Get The App

ફિલિપાઈન્સમાં અમેરિકાનાં લશ્કરી મથકોથી દક્ષિણ ચીની સમુદ્રમાં સંઘર્ષ વધશે

Updated: Feb 9th, 2023

GS TEAM

Google News
Google News
ફિલિપાઈન્સમાં અમેરિકાનાં લશ્કરી મથકોથી દક્ષિણ ચીની સમુદ્રમાં સંઘર્ષ વધશે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- ચીનનો જાસૂસી ફુગ્ગો અને ફિલિપાઈન્સમાં અમેરિકાનાં લશ્કરી મથકો - એક જ સપ્તાહમાં આ બે ઘટનાઓ બની હોવાથી સુધરી રહેલા અમેરિકા-ચીનના સંબંધો ફરીથી તંગ બની ગયા

હજુ તો બે-અઢી મહિના પહેલાંની વાત છે. નવેમ્બર-૨૦૨૨ના છેલ્લા પખવાડિયામાં બાલીમાં જી-૨૦ સમિટ યોજાઈ હતી. એ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થયો હતો. બાઈડેનના કાર્યકાળમાં ચીનના પ્રમુખ સાથે એ પહેલી સીધી વાતચીત હતી. ૨૦૧૬થી ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડવોર શરૂ થયું હતું, એના કારણે હજુય બંને દેશોએ એકબીજાની ઘણી કંપનીઓ પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે. ચીનમાંથી કોરોના ફેલાયો ત્યારે સંબંધો વધુ ખરાબ થયા હતા. ટ્રેડવોર ઉપરાંત તાઈવાનના મુદ્દે બંને દેશો કેટલાય સમયથી હોંકારા-પડકારા કરતા રહે છે અને એમાં દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન પ્રભાવ વધારવા મથે છે અને અમેરિકા સતત આ વિસ્તારમાં હાજર હોવાથી ચકમક ઝર્યા કરે છે.

આવી સ્થિતિમાં બાલીમાં બંને દેશોના વડા વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થયો એના કારણે સંબંધો સુધરશે એવો સંકેત મળ્યો હતો. એ વખતે બંનેનાં નિવેદનોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. બાઈડેને કહ્યું હતું: 'આપણાં વચ્ચે વાતચીત ચાલતી રહેવી જોઈએ. હું એના માટે તૈયાર છું. વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા થતી રહેવી જોઈએ. વિશ્વ માટે આપણી ભાગીદારી મહત્ત્વની છે. ક્લાઈમેટ ચેન્જ, વૈશ્વિક સુરક્ષા સહિતના ઘણા વિષયો છે, જેમાં આપણે બેસીને વાત કરવી જરૂરી છે.' જિનપિંગે પણ વળતો જવાબ આપ્યો હતો: 'આપણાં સંબંધો જે સ્થિતિએ પહોંચ્યા છે ત્યાં આપણે વધારે સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂર છે. આપણે યોગ્ય રસ્તો પસંદ કરવાનો સમય આવી ગયો છે. બંને પક્ષે સંબંધો મજબૂત બને એ માટે યોગ્ય દિશા શોધવાની જરૂર છે. હું એ માટે તૈયાર છું.'

બંને દેશોના વડાની આ ડાહી-ડાહી વાતોથી દુનિયાને લાગ્યું હતું કે આ બંને દેશો વિશ્વશાંતિ માટે આંતરિક સંઘર્ષો કરવાનું ટાળશે. દુનિયાના મોટાભાગના દેશોમાં મંદી, બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા વકરી છે. મહામારીમાંથી માંડ ઉભરેલી માનવજાત સામે ક્લાઈમેટ ચેન્જના પડકારો તો ઊભા જ છે. વાયુ-પાણી-જમીનનું પ્રદૂષણ ઘટાડવા સહિયારા પ્રયાસો અનિવાર્ય છે. એમાં જો મોટા કહેવાતા દેશો આંતરિક કારણોથી બાખડતા રહે તો શાંતિ માત્ર કલ્પના રહી જાય. જી-૨૦ સમિટમાં બાઈડેન-જિનપિંગની સીધી વાતચીતથી ઘણી આશા બંધાઈ હતી.

