Get The App

ઈઝરાયલમાં નેતન્યાહૂના બે હરીફ નેતાઓની પાર્ટી એક થતાં સમીકરણો બદલાશે

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલમાં નેતન્યાહૂના બે હરીફ નેતાઓની પાર્ટી એક થતાં સમીકરણો બદલાશે 1 - image

- વર્લ્ડ વિન્ડો

- ઈઝરાયલમાં ચાલુ વર્ષે ચૂંટણી થવાની છે. યુદ્ધ વચ્ચે રાષ્ટ્રવાદી જુવાળ બનાવીને જીતી જવા માગતા નેતન્યાહૂનો વિજયરથ રોકવા માટે બે પૂર્વ વડાપ્રધાનો - નેફતાલી બેન્નેટ અને યેર લાપિડ એક થયા છે

૧૯૪૮માં ઈઝરાયલ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો તેના એક વર્ષ પછી ૧૯૪૯માં પ્રથમ ચૂંટણી થઈ હતી. તે વખતે જેટલા નેતાઓ ચૂંટણી લડતા હતા એ સૌ ઈઝરાયલને અલગ દેશની માન્યતા મળે તે માટે સંયુક્ત રીતે લડત ચલાવતા હતા. ઈઝરાયલની પ્રથમ ચૂંટણી વખતે ચૂંટણી જીતવાનું રાજકારણ ન હતું. એ ચૂંટણી એક રીતે લોકશાહી સ્થાપિત કરવા માટેનો પ્રયાસ હતો. એમાં એકબીજાને હરાવીને સત્તામાં બેસવાની હરીફાઈ ન હતી. ઈઝરાયલના તે વખતના સર્વમાન્ય નેતા ડેવિડ બૅન બ્રિટન સાથે વાટાઘાટો ચાલતી હતી ત્યારે ઈઝરાયલની માગણી સાથે બનેલી સરકારના વડાપ્રધાન હતા. ચૂંટણી પછીય ૪૬ બેઠકો જીતીને ડેવિડ બૅન જ વડાપ્રધાન બન્યા. તે પછીની ૧૯૫૧, ૧૯૫૫, ૧૯૫૯ અને ૧૯૬૧ એમ ચાર-ચાર ચૂંટણીમાં ડેવિડ બૅન જ વિજેતા બન્યા. તેમની પાર્ટીને જ સૌથી વધુ બેઠકો મળતી હતી અને બાકીના પક્ષો તેમને સમર્થન આપતા હતા.

આ સિલસિલો ૧૯૬૩માં તૂટયો. ઈઝરાયલના સ્થાપક વડાપ્રધાન ડેવિડની ઉંમર થતાં તેમના પર સત્તા છોડવાનું દબાણ વધ્યું ને આખરે તેમણે ૧૯૬૩માં રાજીનામું આપ્યું. ૧૯૬૫ની ચૂંટણી પરિવર્તન લઈને આવી. લેવી એશ્કોય નામના નવા નેતાનો ઉદય થયો. એ પછી નવી નવી પાર્ટી બનતી ગઈ અને વડાપ્રધાનો પણ બદલાતા રહ્યા. એક બાબત ન બદલાઈ. તે એ કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી ન હતી. ઈઝરાયલની સ્થાપના સમયથી જ ગઠબંધનની સરકારનો સિલસિલો શરૂ થયો હતો. એ ચાલતો રહ્યો. ૧૯૬૯ની ચૂંટણીમાં મહિલા નેતા ગોલ્ડા મેઈરના નેતૃત્વમાં અલાઈનમેન્ટ નામની પાર્ટીએ ૫૬ બેઠકો મેળવી હતી. ૧૨૦ બેઠકોમાંથી બહુમતી માટે ૬૧ બેઠકો જરૂરી હોય છે. ગોલ્ડા મેઈરને મળેલી બેઠકો આજ સુધી કોઈ પણ નેતાને મળેલી સર્વાધિક બેઠકો છે. ગોલ્ડા મેઈર ઈઝરાયલનાં પ્રથમ અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન હતાં. ગોલ્ડા બે વખત વડાંપ્રધાન બન્યાં હતાં. બીજી વખત તેમની પાર્ટીને ૫૧ બેઠકો મળી હતી.

