Get The App

સોમાલીલેન્ડનો મુદ્દો આગ પકડી રહ્યો હોવાથી વૈશ્વિક શાંતિમાં જોખમ સર્જી શકે

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
સોમાલીલેન્ડનો મુદ્દો આગ પકડી રહ્યો હોવાથી વૈશ્વિક શાંતિમાં જોખમ સર્જી શકે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- ઈઝરાયલે સોમાલીલેન્ડને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપીને વર્ષોથી ઠંડા પડેલા મુદ્દાને બેઠો કર્યો. આફ્રિકાથી લઈને એશિયાના દેશોમાં આ ઘટનાએ વમળો સર્જી દીધા

સોમાલિયા. દુનિયાના પાંચ ગરીબ દેશોનું નામ લેવાનું થાય તો પાંચમું નામ સોમાલિયાનું આવે છે. તળિયાની માથાદીઠ આવકની વાત નીકળે તો લિસ્ટમાં સોમાલિયાનું નામ સમાવવું પડે. માનવ વિકાસ ઈન્ડેક્ષ, હેપિનેસ ઈન્ડેક્ષ વગેરેમાં છેલ્લેથી યાદી બનાવવાની થાય તો સોમાલિયાનું નામ ટોપ-૫માં આવે! દુનિયાના અવિકસિત ટોપ-૧૦ રાષ્ટ્રોમાં સોમાલિયા સામેલ થાય છે. સર્વાધિક ભૂખમરો ધરાવતા દેશોની યાદી બનાવવાની આવે તો એમાં પહેલો ક્રમ આવે સોમાલિયાનો. ૧૨૩ દેશોનો લેટેસ્ટ હંગર ઈન્ડેક્ષમાં ૧૨૩મો રેન્ક સોમાલિયાને અપાયો હતો.

સોમાલિયાના ચાંચિયાઓનો એક સમયે દુનિયાભરમાં હાહાકાર હતો. આજેય એ તરખાટ સદંતર બંધ થયો નથી. દરિયાના માર્ગે થતો વેપાર સોમાલિયાના દરિયાઈ લુંટારાથી બચાવવો પડે છે. સોમાલિયાની હદ આસપાસથી વેપારી જહાજો નીકળે ત્યારે સૌથી વધુ સાવધાન રહેવું પડે છે. વૈશ્વિક વેપારમાં એડનની ખાડીની ભૂમિકા મહત્ત્વની રહેતી આવી છે. સુએઝ નહેરમાંથી રાતા સમુદ્રમાં આવતા માલવાહક જહાજો એડનની ખાડીમાંથી પસાર થાય છે અને સોમાલિયા એડનની ખાડીના કાંઠે આવેલો દેશ હોવાથી સોમાલિયાના ચાંચિયાઓ વર્તાવતા આવ્યા છે. આજે ૨૧મી સદીમાં આટલી એડવાન્સ્ડ ટેકનોલોજીના જમાનામાં પણ રાતા સમુદ્રમાં હૂથી બળવાખોરો અને એડનના કાંઠે સોમાલિયાના લૂંટારાઓ કેટલાય માલવાહક જહાજોને રંજાડે છે.

સોમાલિયાની આવી ઓળખ વચ્ચે એકાએક ભારત-અમેરિકા-ચીન-પાકિસ્તાન-તુર્કી સહિત ડઝન-બે ડઝન દેશો સોમાલિયાની તરફેણમાં નિવેદનો આપવા લાગ્યા છે. આ દેશો સત્તાવાર નિવેદનો આપીને સોમાલિયાના સાર્વભૌમત્વની વકીલાત કરી રહ્યાં છે. આવું થવા પાછળનું કારણ છે ઈઝરાયલ. થોડા દિવસ પહેલાં ઈઝરાયલે અચાનક સોમાલીલેન્ડને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી દીધી. સોમાલીલેન્ડને અત્યાર સુધી એક પણ દેશે માન્યતા આપી નથી. સોમાલીલેન્ડ સાડા ત્રણ દશકાથી વૈશ્વિક માન્યતા માટે પ્રયાસો કરે છે અને સોમાલિયાથી અલગ રહીને આખું તંત્ર ચલાવે છે, પરંતુ સત્તાવાર માન્યતા આપવાથી બધા દેશો બચતા રહે છે. આવી સ્થિતિમાં ઈઝરાયલે સૌને આશ્વર્યમાં નાખીને સોમાલીલેન્ડને દેશ તરીકે માન્યતા આપવાની સાથે સાથે દ્વિપક્ષીય સહયોગ-વેપારના કરારો પણ કર્યા ને તેના કારણે ગ્લોબલ પૉલિટિક્સમાં એકાએક નવા વમળો સર્જાઈ ગયા.

