- વર્લ્ડ વિન્ડો
- સાત વર્ગ કિલોમીટરના વિસ્તાર પર જાપાન-ચીન-તાઈવાન ત્રણેય દાવો કરે છે, ચીનની વધતી દખલના કારણે જાપાને પહેલી વખત પૂર્વી ચીન સમુદ્રમાં લોંગ રેન્જ મિસાઈલ તૈનાત કરી છે. તેનાથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે
જાપાન એને સેનકાકુ કહે છે.
ચીન કહે છે દિઓયુ.
તાઈવાનમાં દિઆયુતાઈ કહેવાય છે.
જેના ત્રણ નામ છે એ ટાપુ એક જ છે. પૂર્વી ચીન સમુદ્રમાં આવેલો સાતેક વર્ગ કિલોમીટરનો ટાપુ સમૂહ ત્રણ દેશો વચ્ચે વર્ષોથી વિવાદનું કેન્દ્ર બન્યો છે. ટાપુ માટે મુખ્ય લડાઈ ચીન-જાપાન વચ્ચે છે. સેનકાકુ એક ટાપુ નથી, નાના-નાના ટાપુ સમૂહો છે. કુલ આઠમાંથી ત્રણ તો પરવાળાના ખડકોના ટાપુ છે. ચીન તાઈવાનને તો પોતાનો હિસ્સો જ ગણે છે અને તાઈવાન પર જ દાવો કરે છે એટલે ટાપુ પર તાઈવાનના દાવાને ગણકારતું નથી, પરંતુ જાપાન સામે આ મુદ્દે તંગદિલી થતી રહે છે. ચીન સેનકાકુ ટાપુ નજીક કંઈકને કંઈ ગતિવિધિ કરે છે એનો જાપાન ઉગ્ર વિરોધ નોંધાવે છે. ચીન દરેક વખતે ટાપુ નજીકથી યુદ્ધજહાજો પસાર કરીને વિવાદ ખડો કરે છે.
સેનકાકુ ટાપુનો વિવાદ આમ તો જાપાન-ચીન વચ્ચે એક સદીથી પણ જૂનો છે, પરંતુ એ વિવાદમાં આગ લગાડવાનું કામ ૧૯૭૨માં અમેરિકાએ કર્યું હતું. વિવાદના મૂળિયા છેક પહેલી સીનો-જાપાનીઝ લડાઈ સુધી પહોંચે છે. ૧૮૯૪-૧૮૯૫માં ચીનના ક્વિંગ રાજવંશ અને જાપાની સામ્રાજ્ય વચ્ચે જંગ જામ્યો હતો. એ લડાઈમાં જાપાની લશ્કર જીત્યું હતું અને હારેલા ચીનના રાજાએ સંયુક્ત કોરિયાનો હિસ્સો જાપાનને આપ્યો હતો, તાઈવાન સહિત પેંઘુ ટાપુઓ જાપાનને આપી દીધા હતા. તે વખતે જાપાને આ સેનકાકુ ટાપુ પણ કબજે કરી લીધો હતો.
સેનકાકુ ટાપુ સદીઓથી નિર્જન છે. એનો લશ્કરી હેતુ માટે જ ઉપયોગ થતો આવ્યો છે. ચીન આ ટાપુ પર પોતાનો દાવો રજૂ કરતાં છેક ૧૪મી સદીના દસ્તાવેજો બતાવે છે. ચીનના એ સમયના રાજાઓ પાસે ટાપુની માલિકી હતી તે છેક સીનો-જાપાનીઝ વૉર સુધી એનો કબજો ચીન પાસે હતો. જાપાનનો જવાબ કાયમ એ જ રહ્યો છે કે સીનો-જાપાનીઝ વૉરમાં ટાપુ પર જાપાને કબજો કર્યો હતો અને તે વખતના રાજાએ શાંતિ સમજૂતી કરી એમાંય સેનકાકુ જાપાન પાસે રહેવા દીધો હતો. સીનો-જાપાનીઝ લડાઈથી બીજા વિશ્વયુદ્ધ સુધી ટાપુનો કબજો જાપાન પાસે હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ પરમાણુ હુમલા કર્યા પછી જાપાનનો પરાજય થયો. જાપાનના એ ટાપુનો કબજો પણ અમેરિકાએ મેળવી લીધો. સેનકાકુનું સંચાલન અઢી દાયકા સુધી અમેરિકાએ કર્યું. ટિશો અને કૂબા નામના બે વિસ્તારોનો ઉપયોગ તો અમેરિકાએ લશ્કરી હેતુ પણ શરૂ કર્યો હતો, જેનો ચીને વિરોધ કર્યો હતો.
