Get The App

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સુલેહ ન થતાં વધુ એક યુદ્ધનો ખતરો

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે સુલેહ ન થતાં વધુ એક યુદ્ધનો ખતરો 1 - image

- વર્લ્ડ વિન્ડો

- પાકિસ્તાન-અફઘાનિસ્તાનના સંબંધોમાં આવેલી તંગદિલીથી ભારતીય ઉપખંડમાં ભૂરાજકીય સમીકરણો બદલાયા છે. ગમે ત્યારે આ બંને દેશો બાખડશે અને તેની અસર આખાય વિસ્તારમાં પડશે

અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો થયો પછી અમેરિકાએ આતંકવાદને ડામવા માટે વૈશ્વિક સ્તરે ઓપરેશન્સ ચલાવ્યા. આતંકી જૂથોના ખાત્મા માટે અમેરિકાએ છૂટા હાથે પૈસા વેર્યા. એમાં પાકિસ્તનને પણ એટલો જ લાભ મળ્યો. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદેથી બે-અઢી દશકા પહેલાં આતંકી જૂથો હુમલા કરતા હતા. ઓસામા બિન લાદેને અમેરિકાને નિશાન બનાવ્યું પછી એના આતંકી સંગઠનને ખતમ કરવા અમેરિકાએ વળતા હુમલા શરૂ કર્યાં. અલકાયદા ઘણાં દેશોમાં સક્રિય હતું, એમાંનો એક દેશ અફઘાનિસ્તાન પણ હતો. અમેરિકાએ પાકિસ્તાનને લશ્કરી સહાય શરૂ કરી. આતંકી જૂથોનો નાશ કરવા પાકિસ્તાનને માતબર ફંડ મળતું હતું, પરંતુ પાકિસ્તાને એ ફંડનો દુરુપયોગ શરૂ કર્યો. એ રકમ આતંકી જૂથોને તાલીમ આપવામાં લગાડી અને ભારતમાં હુમલા કરાવ્યા.

લાદેન પાકિસ્તાનમાંથી જ ઝડપાયો પછી અમેરિકાને ખબર પડી કે જેને આપણે સાથી દેશ ગણીને આતંકવાદીઓ સામે લડવા ફંડ આપતા હતા એ તો આતંકવાદને પ્રોત્સાહન આપે છે. જે સાપને દૂધ આપીને પાળીએ છીએ એ તો અતિઝેરી છે. અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાએ ફંડ બંધ કર્યું. તેમના અનુગામી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઓબામાની પૉલિસી પ્રમાણે જ પાકિસ્તાનને આતંકવાદીઓ સામે લડવા ફંડ ન આપ્યું. તેના બદલે અમેરિકાએ સીધી જ આતંકીઓ સામે લડાઈ શરૂ રાખી. ટ્રમ્પના અનુગામી બાઈડેને પણ અમેરિકાને ફંડ ન આપ્યું. બાઈડેનના કાર્યકાળમાં તો પાકિસ્તાન-અમેરિકાના સંબંધો છેક તળિયે પહોંચી ગયા. પાકિસ્તાન સદંતર નકામું છે એવું બાઈડેન બરાબર સમજી ચૂક્યા હતા, કારણ કે ઓબામા પ્રમુખ તરીકે જે સમયે પાકિસ્તાનને મદદ કરતા હતા ત્યારે બાઈડેન ઉપપ્રમુખ હતા. તેમને ખબર હતી કે પાકિસ્તાને અમેરિકન ફંડનો ઉપયોગ આતંકવાદને પોષવા માટે કર્યો હતો.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનો આ વર્ષે શરૂ થયેલો બીજો કાર્યકાળ ખાસ્સો અણધાર્યો રહ્યો. ટ્રમ્પે સત્તામાં આવતાં વેંત ન ધારેલા નિર્ણયો લીધા. એવો જ એક નિર્ણય હતો અમેરિકા-પાકિસ્તાનના સંબંધો સુધારવાનો. ભારત પર દબાણ લાવવા, પાકિસ્તાન પાસેથી દુર્લભ ખનીજો મેળવવા વગેરે કારણોથી ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મીના વડા આસીમ મુનીરને અમેરિકા તેડાવીને આવકાર આપ્યો. પાકિસ્તાન માનવ અધિકારોનું જાહેરમાં ઉલ્લંઘન કરે છે, લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર કરે છે  - એ બધા પર આંખ મિંચામણા કરીને અમેરિકાએ પાકિસ્તાનને માન-સન્માન આપવાનું શરૂ કર્યું. કારણ કે એટલું કે અમેરિકા એમ કરીને ભારત પર આડકતરું દબાણ લાવવા મથે છે અને દબાણમાં ભારત પાસે ટ્રેડ ડીલ કરાવવા ધારે છે. ખાસ તો ભારત-અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલનો કરાર થાય ને ભારત રશિયાને બદલે અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદે તો અમેરિકન કંપનીઓને મોટું માર્કેટ મળી રહે તેમ છે. પરંતુ ભારતે ટ્રમ્પના આ વ્યૂહમાં સપડાવાને બદલે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી યથાવત રાખી છે.

