- વર્લ્ડ વિન્ડો
- વિશ્વયુદ્ધ બાદ પહેલી વખત જાપાનના લશ્કરે બીજા દેશમાં જઈને મિસાઈલોનું પરીક્ષણ કર્યું. જાપાન-ફિલિપાઈન્સ વચ્ચે લશ્કરી કરારો થયા હોવાથી દક્ષિણ ચીની સમુદ્રમાં સમીકરણો બદલાશે
ફિલિપાઈન્સ એટલે ૭૬૪૧ ટાપુઓથી બનેલો દેશ. જ્યારે એ અલગ દેશ ન હતો ત્યારે સદીઓ પહેલાં એના ટાપુઓનો ઉપયોગ વેપારી જહાજોને વિરામ આપવા માટે થતો હતો. પ્રશાંત મહાસાગરમાંથી પસાર થતાં વેપારીઓ, લશ્કરી જહાજો ફિલિપાઈન્સના ટાપુઓમાં રોકાતા. રસપ્રદ બાબત એ છે કે આ ટાપુઓ તે સમયે સંયુક્ત દેશ ગણાતા ન હતા. વેપારીઓએ એના જુદાં જુદાં નામો આપ્યાં હતાં. સ્થાનિક આદિવાસીઓએ પણ પોતપોતાની રીતે ટાપુઓનાં નામો આપ્યા હતા. બધા ટાપુઓનું કોઈ એક સંયુક્ત નામ ન હતું. તે સમયે આ ટાપુઓ લુઝોન, વિસાયાસ અને મિન્ડાનાઓ એવાં ત્રણ નામે ઓળખાતા હતા.
૧૪મી, ૧૫મી સદીમાં આ ટાપુઓમાં ભારત, ચીન અને જાપાનના વેપારીઓ વેપાર કરવા આવતા હતા. તે વખતે ટાપુઓમાં આદિવાસીઓનાં જૂથો રહેતાં હતાં. પેસિફિક સમુદ્રમાં જેને 'રિંગ ઓફ ફાયર' કહેવાય છે એ ભૂ-ભાગમાં આવેલા આ દેશમાં વારંવાર ભૂકંપો આવે છે. વારંવાર વાવાઝોડાં અને સુનામીનો ભય હોવાથી એટલી વસતિ ટાપુઓમાં રહેતી ન હતી. ફિલિપાઈન્સમાં એ ગાળામાં ભારત-ચીન-જાપાનના કલ્ચરનો પ્રભાવ પણ પડયો હતો ને એ જ અરસામાં અમુક ટાપુમાં ઈસ્લામ ધર્મ પણ પ્રવેશ્યો હતો.
૧૬મી સદીમાં સ્પેનિશ વેપારીઓ આ ટાપુઓ પર આવ્યા અને થોડા સમયમાં તેમણે આ ટાપુઓ પર દાવો કર્યો. આદિવાસીઓ સાથે યુદ્ધ કરીને તેમણે ટાપુ કબજે કરી લીધો અને એ રીતે ફિલિપાઈન્સમાં સ્પેનિશ શાસન સ્થપાયું હતું. તે વખતના સ્પેનના રાજાનું નામ હતું ફિલિપ. રાજાના નામ પરથી આ ટાપુઓનું નામ પડયું - ફિલિપાઈન્સ.