૧૯૭૨માં અમેરિકાએ આ ટાપુનો કબજો ફરીથી જાપાનને સોંપ્યો. તે પછી ટાપુની માલિકીનો વિવાદ નવેસરથી શરૂ થયો. કૅરો કરાર પ્રમાણે જેમ તાઈવાન ચીનને મળ્યું એમ આ ટાપુ પણ મળે એવી માગણી થઈ. જાપાને એને સ્વીકારી નહીં એટલે વાત કદાચ પૂરી થઈ જાત, પરંતુ ૧૯૭૦ના દશકામાં જાણકારી મળી કે ટાપુના પેટાળમાં ગેસ ને ક્રૂડ ઓઈલનો ખજાનો છે. એ પછી ચીન-જાપાન વચ્ચે ટાપુ પર કબજાનો વિવાદ વધ્યો. ૧૯૭૨થી ટાપુનું સંચાલન જાપાન કરે છે. વિવાદને ધ્યાનમાં રાખીને જાપાને ટાપુ પર કાયમી લશ્કરી મથક બનાવ્યું નથી, પણ છેલ્લાં દોઢેક દશકાથી ચીનની ટાપુ નજીક વધતી દખલગીરીના કારણે જાપાને પણ ટાપુમાં ગતિવિધિ વધારી છે. ચીન વારંવાર ટાપુ પોતાની માલિકીનો હોય એમ કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે મોકલે છે.
૨૦૧૨માં જાપાનની સરકારે ટાપુ સમૂહમાંથી ત્રણ ટાપુને ખાનગી કંપનીને ભાડે આપી દીધા. ખાનગી કંપનીએ એમાં કોઈ ગતિવિધિ શરૂ કરી નથી છતાં ચીને એનો ભારે વિરોધ કર્યો. દક્ષિણ ચીની સમુદ્રમાં જેમ ચીન સતત એક્ટિવ રહે છે એમ પૂર્વી ચીની સમુદ્રમાં પણ તેની સક્રિયતા ખૂબ રહેતી આવે છે. આ ટાપુની નજીક ચીનની માલિકીના નાન્જી ટાપુ પર ચીની લશ્કરે નેવી બેઝ બનાવ્યો છે. રડાર સિસ્ટમ ગોઠવી છે. ચીનનો નેવી બેઝ ખૂબ નજીક હોવાથી આ ટાપુની નજીક તેની કોઈને કોઈ એક્ટિવિટી ચાલતી રહે છે. તેની સામે જાપાને પણ યોનાગુની ટાપુમાં સેલ્ફ ડિફેન્સ ગુ્રપના સૈનિકો તૈયાર રાખ્યા છે. રડાર સિસ્ટમ પણ ગોઠવી છે અને ત્યાંથી આ ટાપુ પર મોનિટરિંગ કરે છે. ચીનની દખલ વધી જતાં ૨૦૨૩માં જાપાને ઈશિગાકી ટાપુમાં નવું મથક બનાવ્યું છે. ૨૦૩૧ સુધીમાં જાપાન વિવાદિત ટાપુ સેનકાકુ પર જ લશ્કરી ગતિવિધિ વધારે એવી શક્યતા છે. બંને દેશો વચ્ચે આ સિવાયના ટાપુઓ અને જળસીમાને લગતા વિવાદો પણ ચાલતા રહે છે.
