Get The App

મિડલ ઈસ્ટ ક્રાઈસિસ વચ્ચે પુતિન યુરોપમાં મોંઘવારી વધારશે

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
મિડલ ઈસ્ટ ક્રાઈસિસ વચ્ચે પુતિન યુરોપમાં મોંઘવારી વધારશે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- રશિયા-યુક્રેન યુદ્ધના પગલે યુરોપના દેશોએ રશિયન ગેસની આયાત ઘટાડી હતી, તેમ છતાં આજેય રશિયાથી ગેસનો મોટો જથ્થો યુરોપમાં પહોંચે છે. હવે પુતિને એની નિકાસ સદંતર બંધ કરશે

અમેરિકા-ઈઝરાયલે ઈરાન સામે જે મોરચો ખોલ્યો છે તેનો તુરંત અંત આવે એમ નથી. અમેરિકાના જે મધ્ય-પૂર્વના દેશોમાં લશ્કરી મથકો છે તેના પર ઈરાન જે રીતે સંખ્યાબંધ હુમલા કરી રહ્યું છે તે જોતાં આ યુદ્ધ લાંબું ચાલશે. સંખ્યાબળની રીતે પણ ઈરાન ગાજ્યું જાય એમ નથી. મધ્ય-પૂર્વમાં ઈરાન પાસે સૌથી મોટું સૈન્યબળ છે. ૧૨ લાખનું સૈન્ય ધરાવતું ઈજિપ્ત મધ્ય-પૂર્વના છેડે છે એટલે જો એના સૈન્યને ન ગણીએ તો ૧૧ લાખના સૈન્ય સાથે ઈરાન પ્રથમ ક્રમે છે. ઈરાનના સૈન્યમાં ૬.૧ લાખ એક્ટિવ સૈનિકો છે ને બે લાખ સૈનિકો રિઝર્વ ફોર્સમાં છે. ત્રણ લાખ તાલીમબદ્ધ છે અને ગમે ત્યારે યુદ્ધમાં ઉતરવા સક્ષમ છે. ઈરાને પણ ઈઝરાયલની જેમ નાગરિકોને તાલીમ આપેલી છે. આજની તારીખે ઈરાન પાસે પ્રાથમિક તાલીમ મેળવેલા ૪૦ લાખ નાગરિકો છે, જેને ગમે ત્યારે યુદ્ધમાં જોતરી શકાય તેમ છે.

ઈરાન પાસે અસરકારક હુમલા કરી શકે એવાં શસ્ત્રો પણ છે. ૧૫૦૦થી ૨૦૦૦ કિલોમીટર સુધી હુમલો કરી શકે એવી મિસાઈલોના કારણે મધ્ય-પૂર્વના ઘણા દેશોના શ્વાસ અદ્ધર ચડી ગયા છે. ૧૯૦૦ ટેન્ક. ૮૦૦ મોબાઈલ રોકેટ લોન્ચર, ૫૫૦થી વધુ લડાકુ વિમાનો, સ્પેશિયલ મિશન પાર પાડવા માટે ૧૦ લડાકુ વિમાનો, છ એરિયલ ટેન્કર, ૧૩ એટેક હેલિકોપ્ટર્સ, ૧૭૦૦ તોપ, ૧૦૧ નૌકાજહાજોનો કાફલો બતાવે છે કે ઈરાન અમેરિકા-ઈઝરાયલ સામે લાંબી લડાઈ લડશે. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કબૂલ કરી ચૂક્યા છે કે આ યુદ્ધ ચારથી પાંચ સપ્તાહ ચાલશે. અમેરિકાને લાગતું હોય કે ઈરાન સામે મહિનો-દોઢ મહિનો લડવું પડશે તો એનો અર્થ એ થાય કે ઈરાન વધારે સમય લડી શકશે. અમેરિકાના દુશ્મન દેશો એક થઈને ગુપ્ત રીતે ઈરાનને મદદ કરશે. હિઝબુલ્લાહ અને હમાસ જેવાં બળવાખોર સંગઠનો પણ ઈરાનની તરફેણમાં ઈઝરાયલ પર હુમલા કરીને તેને વ્યસ્ત રાખશે.

