- વર્લ્ડ વિન્ડો
- સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચના અહેવાલ પ્રમાણે ચીને પાંચ વર્ષમાં હથિયારોની આયાત-નિકાસના સમીકરણો બદલી નાખ્યાં. ચીન હવે ટોચના આયાતકારોમાં ટોપ-૧૦માં પણ નથી
વિશ્વયુદ્ધ પછી મહાસત્તા દેશોએ સુરક્ષાના નામે શસ્ત્રો વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. ગમે ત્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવી દહેશત ફેલાવીને સેકન્ડ વર્લ્ડ વોર પછી અમેરિકા-રશિયા-બ્રિટન અને ફ્રાન્સે દુનિયાભરમાં શસ્ત્રોના વેપારનું મોટું માર્કેટ બનાવ્યું. એકબીજા દેશોને લડાવીને એના પર શસ્ત્રોના વેપારની ઈમારત ઊભી કરનારા દેશોમાં અમેરિકા છેલ્લાં ૮૦ વર્ષથી ટોચ પર છે. ગ્લોબલ મિલિટરી ટ્રેડ માર્કેટમાં અમેરિકાનો હિસ્સો ૪૦ ટકા જેટલો છે. રશિયાએ ૨૫ ટકા માર્કેટ શેર સાથે બીજો નંબર જાળવી રાખ્યો. ફ્રાન્સ પાસે ગ્લોબલ મિલિટરી માર્કેટનો ૧૬ ટકા જેટલો મોટો હિસ્સો છે. ૧૯૮૦ સુધી બ્રિટન આ માર્કેટમાં ૧૦ ટકા હિસ્સો ધરાવતું હતું, પરંતુ વિશ્વયુદ્ધનો ફટકો બ્રિટનને એવો પડયો કે તેની પાસે આજે માંડ ગ્લોબલ વેપન્સનું ૪ ટકા માર્કેટ રહ્યું છે. એનાથી આગળ તો ઈટલી અને ઈઝરાયલ નીકળી ગયા છે.
છેલ્લાં ૭૦-૮૦ વર્ષનું સરવૈયું નીકળે તો હથિયારો વેચનારા દેશોના નામમાં બહુ મોટો ફરક પડયો નથી. આ દેશો પાસે વિશ્વયુદ્ધ પછી મોટું માર્કેટ હતું અને આજેય દબદબો જાળવી રાખ્યો છે. હા, એમાં બે-ત્રણ મોટાં પરિવર્તનો દેખાયાં છે. એમાં એક નામ છે ચીન. ૨૦મી સદીના અંત સુધી ચીન હથિયારો આયાત કરતા દેશોમાં ટોચ પર હતું. ૧૯૯૧થી ૨૦૦૫ સુધીનો ટ્રેન્ડ એવો જોવા મળ્યો કે ચીન દર વર્ષે આયાતકાર દેશોમાં પહેલા નંબરે રહેતું હતું. એ પછી ભારત-પાકિસ્તાન-ઈઝરાયલ-તુર્કી-ઈજિપ્ત જેવા દેશોનો સમાવેશ થતો હતો.
