કરવાની સહમતી થઈ હતી. એ વખતે અમેરિકાએ તેને ઐતિહાસિક કરાર ગણાવ્યો હતો, પરંતુ એ મુદ્દે પણ પછી સામસામાં નિવેદનો શરૂ થયાં એટલે વાત લટકી પડી હતી. હજુય એ વિવાદ શમ્યો નથી.
જળસીમાની જેમ બંને દેશો વચ્ચે જમીની સરહદનો વિવાદ પણ વર્ષોથી ચાલે છે. ૨૦૦૦ના વર્ષ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની દેખરેખમાં બંને દેશો જમીની સરહદનો વિવાદ ઉકેલવા સહમત થયા. બંનેએ શાંતિકરારમાં સહી કરી અને ઈઝરાયલે લેબેનૉનની સરહદમાંથી સૈન્ય પાછું હટાવ્યું. બંને વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ આંકવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે નિષ્ણાતોની સમિતિ પણ બનાવી. શાંતિકરાર દરમિયાન બંને દેશો આરોપ-પ્રતિઆરોપો કરતા રહ્યાં. ઈઝરાયલે સંપૂર્ણ રીતે સૈન્ય પાછું ખેંચ્યું ન હોવાની વાતે લેબેનૉને પણ ફરીથી થોડુંક સૈન્ય સરહદે ગોઠવ્યું. બંને દેશો વચ્ચે સત્તાવાર આંતરરાષ્ટ્રીય સરહદ હજુય નથી. ઈઝરાયલ 'ગ્રેટર ઈઝરાયલ'નું નિર્માણ કરવા લેબેનૉનનો અમુક હિસ્સો કબજે કરવા માંગે છે એવું લેબેનૉન માને છે.
હિઝબુલ્લાહનો બિંટ જબીલ નામના પ્રદેશમાં કબજો છે. એ આખા વિસ્તારમાં લેબેનૉન કબજો કરવા માંગે છે. ઈઝરાયલ લેબેનૉન પર હિઝબુલ્લાહને સમર્થન આપીને પ્રોક્સી વૉરનો આરોપ મૂકે છે, તો સામે લેબેનૉનનો આરોપ છે કે ઈઝરાયલ તેમના દેશના ખ્રિસ્તી બળવાખોર જૂથોને ફંડ આપીને સ્થિર સરકારોને અસ્થિર બનાવવા પ્રયાસો કરે છે. બંને દેશો વચ્ચે વિવાદના એટલા મુદ્દા છે કે એમાં સંવાદને અવકાશ રહેતો નથી. જ્યારે જ્યારે સંવાદની શક્યતા સર્જાય છે ત્યારે વિવાદનો કોલાહલ એના પર ભારે પડી જાય છે. ૩૩ વર્ષ પછી થયેલી વાટાઘાટોનો અંજામ પણ એવો જ આવશે. કદાચ અત્યારે પરિણામ મળતું જણાશે તો પણ બંને દેશોનો રેકોર્ડ જોતાં એ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહી જશે.


