ઈઝરાયલ-તુર્કી વચ્ચે યુદ્ધના એંધાણ : કોની પાસે કેટલું સૈન્યબળ
- વર્લ્ડ વિન્ડો
- ઈઝરાયલ સરકારે બનાવેલી નાગેલ સમિતિએ ચેતવણી આપી છે કે તુર્કીએ યુદ્ધની તૈયારી આદરી દીધી છે. તુર્કી સામે યુદ્ધ થાય તો જંગ જીતવાનું કામ ઈઝરાયલ માટે આસાન નહીં હોય...
- રીસેપ તાયીપ આર્ર્દવાન
- બેન્જામિન નેતન્યાહૂ
મિડલ ઈસ્ટમાં સમીકરણો ઝડપભેર બદલાઈ રહ્યાં છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરવાની ડેડલાઈન આપી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે શપથ ગ્રહણ કરતાંની સાથે જ હમાસને પાઠ ભણાવશે. ટ્રમ્પની આ ધમકીથી દુનિયાભરમાં ચર્ચા છે કે મધ્યપૂર્વમાં હજુય તંગદિલી વધશે. આમેય ટ્રમ્પના ૨૦૧૬થી ૨૦૨૦ના કાર્યકાળ દરમિયાન અમેરિકાની ઈઝરાયલનીતિ બદલાયેલી જોવા મળી હતી. ૨૦૧૭માં પહેલી વખત અમેરિકાએ જેરૂસલેમમાં દૂતાવાસ કચેરીની જાહેરાત કરી હતી ને ટ્રમ્પે આખાય જેરૂસલેમને ઈઝરાયલનો ભાગ ગણાવ્યું હતું.
જેરૂસલેમ યહૂદી ઉપરાંત ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ માટે પવિત્ર ગણાય છે. એના પર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બંને દાવો કરે છે. આરબ વર્લ્ડ પૂર્વ જેરૂસલેમને પેલેસ્ટાઈનની રાજધાની બનાવવાની માગણી કરે છે. આ વિવાદ દાયકાઓથી ચાલે છે, તેમ છતાં ટ્રમ્પે આ નિર્ણય લીધો તેનો ભારે વિરોધ પણ થયો હતો. ટ્રમ્પની ઈઝરાયલનીતિ આ પ્રકારની રહી હોવાથી આ ટર્મમાં ઈઝરાયલ તરફી વલણ રહેશે એમાં કોઈને શંકા નથી. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એટલે જ ટ્રમ્પ ફરીથી પ્રમુખ બન્યા તેનાથી ખાસ્સા આશ્વસ્ત જણાય છે. હમાસ-ઈરાન-હિઝબુલ્લાહ વગરે સામે ઈઝરાયલને લડવામાં ટ્રમ્પ મદદ કરશે એવી વ્યાપક ધારણા છે.
નેતન્યાહૂએ હમાસના સંપૂર્ણ વિનાશનું આહ્વાન આપ્યું છે. સીરિયામાં અસદ સરકારના પતન પછી ઈરાનને મોટો ફટકો પહોંચાડવાનું ગુપ્ત મિશન ઈઝરાયલે હાથ ધર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પણ ગર્ભિત ધમકી આપી છે કે જો ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરે તો એનુંય આવી બનશે. ઈરાન અને અમેરિકા વચ્ચે ટ્રમ્પની પ્રથમ ટર્મ વખતે ઘર્ષણ વધ્યું હતું. અમેરિકાએ ઈરાન પર પહેલેથી જ ઘણાં પ્રતિબંધો મૂક્યા છે. ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થશે એ સાથે જ ઈરાનના મોરચે પણ નવાજૂની થાય તો નવાઈ પામવા જેવું નથી.
