- વર્લ્ડ વિન્ડો
- બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા અને ચીને એકબીજા સાથે વેપાર વધારવાના હેતુથી જે સંગઠનની સ્થાપના કરી હતી એમાં સાઉથ આફ્રિકા જોડાતાં એનું નામ બ્રિક્સ થયું હતું. ૧૬ વર્ષ પછી સંગઠનનો હેતુ થોડો બદલાયેલો જણાઈ રહ્યો છે
૧૯૯૮માં પહેલી વખત રશિયાએ ભારત-ચીન સાથે મળીને ઉભરતા અર્થતંત્ર ધરાવતા દેશોનું એક સંગઠન બનાવવાનો વિચાર મૂક્યો હતો. થોડાં વર્ષો આવું સંગઠન બનાવવાની ચર્ચા-વિચારણા, વાટાઘાટો ચાલી. રશિયા-ચીન-ભારત ઉપરાંત એમાં બ્રાઝિલને પણ જોડવાનું નક્કી થયું. આ ચાર દેશો વચ્ચે કોઈ સંગઠન બની રહ્યું હોવાનો અહેવાલ રજૂ કરીને છેક ૨૦૦૧માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જિમ ઓનિલે પહેલી વખત 'બ્રિક' શબ્દ લખ્યો હતો. તેણે એમ કહ્યું હતું કે ચાર દેશો ભવિષ્યમાં બ્રિક નામથી સંગઠન બનાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. કદાચ અર્થશાસ્ત્રી હોવાના કારણે તેમણે સોર્સ પાસેથી નામ જાણીને અહેવાલમાં લખ્યું હોય એ શક્ય છે.
વર્ષો પછી ૨૦૦૯માં ખરેખર એ જ નામથી સંગઠન બન્યું. બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા અને ચીનના પ્રથમ અક્ષરો લઈને આ સંગઠનને 'બ્રિક' નામ આપવામાં આવ્યું, પણ પછી ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા આ સંગઠનમાં જોડાયું એટલે નવું નામકરણ થયું - બ્રિક્સ. ઓર્ગેનાઈઝેશનના નામના છેડે સાઉથ આફ્રિકાનો પહેલો અક્ષર 'એસ' ઉમેરાયો હતો. ૧૪ વર્ષ સુધી આ સંગઠનમાં પાંચ દેશો જ હતા. ૨૦૨૪માં રશિયામાં સમિટ યોજાઈ ત્યારે એક સાથે ચાર દેશો - ઈરાન, ઈજિપ્ત, ઈથિયોપિયા અને યુએઈને એન્ટ્રી અપાઈ. ૨૦૨૫માં ઈન્ડોનેશિયા સંગઠનમાં જોડાતા હવે સંગઠનમાં સભ્યોની સંખ્યા ૧૦ થઈ છે. સંગઠનનું સત્તાવાર નામ બ્રિક્સ જ રહ્યું છે, પરંતુ અન્ય દેશો ઉમેરાતા ૨૦૨૪ પછી સમિટમાં 'બ્રિક્સ પ્લસ' બોલવાનું શરૂ થયું છે.
વેલ, આ સંગઠન બનાવવા પાછળનો મૂળ ઈરાદો એકબીજા દેશો સાથે વેપાર વધારવાનો હતો. ઊભરતાં અર્થતંત્રો એકબીજા દેશોનાં માર્કેટમાં સરળતાથી પ્રવેશી શકે, આ દેશોની કંપનીઓ અવરોધો વગર રોકાણો કરી શકે તે મુખ્ય ઈરાદો હતો. દર વર્ષે બ્રિક્સની સમિટ યોજાય છે અને એમાં બિઝનેસના કરારો કરવાથી લઈને એકબીજાનાં વેપારી હિતો જાળવવાની ચર્ચા-વિચારણા થાય છે. વિદેશ મંત્રીઓ અને નાણામંત્રીઓની પણ વર્ષે-બે વર્ષે બેઠકો થતી હોય છે અને એમાં આર્થિક બાબતોને પ્રાધાન્ય આપવાની કવાયત થાય છે.