તો ઈઝરાયલના રાજકારણની આ વિશેષતા છે. સ્થાપક વડાપ્રધાનથી લઈને લોકપ્રિય વડાંપ્રધાન ગોલ્ડા સુધી કોઈનેય સ્પષ્ટ બહુમતી મળી નહીં. ભલભલા યુદ્ધો થાય ને દેશદાઝની લહેર ઉઠે તો પણ એકેય નેતાને બહુમતીનો મેજિક આંકડો સ્પર્શવા મળતો નથી. ઈઝરાયલમાં કાયમ ગઠબંધનથી જ સરકાર ચલાવવી પડે. બીજી વિશેષતા એ કે યુદ્ધની સ્થિતિ આવી પડે ત્યારે વિપક્ષ જેવું કંઈ હોય નહીં. વિપક્ષના નેતાઓ દેશહિતમાં એક થઈ જાય. જે સરકારે યુદ્ધ શરૂ કર્યું હોય કે કરવું પડયું હોય તેને સમર્થન આપે. તે એટલે સુધી કે ઘણાં વડાપ્રધાનો યુદ્ધની પરિસ્થિતિ વખતે સર્વપક્ષીય સરકારની રચના કરી નાખે. બધી જ પાર્ટીના નેતાઓ સરકારમાં મંત્રી હોય એટલે બધા નિર્ણયો સર્વાનુમતે લેવાતા હોય.

આ રાજકીય પેટર્ન ઈઝરાયલના રાજકારણને અલગ બનાવે છે, અથવા એમ કહીએ કે અત્યાર સુધી આ મુદ્દે ઈઝરાયલનું રાજકારણ અલગ હતું. રાજકીય અસ્થિરતામાં સ્થિરતા એ ઈઝરાયલના રાજકારણની વિશેષતા હતી. યુદ્ધનો ઉપયોગ રાજકીય હેતુથી ન કરવો ને યુદ્ધમાં રાજકારણ ન કરવું એ ઈઝરાયલની ખાસિયતના દુનિયામાં ઉદાહરણો અપાતા હતા, પરંતુ હવે આ પેટર્નમાં પરિવર્તન આવ્યું છે. આ અપવાદનો અંત આવે એવાં સમીકરણો સર્જાયાં છે ને સૌથી વધુ વર્ષ વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ બનાવનારા નેતન્યાહૂને આ સિલસિલો બ્રેક કરવા માટે ભવિષ્યમાં ઈઝરાયલના રાજકારણમાં યાદ રખાય તો નવાઈ નહીં.

આમ તો ઈઝરાયલના રાજકારણમાં છેલ્લા એક વર્ષથી અસ્થિરતા આવી છે. ૨૦૨૨માં છેલ્લી ચૂંટણી થઈ તે છેલ્લાં ચાર વર્ષમાં થયેલી પાંચમી ચૂંટણી હતી. સરકારો બનતી હતી અને પડતી હતી. જુદી જુદી પાર્ટીના નેતાઓ એકબીજાને ટેકો આપતા હતા અને ટેકો પાછો ખેંચી લેતા હતા. યોગ્ય ગઠબંધન ન થાય ને સત્તાધારી ગઠબંધનની બેઠકોનો આંકડો ૬૧ સુધી ન પહોંચે તો નવી ચૂંટણી આવી પડે. એમાં પણ લગભગ થોડા ઘણા ફેરફારો સાથે બેઠકોનું ગણિત એવું જ રહેતું કે બીજી પાર્ટીઓના સમર્થન વગર વડાપ્રધાન બની શકાય નહીં. નવેમ્બર-૨૦૨૨માં થયેલી છેલ્લી ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની લિકૂડ પાર્ટીને સૌથી વધુ ૩૨ બેઠકો મળી હતી. તેમણે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરીને સત્તા મેળવી. તે પહેલાં ૨૦૨૧માં નેતન્યાહૂને ભ્રષ્ટાચારના આરોપોમાં રાજીનામું આપવું પડયું હતું. તે પછી તેમના જ રાજકીય શિષ્ય નેફતાલી બેન્નેટ વડાપ્રધાન થયા હતા. એક વર્ષના ટૂંકા કાર્યકાળ પછી સહયોગીઓએ ગઠબંધન તોડી નાખતા એણેય સત્તા છોડવી પડી. ત્યારબાદ યેર લાપિડ કાર્યકારી વડાપ્રધાન બન્યા. ૨૦૨૨માં ચૂંટણી આવી પછી આખરે નાગરિકોએ અગાઉ પાંચ વખતનો નેતન્યાહૂનો રેકોર્ડ જોઈને સરકાર રચવા માટે તેમના પક્ષને સૌથી વધુ ૩૨ બેઠકો આપી.