...પણ રાજકારણીઓ જેનું નામ. એ બોલે કંઈ ને કરે કંઈ! બે-અઢી મહિના પહેલાંની આ વાતો હવા થઈ ગઈ. આ તો એવો ઘાટ થયો કે પ્રસંગે મળ્યા હતા એટલે બોલવાનું હતું તે બોલી દીધું. ચીનનાં નિવેદનો, ચીનના નિર્ણયો વિશ્વાસપાત્ર હોતાં નથી. વૈશ્વિક રાજનીતિમાં ચીનની ઈમેજ એક લુચ્ચા દેશની છે. જિનપિંગ જ નહીં, અગાઉના પ્રમુખો પણ વૈશ્વિક મંચ પર સારી-સારી વાતો કરીને પછી દ્વિપક્ષીય સંબંધોમાં સપ્તાહભરમાં એનો એ જ જૂનો મિજાજ જાળવી રાખતા હોવાની છાપ છે. ને અમેરિકા ય ઓછું નથી! પાવરગેમમાં અન્ય દેશોને પછાડવા અવનવી કૂટનીતિ પ્રયોજવામાં અમેરિકાના પ્રમુખોને કોઈ પહોંચે એમ નથી. અમેરિકાની હરોળમાં આવવાની કોઈ મથામણ કરે તો એના ટૂકડા કરીને જ ઝંપે. રશિયા એનું જીવંત ઉદાહરણ છે. અમેરિકા માટે ચીન અત્યારે સૌથી મોટો પડકાર છે. ચીન અમેરિકાથી સંરક્ષણ-આર્થિક-વૈશ્વિક રાજનીતિ જેવા મુદ્દે આગળ ન નીકળી જાય એ માટે અમેરિકા બધા જ પ્રયાસો કરે છે.

બાલીની બેઠકમાં હસી-હસીને વાતો કરનારા બંને નેતાઓએ બે મહિનામાં જ અસલી રંગ બતાવી દીધો. જિનપિંગે ફુગ્ગો (એટલે કે બલૂન) મોકલીને અમેરિકાની જાસૂસી કરી એ ઘટનાથી હોબાળો મચી ગયો. અમેરિકાના આકાશમાં જાસૂસી કરી રહેલા ફુગ્ગાને બાઈડેનના આદેશ પછી તોડી પાડવામાં આવ્યો. ચીને એનો કાટમાળ પાછો માગ્યો, પણ અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં ઈનકાર કરી દીધો. ચીને આ જ રીતે જાસૂસી ફુગ્ગા મોકલીને ભારત-જાપાન-દક્ષિણ કોરિયા-કેનેડા જેવા કેટલાય દેશોની સંવેદનશીલ માહિતી મેળવી હોવાનો તેના પર આરોપ લાગ્યો.