ઘણા સમીક્ષકો આ સંગઠનની સરખામણી જી-૭ સાથે કરે છે. અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, ઈટાલી, ફ્રાન્સ, બ્રિટનનું આ સંગઠન આર્થિક હિતો જાળવવાના હેતુથી છેક ૧૯૭૫માં બન્યું હતું. એમાં થોડાં વર્ષો રશિયા પણ હતું, પરંતુ પછીથી રશિયાની બાદબાકી થઈ હતી. યુરોપ-અમેરિકાના આર્થિક આધિપત્ય સામે ઊભરતાં અર્થતંત્રોનું આ સંગઠન શરૂઆતમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું. દુનિયાની અડધાથી વધુ વસતિ બ્રિક્સ દેશોમાં રહે છે અને વૈશ્વિક અર્થતંત્રમાં તેમનો હિસ્સો ચોથા ભાગનો છે. દુનિયાભરના સોદા ડોલરમાં થાય છે. તેને ડોલરાઈઝેશન કહેવામાં આવે છે. તેની સામે બ્રિક્સે વૈકલ્પિક કરન્સી કે જેને ડી-ડોલરાઈઝેશન કહીને ઓળખવામાં આવે છે તે અંગે વિચારણા શરૂ કરી છે. જેની સામે અમેરિકાએ વિરોધ ઉઠાવ્યો હતો.
દોઢ દશકામાં બ્રિક્સના દેશોએ ઓર્ગેનાઈઝેશનના ભાગરૂપે ૬૦થી વધારે ઈન્ટ્રાગુ્રપ ઈન્સ્ટિટયૂટ્સ અને થિંક ટેંક્સની રચના કરી છે. તે આ સંગઠનની સિદ્ધિ ગણાય છે. ઈન્ટ્રાગુ્રપ ઈન્સ્ટિટયુટ્સ એટલે પેટા સંસ્થાઓ અથવા તો કંપનીઓ કે જે મૂળ સંગઠનના હેતુને કોઈને કોઈ રીતે આગળ ધપાવવામાં મદદ કરે. થિંક ટેંક સંસ્થાનાં હિતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક પ્રવાહોથી માહિતગાર કરે અને સંસ્થાનાં હિતોનું રક્ષણ થાય તે માટે અહેવાલો તૈયાર કરે. દુનિયાના ઈન્ટર-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન્સમાં સૌથી એક્ટિવ ઓર્ગેનાઈઝેશનમાં બ્રિક્સની ગણતરી થાય છે. વિશાળ માર્કેટ, બ્રિક્સ દેશોના નાગરિકોની વધી રહેલી ખરીદશક્તિ, સ્ટેબલ થઈ રહેલું અર્થતંત્ર, ઉત્પાદનની ક્ષમતા જેવા ફેક્ટર્સના કારણે દુનિયાના પોલિટિકલ, રાજકીય સમીક્ષકોમાં બ્રિક્સની ચર્ચા થતી રહે છે અને હવે આ સંગઠન સંરક્ષણ નિષ્ણાતોમાં પણ ચર્ચાસ્પદ બન્યું છે.