આવી સ્થિતિમાં અમેરિકા અને તેના સહયોગી યુરોપના દેશોને ઘેરવા માટે હરીફ દેશો અલગ અલગ વ્યૂહ અમલી બનાવશે. તેની પહેલ રશિયાએ કરી દીધી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ધમકીના સૂરમાં કહ્યું: 'હું વિચારું છે કે રશિયાએ યુરોપમાં પહોંચતો ગેસનો જથ્થો સદંતર બંધ કરી દેવો જોઈએ. કદાચ અમારા માટે આ એક યોગ્ય નિર્ણય હશે. મેં હજુ સુધી એનો આખરી નિર્ણય લીધો નથી, પરંતુ મને લાગે છે કે હું સરકારને નિર્દેશ આપીશ.'

આ નિવેદનથી યુરોપ માટે ખૂબ મહત્ત્વનું છે. પુતિને ભલે યુરોપમાં જતો ગેસનો બધો જથ્થો અટકાવી દીધો નથી, પરંતુ આવો વિચાર વહેતો મૂકીને હવે એ યુરોપને મેસેજ આપી રહ્યા છે કે રશિયાનો હાથ ઉપર છે. યુરોપના દેશોએ યુક્રેન યુદ્ધ પછી રશિયા પર આર્થિક નિયંત્રણો મૂક્યાં હતાં. ઘણી પ્રોડક્ટની નિકાસ બંધ કરી દીધી હતી. તે એટલે સુધી કે ગેસની નિકાસ પણ પ્રભાવિત થઈ હતી. ૨૦૨૧માં યુરોપિયન સંઘના ૨૭ દેશોને રશિયાએ ૧૫૫ અબજ ક્યુબિક મીટર ગેસનો પૂરવઠો આપ્યો હતો. રશિયા યુરોપિયન સંઘનું પાંચમું સૌથી મોટું ટ્રેડ-પાર્ટનર હતું. યુરોપિયન સંઘે ૨૦૨૧માં ૧૧૭ અબજ ડોલરનો ગેસ રશિયા પાસેથી ખરીદ્યો હતો. ઉર્જાની આયાત અન્ય દેશોમાંથી કરવાનું યુરોપના દેશોને પરવડે તેમ નથી. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો તેના પ્રત્યાઘાતમાં યુરોપે અમેરિકા પર આર્થિક પ્રતિબંધો મૂકવાની સાથે ગેસનો જથ્થો ઓછો કરવાની જાહેરાત કરી હતી. તે છતાં એક નહીં તો બીજા રસ્તે યુરોપમાં રશિયાનો ગેસ પહોંચતો હતો. 

અમેરિકા કે ખાડીના દેશોમાંથી યુરોપ સુધી ગેસ પહોંચાડવો મોંઘો પડે. તેનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ જ મોંઘુ પડે અને દરિયાઈ સુરક્ષાના પ્રશ્નો તો ખરા જ. અમેરિકા યુરોપિયન કંપનીઓની દરિયાઈ સુરક્ષાની જવાબદારી સંભાળે છે, પરંતુ દરિયાઈ માર્ગે સતત યુરોપિયન સંઘનાં માલવાહક જહાજોની અવરજવર રહે તો કાયમી વ્યવસ્થા લાંબા ગાળે કરવી જરૂરી બની જાય. કદાચ એ જ કારણ હતું કે યુરોપિયન સંઘે અમેરિકા-રશિયાના સંબંધોમાં ચઢાવ-ઉતાર આવતા હતા છતાં બંને પક્ષે સંબંધો સાચવી રાખ્યા હતા. રશિયન ગેસ પર નિર્ભરતા હોવાથી યુરોપના દેશો મોટાભાગે તટસ્થ વલણ દાખવતા અથવા તો સમાધાનકારી રસ્તો કાઢતા હતા.

