Get The App

બાંગ્લાદેશની ડ્રોન ફોર્સથી ભારતે સાવધાન રહેવું પડશે

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશની ડ્રોન ફોર્સથી ભારતે સાવધાન રહેવું પડશે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- તુર્કી અને બાંગ્લાદેશ વચ્ચે ડ્રોનની ડીલ થઈ છે. થોડાં વર્ષોમાં બાંગ્લાદેશ પાસે આખી ડ્રોન રેજિમેન્ટ ધમધમતી હશે. ભારત-બાંગ્લાદેશની સરહદે બાંગ્લાદેશની લશ્કરી ગતિવિધિ વધે તો નવાઈ નહીં

દુનિયામાં ૧૦૦ દેશોની આર્મી ડ્રોન ઓપરેટ કરે છે. લડાકુ વિમાનોને બદલે ડ્રોન ઓપરેટ કરવા સસ્તાં પડે છે. ઓછા જોખમે જાસૂસીથી લઈને હુમલા સુધીનું કામ પાર પડે છે. લડાકુ વિમાનો રડારમાં આવી જાય ને દુશ્મન દેશ તેને તોડી પાડે તો કરોડોના ખર્ચ ઉપરાંત પાયલટની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે. ગ્લોબલી ૩૦ હજાર મિલિટરી ડ્રોન્સ ઓપરેશનલ હોવાનો અંદાજ છે. અત્યારે રશિયા-યુક્રેનના યુદ્ધમાં અને ઈરાન-અમેરિકાના જંગમાં ડ્રોનની ભૂમિકા બહુ જ મહત્ત્વની બની રહી છે. 

અમેરિકન લશ્કર પાસે સૌથી વધુ ૧૫ હજાર લશ્કરી ડ્રોન છે. તુર્કી, રશિયા, ભારત, ચીન જેવા દેશો પાસે બે હજારથી પાંચ હજાર મિલિટરી ડ્રોન્સ ઓપરેશનલ છે. આંકડો ઘણો મોટો હશે, પરંતુ સુરક્ષાના કારણથી બધા દેશો ડ્રોન રેજિમેન્ટની વિગતો ગુપ્ત રાખે છે. ઝડપભેર ડ્રોન રેજિમેન્ટ મજબૂત કરતાં દેશોમાં અમેરિકા, ચીન, ઈઝરાયલ, ભારત, તુર્કી, પાકિસ્તાન, બ્રિટન, ફ્રાન્સ વગેરે તો ખરા જ, પરંતુ એમાં હવે બાંગ્લાદેશનો પણ સમાવેશ થઈ રહ્યો છે. બાંગ્લાદેશે ડ્રોન રેજિમેન્ટ બનાવવા માટે કવાયત આદરી છે ને આગામી વર્ષોમાં ડ્રોનનું મજબૂત માળખું બનાવવાની દિશામાં અત્યારથી લશ્કરી કરારો કરવા માંડયા છે. એવા જ કરારો બાંગ્લાદેશની સરકારે તુર્કી, અમેરિકા અને ચીન સાથે કર્યા છે, જેનાથી ભારતને લાંબા ગાળાની અસર થશે.

બાંગ્લાદેશના લશ્કર પાસે અત્યારે ૫૦ ડ્રોન છે. ૨૦૨૩માં તુર્કી પાસેથી બાંગ્લાદેશે જથ્થાબંધ ડ્રોન્સ ખરીદ્યા હતા. તબક્કાવાર એમાં વધારો થતો રહ્યો હોવાથી હવે બાંગ્લાદેશનું સૈન્ય ઠીક-ઠીક માત્રામાં ડ્રોન ઓપરેટ કરે છે. બાંગ્લાદેશમાં જ્યાં સુધી શેખ હસીનાની સરકાર હતી ત્યાં સુધી તેમનું વલણ ભારત તરફી રહેતું હતું. ઘણી વખત ભારત તરફી નિર્ણયો ન લીધા હોય તો પણ ભારતની વિરૂદ્ધનું વલણ ખાસ દેખાતું નહીં. મોટા ભાગે ભારત-પાકિસ્તાન અને ચીન એમ ત્રણેય દેશો વચ્ચે સંતુલન જાળવવાની પૉલિસી શેખ હસીનાએ વર્ષો સુધી જાળવી રાખી હતી. ચીન રેલવે-સડક-પોર્ટ સહિત કેટલાય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવા માંગતું હતું, પરંતુ ચીનને એવું મોકળું મેદાન મળ્યું ન હતું.

