Get The App

ભારતીય ઉપખંડમાં ભારતદ્વેષી તુર્કીની સક્રિયતા ચિંતાજનક

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય ઉપખંડમાં ભારતદ્વેષી તુર્કીની સક્રિયતા ચિંતાજનક 1 - image


- વર્લ્ડ વિન્ડો

- પાકિસ્તાનમાં તુર્કી ડ્રોન ઉત્પાદન કરે તેવી શક્યતા છે. પાકિસ્તાન-તુર્કી વચ્ચે એની વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી હોવાનું કહેવાય છે. બાંગ્લાદેશ સાથે પણ તુર્કીએ ડિફેન્સ કરારો કર્યા છે

૨૦૨૩માં તુર્કીમાં મહાવિનાશક ભૂકંપ થયો હતો. ૭.૮ની તીવ્રતાના એ ભૂકંપે તુર્કીમાં મોતનું તાંડવ મચાવ્યું હતું. ૬૦ હજાર લોકો મૃત્યુ પામ્યાં હતાં અને ૧૫૦ અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. સવા લાખ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ૨૧મી સદીના સૌથી ભયાનક પાંચ ભૂકંપમાં આ તુર્કીના આ ધરતીકંપની ગણતરી થાય છે. 

ભૂકંપ પછી તુરંત સહાયની જાહેરાત કરનારો ભારત પહેલો દેશ હતો. ભૂકંપ થયાની કલાકો પછી ભારતે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું. ભારતે માનવતા બતાવીને રાતોરાત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને તો મોકલી જ હતી, સાથે સાથે ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલો બનાવી હતી અને ભારતીય તબીબો, તબીબી સ્ટાફને તુર્કીમાં મોકલી દેવાયો હતો. ભારતની મદદથી ગદગદ થયેલા તુર્કીના વિદેશ મંત્રાલયે તે વખતે કહેલું: 'ભારતમાંથી તુર્કીમાં પહોંચતો એક એક ધાબળો, એક ચીજવસ્તુ અમારા માટે મૂલ્યવાન છે. આ સહાય તુર્કી માટે ખૂબ જ અગત્યની છે. તુર્કી આ સહાયને ક્યારેય નહીં ભૂલે.'

તુર્કીના મીડિયાએ ભારતની પ્રશંસામાં લખ્યું હતું: 'તુર્કીની સરકારના કાશ્મીર મુદ્દે આડેધડ નિવેદનો છતાં ભારતે મદદનો હાથ લંબાવ્યો એ ક્યારેય ભૂલી શકાશે નહીં. તુર્કીની સરકારે વૈશ્વિક સ્તરે ભારતની ઝાટકણી કાઢી છતાં ભારતે એનો જવાબ મિત્રતાથી આપ્યો એ બતાવે છે કે ભારતે દુશ્મનીને નહીં, માનવતાને પ્રાથમિકતા આપી છે. ભારતની આ મદદ બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ગેમ ચેન્જર બની શકે છે. તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે એમાં પરિવર્તન આવી શકે. કદાચ પાકિસ્તાનની દોસ્તીને ધ્યાનમાં રાખીને સમર્થન ન કરે તો પણ વિરોધ બંધ કરી શકે છે.'

ભારતે મદદનો હાથ લંબાવ્યો તેનાથી તુર્કીના સામાન્ય નાગરિકોમાં ભારત પ્રત્યે સન્માન વધ્યું હતું. તેમની ભારતીયો તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ હતી, પરંતુ તુર્કીના પ્રમુખ રીસેપ તાયીપ આર્દવાનના વલણમાં કોઈ જ ફરક ન પડયો. આર્દવાન ભારતનો આટલો ઉપકાર ભૂલીને પણ વૈશ્વિક મંચો પર જાહેરમાં કાશ્મીરના મુદ્દે મૌન રહેવાને બદલે પાકિસ્તાનને સમર્થન આપે છે. આર્દવાને તો ઓપરેશન સિંદૂર વખતેય પાકિસ્તાનની મદદમાં ડ્રોન મોકલ્યા હતા એવો દાવો થયો હતો. આર્દવાનનો ભારતદ્વેષ અને પાકિસ્તાન પ્રેમ અનેક વખત ખુલ્લો પડયો છે.