સોમાલિયા ૧૯૬૦માં આઝાદ થયું. એ પહેલાં સોમાલિયાના બે હિસ્સા બે અલગ અલગ દેશો પાસે હતા. આજે જે સોમાલિયા છે એ ઈટાલીના તાબામાં હતું. આજે જે સોમાલીલેન્ડ છે એ બ્રિટનના તાબામાં હતું. બંને ભાગમાં મૂળ સોમાલી કૂળના અલગ અલગ કબિલાના લોકો રહેતા હતા. ૧૯૬૦માં સોમાલિલેન્ડને બ્રિટન પાસેથી આઝાદી મળી. ઈટાલી પાસે જે હિસ્સો હતો એ યુએનની દેખરેખમાં પણ ઈટાલીના સંચાલનમાં હતો. તેની આઝાદીની લડાઈ પણ ચાલી અને ૧૯૬૦માં એને પણ સ્વતંત્રતા મળી. બંને ભાગ ભેગા થયા અને એમાંથી એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો - સ્ટેટ ઓફ સોમાલિલેન્ડ.

આ દેશનું આયુષ્ય હતું માત્ર પાંચ દિવસ. આટલા ટૂંકાગાળામાં જ બંને ભાગોમાં વિરોધ ઉઠયો. વિરોધનું કારણ એ હતું કે બંનેમાં જુદા જુદા મૂળ કબિલાઓનો પ્રભાવ હતો. જો કોઈ એક દેશ બની જાય તો અમુક કબિલાનું પ્રભુત્વ સ્થપાય ને અમુક કબિલાના નેતાઓનું રાજકીય મહત્ત્વ ઘટી જાય. આ રાજકીય મહત્ત્વના ઝઘડામાંથી રિપબ્લિક ઓફ સોમાલીલેન્ડનો જન્મ થયો. એ હિસ્સો પોતાને સ્ટેટ ઓફ સોમાલીલેન્ડનો ખરો ઉત્તરાધિકારી માનતો હતો. બીજો ભાગ સોમાલી રિપબ્લિકના નામથી અસ્તિત્વમાં આવ્યો. સોમાલીના નેતાઓએ સરકારની રચના કરી. યુએનની માન્યતા મેળવી અને બંધારણની રચના કરી એમાં સોમાલીલેન્ડને સ્વીકારવાનો ઈનકાર કર્યો. એ વખતના સોમાલી રિપબ્લિકના નેતાઓ વૈશ્વિક રાજકારણમાં સોમાલીલેન્ડની સરખામણીએ ફાવી ગયા. કોલ્ડવોરમાં તેમની કૂટનીતિ કામ કરી ગઈ અને સોમાલીને માન્યતા મળી ગઈ. આ સોમાલી રિપબ્લિક સમય જતાં સોમાલિયા બન્યું. સોમાલિયાના લશ્કરે સોમાલીલેન્ડ પર પણ કબજો કરી રાખ્યો. વારંવાર ભડકાં થતાં રહ્યાં. ૧૯૮૧માં ફરીથી સોમાલીલેન્ડના લોકોએ યુદ્ધ છેડી દીધું. અનેકના મોત થયા, પરંતુ તે વખતે પણ સોમાલિયાના લશ્કરે એ બળવો ડામી દીધો. આખરે ૧૯૯૧માં લોહિયાળ ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.

