- વર્લ્ડ વિન્ડો
- વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને કેદ કર્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુંઃ 'હવે મને ગ્રીનલેન્ડ જોઈએ છે.' ટ્રમ્પના આ નિવેદનનો યુરોપના દેશો બ્રિટન-ફ્રાન્સ-જર્મની-ઈટાલી-પોલેન્ડ-સ્પેને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ગ્રીનલેન્ડ ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલો દુનિયાનો સૌથી મોટો ટાપુ છે. ગ્રીનલેન્ડ ૨૨ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે, તેની સામે વસતિ છે માત્ર ૫૬ હજાર. ભૂખંડની રીતે ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકાનો હિસ્સો છે, પરંતુ રાજકીય અને આર્થિક રીતે આ ટાપુ યુરોપ સાથે વધારે જોડાયેલો છે. ગ્રીનલેન્ડ પર ડેનમાર્કનો કબજો છે. ૧૮૧૪માં ડેનમાર્ક અને નોર્વે અલગ પડયા ત્યારે નોર્વેના તાબામાં રહેલું ગ્રીનલેન્ડ ડેનમાર્કના રાજાને મળ્યું હતું. ૧૯૫૩માં ડેનમાર્કે નવું બંધારણ અમલી બનાવ્યું તેમાં ગ્રીનલેન્ડને કોલોની ન ગણીને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યું હતું.
૧૯૭૯માં ગ્રીનલેન્ડના લોકોની માગણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક સરકારી બોડીએ મતદાન કરાવ્યું હતું. એમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ફિશરીઝ, ઉદ્યોગમાં સ્વાયતતા માટે લોકોએ મતદાન કર્યું, પરંતુ ૭૦ ટકા મતદારોએ ડેનમાર્કનું શાસન સ્વીકાર્યું. સામે ડેનમાર્કે ગ્રીનલેન્ડની કેટલીક સ્વાયતતા સ્વીકારી, એટલે ગ્રીનલેન્ડને પોતાની સરકાર છે ખરી, પરંતુ ગ્રીનલેન્ડની સુરક્ષા, વિદેશનીતિ, આર્થિક બાબતો ડેનમાર્ક સંભાળે છે. ભૌગોલિક રીતે ભલે ડેનમાર્ક દૂર છે, પરંતુ ચીજવસ્તુઓથી લઈને અર્થતંત્ર સુધી ગ્રીનલેન્ડ ડેનમાર્ક પર આધારિત છે. વાતાવરણ ખૂબ બદલાઈ જાય ત્યારે પણ ડેનમાર્ક જ પુરવઠો પૂરો પાડે છે.
ગ્રીનલેન્ડ ડેનમાર્ક, નાટો અને યુરોપિયન સંઘ માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વનું છે, એમ અમેરિકા માટેય અગત્યનું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહે છે કે ગ્રીનલેન્ડ સંરક્ષણાત્મક રીતે અમેરિકા માટે ખૂબ જરૂરી છે, પરંતુ વાત માત્ર આટલી નથી. ગ્રીનલેન્ડમાં કુદરતી સંસાધનોનો ભંડાર છે. ગ્રીનલેન્ડના પેટાળમાં ગેસ સહિત ખનીજોનો વિપુલ જથ્થો છે. ગ્રીનલેન્ડનો લગભગ ૮૦ ટકા હિસ્સો બરફથી ઢંકાયેલો છે અને તેની નીચે શુદ્ધ પાણીનો મોટો હિસ્સો છે. એક ધારણા તો એવીય છે કે દુનિયાના કુલ શુદ્ધ પાણીમાંથી ૨૦ ટકા તો ગ્રીનલેન્ડમાં છે. ક્લાઈમેટ ચેન્જની ભવિષ્યની ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને પાણીનો મોટો હિસ્સો જો અમેરિકા પાસે હોય તો અમેરિકાનું ભવિષ્ય સુરક્ષિત થઈ જાય.
ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડના ખનીજ અને પાણી પર છે. તેનું ભૌગોલિક સ્થાન તો વ્યૂહાત્મક રીતે અમેરિકા માટે મહત્ત્વનું છે જ. એ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાનાં નિવેદનો આપતા રહે છે. ટ્રમ્પ લાંબા ગાળાના અમેરિકાનાં હિતો જોઈને ટૂંકા ગાળાનો સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ એ સંઘર્ષ ગણતરીપૂર્વકનો છે. અમેરિકાના ઈતિહાસમાં મહાન પ્રમુખ તરીકે નામ નોંધાય તે માટે ટ્રમ્પ બધા પ્રયાસો કરે છે. જો ગ્રીનલેન્ડ જેવડો મોટો વિસ્તાર અમેરિકામાં જોડી દે અને ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનો પર અમેરિકાનો એકાધિકાર સ્થપાઈ જાય તો ટ્રમ્પની ગણતરી ભવિષ્યમાં બળવાન પ્રમુખોમાં થાય.
આ બધાં કારણથી ટ્રમ્પ છેલ્લાં એક વર્ષથી વારંવાર ગ્રીનલેન્ડ પર દાવો કરતા રહ્યા છે. હવે વેનેઝુએલના પ્રમુખ નિકોલસ માદુરોને કેદ કરી લીધા છે અને એ પછીય એવી કોઈ મોટી ઉથલપાથલ થઈ નથી એ જોઈને ટ્રમ્પની હિંમત ઓર વધી ગઈ છે. વેનેઝુએલા પ્રકરણ પછી ટ્રમ્પે બેખૌફ થઈને કહ્યું, 'હવે મને ગ્રીનલેન્ડ જોઈએ છે. વ્યૂહાત્મક રીતે અમેરિકા માટે ગ્રીનલેન્ડ મહત્ત્વનું છે અને એ વાત યુરોપ જાણે છે. મને નથી લાગતું કે યુરોપને તેનાથી વાંધો હોય. ગ્રીનલેન્ડ અમેરિકાના છત્ર હેઠળ વધારે મજબૂત બનશે. ગ્રીનલેન્ડના લોકો વધારે સુરક્ષા ભોગવશે.'
ટ્રમ્પ માને છે કે યુરોપના દેશો ખાસ કશો હોબાળો કરશે નહીં. બે-ચાર નિવેદનો આપશે એટલું જ. ટ્રમ્પના સંરક્ષણ સલાહકારો માને છે કે યુરોપના દેશો અમેરિકાનો મુકાબલો કરી શકે તેમ નથી એટલે ગ્રીનલેન્ડને બચાવવા માટે અમેરિકાના લશ્કર સામે લડવાનું જોખમ યુરોપના દેશો નહીં કરે. લશ્કરની ક્ષમતાની રીતે જોઈએ તો આખાય યુરોપનું લશ્કર ભેગું થાય તો પણ અમેરિકાને ટક્કર આપી શકે તેમ નથી. રશિયા-ચીનનું સંયુક્ત લશ્કર કદાચ અમેરિકાને હંફાવી શકે. તે સિવાય અમેરિકન લશ્કર સામે ટકવાનું દુનિયાના કોઈ એક દેશ માટે શક્ય નથી. ગ્રીનલેન્ડમાં તો આમેય ડેનમાર્કના માત્ર ૩૦૦ સૈનિકો તૈનાત છે. એનાથી બમણા ૬૦૦ સૈનિકો તો અમેરિકાએ તૈનાત રાખ્યા છે. ડેનમાર્ક નાટોનું સભ્ય છે. નાટો અમેરિકાના નેતૃત્વમાં ચાલતું સંગઠન છે અને નાટોના સભ્ય દેશોના રક્ષણ માટે અમેરિકાએ ઠેકઠેકાણે લશ્કરી મથકો બનાવ્યા છે. એના ભાગરૂપે ગ્રીનલેન્ડમાં પણ અમેરિકન સૈન્ય તૈનાત રહે છે. અમેરિકાને ગ્રીનલેન્ડ કબજે કરવું હોય તો મિનિટોમાં થઈ શકે તેમ છે.