મૂળ તો આર્દવાન વર્ષોથી આખાય ઈસ્લામિક વર્લ્ડના તારણહાર નેતા તરીકે ઉભરવાની મથામણ કરે છે. ઈસ્લામિક દેશોના મુદ્દે મુખર થઈને નિવેદનો આપવા માટે જાણીતા તુર્કીના પ્રમુખનો નવો વ્યૂહ ભારતીય ઉપખંડમાં તુર્કીનો દબદબો સ્થાપિત કરવાનો છે. એ માટે તેણે પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથે ડિફેન્સના કરારો કર્યા છે. શ્રીલંકા, નેપાળ, માલદીવ જેવા દેશો સાથે સંબંધો મજબૂત બનાવવાની દિશામાં તુર્કી સક્રિય થયું છે.

તુર્કી લશ્કરી ડ્રોન બનાવવામાં નામ કાઢી રહ્યું છે. તુર્કીની ડિફેન્સ નિકાસ આ વર્ષે જ ૩૦ ટકા વધી છે. ૨૦૨૫માં તુર્કીની નિકાસ ૭.૫ અબજ ડોલરે પહોંચી ગઈ છે અને એમાં લશ્કરી ડ્રોનનું પ્રમાણ સૌથી વધારે છે. તુર્કીની સૌથી મોટી ડ્રોન બનાવતી કંપની બાયકરે ૩૫ દેશોમાં ડ્રોન મોકલ્યા છે અથવા તો ડીલ કરી છે. બાયકરમાં આર્દવાનના જમાઈનું મોટું રોકાણ છે. આ કંપનીએ જેની સાથે લશ્કરી ડ્રોનનો કરાર કર્યો છે એમાં પાકિસ્તાન-બાંગ્લાદેશ-નેપાળ-શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થાય છે. યુક્રેનના યુદ્ધમાં તુર્કીના ડ્રોનનું ટેસ્ટિંગ થયું એ પછી એની ડિમાન્ડ વધી છે. યુક્રેને જે રીતે લશ્કરી ડ્રોનની મદદથી રશિયા જેવી મહાસત્તાને ટક્કર આપી છે તેનાથી તુર્કીની બાયકર કંપનીના લશ્કરી ડ્રોનનું સારું એવું માર્કેટિંગ થયું છે. આર્દવાન વિદેશ પ્રવાસમાં બાયકર કંપનીના ડ્રોનને પ્રમોટ કરે છે.

હવે આ કંપની પાકિસ્તાનમાં ડ્રોન ઉત્પાદન યુનિટ બનાવે તેવી શક્યતા છે. પાકિસ્તાન-તુર્કી વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પાકિસ્તાનમાં ડ્રોનનુ ઉત્પાદન થાય તો તુર્કીને હજુય પ્રોડક્શન સસ્તું પડે તેમ છે. પાકિસ્તાનને ફાયદો એ કે નવું વિદેશી રોકાણ આવે અને અમુક હજાર નવી રોજગારી ક્રિએટ થાય. વળી, પાકિસ્તાનને પણ ડ્રોન ટેકનોલોજી મળી જાય. પાકિસ્તાન-તુર્કી વચ્ચે કેટલાય વર્ષોથી સંરક્ષણ સંબંધો છે. તુર્કીની કંપની પાકિસ્તાન નેવી માટે યુદ્ધજહાજ બનાવી રહી છે અને ભવિષ્યમાં બંને દેશો મળીને યુદ્ધજહાજ બનાવે તેવી પણ વાટાઘાટો ચાલે છે. તુર્કી-પાકિસ્તાન મળીને ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનોનો પ્રોગ્રામ શરૂ કરશે એવી અટકળો પણ ચાલી રહી છે.