શેખ હસીનાની સરકારનું બાંગ્લાદેશમાં પતન થયું અને તેમણે ભાગીને ભારત આવી જવું પડયું પછી બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહ પલટાયો છે. શેખ હસીનાને ભારતે રાજકીય આશ્રય આપ્યો હોવાથી બાંગ્લાદેશ પ્રત્યાર્પણની માંગણી કરે છે. પાકિસ્તાન અને ચીને બાંગ્લાદેશના નવા નેતાઓના ભારત વિરોધી વલણનો બરાબર ગેરલાભ લીધો. ચીન તો ભારત સામે નિવેદનો આપતા નેતાઓને વારંવાર ચીનમાં બોલાવીને આગતા-સ્વાગતા કરે છે. ભારત વિરોધી દેશો બાંગ્લાદેશને મદદ માટે તત્પર રહે છે. એવો જ એક દેશ તુર્કી છે.

કાશ્મીર મુદ્દે પણ તુર્કી પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવે છે. ભારતની ટીકા કરવાની એક તક તુર્કી જતી કરતું નથી. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું કે તરત જ તુર્કીની સક્રિયતા વધી ગઈ હતી. તુર્કી પાકિસ્તાનને મિલિટરી ડ્રોન આપે છે. પાકિસ્તાન એ મિલિટરી ડ્રોનનો ઉપયોગ ભારતની સરહદે શસ્ત્રો અને ડ્રગ્સ ઘૂસાડવામાં કરે છે. ભારતીય સૈન્ય દર વર્ષે કેટલાય પાકિસ્તાની ડ્રોનને સરહદે તોડી પાડે છે. ઓપરેશન સિંદૂરમાં પણ તુર્કીના ડ્રોનનો ઉપયોગ પાકિસ્તાને કર્યો હતો એવા અહેવાલો આવ્યા હતા. હવે વધુ એક સરહદે તુર્કીના ડ્રોન તૈનાત થઈ ચૂક્યા છે.

તુર્કી-બાંગ્લાદેશ વચ્ચે ડ્રોનનો નવો કરાર થયો છે. એ પ્રમાણે તુર્કી બાંગ્લાદેશને ડ્રોન ખરીદવા માટે લોન આપશે. બીજી રીતે કહીએ તો તુર્કી ઉધારી કરીને બાંગ્લાદેશને ડ્રોન આપશે. બાંગ્લાદેશ પાસે અત્યારે માંડ ૫૦ ડ્રોન્સ છે, પરંતુ ૨૦૩૦ સુધીમાં બાંગ્લાદેશ ૨,૦૦૦ ડ્રોનની રેજિમેન્ટ તૈયાર કરવા ધારે છે. એકાદ વર્ષમાં બાંગ્લાદેશના લશ્કરમાં ૨૦૦ નવા ડ્રોન ઉમેરાઈ જશે. તુર્કીના ટીબીટુ ડ્રોન્સનો કાફલો બાંગ્લાદેશના સૈન્યમાં તૈનાત થઈ જશે. આ ડ્રોન ૨૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડવાની સાથે ૨૨ હજાર ફૂટની ઊંડાઈએ જઈ શકે છે અને ૨૦ કલાક સુધી એક્ટિવ રહે છે અને ૫૦ કિલો વિસ્ફોટકો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રકારના એક ડ્રોનની કિંમત વીસ લાખ ડોલરથી ૫૦ લાખ ડોલર સુધીની હોય છે. બંને દેશો વચ્ચે કેટલા ડોલરની ડીલ થઈ છે તેનો આંકડો જાહેર થયો નથી, પરંતુ ૧૧૫ કરોડ ડોલરનો સોદો થયો છે અને હજુ મોટો સોદો પાઈપલાઈનમાં છે.