આ ફિલિપાઈન્સમાં મૂળ નિવાસીઓ ઉપરાંત સ્પેનિશ નાગરિકો રહેવા લાગ્યા. જાપાન અને ચીની મૂળના લોકોએ પણ ત્યાં વસવાટ શરૂ કર્યો. ફિલિપાઈન્સ ૩૦૦ વર્ષ સુધી સ્પેનના તાબામાં રહ્યા બાદ એનો કબજો અમેરિકાએ લીધો. ફિલિપાઈન્સમાં ૧૯મી સદીના અંતે આઝાદી માટે આંદોલન શરૂ થયું. સ્વતંત્રતાની લડાઈ માટે તલવારો સહિતના હથિયારો જાપાન આપતું હતું. જાપાનના લશ્કરી અધિકારીઓએ ફિલિપાઈન્સના નાગરિકોના સલાહકારની ભૂમિકા ભજવી હતી. અમેરિકાએ સ્થાનિક નાગરિકોને રાજ્યસત્તા આપી એ પછી ૧૯મી સદીના છેલ્લા દશકામાં જાપાન-ફિલિપાઈન્સ વચ્ચે વેપાર વધ્યો. જાપાનના લોકો ફિલિપાઈન્સમાં આવીને રહેવા લાગ્યા અને રોકાણ કરવા લાગ્યા. ખાસ તો શણની ખેતીમાં જાપાની નાગરિકોનું રોકાણ વધતું જતું એટલે ફિલિપાઈન્સ-જાપાનના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બન્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે ફિલિપાઈન્સ અમેરિકાના અંકુશમાં હતું એટલે જાપાને ફિલિપાઈન્સ પર આક્રમણ કર્યું. અમેરિકા અને ફિલિપાઈન્સના હજારો સૈનિકોનાં આ યુદ્ધમાં મોત થયા. વિશ્વયુદ્ધમાં જાપાનને ફિલિપાઈન્સના ટાપુઓ પર વ્યૂહાત્મક કબજો મેળવવો હતો એટલે આ હુમલો થયો હતો. જાપાને ફિલિપાઈન્સ પર કબજો મેળવીને એના પર નિયંત્રણ મેળવ્યું. તેનાથી ફિલિપાઈન્સ-જાપાના સંબંધો તંગ બન્યા. અમેરિકાએ ૧૯૪૬માં ફિલિપાઈન્સને આઝાદી આપી. જાપાનનો વિશ્વયુદ્ધમાં પરાજય થયો. એ પછીના વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ન સ્થપાયા. વિશ્વયુદ્ધ બાદ બંનેના સંબંધો સુધારવા અમેરિકાએ મધ્યસ્થી કરી. જાપાને યુદ્ધમાં ફિલિપાઈન્સને થયેલા નુકસાન બદલ વળતર આપ્યું અને ફિલિપાઈન્સમાં વિકાસલક્ષી કાર્યો શરૂ થાય તે માટે લોન પણ આપી. એ પછી બંને દેશોના રાજદ્વારી સંબંધો સ્થપાયા, સ્થિર થયા ને વર્ષોવર્ષ મજબૂત બન્યા.
છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની અવળચંડાઈ સતત વધી છે. દક્ષિણ ચીની સમુદ્રના કાંઠે આવેલા બધા દેશોને ચીન પજવે છે. આખાય દક્ષિણ ચીની સમુદ્ર પર ચીન દાવો કરે છે અને વારંવાર ફ્રી નેવિગેશનના નામે દરિયાકાંઠાના દેશોના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ઘૂસીને દાદાગીરી કરે છે. જે દેશોની નૌસેનાને કે કોસ્ટગાર્ડને અવારનવાર ચીન સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે એમાંનો એક દેશ છે ફિલિપાઈન્સ. ચીની કોસ્ટ ગાર્ડ્સ અને ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડ્સ વચ્ચે મધદરિયે વોટર વૉર જામી પડે છે. દક્ષિણ ચીની સમુદ્રમાં નાઈન ડેશ લાઈન નામના વિસ્તારમાં ચીન દાવો કરે છે, ફિલિપાઈન્સ તેનો શરૂઆતથી જ વિરોધ કરે છે અને એ મુદ્દે બંને દેશો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ પહોંચી ચૂક્યા છે. કોર્ટે ફિલિપાઈન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તે છતાં ચીન એમાં દાવો કરતું રહે છે.
