- વર્લ્ડ વિન્ડો
- ઈમાન્યુઅલ મેક્રોંએ 'ફોરવર્ડ ડેટરન્સ' નામની પહેલ કરીને યુરોપના દેશોમાં ફ્રાન્સને મોટાભાઈ બનાવવાનો પ્રયાસ આદર્યો છે. અમેરિકાનો વિરોધ કરીને મેક્રોંએ ટ્રમ્પ સામે રાજકીય મોરચો ખોલ્યો છે
'રાજદ્વારી સંબંધોમાં એકબીજાનું સન્માન કરવું જરૂરી છે. અમુક નેતાઓ આગળ વધવાને બદલે દુનિયાને પાછળ ખેંચી જાય છે.'
'ઈરાન સામે ઓપરેશન હાથ ધરતાં પહેલાં ફ્રાન્સની સલાહ લેવાઈ ન હતી. અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત મિશનમાં ફ્રાન્સનું બિલકુલ સમર્થન નથી. એ તેમની લડાઈ છે.'
'ફ્રાન્સ અમેરિકાનું જુનિયર પાર્ટનર બનીને નહીં રહે. ફ્રાન્સની દુનિયામાં અલગ ઓળખ છે.'
'અત્યારની વૈશ્વિક રાજકીય સ્થિતિ જોયાં પછી યુરોપે જાગૃત થવું પડશે. આપણે આપણું રક્ષણ સ્વયં જ કરવું પડશે. કોઈ પર આધાર રાખી શકાય તેમ નથી.'
'યુરોપ વર્લ્ડપાવર હતું. હવે ફરીથી યુરોપે વર્લ્ડપાવર જેવું વર્તન કરવું પડશે.'
'વર્લ્ડ ઓર્ડર લોકતાંત્રિક રસ્તેથી ભટકી ગયો છે. વર્લ્ડ ઓર્ડરને નવેસરથી દિશા આપવાનો સમય આવી ગયો છે.'
'વર્લ્ડ ઓર્ડર હવે ડિસઓર્ડર બની ગયો છે. શાંતિ અને સલામતી માટે એનું ઓપરેશન કરવું જરૂરી છે.'
ઉપરના બધા જ વાક્યો અલગ અલગ સ્થળોએ ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંએ આપેલા ભાષણના અંશો છે. એમાં ઉડીને આંખે વળગે એવી બાબત છે અમેરિકાનો - ટ્રમ્પનો સ્પષ્ટ અને બોલકો વિરોધ. જે નેતાઓ અત્યારના વર્લ્ડ ઓર્ડરની જાહેરમાં ટીકા કરી રહ્યા છે એમાં મેક્રોં મોખરે છે. અમેરિકા કેન્દ્રી વર્લ્ડ ઓર્ડરની ટીકા સાથે નવા ચીન તરફી બની રહેલા વર્લ્ડ ઓર્ડરની પણ મેક્રોં આલોચના કરે છે અને ફ્રાન્સની દાવેદારી નોંધાવે છે. જેમ ભારતમાં ન્યૂ ઈન્ડિયા, વિશ્વગુરુ કે અમેરિકામાં મેક અમેરિકા ગ્રેટ અગેઈન જેવા નારા લાગે છે તેમ મેક્રોં નારો આપે છે - મેક ફ્રાન્સ એન્ડ પ્લાનેટ ગ્રેટ અગેઈન.
મેક્રોં અને ટ્રમ્પ વચ્ચે ઘણાં સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. બંનેની રાજકીય વિચારધારા સામ-સામેના છેડાની છે. મેક્રોંની પાર્ટી રેનેસીએન્સ લિબરલ વિચારધારાને પ્રોત્સાહન આપે છે. યુરોપમાં ફ્રાન્સને બાદ કરતાં બધા મહત્ત્વના દેશોમાં કટ્ટર રાષ્ટ્રવાદી પક્ષોનો ઉદય થઈ ચૂક્યો છે. બીજી તરફ ટ્રમ્પ તો આખી દુનિયામાં કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રણેતા બની ચૂક્યા છે! મેક્રોં માને છે કે ટ્રમ્પની સરકાર આડકતરી રીતે દેશમાં જમણેરી પાર્ટીઓને સમર્થન મળે એવું કરે છે. તેનાથી ફ્રાન્સમાં પણ કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટીઓનો ઉદય થાય તો ટ્રમ્પની વિચારધારા સાથે મેળ બેસે. ફ્રાન્સમાં આવતા વર્ષે પ્રમુખપદની ચૂંટણી થવાની છે અને એમાં કટ્ટરવાદી પાર્ટીઓ મેદાન મારી જાય તો નવાઈ નહીં. આમેય ફ્રાન્સમાં ઘણાં સમયથી રાજકીય અસ્થિરતા જેવો માહોલ તો છે જ.