૨૦૨૨થી નેતન્યાહૂ વડાપ્રધાન છે, પણ સતત યુદ્ધો, અશાંતિ, અજંપાથી ઈઝરાયલના લોકો ત્રાસી ગયા હોય એમ હવે નેતન્યાહૂની લોકપ્રિયતા ઘટી છે. નેતન્યાહૂ શાંતિ સ્થાપવા વાટાઘાટો કરવાને બદલે સતત યુદ્ધોને પ્રોત્સાહન આપે છે તેની ટીકા થઈ રહી છે. થોડા મહિના પહેલાં તો નેતન્યાહૂની યુદ્ધખોર આક્રમક નીતિનો વિરોધ કરીને લોકો રસ્તા પર ઉતર્યા હતા. ઈઝરાયલના ઈતિહાસમાં પહેલી વખત નાગરિકો યુદ્ધના વિરોધમાં પ્રદર્શનો કરતા હતા. નેતન્યાહૂ પર આરોપ લાગી રહ્યો છે કે દેશને યુદ્ધમાં જોતરીને રાષ્ટ્રવાદી જુવાળમાં આ વર્ષે થનારી ચૂંટણીમાં તરી જવા માંગે છે. અમેરિકન નેતાઓના નિવેદને ઈઝરાયલી મિડીયા, વિપક્ષોની આ ધારણાને બળ આપ્યું. બિલ ક્લિન્ટનથી લઈને કમલા હેરિસ સુધીના અમેરિકન નેતાઓએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પના ઈરાન સામેના યુદ્ધને બિનજરૂરી ગણાવીને એવાં નિવેદનો આપ્યાં કે આ યુદ્ધથી જો કોઈને ફાયદો થતો હોય તો એકમાત્ર વ્યક્તિ છે - બેન્જામિન નેતન્યાહૂ.

ઈઝરાયલમાં ચાર વર્ષે ચૂંટણી થાય છે. ૨૦૨૨માં છેલ્લી ચૂંટણી થઈ હતી. આ વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી થવાની છે. નેતન્યાહૂ ઈરાન યુદ્ધ, લેબેનૉન પર હિઝબુલ્લાહ સામેના હુમલા વગેરે ચાલુ રાખીને યુદ્ધ જીતી લેવા ધારે છે એવી ધારણા ઈઝરાયલમાં દૃઢ થતી જાય છે અને બરાબર એવા સમયે અત્યાર સુધી એકબીજાના કટ્ટર હરીફ એવા બે નેતાઓ, બે પૂર્વ વડાપ્રધાનોએ એક થઈને આગામી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ઈઝરાયલમાં પ્રિ-ઈલેક્શન ગઠબંધનની કોઈ નવાઈ નથી, પરંતુ આ બે જુદી જુદી વિચારધારાના નેતાઓના પક્ષો મર્જ થઈ જાય ને કોઈ એક બીજાનું નેતૃત્વ સ્વીકારીને ચૂંટણી લડવાની તૈયારી બતાવે એ વાતે નવઈ છે. બેન્જામિન નેતન્યાહૂના શિષ્ય ગણાતા નેફતાલી બેન્નેટના નેતૃત્વમાં બંને નેતાઓની મર્જ થઈને નવી બનેલી ટુગેધર પાર્ટી ચૂંટણી લડશે. બંને નેતાઓ એક પાર્ટી માટે, એક નેતૃત્વ માટે પ્રચાર કરશે એટલે નેતન્યાહૂને મજબૂત ટક્કર મળશે.

વેલ, ઈઝરાયલમાં ચૂંટણીને છ મહિનાનો સમય છે. તે પહેલાં આ બંને નેતાઓની પાર્ટીઓનું મર્જર ચર્ચાસ્પદ બન્યું છે. એકધારા અજંપાથી થાકેલા ઈઝરાયલી નાગરિકોને આ બંને શાંતિ સ્થાપવાના વાયદા આપી રહ્યા છે. ઈઝરાયલમાં યુદ્ધ નહીં, પણ શાંતિના નામે ચૂંટણી પ્રચાર થશે જ સૌથી મોટું પરિવર્તન છે.