જાપાન અને ચીનને તો સદીઓ જૂની દુશ્મનાવટ છે. જાપાનના ટાપુઓ પર પણ ચીન દાવો કરે છે. ખાસ તો સેનકાકુ ટાપુનો વિવાદ વારંવાર સપાટી પર આવતો રહે છે. વિશ્વયુદ્ધ પહેલાં જ્યારે જાપાની સૈન્યનો દબદબો હતો ત્યારે એ ચીનને એકથી વધુ વખત હરાવી ચૂક્યું છે ને વળી જાપાન-અમેરિકા વચ્ચે થયેલા લશ્કરી કરારો પ્રમાણે જાપાનને અમેરિકાનું સમર્થન મળે છે. એ કારણે દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનને રોકવા માટે ચીનના વિરોધી દેશો જાપાન સાથે મજબૂત સંબંધો રાખે છે. દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનનો પગપેસારો ઘટાડવા માટે ઘણા દેશો સંગઠિત થઈ રહ્યા છે. ચીન સામે એક થઈ રહેલાં એવા જ બે દેશો છે - જાપાન અને ફિલિપાઈન્સ. બંને વચ્ચે આર્થિક અને સંરક્ષણ સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. ફિલિપાઈન્સના ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં સૌથી વધુ રોકાણ જાપાનની કંપનીઓનું છે. ૨૦૦૮માં જાપાન-ફિલિપાઈન્સ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ થયો હતો ત્યારથી મુક્ત વેપારને ઉત્તેજન મળ્યું છે. ફિલિપાઈન્સ જે દેશો પાસેથી સર્વાધિક આયાત કરે છે એમાં જાપાન ત્રીજા ક્રમે છે. ૨૦૧૧માં બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારી જાહેર કરી હતી ત્યારથી સંરક્ષણ ક્ષેત્રે પણ વેગ મળ્યો હતો. ને હવે બંને દેશોના સંબંધોએ ગીઅર બદલ્યો છે.
વિશ્વયુદ્ધ પછી પહેલી વખત જાપાનનું લશ્કર જૂના રંગમાં આવી રહ્યું છે. જાપાનમાં ગયા વર્ષે સત્તા પરિવર્તન થયું. જાપાનમાં પ્રખર રાષ્ટ્રવાદના મોજે સવાર થઈને સત્તામાં આવેલા પ્રથમ મહિલા વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ લશ્કરને મજબૂત બનાવવાની પૉલિસી લાગુ પાડી છે અને ચીન સામે આક્રમક વલણ બતાવ્યું છે. જાપાની સરકારની બદલાયેલી ડિફેન્સ પૉલિસીનો પડઘો તાજેતરમાં પડયો. ૮૦ વર્ષમાં પહેલી વખત જાપાનના લશ્કરે બીજા કોઈ દેશમાંથી મિસાઈલ છોડવાનું પરીક્ષણ કર્યું. એ દેશ હતો ફિલિપાઈન્સ. જાપાન, ફિલિપાઈન્સ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સંયુક્ત લશ્કરે ફિલિપાઈન્સમાં કવાયત કરી હતી. એમાં જાપાનના લશ્કરે મિસાઈલ છોડીને એક જૂના યુદ્ધજહાજને તોડી પાડવાનું પરીક્ષણ કર્યું ને તેનાથી ચીન બરાબર અકળાયું. ચીને આ સંયુક્ત લશ્કરી કવાયતને ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું, પરંતુ જાપાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ અમારા સાર્વભૌમત્વના રક્ષણ માટે થયેલું પરીક્ષણ હતું.
ફિલિપાઈન્સમાં લશ્કરી કવાયત કરી એટલાથી વાત પૂરી થઈ ગઈ નથી. જાપાન-ફિલિપાઈન્સ વચ્ચે ઐતિહાસિક ડિફેન્સ કરારો થયા છે. જાપાન હવે ફિલિપાઈન્સને હથિયારો આપશે. બંદૂકોથી લઈને લશ્કરી વિમાનો અને તોપો આપવા માટે જાપાને તૈયારી બતાવી છે. નવી ડિફેન્સ ટેકનોલોજી જાપાન ફિલિપાઈન્સ સાથે શેર કરશે. જાપાને ફિલિપાઈન્સને દરિયાઈ સુરક્ષા માટે પેટ્રોલિંગ બોટ અને રડાર સિસ્ટમ આપી હતી. જાપાનની વધેલી લશ્કરી સક્રિયતા અને ફિલિપાઈન્સ સાથે થયેલા ડિફેન્સ કરારોથી દક્ષિણ ચીની સમુદ્રમાં સમીકરણો બદલાશે.


