- અમેરિકામાં ગેસ અને પેટ્રોલની કિંમત વધતાં ત્રણ વર્ષમાં મોંઘવારી સર્વોચ્ચ સપાટીએ છે, યુરોપના ૨૧ દેશોમાં મોંઘવારી વધી હોવાનું લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું છે
'શાંતિ એ વેપાર માટે પહેલી અને અનિવાર્ય શરત છે.'
ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ વાત સમજે છે કે યુદ્ધ અને વેપાર સાથે ચાલી શકે નહીં. વેપાર શરૂ કરવા કે વેપાર વધારવા માટે શાંતિ સ્થાપવી કે શાંતિ જાળવી રાખવી અનિવાર્ય છે. તે વગર વેપાર શક્ય બનતો નથી. જો દુનિયામાં સંઘર્ષ, યુદ્ધ કે અશાંતિ હોય તો વેપાર પ્રભાવિત થાય છે ને એવું જ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે થઈ રહ્યું છે.
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના કારણે હોર્મુઝની ખાડી હજુય બંધ છે. વિશ્વનો ૨૦-૨૨ ટકા વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. દુનિયામાં ૨૦ ટકા ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ રસ્તો બંધ થતાં દુનિયાના કેટલાય દેશોમાં ક્રૂડની અછત સર્જાવાની ભીતિ છે. ચીન-ભારત-ફ્રાન્સ જેવા કેટલાય દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન સંઘ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા અનેક સંગઠનોએ હોર્મુઝની ખાડી ખોલીને વૈશ્વિક વેપાર પૂર્વવત્ કરવાની હિમાયત કરી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તો એક મહિના પહેલાં ચેતવણી આપી હતી કે જો હોર્મુઝને રસ્તે થતો વેપાર ફરીથી શરૂ નહીં થાય તો દુનિયામાં મોંઘવારી વધી જશે.
...ને હવે એમ જ થયું છે. ઈરાનની હાલત તો શરૂઆતથી જ ખરાબ છે. યુદ્ધમાં ભલે અમેરિકાને ટક્કર આપી હોય, પરંતુ સ્થાનિક સ્તરે મોંઘવારી એટલી બેકાબૂ બની છે કે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ફુગાવાના કારણે ઈરાનની સરકારે વધુ મૂલ્યની નોટો બહાર પાડવી પડી છે. એક કરોડ રિયાલની નોટ પણ બહાર પડી છે, જે ઈરાનના ઈતિહાસમાં સૌથી વધુ રકમની નોટ છે. એક કરોડ રિયાલની કિંમત ભારતના રૂપિયામાં ગણીએ તો માંડ ૬૦૦-૭૦૦ રૂપિયા થાય છે. ઈરાન ભલે અત્યારે દમખમ લગાવીને લડી રહ્યું છે, પરંતુ તેને આ યુદ્ધમાંથી બેઠાં થતાં એક દશકો લાગી જશે. ઈરાન તો ઠીક અમેરિકા પણ મોંઘવારીના મારથી બચી શક્યું નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં તમાચો મારીને ગાલ લાલ રાખ્યો ને અમેરિકાને તો કોઈ જ ફરક નહીં પડે એવા દાવા કર્યા હતા, પરંતુ હવે અમેરિકામાં ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતાં મોંઘવારી ત્રણ વર્ષની ટોચે છે. અમેરિકામાં મોંઘવારી વધવાથી સ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજ દરો ઘટાડવા જોઈએ એવી ભલામણ થવા માંડી છે. નાણા વિભાગે જાહેર કરેલા આંકડાનું માનીએ તો અમેરિકામાં વાર્ષિક ફુગાવો ૩.૫ ટકા વધ્યો છે. ત્રણ વર્ષમાં આટલો ઉછાળો પહેલી વખત જોવા મળ્યો છે. ટ્રમ્પ ઈનકાર કરતા રહ્યા ને ગેસ-પેટ્રોલિયમની કિંમતોમાં ૨૧ ટકાનો વધારો ઝીંકાઈ ગયો.
અમેરિકાની જેમ યુરોપના દેશોમાં પણ ગેસ-પેટ્રોલિયમના ભાવ બેકાબૂ બન્યાં છે. યુરોપના દેશોએ રશિયાનો ગેસ ખરીદવાનું બંધ કર્યું એ પછી અમેરિકાએ ગેસ આપવાનું શરૂ કર્યું હતું. અમેરિકા યુરોપના દેશોને વર્ષે ૮૦થી ૧૦૦ અબજ ક્યૂબિક મીટર ગેસ આપે છે. અમેરિકામાં જ ભાવ કાબૂમાં ન હોય ત્યારે યુરોપમાં તો ભાવ અંકુશમાં ક્યાંથી રહે? અમેરિકન નિકાસકારોએ યુદ્ધ વચ્ચે ગેસના ભાવ વધારી દીધા એટલે યુરોપમાં પણ અમેરિકાની જેમ ગેસ-પેટ્રોલિયમના ભાવ છેલ્લાં બે મહિનામાં વધ્યા છે ને એના આધારિત ઉર્જાના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.