પણ ગ્રીનલેન્ડ અમેરિકામાં ભેળવવાનાં નિવેદનો કરીને ટ્રમ્પ યુરોપના દેશોના રિએક્શન જાણતા રહે છે. અગાઉ અનેક વખત ગ્રીનલેન્ડ મુદ્દે નિવેદનો આપી ચૂકેલા ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખને પકડયા પછી જાણી જોઈને ગ્રીનલેન્ડ પર દાવો કર્યો છે. ધારણા પ્રમાણે જ યુરોપના દેશોએ ટ્રમ્પના આ નિવેદનનો વિરોધ નોંધાવ્યો છે. ડેનમાર્કની ગુપ્તચર સંસ્થા ડીડીઆઈએસે ટ્રમ્પના વારંવારના આવાં નિવેદનો પછી અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી દેશોની યાદીમાં રશિયા-ચીનની હરોળમાં ગોઠવી દીધું છે. યુરોપ ગ્રીનલેન્ડનું મહત્ત્વ બરાબર સમજે છે અને જો અમેરિકા તેના પર સંપૂર્ણ કબજો કરે તો શું ફરક પડે એ પણ સમજે છે એટલે યુરોપના શક્તિશાળી દેશોએ એક સૂરમાં અમેરિકાનો વિરોધ કર્યો છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, પોલેન્ડ અને સ્પેને ડેનમાર્ક સાથે મળીને એક સંયુક્ત સ્ટેટમેન્ટ આપીને ટ્રમ્પને ગ્રીનલેન્ડની સ્વતંત્રતાનું સન્માન કરવાની તાકીદ કરી છે.
આ દેશો નાટોમાં અમેરિકાના સહયોગી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો ગ્રીનલેન્ડ બાબતે ટ્રમ્પનું વલણ બદલાશે નહીં ને વારંવાર ગ્રીનલેન્ડ પર કબજાના નિવેદન આવતા રહેશે તો તેનાથી નાટોનું ભવિષ્ય ખતરામાં આવી જશે. છેક ૧૯૪૯માં સ્થપાયેલું નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન વિશ્વના ૩૨ દેશોનું મજબૂત સંગઠન ગણાય છે. વૈશ્વિક સંગઠનોની એકતાની વાત નીકળે ત્યારે નાટોનું ઉદાહરણ અપાતું હોય છે, પરંતુ ટ્રમ્પ નાટોનું ફંડ ઘટાડવા ઈચ્છે છે. નાટોમાં અમેરિકન સૈન્ય સૌથી મોટું છે. અમેરિકા આ સંગઠનમાં મોટાભાઈની ભૂમિકામાં છે.
ટ્રમ્પ યુરોપને સૈન્યની રીતે આત્મનિર્ભર થવાની સલાહ આપી ચૂક્યા છે એટલે નાટો ભંગની ધમકીથી ટ્રમ્પને એટલો મોટો ફરક પડશે નહીં. ટ્રમ્પ માને છે કે નાટોમાં અમેરિકાએ આટલું મોટું ફંડ આપવું ન જોઈએ. એના બદલે એ રકમ અમેરિકાને મહાન બનાવવા પાછળ ખર્ચવી જોઈએ.
પણ વૈશ્વિક સંતુલન માટે અમેરિકા-યુરોપ સામસામે આવે તે જોખમી ગણાય. અમેરિકા-યુરોપ લડે તો રશિયા-ચીન વૈશ્વિક મંચ પર વધારે આક્રમક બની શકે. આવી પરિસ્થિતિ વિશ્વમાં અંધાધૂંધી સર્જાઈ શકે. ટ્રમ્પનો ચીન જેવો વિસ્તારવાદ જગતને યુદ્ધની અગનજ્વાળામાં સપડાવે નહીં તો સારું. ક્યારેક એક નાની સરખી ચિનગારીમાંથી જ વિનાશક આગ ભભૂકી ઉઠે છે. અત્યારે ટ્રમ્પના હાથમાં ચિનગારી છે!


