- વર્લ્ડ વિન્ડો
- ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ દક્ષિણ કોરિયામાં તૈનાત એન્ટિ-મિસાઈલ સિસ્ટમ થાડ હટાવી દીધી તે સાથે જ ઉત્તર કોરિયાએ ધડાધડ મિસાઈલોનાં પરીક્ષણો શરૂ કર્યાં છે
એક સદી પહેલાં કોરિયા એક જ દેશ હતો. ૧૮૯૪-૯૫માં ચીન સામે યુદ્ધ કરીને જાપાને કોરિયા પર કબજો કર્યો. જાપાની રાજાના આધિપત્યમાં કોરિયન રાજાએ ૧૯૧૦ સુધી શાસન કર્યું. ૧૯૧૦માં જાપાન-રશિયા વચ્ચે કોરિયા કબજે કરવા યુદ્ધ થયું અને એમાંય જાપાને જ મેદાન માર્યું. રૂસો-જાપાનીઝ યુદ્ધ પછી કોરિયન સામ્રાજ્ય સદંતર નામશેષ થયું અને સંપૂર્ણ કબજો જાપાને કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પરમાણુ હુમલા પછી ૧૯૪૫માં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યાં સુધી કોરિયા પર જાપાનનું રાજ હતું.
કોરિયામાં જાપાને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને આધુનિકીકરણને પણ ઉત્તેજન આપ્યું, પરંતુ એ દરમિયાન કોરિયાનું આર્થિક શોષણ થયું. કોરિયાની સંપત્તિ જાપાનમાં પહોંચી જતી હતી અને કોરિયાના લોકોને તેનો ફાયદો મળતો ન હતો. કોરિયન સંસ્કૃતિ સામેય જોખમ ખડું થયું. સાંસ્કૃતિક રીતે કોરિયામાં જાપાનનો પ્રભાવ પડે એવા સક્રિય પ્રયાસો ત્રણ દાયકા સુધી થયા. બીજા વિશ્વયુદ્ધ વખતે હજારો કોરિયન નાગરિકોને જાપાને સૈન્યમાં ભરતી કરીને યુદ્ધમાં જોતરી દીધા.
જાપાનનું સૈન્ય વિશ્વયુદ્ધમાં હાહાકાર મચાવતું હતું. એક તબક્કે તો જાપાનના લશ્કરને રોકવાનું અશક્ય જણાવા લાગ્યું. અમેરિકા હજુ વિશ્વયુદ્ધમાં ઉતર્યું ન હતું, પરંતુ વિજયના ઉન્માદમાં જાપાને અમેરિકાના પર્લ હાર્બરમાં હચુમલો કર્યો અને અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું. પછી તો લાંબું યુદ્ધ ચાલ્યું, વાટાઘાટો પણ થઈ. પરિણામ ન આવ્યું એટલે આખરે પરમાણુ હુમલો કરીને અમેરિકાએ યુદ્ધનું છેલ્લું લોહિયાળ ચેપ્ટર લખ્યું.
...ને એ સાથે લખાયું કોરિયાનું ભવિષ્ય. વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી કોરિયા એક જ દેશ હતો. સદીઓ સુધી અહીં સામ્રાજ્યો બદલાયા હતા, રાજવંશ બદલાયા હતા અને રશિયા-ચીન-જાપાનનું આધિપત્ય રહ્યું હતું, છતાં એ હતો એક જ દેશ. તેના ભાગ પડયા ન હતા. આ સંયુક્ત દેશના ભાગલા પાડવાનું કામ વિશ્વયુદ્ધ પછી કર્યું અમેરિકા-રશિયાએ. અમેરિકા-રશિયા વચ્ચે કોરિયામાં બે લશ્કરી ઝોન બનાવવા અંગે સહમતી થઈ. ઉત્તરનો હિસ્સો રશિયન આર્મી પાસે રહ્યો અને દક્ષિણનો હિસ્સો અમેરિકન આર્મી પાસે રહ્યો. તે વખતે લશ્કરી મથકો કામચલાઉ ધોરણે બન્યાં હતાં. કોરિયા નામના સંયુક્ત દેશને વિભાજિત કરીને બે દેશો બનાવવાનો વિચાર ન હતો. યુદ્ધ હજુ શમ્યું જ હતું એટલે લશ્કરી મથકો સ્થાપીને સંભવિત ખતરા સામે તૈયાર રહેવાનો વ્યૂહ હતો અને બધું થાળે પડી જાય પછી લોકશાહી ઢબે સરકાર બનાવીને આખા કોરિયાને એક સરકાર હેઠળ લાવવાની ગણતરી હતી.
આ શાણી વાતો માત્ર નિવેદનોમાં અને કાગળ પર જ રહી ગઈ. વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા બનવા માટે અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધ શરૂ થયું અને તેના ભાગરૂપે કોરિયામાં પોતાને સમર્થિત-સમર્પિત સરકાર બને એવા મનસૂબા સાથે બંને દેશોએ પોતપોતાના કબજા હેઠળ પનપી રહેલાં જૂથોને ટેકો આપવાનું શરૂ કર્યું. ઉત્તર અને દક્ષિણ એમ તરફનાં જૂથો આખાય દેશમાં પ્રભાવ પાડીને સત્તા મેળવવા મથી રહ્યાં હતાં. દક્ષિણ ઝોનનાં જૂથોને આખાય દેશમાં કબજો કરવા અમેરિકાએ હવા આપી. ઉત્તર તરફનાં જૂથોને રશિયાએ ઉશ્કેર્યા.