યાદ રહે, લશ્કરી અને કમર્શિયલ ડ્રોનના ઉત્પાદનમાં અમેરિકન કંપનીઓ અબજોની ડીલ કરે છે, પણ ચીને થોડાં વર્ષથી અમેરિકાને પાછળ રાખ્યું હતું. હવે તો ચીનને પાછળ રાખીને તુર્કી આગળ નીકળી ગયું છે. સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટીના અહેવાલ પ્રમાણે તુર્કીએ કેટલાય દેશોને સસ્તાં લશ્કરી ડ્રોન આપ્યા છે. વિશ્વમાં ૧૦૦ ડ્રોન વેચાય એમાંથી ૬૫ ડ્રોન એકલા તુર્કીના છે. આવી સ્થિતિ વચ્ચે તુર્કી ભારતની સરહદે ડ્રોન વેચવાની તક બિલકુલ જતી ન કરે એ સમજી શકાય તેમ છે. તુર્કીએ બાંગ્લાદેશને જથ્થાબંધ ડ્રોન આપીને પાકિસ્તાન પછી ભારતના વધુ એક પાડોશી દેશમાં ડ્રોન તૈનાત કરી દીધા છે.

બીજી તરફ, તારિક રહેમાનની સરકારે તુર્કી ઉપરાંત અમેરિકા સાથે પણ ડ્રોનનો કરાર કર્યો છે. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી જેવા મુદ્દે મતભેદો વધ્યા પછી ભારતનું નાક દબાવવા ટ્રમ્પની સરકારે પાકિસ્તાન-બાંગ્લાદેશની મદદ શરૂ કરી. તેના ભાગરૂપે અમેરિકા બાંગ્લાદેશને સર્વેલન્સ ડ્રોન્સ આપશે. દાવો તો એવોય થઈ રહ્યો છે કે બાંગ્લાદેશનું સૈન્ય અમેરિકન ડ્રોન અત્યારે પણ ઓપરેટ કરે છે. એ દરિયાઈ ડેટા એકઠો કરે છે. બીજો અર્થ એનો એવો થાય કે અમેરિકન ડ્રોન બાંગ્લાદેશ માટે જળસીમાની જાસૂસી કરે છે. અમેરિકા-બાંગ્લાદેશ વચ્ચે બે ડિફેન્સ ડીલ થઈ છે. બાંગ્લાદેશનાં બંદરોનો ઉપયોગ અમેરિકન યુદ્ધજહાજો સર-સામાન લેવા અને ફ્યુઅલ ભરવા માટે કરી શકશે એવો એક કરાર બહુ જ મહત્ત્વનો છે. બીજો કરાર શસ્ત્ર-સરંજામ ખરીદવા ઉપરાંત એકબીજાના દેશની ગુપ્ત લશ્કરી જાણકારી શેર કરવાનો થયો છે.

તુર્કી અને અમેરિકા બાંગ્લાદેશ સાથે લશ્કરી કરારો કરતા હોય ત્યારે ચીન કેમ પાછળ રહી જાય? બાંગ્લાદેશના એરફોર્સ અને ચીનની સરકારી કંપની ચાઈના ઈલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી વચ્ચે ૫૦ કરોડ ડોલરનો સોદો થયો છે. આ કરાર પ્રમાણે ચીન-બાંગ્લાદેશની કંપનીઓ મળીને બાંગ્લાદેશમાં ડ્રોનનું ઉત્પાદન કરશે. બાંગ્લાદેશ પાસે લશ્કરી ડ્રોન બનાવવાની ટેકનોલોજી નથી, ચીન એ ટેકનોલોજી આપશે અને ફંડ પણ આપશે. એ રીતે ચીને તો તુર્કી અને અમેરિકાથી પણ આગળનું વિચાર્યું. ભવિષ્યમાં બાંગ્લાદેશમાં જ મિલિટરી ડ્રોનનું એટલું ઉત્પાદન થતું હોય તો તુર્કી-અમેરિકા પાસેથી ખરીદવાની જરૂર જ ન પડે.

આ સ્થિતિમાં ભારતની સરહદે બાંગ્લાદેશના ડ્રોન ઉડતા દેખાવા માંડે તો નવાઈ નહીં રહે. પાકિસ્તાનની સરહદે ભારતે સાવધાન રહેવું પડે છે એમ હવે બાંગ્લાદેશની બોર્ડરે પણ વધારે એલર્ટ રહેવું પડશે.