આવા માહોલમાં દુનિયાનું ધ્યાન મિડલ ઈસ્ટમાં કેન્દ્રિત થયું છે અને એમાં વળી વધુ એક કારણનો ઉમેરો થયો છે. એ કારણ છે - તુર્કી-ઈઝરાયલ વચ્ચે વધી રહેલી તંગદિલી. થોડા મહિના પહેલાં તુર્કીના પ્રમુખ રીસેપ તાયીપ આર્ર્દવાને ભીતિ વ્યક્ત કરી હતીઃ 'હવે ઈઝરાયલી સૈન્ય ગમે તે ઘડીએ તુર્કીને નિશાન બનાવશે. ઈઝરાયલી સૈન્ય પેલેસ્ટાઈન જ નહીં, એ સિવાયનો મોટો વિસ્તાર પોતાનો કરવા ધારે છે. બેફામ બનેલા ઈઝરાયલને રોકવા માટે યુએન તુરંત સૈન્ય મોકલે એ જરૂરી છે. નહીંતર તુર્કીએ પોતાના બચાવ માટે મેદાનમાં ઉતરવું પડશે.' આર્દવાનના આ શબ્દોમાં ભીતિ તો હતી જ, સાથે સાથે ગર્ભિત ધમકી પણ હતી. ત્યારથી જ બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા વ્યક્ત થવા માંડી હતી.
ઈઝરાયલ-તુર્કી વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જ ઈઝરાયલી સરકારે બનાવેલી નાગેલ સમિતિનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી કે ઈઝરાયલ સામે જંગે ચડવા માટે તુર્કીએ આખરી તૈયારી કરી લીધી છે. એ કોઈ બહાનાની રાહ જુએ છે. તક મળ્યે તુરંત જ તુર્કી હુમલા શરૂ કરી દેશે. નેતન્યાહૂને જરૂરી હથિયારો ખરીદવાની ભલામણ સમિતિએ કરી છે.
તુર્કીના પ્રમુખ આર્દવાન ઈઝરાયલ સાથે યુદ્ધ કરીને ઓટ્ટોમન સામ્રાજ્યનો જે દબદબો હતો એવો તુર્કીનો દબદબો બનાવવા માગે છે અને વિશ્વના રાજકારણમાં તુર્કીનું મહત્ત્વ વધારવા ધારે છે. સીરિયામાં અસદ સરકારના પતન પછી તુર્કીનું પ્રભુત્વ વધ્યું છે. તુર્કી આરબ વર્લ્ડમાં મોટાભાઈની ભૂમિકા ભજવવા બેતાબ છે. એટલે જ કાશ્મીર સહિતના મુદ્દે એ તાર્કિક ન હોય તેમ છતાં ઈસ્લામિક દેશોને સમર્થન આપે છે. ઈઝરાયલ સામે લડતા હમાસનું તુર્કી સમર્થન કરે છે. ગાઝામાં જે લોકો માર્યા ગયા તેના માટે આર્દવાને નેતન્યાહૂને યુદ્ધ અપરાધી જાહેર કર્યા છે. અત્યારે ઈઝરાયલ-તુર્કી વચ્ચે કોઈ રાજકીય કે આર્થિક સંબંધો નથી.
વેલ, અહીં સવાલ એ છે કે જો ખરેખર તુર્કી પોતાનું મહત્ત્વ સાબિત કરવા ઈઝરાયલ સામે જંગે ચડે તો શું થાય? ઈઝરાયલે છ દશકામાં સાત યુદ્ધો કર્યા છે અને બધામાં દુશ્મન દેશોને હરાવ્યા કે હંફાવ્યા છે. ઈઝરાયલ માટે યુદ્ધ લડવાનું નવું નથી. ઈઝરાયલી સૈન્ય આધુનિક શસ્ત્રોથી સજ્જ છે. મોડર્ન ટેકનોલોજીના પ્રયોજન માટે ઈઝરાયલી સૈન્યનાં ઉદાહરણો અપાય છે, પરંતુ વાત જો તુર્કી સામેના યુદ્ધની હોય તો ઈઝરાયલી સૈન્ય તુર્કીને હળવાશથી લઈ શકે તેમ નથી.