વાત એમ છે કે બ્રિક્સ દેશોએ પહેલી વખત લશ્કરી એક્સરસાઈઝ શરૂ કરી છે. દોઢ દશકા સુધી જે સંગઠનની સરખામણી જી-૭ સાથે થતી હતી એ સંગઠનની તુલના અચાનક નાટો સાથે થવા માંડી છે. દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં ચીનની ભલામણથી અને ચીનના સમર્થનથી બ્રિક્સ દેશોએ નેવી એક્સરસાઈઝ શરૂ કરી છે. 'વિલ ફોર પીસ' નામથી શરૂ થયેલી આ લશ્કરી કવાયતમાં બ્રિક્સના સભ્ય દેશોમાંથી ભારત સિવાયના તમામ દેશોએ ભાગ લીધો છે. ચીને ભલામણ કરી એટલે રશિયા તો એમાં સામેલ થાય જ. દક્ષિણ આફ્રિકાના દરિયામાં એ કવાયત થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના સંબંધો તંગ બન્યા છે એટલે આફ્રિકાએ બહુ ઉત્સાહભેર એમાં અન્ય દેશોને સામેલ કરવાનું મિશન હાથમાં લીધું હતું. તેના કારણે ભારત સિવાયના ૯ દેશોની નેવી આફ્રિકાના દરિયાકાંઠે કવાયતમાં જોડાઈ ગઈ છે. ભારતે એમ કહીને એમાં ંભાગ લેવાનું ટાળ્યું છે કે આ સંગઠન આર્થિક સહયોગ માટે બન્યું છે. લશ્કરી કવાયતથી સંગઠન બાબતે જુદો મેસેજ જશે. ૨૦૨૬માં બ્રિક્સ સમિટ ભારતમાં યોજાશે. તે પહેલાં ભારતે લશ્કરી કવાયતમાં ભાગ ન લઈને પશ્ચિમના દેશો અને બ્રિક્સ ઓર્ગેનાઈઝેશન વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ કરી છે. નિષ્ણાતો માને છે કે ભારત-અમેરિકાના સંબંધો તંગ બન્યા છે ત્યારે આ કવાયતમાં ભાગ લેવાથી સંબંધોમાં તંગદિલી વધવાની શક્યતા હતી. એ કારણે ભારતે મધ્યમ માર્ગ પસંદ કર્યો છે.
ભારતની દલીલથી વિપરીત ચીન, રશિયા અને દક્ષિણ આફ્રિકા હવે આ સંગઠનનો ઉપયોગ માત્ર આર્થિક બાબતો જેટલો સીમિત રાખવા ઈચ્છતા નથી. બ્રિક્સ જી-૭નો વિકલ્પ ગણાતું હતું, પરંતુ ચીન-રશિયા તેને 'નાટો' જેવું લશ્કરી સંગઠન બનાવવા માંગે છે. 'શાંતિના ઉદેશ્યથી' થઈ રહેલી આ લશ્કરી કવાયત પર અમેરિકા-યુરોપની નજર છે. વેસ્ટર્ન વર્લ્ડના મીડિયામાં આ લશ્કરી કવાયતની ટીકા થઈ રહી છે. ચીન-રશિયાના ઈરાદા સામે શંકા ઉઠી છે. ૧૬ વર્ષમાં શાંતિ માટે લશ્કરી કવાયત ન થઈ ને હવે કેમ એવી જરૂરિયાત ઊભી થઈ? એવા સવાલો થઈ રહ્યા છે અને ખાસ તો લશ્કરી કવાયત માટે પસંદ થયેલા સમય અંગે પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે અમેરિકા-ઈરાન વચ્ચે એકાએક તંગદિલી વધી ગઈ છે. ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર હુમલો કરશે એવી અટકળો ચાલી રહી છે. ઈરાન બ્રિક્સનું સભ્ય છે. અમેરિકાએ દક્ષિણ આફ્રિકા પર દબાણ વધાર્યું એટલે છેક છેલ્લી ઘડીએ ઈરાનને લશ્કરી કવાયતથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો.
ટ્રમ્પ બ્રિક્સને અમેરિકા વિરોધી ઓર્ગેનાઈઝેશન કહે છે. બ્રિક્સ જો ડોલરના વિકલ્પને પ્રોત્સાહન આપશે તો અમેરિકા આ દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાડશે એવી ધમકી પણ ટ્રમ્પ આપી ચૂક્યા છે, ત્યારે લશ્કરી કવાયતનું ફેક્ટર ઉમેરાતા વૈશ્વિક રાજકારણમાં બ્રિક્સની ઈમેજ બદલાશે. ચીન-રશિયા એને 'નાટો' બનાવવાની પેરવીમાં હોય તો ૨૦૨૬ના બ્રિક્સ સમિટના યજમાન ભારતે ચેતવા જેવું ખરું.