આ બધા બદલાતા સમીકરણો વચ્ચે અમેરિકા-પાકિસ્તાનના સંબંધો સુધર્યા તેની અસર પાકિસ્તાનના પાડોશમાં થઈ. ટ્રમ્પને ખુશ કરવા પાકિસ્તાને અમેરિકાને જેનો વિરોધ છે એ તાલિબાન સામે ઘર્ષણ શરૂ કર્યું. સરહદે બંને દેશો વચ્ચે જામી પડી. સામા-સામા હુમલા પણ થયા. તે એટલે સુધી કે તાલિબાનના લશ્કર સામે એક વખત તો પાકિસ્તાની આર્મીએ પીછેહેઠ કરવી પડી. રસપ્રદ બાબત એ છે કે ૧૯૯૬થી ૨૦૦૧ સુધી તાલિબાનની સરકાર અફઘાનિસ્તાનમાં સત્તામાં હતી ત્યારે કટ્ટરપંથી પાકિસ્તાનના શાસકોને તાલિબાનનું શાસન પોતાની વિચારધારા પ્રમાણે એકદમ અનુકૂળ હતું. એટલે જ પાકિસ્તાને તાલિબાનની સત્તાને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આજે સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે બંને દેશો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં આવતા શરણાર્થીઓના મુદ્દે શરૂ થયેલો સંઘર્ષ હવે દિવસે દિવસે વધતો જાય છે. તાલિબાનની સરકારે પાકિસ્તાન સાથે સમજૂતી કરવા માટે ખાસ રસ બતાવ્યો નહીં. તે એટલે સુધી પાકિસ્તાનના અધિકારીઓ અફઘાનિસ્તાન જઈને વાટાઘાટો કરવા ઈચ્છતા હતા તેમના વિઝા પણ અફઘાનિસ્તાને રદ્ કરી દીધા. તેનાથી પાકિસ્તાન બરાબર અકળાયું. કારણ કે અફઘાનિસ્તાન જેવા દેશે પાકિસ્તાનના ટોચના અધિકારીઓ અને ડિફેન્સ મંત્રી ખ્વાજા આસિફને વિઝા ન આપ્યા તેનાથી પાકિસ્તાનનું નાક કપાયું. પાડોશી દેશ સાથે રાજદ્વારી સંબંધો એ હદે ખરાબ હોય કે પોતાનાથી ઓછી ક્ષમતા ધરાવતો દેશ વિઝા ન આપે એ તો શરમજનક ગણાય.

વાત એટલી વણસી ચૂકી છે કે હવે તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તાલિબાનને ખુલ્લી ધમકી આપવા માંડયા છે. શાહબાઝ શરીફે કહ્યું કે જો અફઘાનિસ્તાન સુલેહનો રસ્તો નહીં અપનાવે તો પછી તખ્તા પલટો કરી દઈશું. પાકિસ્તાને તો ત્યાં સુધી કહ્યું કે તાલિબાનની સરકાર સામે અફઘાનિસ્તાનમાં જે વિરોધ કરશે તેને પાકિસ્તાન ટેકો આપશે. પાકિસ્તાન અફઘાનિસ્તાનના પૂર્વ પ્રમુખોને આગળ કરીને બળવો કરાવવા ધારે છે. તેની સામે તાલિબાને પણ નિવેદનબાજી કરીને પાકિસ્તાનને ભીંસમાં લીધું છે. તાલિબાન જો અસર રંગમાં આવીને હુમલા શરૂ કરે તો પાકિસ્તાનને એની સામે લડવાનું કપરું બને. તાલિબાન આતંકી હુમલા કરીને પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપે તો શું થાય? પાકિસ્તાન હંમેશા આતંકવાદી ગતિવિધિને પ્રોત્સાહન આપતું આવ્યું છે, પરંતુ જો તાલિબાનનો હુમલો થાય તો એમાં પાકિસ્તાન સ્થિત આતંકી જૂથો પણ ખાસ કંઈ સક્રિય થાય નહીં.

આવી સ્થિતિમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે સુલેહ કરવાના પ્રયાસો આદર્યા. એનું બીડું તુર્કીએ ઉપાડયું હતું. તુર્કીના પ્રમુખ રેચેપ તૈયબ એર્ડોઆનને આમેય ઈસ્લામિક દેશો વચ્ચે ભાઈચારો લાવવાનો શોખ છે, તેના ભાગરૂપે તુર્કી વચ્ચે પડયું તો એનેય અફઘાનિસ્તાને કહી દીધું કે સમજૂતી થશે તો અમારી શરતોએ થશે. અફઘાનિસ્તાન શરણાર્થીઓને પાછા રાખવા તૈયાર નથી. જ્યારે પાકિસ્તાનની શરત એ તો ખરી જ કે બધા શરણાર્થીઓને પાછા બોલાવી લેવામાં આવે, પરંતુ સાથે સાથે એવી શરત પણ છે કે તહેરિક-એ-તાલિબાનને અફઘાનિસ્તાનમાં આશ્રય ન આપે. તહેરિક-એ-તાલિબાન એ તાલિબાન આતંકીઓની પાકિસ્તાનની બ્રાન્ચ છે અને પાકિસ્તાનની સરકાર સામે પડી છે. તાલિબાને પાકિસ્તાનની શરતો માન્ય ન રાખી એટલે તુર્કીની મધ્યસ્થીથી થતી વાટાઘાટો પડી ભાંગી. પછી સાઉદીએ મધ્યસ્થીનું કામ હાથમાં લીધું, પરંતુ એમાંય કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી.

બંને દેશો હવે હોંકારા-પડકારા કરીને લડી લેવાનો મનસૂબો બતાવે છે. તાલિબાનની આ આક્રમકતા પાછળ ચીનનો છુપો ટેકો પણ જવાબદાર છે. પાકિસ્તાને દુર્લભ ખનીજો અમેરિકાને આપવાનો કરાર કર્યો તેનાથી ચીન છંછેડાયું છે. તાલિબાનને આગળ કરીને ચીન પાકિસ્તાનને સીધું કરવા માંગે છે. આ બધા વૈશ્વિક રાજકારણ વચ્ચે જો આ બંને દેશો બાખડે તો તેની અસર ભારતીય ઉપખંડમાં થયા વગર રહેવાની નથી.