યુરોપમાં બ્રિટન અને ફ્રાન્સ પરમાણુ શક્તિ ધરાવતા દેશો છે. બ્રિટનનું અર્થતંત્ર અત્યારે કથળેલું છે અને ઘણાં સમયથી પ્રયાસો છતાં અર્થતંત્રની ગાડી પાટે ચડતી નથી. વળી, પરમાણુ હથિયારોને લગતા બ્રિટને અમેરિકા સાથે એવા કરારો કરી લીધા છે કે એમાંથી બહાર નીકળી શકાય તેમ નથી. બંને દેશોના કરારોના કારણે બ્રિટન ધારે તો પણ કોઈ દેશને પરમાણુ હથિયારોથી રક્ષણ આપવાનો વાયદો કરી શકે તેમ નથી. બ્રિટન અમેરિકા સામે ધીમા સૂરે નિવેદનો આપે છે, પણ અમેરિકાના પ્રભાવમાંથી બહાર નીકળવાનું બ્રિટન માટે હવે કપરું છે. વળી, બ્રિટન યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી ગયું એટલે યુરોપના દેશો પણ તેનો એટલો વિશ્વાસ કરે તેમ નથી. ૧૦૦ વર્ષ પહેલાંનું મહાશક્તિશાળી બ્રિટન હવે અસલ રંગમાં રહ્યું નથી એટલે બીજા દેશોના રક્ષણની જવાબદારી ઉપાડી શકે તેમ નથી.
એ કામ ફ્રાન્સે શરૂ કર્યું છે. મેક્રોંએ ફોરવર્ડ ડેટરન્સ નામની એક પહેલ કરી છે. તેમાં એ યુરોપના દેશોના રક્ષણની જવાબદારી સ્વીકારે છે. બદલામાં એ દેશે ફ્રાન્સને વફાદાર રહેવું પડશે. ફ્રાન્સ જે દેશને લશ્કરી કવચ આપશે તે દેશે વૈશ્વિક સ્તરે ફ્રાન્સના હિતો જાળવવા પડશે. ફ્રાન્સે નોર્વે સાથે આવો પહેલો કરાર કર્યો છે. બીજા દેશો સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. આમેય ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા કેન્દ્રીય વિચારોના કારણે યુરોપના દેશોમાં ચિંતા છે. અમેરિકાએ જે રીતે યુક્રેનને રશિયા સામે યુદ્ધમાં ઉતારી દીધા પછી એકલું પાડી દીધું તેનાથી યુરોપનો અમેરિકા પરનો વિશ્વાસ ડગી ગયો છે. એટલું અધૂરું હોય એમ ખુદ ડોનાલ્ટ ટ્રમ્પ નાટોમાં ફંડ આપવાથી લઈને નાટો વિખેરી નાખવા સુધીના નિવેદનો આપ્યા કરે છે. નાટોની સ્થાપના થઈ ત્યારથી અમેરિકા મોટાભાઈની ભૂમિકામાં છે. અચાનક ટ્રમ્પ યુરોપના દેશોને સલાહ આપે છે કે ડિફેન્સની બાબતમાં અમેરિકા પર આધારિત રહેવાને બદલે આત્મનિર્ભર બનો.
