ચીને ક્રૂડ ઓઈલનો સિક્રેટ ભંડાર ભરવા માંડયા

- વર્લ્ડ વિન્ડો
- વિશ્વનું રાજકારણ ઝડપભેર બદલાઈ રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને ચીને અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ભવિષ્યમાં ઉર્જાની કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે ચીને ક્રૂડની ખરીદીમાં માતબર રોકાણ શરૂ કર્યું છે
ઉર્જા. ૨૧મી સદીનું જગત આ શબ્દની આસપાસ ઘૂમતું રહેવાનું છે. પરંપરાગત ઉર્જાને બદલે ગ્રીન એનર્જીની દિશામાં માણસે પ્રગતિ કરી છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ગ્રીન એનર્જી સૌથી ઉપયોગી રસ્તો છે. ૨૧મી સદીના માનવી સામે વિભિન્ન પ્રદૂષણનો પ્રશ્ન વિકરાળ થતો જાય છે અને એમાંથી બહાર નીકળવું હશે તો ગ્રીન એનર્જી તરફ વળવું પડશે, પરંતુ માત્ર એટલાથી કામ ચાલી જાય તેમ નથી.
આ એ સદી છે જ્યાં માનવીને અગાઉ ક્યારેય જરૂર પડી નથી એટલી ઉર્જાની જરૂર પડી છે. સમગ્ર ટેકનોલોજીની ક્રાંતિ જ ઉર્જાના ખભે ઉભી છે. ટચૂકડાં ડિવાઈસથી રાક્ષસીકદના મશીનો સુધી બધું જ ઉર્જાથી ચાલે છે. ઘરથી લઈને ઓફિસ, કારખાનાથી લઈને ડેટા સેન્ટર્સ સુધી બધે જ દિવસે દિવસે ઉર્જાની ડિમાન્ડ વધી રહી છે. ઉર્જાની અમર્યાદ ડિમાન્ડ સામે ગ્રીન એનર્જી પર્યાપ્ત નથી. પરંપરાગત વિકલ્પો પર જ ઉર્જાનો સૌથી મોટો આધાર છે. જેમની પાસે ક્રૂડ ઓઈલ, ગેસ, કોલસો વગેરે છે એ તેના માર્કેટમાં મોનોપોલી સર્જવા માગે છે. એને વેચીને થાય એટલી કમાણી કરી લેવા ઈચ્છે છે. જેમની પાસે ઉર્જાનો જથ્થો નથી એ ગમે તેમ કરીને વધુને વધુ જથ્થો ખરીદવા ધારે છે. એવા જ વેચાણકાર અને ખરીદદાર દેશો છેલ્લાં સાત-આઠ દશકાથી વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં છે. એવા દેશોની વાત નીકળે તો પહેલી હરોળમાં મૂકવા પડે એવાં નામો છે - અમેરિકા-ચીન-ભારત-સાઉદી-કુવૈત-ઈરાન-ઈરાક-રશિયા...
જેમની પાસે કુદરતી રીતે ક્રૂડ ઓઈલ-ગેસનો ખજાનો છે એવા દેશોમાં વેનેઝુએલા, સાઉદી, ઈરાન, ઈરાક, કેનેડા, યુએઈ, કુવૈત, રશિયા જેવા દેશો મુખ્ય છે. આ દેશો દુનિયાને ક્રૂડ ઓઈલ વેચે છે અને એમાંથી માતબર કમાણી કરે છે. અમેરિકાએ શરૂઆતથી જ ઉર્જા પર ધ્યાન આપ્યું. મિડલ ઈસ્ટના ક્રૂડ ઓઈલ ધરાવતા દેશો પાસેથી એક નહીં તો બીજી રીતે ક્રૂડ ઓઈલ ખરીદવાનું શરૂ રાખ્યું. અમેરિકાએ તો પેટ્રોલિયમની ડીલ જ ડોલરમાં થાય એવો કરાર કરીને ૭૦ના દશકામાં એવો માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો કે આજેય એ કરાર પેટ્રોડોલરના નામથી જગતમાં જાણીતો છે અને દુનિયાના કોઈ પણ દેશ સાથે ક્રૂડ ઓઈલનો સોદો ડોલરમાં થાય એનો ફાયદો અમેરિકન અર્થતંત્રને મળે છે. અમેરિકાને મિડલ ઈસ્ટના જે દેશો કે તેના સત્તાધીશો સાથે ક્રૂડ ઓઈલના મુદ્દે વાંધો પડયો એને એક નહીં તો બીજી રીતે પૂરા કરી દીધા. એવા તો કેટલાય સત્તાધીશોને બેદખલ કરીને પોતાના યસમેનને સત્તામાં બેસાડયાના દાખલા નોંધાયા છે.