૨૧મી સદીમાં ચીને હથિયારો ખરીદવાની પૉલિસી બદલી નાખી. ચીને દેશમાં જ હથિયારો બનાવવાનું મિશન હાથ ધર્યું. ખાસ તો અમેરિકન શસ્ત્ર-સરંજામની બેઠી નકલ કરીને એવાં જ હથિયારો દેશમાં બનાવવાનું શરૂ કર્યું. તેના કારણે શરૂઆતમાં આયાત પર થોડો અંકુશ આવ્યો. આયાતકાર દેશોના લિસ્ટમાંથી ચીને પહેલો નંબર ગુમાવ્યો, પછી બીજો નંબર ગુમાવ્યો, પછી ત્રીજો, ચોથો પાંચમો નંબર પણ ગુમાવી દીધો. છતાં ચીન છેક ૨૦૧૮-૧૯ સુધી ટોપ-૧૦ આયાતકાર દેશમાં સામેલ થતું હતું. પણ એકાએક જિનપિંગની આક્રમક આત્મનિર્ભર પહેલના પરિણામે છેલ્લાં પાંચ વર્ષમાં સ્થિતિ તદ્ન બદલાઈ ગઈ.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચના લેટેસ્ટ અહેવાલમાં ચીન હથિયારોના ટોપ-૧૦ આયાતકાર દેશના લિસ્ટમાંથી બહાર થઈ ગયું છે. ૧૯૯૧ પછી પહેલી વખત આવું બન્યું. ચીનથી તો બીજા ઘણાં એવા દેશો હથિયારોની આયાતમાં આગળ આવી ગયા, જેના નામથી આશ્વર્ય થાય. કતાર, સાઉદી, પાકિસ્તાન તો ઠીક છે, યુએઈ અને કુવૈત પણ ચીન કરતાં વધારે હથિયારો આયાત કરે છે. દુનિયામાં જેટલા હથિયારો વેચાય છે એમાંથી ૯.૭ ટકા હથિયારો યુક્રેન ખરીદે છે. છેક ૨૦૨૧ સુધી યુક્રેન ટોપ-૧૦માં ન હતું. રશિયાના આક્રમણ પછી અમેરિકા-યુરોપના દેશોએ યુક્રેનને હથિયારો આપવા માટે માતબર રકમની સહાય કરી અને લોન આપી તેના કારણે યુક્રેન પહેલા નંબરે પહોંચી ગયું. નહીંતર છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત હથિયારોની આયાતમાં પહેલા નંબરે હતું. ભારત કુલ હથિયારોમાંથી ૯.૮ ટકા સુધીની ખરીદી કરતું હતું. દુનિયાના હથિયારોના સોદાનો ઓલમોસ્ટ ૧૦ ટકા હિસ્સો ભારતનો રહેતો હતો, પરંતુ મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં સ્વદેશી કંપનીઓ સાથે મળીને હથિયાર બનાવવાનું મિશન શરૂ થયું પછી એકાદ-દોઢ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે ભારત ગ્લોબલ આર્મ્સ ડીલના ૮.૨ ટકા હિસ્સેદારી સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
સાઉદી અરબ અને કતાર બાદ હથિયારોની ખરીદીમાં પાકિસ્તાન પાંચમા ક્રમે છે. પાકિસ્તાનમાં ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ છે. ખાવાના ફાંફાં પડી જાય છે. પેટ્રોલિયમની અછત સર્જાય છે. અનાજ-કરિયાણા-શાકભાજી-ફળોના ભાવ આસમાને પહોંચે છે, છતાં પાકિસ્તાને હજુ સુધી હથિયારોની ખરીદી ઘટાડી નથી. પાકિસ્તાનની હિસ્સેદારી ૪.૬ ટકા છે. જોકે, એમાં નોંધપાત્ર ફરક એ પડયો છે કે પાકિસ્તાન તેનાં હથિયારોની ખરીદીમાંથી ૮૦ ટકા ખરીદી ચીન પાસેથી કરે છે, કારણ કે ચીન-પાકિસ્તાનને લોન પર હથિયારો આપે છે. ચીને આવો વ્યૂહ ડઝન-બે ડઝન દેશો સાથે અજમાવ્યો છે અને તેનું ધાર્યું પરિણામ પણ મેળવ્યું છે. આયાતકાર દેશોના ટોપ-૧૦ દેશોમાંથી બહાર થયેલું ચીન હવે શસ્ત્રોના નિકાસકાર દેશોના લિસ્ટમાં ટોપ-૫માં સામેલ થઈ ચૂક્યું છે. કદાચ એક-બે વર્ષમાં ચીન ચોથા નંબરના જર્મની અને ત્રીજા નંબરના રશિયાને ટક્કર આપીને ત્રીજા નંબરે પહોંચી જાય તો પણ નવાઈ નહીં રહે. જો એમ થશે તો ચીન, અમેરિકા અને ફ્રાન્સથી જ પાછળ રહીને શસ્ત્રોના વેપારમાં દબદબો બનાવશે.