તંગદિલી વધતી વધતી આખરે ૧૯૫૦માં યુદ્ધમાં પરિણમી. ભારે હિંસા થઈ. અનેક પરિવારો બેઘર બન્યા. ત્રણ-ત્રણ વર્ષ યુદ્ધ ચાલ્યું. યુદ્ધના અંતેય શાંતિ સમજૂતી ન થઈ તે ન જ થઈ ને એમાંથી બે દેશો અસ્તિત્વમાં આવ્યા - અમેરિકા તરફી દક્ષિણ ઝોન દક્ષિણ કોરિયા બન્યો અને રશિયા તરફી ઉત્તર ઝોન ઉત્તર કોરિયા બન્યો. એક સંસ્કૃતિ, એક ભાષા, એક ઈતિહાસ ધરાવતા લોકો બે દેશમાં વિભાજિત થઈ ગયા.
એ દિવસથી શરૂ થયેલો સંઘર્ષ આજ સુધી ચાલી રહ્યો છે, કદાચ વધ્યો છે. આજે બંને દેશોના લોકો એ ભૂલી ચૂક્યા છે કે તેમના મૂળિયા, તેમના પૂર્વજો એક છે. આજે આ બંને દેશો એકબીજાના કટ્ટર દુશ્મન છે. આજેય તક મળ્યે એકબીજાને વેંતરી નાખવા તત્પર ઉત્તર કોરિયા-દક્ષિણ કોરિયા વચ્ચે નવેસરથી તંગદિલીનો જન્મ થયો છે. આ વખતે પણ કારણ છે અમેરિકા.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકન એન્ટિ-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ હટાવી દીધી. ટર્મિનલ હાઈ અલ્ટીટયુડ એરિયા ડિફેન્સ (થાડ) નામની આ એન્ટિ-મિસાઈલ સિસ્ટમ દક્ષિણ કોરિયામાં ૨૦૧૭થી તૈનાત હતી. કિમ જોંગ ઉને છેલ્લા એક દશકાથી ઉપરા-ઉપરી મિસાઈલોનું પરીક્ષણ શરૂ કરતાં અમેરિકાએ દક્ષિણ કોરિયાની સુરક્ષા માટે અને ઉત્તર કોરિયાને દાબમાં રાખવા માટે આ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરી હતી. દક્ષિણ કોરિયામાં મિસાઈલ સિસ્ટમ ઓપરેશનલ થઈ ત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ પ્રમુખ હતા. ટ્રમ્પને પહેલી ટર્મ વખતે કિમ જોંગ ઉન સાથે જીભાજોડી થઈ ત્યારે આ મિસાઈલ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી હતી. એ વખતે દક્ષિણ કોરિયામાં ટ્રમ્પની વાહવાહી થઈ ગઈ હતી.
અત્યારે અમેરિકા ઈરાનના મોરચે વ્યસ્ત છે ત્યારે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને આક્રમક વલણ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા અઢી મહિનામાં ઉત્તર કોરિયાએ છ એન્ટિ-બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાનો દાવો તો એવો છે કે માર્ચ મહિનામાં જ ઉત્તર કોરિયાએ ૧૦ મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ટ્રમ્પે ગયા મહિને હટાવી. મિડલ ઈસ્ટમાં ઈરાનના હુમલાથી બચવા માટે આ સિસ્ટમ તૈનાત કરાઈ હોવાનું કહેવાય છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હટાવાઈ એ પછીના દિવસોમાં કિમ જોંગે પાંચ મિસાઈલો દાગી હોવાનું દક્ષિણ કોરિયાના ડિફેન્સ એક્સપર્ટ્સ કહી રહ્યા છે. દક્ષિણ કોરિયા પર ખતરો વધતાં લોકો ફફડી રહ્યા છે. યુદ્ધના ભયથી ડરી ગયેલા દક્ષિણ કોરિયામાં પહેલી વખત અમેરિકા સામે વિરોધ ઉઠયો. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે દક્ષિણ કોરિયામાં અમેરિકાના વિરોધમાં પ્રદર્શનો થયા હોય. પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પનાં પોસ્ટર્સ સાથે લોકોએ સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો છે.
આ વિરોધનું કારણ એવું છે કે ટ્રમ્પે જે સહયોગી દેશોની ઈરાન યુદ્ધમાં સૈન્ય ન ઉતારવા બદલ ટીકા કરી એમાં એક નામ દક્ષિણ કોરિયાનું પણ હતું. નાટો-જાપાન-ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સાથે અમેરિકાએ દક્ષિણ કોરિયાને પણ યાદ કર્યું હતું અને પછીના દિવસોમાં એકાએક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ હટાવી દેવાઈ. આ ઘટનાક્રમ જોઈને દક્ષિણ કોરિયાના મિડીયા અહેવાલોમાં પણ એવું જ કહેવાઈ રહ્યું છે કે ટ્રમ્પે દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના ભય સામે એકલું મૂકી દીધું છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન એ વાત કળી જાય કે દક્ષિણ કોરિયાને અમેરિકા બચાવવા આવવાનું નથી તો શું થાય? આ ડરથી અત્યારે દક્ષિણ કોરિયાના લોકોમાં ફફડાટ છે. એમાં વળી કિમ જોંગે એક વીડિયો મેસેજમાં કહ્યું કે 'દક્ષિણ કોરિયા સાથે તમામ પ્રકારનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયા અત્યારે ઉત્તર કોરિયાનો દુશ્મન નંબર-૧ દેશ છે.' આ સાંભળ્યા પછી દક્ષિણ કોરિયાના લોકોનો ડર બેવડાયો છે.