એ બધા રાજકારણ વચ્ચે સતત ઓઈલ ખરીદતા રહીને અમેરિકાએ મોટો જથ્થો ભેગો કરી લીધો. અમેરિકા પાસે પણ ઓઈલનો મોટો ભંડાર છે અને એ સિવાય અમેરિકા સતત ઈમ્પોર્ટ કરે છે. અમેરિકન કંપનીઓ એ ઓઈલ એક્સપોર્ટ કરીને અબજો ડોલરની કમાણી તો કરે છે. એટલું જ નહીં, મોટો જથ્થો બચતમાં મૂકે છે. ભવિષ્યમાં ક્રૂડ ઓઈલના માર્કેટમાં કંઈ નવાજૂની થાય કે વૈશ્વિક પરિસ્થિતિના કારણે પેટ્રોલિયમના માર્કેટમાં અરાજકતા ફેલાય તો પણ નિશ્વિંત રહી શકાય તે માટે અમેરિકા દર વર્ષે પોતાનો રિઝર્વ જથ્થો વધાર્યે રાખે છે. વ્યૂહાત્મક રીતે આ પેટ્રોલિયમનો જથ્થો ખૂબ અગત્યનો હોવાથી તેને સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) કહેવાય છે. રશિયા જેવી મહાસત્તા પાસે પેટાળમાં જ પેટ્રોલિયમ હોવાથી ચિંતા નથી, પરંતુ જેમની પાસે પરંપરાગત રીતે પેટ્રોલિયમનો જથ્થો નથી એ દેશો આ રીતે સંગ્રહ કરે છે. અમેરિકા ઉપરાંત ઝડપભેર પેટ્રોલિયમની સંગ્રહખોરી કરી રહેલો દેશ છે - ચીન.
ચીન જગતનો સૌથી મોટો પેટ્રોલિયમ આયાતકાર દેશ છે. ચીન દરરોજ ૧.૩૩ કરોડ બેરલ ક્રૂડ ખરીદે છે. ચીન રશિયા પાસેથી જ દરરોજ ૨૦થી ૨૫ લાખ બેરલની એવરેજથી ઓઈલ ખરીદે છે. ચીનની કંપનીઓ રશિયન ક્રૂડની ખરીદી વધારવા ધારે છે, પરિણામે ચીને ૨૦૨૬માં રશિયા પાસેથી દરરોજ ૩૦ લાખ બેરલની ખરીદીનો લક્ષ્યાંક સેટ કર્યો છે. એટલું જ નહીં, ડેઈલી ઈમ્પોર્ટ પણ ૧.૫૦ કરોડથી ૧.૬૦ કરોડ બેરલે પહોંચાડવા ધારે છે. ચીન ક્રૂડ ઓઈલની ખરીદીમાં કેટલું આગળ છે એનો અંદાજ એ વાતે આવે કે બીજો ખરીદદાર દેશ છે અમેરિકા. ચીન-અમેરિકા વચ્ચે ડેઈલી બેરલની એવરેજમાં બમણો તફાવત છે. અમેરિકાની ડેઈલી ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટની એવરેજ ૬૦થી ૭૦ લાખ બેરલ છે. ચીન અમેરિકાથી બમણી ખરીદી કરે છે.