બીજી તરફ અમેરિકાએ દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનને ઘેરવા માટે તાઈવાનની સૌથી નજીક આવેલા ફિલિપાઈન્સના ટાપુમાં લશ્કરી મથક સ્થાપવાનો કરાર કર્યો. ચારમાંથી ત્રણ લશ્કરી મથક લુજોન ટાપુમાં બન્યા છે. તાઈવાનની હદ પાસે ફિલિપાઈન્સનો એ છેલ્લો ટાપુ છે, જેના પર અમેરિકાની નજર હતી. દક્ષિણ ચીની સમુદ્રમાં આ મથકો સાથે જ અમેરિકાની મજબૂત પક્કડ બની જશે. બાલીમાં બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ એ પછી પણ અમેરિકાએ ફિલિપાઈન્સના ટાપુઓ પર નવા લશ્કરી મથકો બનાવવાની તજવીજ કરી એનાથી ચીન લાલઘૂમ થઈ ગયું. ચીને અમેરિકાની આ ગતિવિધિને ઉશ્કેરણીજનક ગણાવી. અમેરિકાએ ચીનને ચારે તરફથી ઘેરવાનો વ્યૂહ અપનાવ્યો છે અને એમાં આ મથકો બહુ જ મહત્ત્વનાં સાબિત થશે. ઉત્તરમાં જાપાન અને દક્ષિણ કોરિયામાં તો અમેરિકી સૈન્યો છે જ. જાપાનનો એકીનોવા એરબેઝ તથા પૂર્વના ગ્લામ ટાપુ ઉપર અમેરિકાના ત્રણેય દળો તૈનાત છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પણ અમેરિકી સેના હાજર છે.

ફિલિપાઈન્સમાં આ કરાર કર્યા પછી અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન ચીનની મુલાકાતે જવાના હતા. ચીનમાં પણ વિદેશ મંત્રી બદલ્યા હોવાથી બંને દેશોની વિદેશનીતિમાં એની અસર વર્તાશે એવું લાગતું હતું. વર્ષની શરૂઆતમાં જ જિનપિંગે દશકાથી વિદેશ મંત્રી રહેલા વાંગ યીને બદલીને વિદેશનીતિમાં પરિવર્તનનો સંકેત આપ્યો હતો. નવા વિદેશ મંત્રી કિન ગાંગ અમેરિકા-યુરોપ સાથે સંબંધો સુધારે એવી ધારણા વ્યક્ત થતી હતી, પરિણામે અમેરિકાના વિદેશ મંત્રી અને ચીનના વિદેશ મંત્રી વચ્ચે થનારી એ બેઠક મહત્ત્વની બની રહે એવી શક્યતા હતી.

બાઈડેન સરકારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા મંત્રી ચીનના પ્રવાસે જવાના હોવાથી દુનિયાભરની નજર આ મુલાકાત પર મંડાયેલી હતી, પરંતુ અમેરિકામાં ચીનના જાસૂસી બલૂન દેખાયું તે પછી બ્લિન્કને ચીનયાત્રા રદ કરી દીધી. બાઈડેને ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને એ પછી બાઈડેન-બ્લિન્કન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં હાલ પૂરતી ચીનની મુલાકાત ન કરવા બાબતે બંને નેતાઓ સહમત થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે વિદેશ મંત્રીની ચીનની યાત્રા મોકૂફ રહી છે. આગામી સમયમાં યોગ્ય સમયે યાત્રાનું આયોજન કરાશે. અમેરિકાના વિદેશ મંત્રીની ચીનની મુલાકાત રદ થઈ તેનો ચીનો વિરોધ કર્યો હતો. અમેરિકામાં આકાશમાં ઉડતું હતું એ બલૂન જાસૂસી નહીં, પણ હવામાનને લગતું હતું એવી દલીલ ચાલુ રાખીને ચીને અમેરિકા પર વાતનું વતેસર કરવાનો આરોપ લગાવ્યે રાખ્યો હતો. ચીન કહે છે કે અમેરિકા આવાં બહાનાં કાઢીને બંને દેશોના સંબંધો સુધારવા બાબતે ગંભીર નથી, એ બતાવે છે.

આ ઘટનાક્રમથી વિશ્વના બે શક્તિશાળી દેશોના સંબંધો અત્યારે સંઘર્ષની નવી સપાટીએ પહોંચ્યા છે. દક્ષિણ ચીની સમુદ્રમાં વિવાદ વધશે એમ એશિયન દેશોમાં એની સીધી અસર થશે. બંને આખલાની લડાઈમાં ક્યા ઝાડનો ખો નીકળશે એ અત્યારે કળવું મુશ્કેલ છે.