૩૦-૩૨ વર્ષના સંઘર્ષ પછી આખરે સોમાલીલેન્ડે સોમાલિયાથી અલગ થઈને પોતાના અલગ રાષ્ટ્રની જાહેરાત કરી. બધો જ વહીવટ સોમાલીલેન્ડના નેતાઓએ હાથમાં લીધો. સોમાલિયાની રાજકીય-આર્થિક કે લશ્કરી દખલનો વિરોધ કરીને એ સદંતર બંધ કરાવી દીધી. પોતાની રીતે એ ભાગનો વહીવટ શરૂ કર્યો ને આંતરરાષ્ટ્રીય માન્યતા માટે પ્રયાસો શરૂ કર્યા, પણ સોમાલિયા એ ભાગને પોતાનો હિસ્સો ગણાવતું હોવાથી સોમાલીલેન્ડને ન સંયુક્ત રાષ્ટ્રસંઘે માન્યતા આપી કે ન કોઈ દેશની માન્યતા મળી. સોમાલીલેન્ડમાં ચૂંટણી થાય છે. પ્રમુખ, ઉપપ્રમુખ સહિત બે ગૃહના પાર્લામેન્ટમાં સાંસદો ચૂંટાય છે. વહીવટી તંત્ર, સુરક્ષાતંત્ર, લશ્કર બધું જ છે. નથી તો આંતરરાષ્ટ્રીય માન્યતા. કારણ કે સોમાલીલેન્ડ અલગ થયું ત્યાં સુધીમાં સોમાલિયા આફ્રિકન ખાડી દેશોના સંગઠનથી લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન સહિતની કેટલાય સંગઠનોમાં સભ્ય બની ચૂક્યું હતું. સોમાલિયા સામે બળવો કરીને અલગ પડેલા રાષ્ટ્રને આ દેશો જો માન્યતા આપે તો સોમાલિયા સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધોમાં અસર પડે. વળી, સોમાલિયા ગમે ત્યારે બળપ્રયોગ કરીને ફરીથી અગાઉની જેમ સોમાલીલેન્ડને કબજે કરી લેશે એવી શક્યતા પણ દાયકાઓ સુધી રહેતી હતી.

આ વૈશ્વિક કૂટનીતિના કારણે સોમાલીલેન્ડ દેશ હોવા છતાં દેશ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની વૈશ્વિક સંસ્થાઓ એટલું જ સ્વીકાર્યું કે એ ભાગ પર અત્યારે સોમાલિયાનો કબજો નથી, પરંતુ એ હિસ્સો ગણાય છે સોમાલિયાનો. આ પરિસ્થિતિ વચ્ચે એકાએક ઈઝરાયલે સોમાલીલેન્ડને અલગ દેશ તરીકે માન્યતા આપીને ચર્ચા જગાવી દીધી. હૂથી બળવાખોરોથી લઈને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન સહિત સૌએ ઈઝરાયલના આ પગલાંની ટીકા કરી અને તેને ઉશ્કેરણીજનક ગણાવ્યું.

ઈઝરાયલે આ પગલું બહુ સમજી વિચારીને લીધું છે અને એમાં તેને સીધો ફાયદો છે. હૂથી બળવાખોરો વારંવાર ઈઝરાયલને નિશાન બનાવે છે. તેની સામે હવે ઈઝરાયલ સોમાલીલેન્ડ સાથે કરાર કરીને તેની સુરક્ષાના બહાને લશ્કરી થાણું પણ બનાવી શકે. ઈઝરાયલના આ પગલાંની ચીને ટીકા કરી. ભારતે પણ સોમાલિયાના સાર્વભૌમત્વના સન્માનની વાત કરી. ટ્રમ્પે કહ્યું કે સોમાલીલેન્ડને કોણ ઓળખે છે? હું આ બાબતે વિચારીને કંઈક પગલાં ભરીશ! જો ઈઝરાયલ ગમે તેમ કરીને આ મુદ્દે અમેરિકાને મનાવી લેશે એડનની ખાડીમાં ભૂરાજકીય સમીકરણો એકાએક બદલાઈ જશે. ઠંડો પડેલો સોમાલીલેન્ડનો મામલો ગરમ થઈને આગનું સ્વરૂપ ધારણ કરશે તો એ વૈશ્વિક શાંતિ માટે જોખમી સાબિત થશે.