યુરોપિયન સેન્ટ્રલ બેંકના એક લેટેસ્ટ અહેવાલ પ્રમાણે યુરોપના ૨૧ દેશોમાં અત્યારે મોંઘવારી ૩ ટકાએ પહોંચી ગઈ છે. યુદ્ધ પહેલાં મોંઘવારીનો દર ૨.૩ ટકા હતો. એપ્રિલમાં વધીને ૨.૬ થયો હતો. એક મહિનો હજુ આ સ્થિતિ રહેશે તો કદાચ મોંઘવારી ૩.૫ ટકાએ પહોંચી જાય એવી શક્યતા છે. એનર્જીના ભાવમાં તો રીતસર ભડકો થયો છે. ૧૦.૯ ટકાનો વધારો એક જ મહિનામાં થયો છે. યુરોપિયન યુનિયનના કહેવા પ્રમાણે ક્રૂડ બેરલના ભાવ ૧૨૦ ડોલર થયા છે. યુદ્ધ પહેલાં ક્રૂડ બેરલના ભાવ ૭૩ ડોલર હતો. ગેસ સ્ટેશનોમાં આ ભાવ વધારાની તુરંત અસર જોવા મળી છે. યુરોપના મોટાભાગના દેશોમાં લોકોએ ગેસ અને ફ્યુઅલની કિંમતમાં થયેલા વધારાની ફરિયાદ શરૂ કરી છે. ગેસ અને પેટ્રોલિયમના ભાવમાં વધારો થતાં પરિવહન મોંઘું થયું છે અને તેનાથી બીજી ચીજવસ્તુઓ પણ મોંઘી થતી જાય છે. મોંઘવારીની સાથે સાથે યુરોપના ગ્રોથ રેટને પણ ફટકો પડયો છે એ જુદો. સેન્ટ્રલ બેંકે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જો ગ્રોથ રેટમાં મામૂલી જ વધારો થશે તો યુરોપના દેશોને બેવડો માર પડશે.
ભારતમાં ખોરાકમાં તોતિંગ ભાવ વધારો થયો નથી, પરંતુ ગેસના ભાવમાં ભડકો થયો છે તેની અસર દેખાવા માંડી છે. અન્ય રાજ્યોમાં નોકરી-ધંધા કરતાં લોકોને સ્વરાજ્ય સિવાય ગેસ મેળવવાનું કપરું બન્યું છે. રેસ્ટોરન્ટ્સને ગેસના ભાવવધારાને કારણે મોંઘું પડવા લાગ્યું છે એટલે ભાવવધારો તોળાઈ રહ્યો છે. ભારતમાં સરકારે પેટ્રોલ-ડીઝલમાં વધારો થશે નહીં એવી ખાતરી આપી હતી, પરંતુ ખાનગી પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલમાં વધારો ઝીંકી દીધો છે. ભારતમાં રિટેલ મોંઘવારી ૩.૨૧થી વધીને ૩.૪૦ થઈ ગઈ છે. હોર્મુઝની ખાડીની સપ્લાઈ ચેન તુટી જતાં ભારતીય ઉપખંડમાં અસર થઈ છે. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન જેવા દેશોમાં પેટ્રોલિયમ અને ગેસના ભાવમાં વૃદ્ધિ થઈ છે.
દુનિયામાં ઘણા દેશો એવા છે જે યુદ્ધ પહેલાંથી જ મોંઘવારીના મારથી પરેશાન હતા. વેનેઝુએલા, આર્જેન્ટિના, લેબેનૉન, સીરિયા, ઈજિપ્ત, નાઈજિરિયા, પાકિસ્તાન, તુર્કી, બ્રિટન, મેક્સિકો, જર્મની, દક્ષિણ આફ્રિકા જેવા કેટલાય દેશો ઘણા સમયથી મોંઘવારી સામે લડે છે. એમાં અમેરિકા-ઈરાનના યુદ્ધે તેમની સ્થિતિ વધારે ખરાબ કરી દીધી છે. ક્રૂડ ઓઈલ, ગેસ અને તે સિવાયની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાતા આ બધા દેશોની સરકારો સામે મોંઘવારી ઘટાડવાનો મોટો પડકાર સર્જાયો છે.
વેલ, ક્રૂડના ભાવ સાથે તમામ ચીજવસ્તુઓ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે જોડાયેલી હોવાથી ક્રૂડના ભાવમાં વધારો થાય તો મોંઘવારી વધે છે. ૨૦૨૫માં બેરલના ભાવ ૬૭-૬૮ ડોલર હતા. યુદ્ધ પછી વધીને એવરેજ ૯૦થી ૧૦૦ ડોલર થયા છે તેની અસર બધા દેશોમાં જોવા મળી રહી છે. અત્યારે વૈશ્વિક વિકાસદર ૩.૧ ટકા છે. યુદ્ધ પહેલાં ૨૦૨૬ના વર્ષમાં વૈશ્વિક વિકાસદર ૩.૪ ટકા રહેશે એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો. જો હોર્મુઝની ખાડીથી વેપાર ચાલુ નહીં થાય અને યુદ્ધ આગળ વધશે તો આ વિકાસદર વધીને ૨.૫ થઈ જશે. એને ફરી પાટે ચડાવતા એક વર્ષ લાગી જશે. તેનો અર્થ એ કે ઈરાન-અમેરિકાનું યુદ્ધ દુનિયાને એક વર્ષ પાછળ લઈ જશે!