તુર્કી-પાકિસ્તાનના સંબંધો તો શરૂઆતથી જ મજબૂત છે, પરંતુ એ સિવાયના ભારતીય ઉપખંડના અન્ય દેશોમાં પણ હવે તુર્કીની સક્રિયતા વધી છે. બાંગ્લાદેશમાં છેલ્લાં કેટલાય વર્ષોથી શેખ હસીના વડાંપ્રધાન હતાં. શેખ હસીનાનું ભારત તરફી વલણ હતું. તેમની વિદેશનીતિમાં સંતુલન જળવાતું હતું. બાંગ્લાદેશમાં તેમની સરકારનું પતન થયું એનો ફાયદો ઉઠાવીને તુર્કીએ બાંગ્લાદેશની સરકારના કાર્યકારી વડા મોહમ્મદ યૂનુસ સાથે સંરક્ષણ સંબંધો મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા છે. બાંગ્લાદેશ-તુર્કી વચ્ચે લશ્કરી ડ્રોન, રોકેટ સિસ્ટમ, ટેંક વગેરે માટે વાતચીત ચાલી રહી છે.

માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઈઝ્ઝુએ તુર્કી સાથે ડિફેન્સનો કરાર કર્યો છે. દરિયાઈ સરહદની નિગરાની રાખવા માટે તુર્કીના લશ્કરી ડ્રોન ખરીદવા માટે ૩.૭ કરોડ ડોલરનો કરાર પણ થયો હતો. એટલું જ નહીં, આ સોદાના બદલામાં તુર્કીએ એક જૂનું યુદ્ધજહાજ ગિફ્ટમાં આપવાની પેશકશ પણ કરી હતી. તુર્કીએ ભારતના વ્યૂહાત્મક રીતે બહુ મહત્ત્વના પાડોશી શ્રીલંકાને આ વર્ષે જ એક ડિફેન્સ ફેરમાં ખાસ આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાને તુર્કીએ માનપાન આપ્યાં તેનાથી ભવિષ્યમાં બંને દેશો વચ્ચે લશ્કરી સોદો થાય તો નવાઈ નહીં રહે.ૃ શ્રીલંકાએ તો તુર્કીના એક રિસર્ચ જહાજને આવકાર્યું હતું. માલદીવ અને શ્રીલંકા સાથે તુર્કી જે ઝડપે સંરક્ષણ સંબંધો વિકસાવે છે તે જોતાં તુર્કી હિંદ મહાસાગરમાં દબદબો બનાવવા મહેનત કરે છે. ચીન પછી તુર્કીની આ સક્રિયતાથી હિંદ મહાસાગરની સુરક્ષા જોખમમાં મૂકાશે.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સમર્થકોમાં એક નામ આર્દવાનનું પણ છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે એમાં મધ્યસ્થી કરાવવાનું કામ તુર્કીએ હાથમાં લીધું છે. તુર્કીએ નેપાળમાં પ્રભાવ વધારવા આર્થિક સહાયનો રસ્તો અપનાવ્યો છે. એશિયન દેશો સાથે સંબંધો વધારે મજબૂત બનાવવા, ખાસ તો દક્ષિણ એશિયાને ધ્યાનમાં રાખીને તુર્કીના પ્રમુખે એશિયા ન્યુ ઈનિશિયેટિવ નામની પૉલિસી લાગુ પાડી છે. એ પૉલિસી પ્રમાણે ડિફેન્સથી લઈને આર્થિક સંબંધો મજબૂત કરવા કે વિકસાવવાનું તુર્કીનું મુખ્ય ધ્યેય છે.

વેલ, ભારતે આર્મેનિયા, સાઈપ્રસ, ગ્રીસ જેવા તુર્કીના હરીફ દેશો સાથે સહયોગ વધારવાનો વ્યૂહ અજમાવ્યો છે, છતાં દક્ષિણ એશિયાના દેશો સાથે સંરક્ષણ સંબંધો મજબૂત બનાવીને તુર્કી લશ્કરી સોદા પાર પાડે છે અને ભારતના પાડોશી દેશોમાં તુર્કી શસ્ત્ર-સામગ્રીનું માર્કેટ વિસ્તારે તે ભારત માટે ચોક્કસ ચિંતાનો વિષય છે.

Tags :