ઓઈલ ખરીદીમાં ચીન-અમેરિકા પછી ત્રીજા ક્રમે ભારત છે. ભારત અલગ અલગ દેશો પાસેથી દરરોજ ૪૫થી ૫૦ લાખ બેરલ ખરીદે છે. એમાંથી રશિયા પાસેથી દરરોજ ૧૭થી ૧૮ લાખ બેરલ ઓઈલ ભારત પહોંચે છે. રશિયાએ ડિસ્કાઉન્ટમાં ઓઈલ આપવાનું શરૂ કર્યું ત્યારથી ભારતે રશિયા પાસેથી ખરીદી વધારી છે અને ભારતની કુલ ઈમ્પોર્ટમાં રશિયન ક્રૂડનો હિસ્સો વધીને ૩૪ ટકા થયો છે. ઈરાક અને સાઉદી પછી અત્યારે ભારત સૌથી મોટો જથ્થો રશિયા પાસેથી ખરીદે છે. યુરોપના દેશો પણ ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારો છે. યુરોપિયન સંઘ દરરોજ એક કરોડ બેરલ ઓઈલ ખરીદે છે. રશિયા પાસેથી યુરોપના દેશો મોટા પ્રમાણમાં ગેસ અને પેટ્રોલિયમ ખરીદતા હતા, પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધના કારણે એ ખરીદીમાં મોટો ઘટાડો આવ્યો અને એ કારણે જ રશિયા ચીન-ભારતને ડિસ્કાઉન્ટ કિમતે ક્રૂડ ઓઈલ આપે છે.
વેલ, આ ખરીદીમાંથી અમુક હિસ્સો બધા દેશો બચતમાં નાખતા હોય છે. અમેરિકા પાસે વર્ષોની બચતના કારણે હવે ૭૧.૫ કરોડ બેરલ રિઝર્વમાં પડયા છે. ક્રૂડની અણધારી કટોકટી આવી પડે તો આ જથ્થો અમેરિકાની ઉર્જા ઈન્ડસ્ટ્રીને બચાવી શકે. અત્યાર સુધી ૫૦ કરોડ બેરલથી વધુની બચત કરનારો એક માત્ર દેશ અમેરિકા હતો, પરંતુ હવે સ્થિતિ ઝડપભેર બદલાઈ છે. ચીન ઘણી બાબતોમાં અમેરિકાને ટક્કર આપે છે. આમાં પણ બરાબર ટક્કર આપીને નજીક પહોંચી ગયું છે. ચીને છેલ્લાં દોઢ દશકામાં ડેઈલી ઉર્જાની જરૂરિયાત સામે વધુ ખરીદીની અગ્રેસિવ પૉલિસી લાગુ પાડી તેના પરિણામે હવે ચીન પાસે ૫૧ કરોડ બેરલનો જથ્થો રિઝર્વ થઈ ગયો છે. હજુ ૨૦૨૩ના અંતે ચીનનો રિઝર્વ ક્રૂડ જથ્થો ૪૭.૫ કરોડ બેરલનો હતો. માત્ર દોઢ જ વર્ષમાં ચીને ૩.૫ કરોડ બેરલનો રિઝર્વ ભંડાર વધાર્યો. ચીને મહિનામાં એવરેજ ૨૦ લાખ બેરલ રિઝર્વમાં મૂકવાનું શરૂ કર્યું છે. આ ક્ષમતા અભૂતપૂર્વ ગણાય.
અમેરિકા ચીન પછી જાપાન પાસે ૩૨.૫ કરોડ બેરલનો રિઝર્વ જથ્થો પડયો છે. અમેરિકા-ઈઝરાયલ વચ્ચે રિઝર્વ ક્રૂડનો કરાર થયો છે. એ જ રીતે ફ્રાન્સ-જર્મની અને ઈટાલી વચ્ચે પણ રિઝર્વ ક્રૂડ માટે કરારો થયા છે. ઘણાં દેશો પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે રિઝર્વ જથ્થા માટે ખરીદી કરતાં થયા છે. ક્રૂડનો રિઝર્વ જથ્થો ધરાવતા ટોચના દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જોકે, અમેરિકા-ચીન-જાપાનની સરખામણીએ ભારત પાસે ઘણો ઓછો જથ્થો છે. ભારત પાસે ૫૩ લાખ બેરલનો રિઝર્વ જથ્થો પડયો છે.