ટ્રમ્પે ગ્રીનલેન્ડ ગળી જવાની પેરવી કરી ત્યારથી યુરોપમાં અમેરિકાનો વિરોધ વધ્યો છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયન સહિત યુરોપના બધા જ દેશોને ટેરિફની ધમકી આપવાનું પણ શરૂ કર્યું છે. આ બધા કારણથી યુરોપના દેશોએ મજબૂત ખભો શોધવાની મથામણ આદરી છે અને મેક્રોં એ માટે બિલકુલ તૈયાર બેઠા છે. મેક્રોંએ ટ્રમ્પ સામે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે અને વર્લ્ડ ઓર્ડરમાં પરિવર્તનની હિમાયત કરી છે એટલે અમેરિકા સામે ફ્રાન્સનો મોરચો ખુલી ગયો છે. હોર્મુઝની ખાડીનો મુદ્દો આવ્યો અને ટ્રમ્પે યુરોપના દેશોની લશ્કરી સહાય માંગી ત્યારે સૌથી પહેલા ઈનકાર કરનારા નેતા હતા ઈમાન્યુઅલ મેક્રોં.
બ્રિટન યુરોપિયન સંઘમાંથી બહાર નીકળ્યું પછી ફ્રાન્સ અને જર્મનીનો દબદબો યુરોપિયન સંઘ પર વધ્યો છે. યુરોપના નાગરિકોની વાત હોય ત્યારે ફ્રાન્સ પ્રતિક્રિયા આપે છે. મેક્રોંએ જર્મની અને ઈટાલીના નેતાઓ સાથે વ્યક્તિગત સંબંધો વિકસાવ્યા છે. મેક્રોં અને મેલોનીની રાજકીય વિચારધારા સામ-સામા છેડાની છે, પરંતુ તેમની વચ્ચે દોસ્તી હોવાથી યુરોપના હિતમાં સાથે મળીને કામ કરે છે. જર્મનીમાં ઓલાફ સ્કોલ્ઝને બદલે ગયા વર્ષે જ ફ્રેડરિક મર્ઝ ચાન્સલર બન્યા. ફ્રેડરિકની લિબરલ વિચારધારા મેક્રોંને માફક આવે તેમ છે. મેક્રોંએ યુરોપિયન સંઘના આ બે મોટા દેશોને સાથે રાખીને યુરોપિયન સંઘની આર્મી બનાવવાની દિશામાં પ્રયાસો આદર્યા છે. સ્પેન અને સ્વીડન પણ સંઘના અગત્યના દેશો છે. આ પાંચ દેશોએ સહમતીથી મેક્રોંના વિચારને સ્વીકારીને ૨૦૩૨ સુધીમાં સંઘની સંયુક્ત આર્મી બનાવવા, શસ્ત્રો વધારવા અને સૈનિકોની સંખ્યા વધારવા ફંડ આપવાની તૈયારી બતાવી છે.
શસ્ત્રોના ઉત્પાદન અને વેચાણની વાત હોય તો યુરોપિયન સંઘમાં ફ્રાન્સ પહેલા નંબરે છે. યુરોપના દેશોને સૌથી મોટો ખતરો રશિયાથી છે. રશિયાને ટક્કર આપી શકે એવા યુરોપમાં બે જ દેશો છે - બ્રિટન અને ફ્રાન્સ. બ્રિટન સંઘનો ભાગ નથી. અમેરિકા સાથે લશ્કરી કરારોમાં ફસાયેલું છે ત્યારે ફ્રાન્સ જ યુરોપમાં મોટાભાઈની ભૂમિકા ભજવી શકે છે એ વાત મેક્રોં બરાબર સમજે છે. મેક્રોં ફ્રાન્સમાં ૨૦૨૭માં થનારી પ્રમુખપદની ચૂંટણી લડી શકશે નહીં. ફ્રાન્સમાં પ્રમુખ માટે બે ટર્મની મર્યાદા નક્કી છે. મેક્રોં બે વખત પ્રમુખ બની ચૂક્યા છે. પરંતુ મેક્રોં યુરોપમાં ફ્રાન્સને મજબૂત બનાવીને યુરોપના રાજકારણમાં લાંબંાંગાળાની અસર છોડી જવા ધારે છે. જોઈએ કેટલા સફળ થાય છે!