ઈઝરાયલ પાસે ૧.૭૦ લાખ ફ્રન્ટલાઈન સૈનિકો છે, તો તુર્કી પાસે ૩.૫૫ લાખ ફ્રન્ટલાઈન વૉરિયર્સનો કાફલો છે. તુર્કી આમેય નાટોમાં અમેરિકા પછી બીજા ક્રમનો સૌથી મોટું સૈન્ય ધરાવતો દેશ છે. મિડલ ઈસ્ટમાં જે ત્રણ દેશો પાસે સૌથી મોટી સેના છે, એમાં ઈજિપ્ત, ઈરાન પછી તુર્કીનો ક્રમ આવે છે. રિઝર્વ સૈનિકોની બાબતમાં તુર્કીથી ઈઝરાયલ આગળ છે. તુર્કી પાસે ૩.૭૮ લાખ રિઝર્વ સૈનિકો છે. ઈઝરાયલની રિઝર્વ ફોર્સમાં ૪.૬૫ લાખ જવાનો છે. તુર્કીનું ડિફેન્સ બજેટ ૪૦ અબજ ડોલર છે. ઈઝરાયલ ડિફેન્સ બજેટ પાછળ ૩૦.૫ અબજ ડોલર ફાળવે છે.
રણગાડીની સંખ્યામાં તુર્કી મેદાન મારી જાય છે. તુર્કી પાસે ૨૨૦૦થી ૨૩૦૦ રણગાડીઓ છે. ઈઝરાયલ ૧૩૭૦ ટેન્ક્સ છે. સૈન્ય વાહનોની બાબતમાં પણ તુર્કીનો હાથ ઉપર રહે છે. તુર્કીના સૈન્ય પાસે ૫૫ હજાર આર્મ્ડ વ્હીકલ છે, જ્યારે ઈઝરાયલી સૈન્યમાં આર્મ્ડ વ્હીકલની સંખ્યા ૪૩ હજારથી વધુ છે. ઈઝરાયલ પાસે ૬૫૦ આધુનિક તોપ છે, તેની સામે તુર્કીના શસ્ત્રાગારમાં ૧૦૫૦ તોપનો કાફલો તૈનાત છે. ઈઝરાયલી સૈન્ય તેના રોકેટ લોન્ચર્સ માટે જાણીતું છે. એ સચોટ નિશાનથી દુશ્મનોના કેમ્પનો ખાતમો બોલાવે છે. ઈઝરાયલના લશ્કર પાસે ૧૫૦ રોકેટ લોન્ચર્સ છે, પરંતુ તુર્કી આ મામલેય ૨૯૦ રોકેટ લોન્ચર્સ સાથે આગળ છે.
પણ હા, લડાકુ વિમાનોની વાત હોય તો એમાં ઈઝરાયલ આગળ છે. ઈઝરાયલી વાયુસેના પાસે ૨૮૦, જ્યારે તુર્કી પાસે ૨૦૫ ફાઈટર વિમાનો છે. તુર્કીની વાયુસેના પાસે ૫૦૨ હેલિકોપ્ટર્સનો કાફલો છે. સામે ઈઝરાયલની વાયુસેના ૧૪૬ હેલિકોપ્ટર્સ ધરાવે છે. નૌકાદળની વાત હોય તો ઈઝરાયલી નૌકાદળ સામે સંખ્યાત્મક રીતે તુર્કીનું નૌકાદળ ભારે પડે એમ છે. તુર્કીની નૌસેના પાસે ૧૮૬ ફ્લીટની ક્ષમતા છે, જ્યારે ઈઝરાયલ ૬૭ ફ્લીટની કેપેસિટી ધરાવે છે. તુર્કી પાસે ૧૨ સબમરીન છે ને ઈઝરાયલ પાસે પાંચ.
ટૂંકમાં, તુર્કી અને ઈઝરાયલ વચ્ચે જંગ જામે તો ખરાખરીનો ખેલ થાય એ નક્કી છે અને એની આગ મિડલ ઈસ્ટ સહિત આખી દુનિયાને દઝાડે એય નક્કી છે.
કોની પાસે શું છે? |
તુર્કી |
ઈઝરાયલ |
સૈન્ય |
૧.૭૦ લાખ |
૩.૫૫ લાખ |
રિઝર્વફોર્સ |
૩.૭૮ લાખ |
૪.૬૫ લાખ |
ટેન્ક |
૨૨૩૧ |
૧૩૭૦ |
તોપ |
૧૦૩૮ |
૬૫૦ |
વિમાનો |
૧૦૬૯ |
૬૧૨ |
સબમરીન |
૧૨ |
૦૫ |
ફ્રિગેટ |
૧૬ |
૦૦ |