જિનપિંગે સ્વદેશી કંપનીઓને શસ્ત્રો બનાવવાનું મિશન સોંપ્યું. અમેરિકા, ફ્રાન્સ જેવા શસ્ત્રોના વેપારમાં દબદબો ધરાવતા દેશોની ટેકનોલોજીની નકલ કરાવી અને તેના આધારે આત્મનિર્ભર બનવાની દિશામાં ડગ માંડયાં. હથિયારો ખરીદતા દેશોની યાદીમાં ચીન હવે છેક ૨૧મા નંબરે છે. ચીનની શસ્ત્રોની આયાત દોઢ વર્ષમાં ૭૨ ટકા સુધી ઓછી થઈ ગઈ. આ આંકડો જેવો તેવો નથી. એનો અર્થ એવો થાય કે ૭૨ ટકા હથિયારો અને જરૂરી સામગ્રીનું નિર્માણ ચીનમાં જ થવા માંડયું છે ને એમાંથી ચીન પોતાના લશ્કરને તો સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ કરે જ છે, પરંતુ નિકાસ કરીને કમાણી પણ કરે છે. ચીન હજુય જે હથિયારો ખરીદે છે એમાં રશિયાની સામગ્રીનો હિસ્સો ૬૬ ટકા છે. એમાંય હેલિકોપ્ટર્સ, ફાઈટર જેટ્સ વગેરેમાં જે હાર્ડવેરની જરૂર પડે છે એનો મોટો હિસ્સો છે. એનો મતલબ કે ચીને રશિયા સિવાય માત્ર પોતાના પ્રોડક્શન માટે જરૂરી હોય એવી જ સામગ્રી બીજા દેશ પાસેથી ખરીદવાનું રાખ્યું છે અને જિનપિંગે સ્થાનિક કંપનીઓને ટાર્ગેટ આપ્યો છે એ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં ચીન સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની જશે.
જિનપિંગનો બીજો ટાર્ગેટ એ છે કે ૨૦૩૫ સુધીમાં અમેરિકાને ટક્કર આપે એટલા પ્રમાણમાં શસ્ત્રોની નિકાસ થાય. આ લક્ષ્યાંક બહુ જ સમજવા જેવો છે. આજની તારીખે ગ્લોબલ આર્મ્સ માર્કેટમાં અમેરિકાની મોનોપોલી છે. ૪૦-૪૨ ટકા હિસ્સો અમેરિકન કંપનીઓનો છે. શસ્ત્રોના વેપારમાં ટોપ-૧૦૦ મિલિટરી કંપનીઓમાંથી ૪૧ કંપનીઓ અમેરિકન છે. વિશ્વમાં શસ્ત્રો અને લશ્કરી સામગ્રીનું વાર્ષિક માર્કેટ ૬૫૦ અબજ ડોલરનું છે અને એમાંથી ૩૨૦ અબજ ડોલરનો વેપાર અમેરિકન કંપનીઓ પાસે છે. ચીન જો એક દશકામાં ૧૦ ટકા હિસ્સો ધરાવતા ફ્રાન્સ, ૬-૭ ટકા હિસ્સો ધરાવતા રશિયા અને ૬ ટકા હિસ્સો ધરાવતા જર્મનીને પાછળ રાખીને બીજા નંબરે આવી જાય ને કદાચ ગ્લોબલ આર્મ્સ માર્કેટમાં ૨૫ ટકા સુધી પહોંચી જાય તો પણ ૧૮૦ અબજ ડોલરનું માર્કેટ મેળવી શકે છે. સ્વીડનની થિંક ટેંક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ માને છે કે ચીને પાંચ વર્ષમાં સમીકરણો બદલ્યાં છે એ જોતાં ૧૦ વર્ષમાં મોટું પરિવર્તન આવશે. યુરોપને સસ્તા ભાવે શસ્ત્રોની જરૂર છે અને ચીન એ માટે તૈયાર છે. કદાચ આ ૨૧મી સદીનો નિર્ણાયક બદલાવ હશે. ૨૧મી સદીનો ફર્સ્ટ હાફ ચીન પોતાના નામે કરે તો નવાઈ નહીં હોય.