એ બધા વચ્ચે જાપાનમાં થોડા સમય પહેલાં સત્તા પરિવર્તન થયું. સનાઈ તાકાઈચી જાપાનના પહેલાં મહિલા વડાંપ્રધાન બન્યાં. તેમણે નવેસરથી ચૂંટણી યોજીને અભૂતપૂર્વ બહુમતી મેળવી લીધી એ પછી આક્રમક વિદેશનીતિ લાગુ પાડી છે. તેમના નેતૃત્વમાં જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત લશ્કરને મજબૂત બનાવવાનો પ્રસ્તાવ મંજૂર થયો. જાપાને અત્યાર સુધી માત્ર સેલ્ફ ડિફેન્સ માટે જ લશ્કરીદળ રાખ્યું હતુ. ૮૦ વર્ષ પછી એ પૉલિસીમાં પરિવર્તન આવ્યું છે. તાકાઈચી ચીન સામે આક્રમક નિવેદનો આપતા રહે છે. તાકાઈચી તાઈવાન, પૂર્વી ચીની સમુદ્ર અને જળસીમાના બાબતે ચીનને હોંકારા-પડકારા કરતાં હોવાથી બંને દેશોના રાજદ્વારી સંબંધો છેલ્લાં છ-આઠ મહિનાથી બેહદ તંગ બની ચૂક્યા છે.
એવામાં ગયા સપ્તાહે ચીને અચાનક પૂર્વી ચીન સમુદ્રમાં બે હજાર નાવડીઓ તરતી મૂકીને જાપાન-તાઈવાન સામે શક્તિ પ્રદર્શન કર્યું. દરિયામાં ૪૦૦ કિલોમીટર સુધી નાવડીઓની લાઈન કરી દીધી. એ માછીમારીની નાવડીઓ હતી, પરંતુ ચીની નેવીના ઈશારે આ રીતે ખડકવામાં આવી હતી. જાન્યુઆરીમાં ચીનના દરિયામાં આ રીતે એક હજાર નાવડીઓ જોવા મળી હતી. ચીનના આ શક્તિ પ્રદર્શન પછી જાપાન તુરંત હરકતમાં દેખાયું હતું.
જાપાને બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત સરહદે ૧૦૦૦ કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલો તૈનાત કરી દીધી છે. આ મિસાઈલો ચીન પાસેના દરિયાકાંઠે ગોઠવાઈ હોવાથી તંગદિલી વધી છે. ચીને એનો વિરોધ નોંધાવ્યો છે અને તેને ઉશ્કેરણીજનક મિલિટરી એક્ટ ગણાવી છે. જાપાને સંરક્ષણના હેતુથી મિસાઈલો તૈનાત કરી હોવાનો ખુલાસો કર્યો હતો. જાપાને ટાઈપ-૧૨ મિસાઈલો ગોઠવી છે એની ક્ષમતા હજુ હમણાં સુધી માત્ર ૨૦૦ કિલોમીટરની હતી.
હવે તેને અપગ્રેડ કરવામાં આવી છે અને આગામી ચારેક વર્ષમાં તેની ક્ષમતા વધારીને બે હજાર કિલોમીટર કરાશે. પહેલી વખત જાપાની મિસાઈલ રેન્જમાં ચીન આવે છે. અત્યાર સુધી 'સેલ્ફ ડિફેન્સ' પૉલિસી જાળવી રાખનારા જાપાને પહેલી વખત આક્રમક મિલિટરી પૉલિસી લાગુ પાડી છે. જાપાનમાં પરિવર્તનનો આ સંકેત છે. પૂર્વી ચીન સમુદ્રમાં જાપાનની લશ્કરી સક્રિયતા ચીનને દક્ષિણ ચીની સમુદ્રમાં, હિન્દ મહાસાગરમાં બેફામ આગળ વધતું અટકાવવામાં રાખવામાં મદદ કરશે.