યુરોપે ઉર્જામાં આત્મનિર્ભર બનવા માટે લાંબા ગાળાની યોજના ઘડી કાઢી છે. જેને રિપાવર ઈયુ એવું નામ આપ્યું છે, પરંતુ એ પ્રોજેક્ટની એટલી ઝડપથી અસર થાય તેમ નથી. યુરોપે રશિયન ગેસના વિકલ્પે ખાડી દેશોમાંથી કે અમેરિકામાંથી ગેસ આયાત કર્યો તે છતાં હજુય મોટો જથ્થો રશિયન ગેસનો જ છે. આજની તારીખે યુરોપને જરૂરી છે એમાંથી ૧૯-૨૦ ટકા ગેસ રશિયાથી આવે છે. યુક્રેન યુદ્ધ પહેલાં યુરોપની કુલ જરૂરિયાતમાંથી ૪૫-૫૦ ટકા સુધીનો ગેસ રશિયાથી આવતો હતો. યુરોપે બીજી બધી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે છતાં હજુય યુદ્ધ પહેલાંની સ્થિતિએ અડધોઅડધ ગેસનો જથ્થો રશિયાથી ખરીદવો પડે છે. ફ્રાન્સ, સ્પેન અને બેલ્જિયમ સૌથી વધુ રશિયા પાસેથી ગેસ ખરીદે છે. રશિયા પર ગેસની નિર્ભરતા એ યુરોપની મજબૂરી છે. 

પુતિન આ વાત બરાબર જાણે છે. એટલે જ મધ્ય-પૂર્વની ક્રાઈસિસ વખતે યુરોપને ઘેરવા ઈચ્છે છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળે એની અસર વૈશ્વિક વેપારમાં થાય છે. રાતા સમુદ્રથી લઈને હોર્મુઝની ખાડીના રસ્તે થતી સપ્લાઈ ચેન ખોરવાઈ જાય છે. હિન્દ મહાસાગરમાં અમેરિકાના ઘણાં લશ્કરી મથકો છે, જે આ રસ્તે થતાં વેપારી જહાજોનું રક્ષણ કરે છે. પરંતુ ઈરાન અને ઈરાન સમર્થિત બળવાખોર જૂથોએ આ રસ્તો બંધ કરી દીધો છે. કતરે ગેસનું ઉત્પાદન કામચલાઉ બંધ કરી દીધું છે. સાઉદીમાં અરામ્કો પર હુમલો થયો એટલે તેની રિફાઈનરી પણ બંધ પડી છે. અમેરિકા સમર્થિક દેશો ગેસ-ક્રૂડનો જથ્થો મોકલે ને અમેરિકાના રક્ષણ હેઠળ જહાજો નીકળે તો પણ ઈરાનની મિસાઈલો તેને નિશાન બનાવે એ ખતરો તો ખરો જ. આવી પરિસ્થિતિમાં મિડલ ઈસ્ટના ક્રૂડના મોટા ગ્રાહક એવા ભારત-ચીન જેવા ઘણા દેશોએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંડી છે ને રશિયા તરફ નજર દોડાવી છે ત્યારે રશિયાએ યુરોપનું નાક દબાવવાનો વ્યૂહ ઘડી કાઢ્યો છે.

યુરોપના દેશોને મિડલ ઈસ્ટમાંથી જોઈએ એટલો ગેસનો જથ્થો ન મળે તો ગેસના ભાવમાં ભડકો થશે. અત્યારે રશિયા ૨૦ ટકા સુધીનો જથ્થો પહોંચાડે છે ને એ સિવાય રશિયા પાસેથી ગેસ ખરીદીને જે કંપનીઓ યુરોપને આપે છે તેનો જથ્થો પણ જો રશિયા ઘટાડી દે તો યુરોપમાં ૩૦-૩૫ ટકા ગેસની આયાતને સીધી અસર થાય.

પુતિનની ગર્ભિત ધમકી વાસ્તવિક બની જાય તો યુરોપમાં રાતોરાત મોંઘવારી એટલી વધી જાય કે ત્યાંની સરકારો માટે તેને કાબૂમાં લેવાનું કામ કપરું બની જાય. જો અમેરિકા-ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ લાબું ચાલશે તો તેની તીવ્ર અસર યુરોપમાં થશે. પુતિન ગેસનો જથ્થો અટકાવી દેવાનો પ્લાન અમલમાં મૂકશે તો મધ્ય-પૂર્વની અગનજ્વાળા યુરોપને બરાબર દઝાડશે.