ગાઝાની અમાનવીય સ્થિતિ પછી યુરોપમાં ઈઝરાયલનો વિરોધ
- વર્લ્ડ વિન્ડો
- ગાઝાના લોકોની દયનીય દશા જોઈને ઈઝરાયલમાં પહેલી વખત સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ફ્રાન્સ અને બ્રિટને તો પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તૈયારી બતાવી દીધી છે
કીર સ્ટાર્મર અને ઇમેન્યુએલ મેક્રોંઃ બ્રિટન-ફ્રાન્સ બન્નેએ પેલેસ્ટાઇનને સત્તાવારે દેશ તરીકે માન્યતા આપવાની વાત ઉચ્ચારી
ઈઝરાયલ-હમાસ વચ્ચે આમ તો કેટલાંય વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ ૨૦૨૩માં ૭મી ઓક્ટોબરે પેલેસ્ટાઈન સમર્થિત આતંકી સંગઠન હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી ઈઝરાયલ આકરા પાણીએ છે. ઈઝરાયલી નાગરિકોનાં મોત અને અપહરણ બાદ ઈઝરાયલના સૈન્યએ ગાઝામાં એટલા હુમલા કર્યા કે જેમાં અત્યાર સુધીમાં ૬૦ હજાર નાગરિકોનાં મોત થઈ ચૂક્યા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા બહુ મોટી છે. આ ૨૨ મહિનામાં ઈઝરાયલના હુમલામાં દોઢ લાખ તો ઈજાગ્રસ્ત બન્યા. માર્ચ મહિનાથી તો ઈઝરાયલ એટલું આક્રમક બન્યું કે તેના વિવિધ પ્રતિબંધોના કારણે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ ગઈ. અનેક લોકો બેઘર બની ગયા. કેટલીય ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ.
વિશ્વની શાંતિ માટે ચિંતા કરતી સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) અને બીજી માનવાધિકારની સંસ્થાઓ દૂર બેસીને તમાશો જોતી રહી. ઈઝરાયલને ઉપરછલ્લો ઠપકો આપીને ગાઝામાં થઈ રહેલાં મોતનાં તાંડવ સામે આંખ આડા કાન કર્યા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની વાતો કરતાં કરતાં યુદ્ધ વધારે ભડકાવી દીધું. ટ્રમ્પની મૂક સંપત્તિથી ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ છેલ્લાં પાંચ મહિનામાં તો ગાઝામાં હાહાકાર મચાવી દીધો. તે એટલે સુધી કે ૧૫૦ લોકોનાં મોત ભૂખમરાથી થયાં એમાં ૯૦ તો બાળકો હતાં. ગાઝામાં ૨૦ હજાર બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. ૩,૦૦૦ બાળકો તો કુપોષણથી ગંભીર સ્થિતિમાં છે. તેમને બચાવવા માટે ગાઝાનો હેલ્થ વિભાગ મહેનત કરી રહ્યો છે. ગાઝાનું ચિત્ર ખૂબ દયનીય થયું પછી સફાળી જાગેલી વૈશ્વિક સંસ્થાઓમાં કરુણા જાગી! સંયુક્ત રાષ્ટ્રસંઘે ઈઝરાયલને થોડા દિવસો યુદ્ધવિરામની વિનંતી કરી. ઈઝરાયલે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું એટલે યુરોપના દેશો પણ જાગ્યા.
લિબર્ટી, માનવીય અધિકારો, કળા, સાહિત્ય માટે દુનિયાને છેલ્લી ચાર-પાંચ સદીથી રાહ દેખાડી રહેલા ફ્રાન્સે ખોંખારો ખાઈને કહ્યુંઃ 'અમે સપ્ટેમ્બર સુધીમાં પેલેસ્ટાઈનને નવા દેશ તરીકે માન્યતા આપીશું.' આ વાક્ય કદાચ પેલેસ્ટાઈન અને ઈઝરાયલનો ઈતિહાસ લખતી વખતે ખાસ ટાંકવામાં આવશે. ઈઝરાયલ-પેલેસ્ટાઈનને બે જુદા જુદા દેશો બનાવવાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રસંઘે સ્વીકાર્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમુક દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપી નથી, તો ઘણા દેશોએ ઈઝરાયલને માન્યતા આપી નથી. ઓર્ગનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન, આરબ લીગ જેવાં સંગઠનોએ તો ઈઝરાયલના અસ્તિત્વને શરૂઆતમાં નકારી કાઢ્યું હતું. પછી ડિપ્લોમસી ટૂલથી એમાંના ઘણા દેશોએ માન્યતા આપી. યુએનના ૧૯૩ સભ્ય દેશોમાંથી ૧૬૪ દેશો ઈઝરાયલને માન્યતા આપી ચૂક્યા છે ને ૧૪૭ દેશો પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી રહ્યા છે. પેલેસ્ટાઈન-ઈઝરાયલ બંનેને માન્યતા આપનારા ભારત-રશિયા-ચીન સહિતના આ દેશોનો આંકડો આમ ઘણો મોટો છે. બંને વચ્ચે આંકડાંની રીતે એટલો મોટો તફાવત નથી, પરંતુ સ્પષ્ટ તફાવત એ દેશોના નામોમાં છે.
વિશ્વના શક્તિશાળી ગણાય એવા દેશો ઈઝરાયલને માન્યતા આપે છે ખરા, પરંતુ પેલેસ્ટાઈનને સ્વતંત્ર રાષ્ટ્રની માન્યતા આપતા નથી. જી-૭ દેશો - અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, કેનેડા - એમનો દુનિયામાં આગવો પ્રભાવ છે. આ ગુ્રપમાં યુરોપિયન યુનિયન પણ મહેમાન ખરું. આ શક્તિશાળી સંગઠનના એકેય દેશે સંપૂર્ણ સ્વતંત્ર પેલેસ્ટાઈનનું અસ્તિત્વ સ્વીકાર્યું નથી, પણ ગાઝામાં છેલ્લાં બે વર્ષમાં ઈઝરાયલે જે નરસંહાર કર્યો તેનાથી ઈતિહાસ બદલાય તો નવાઈ નહીં રહે. ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તૈયારી બતાવી પછી બ્રિટનનો સૂર પણ બદલાયો.
બ્રિટને ઈઝરાયલને ધમકી આપી છે કે જો ગાઝામાં નરસંહાર અટકશે નહીં તો બ્રિટિશ સરકાર પેલેસ્ટાઈનને માન્યતા આપવાનું વિચારશે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે શબ્દો ચોર્યા વગર કહ્યુંઃ 'જો ઈઝરાયલ ગાઝાની દયનીય પરિસ્થિતિ રોકવામાં મદદ નહીં કરે અને યુદ્ધવિરામ નહીં કરે તો બ્રિટન પેલેસ્ટાઈનને માન્યતા આપશે. નેતન્યાહૂ તુરંત શાંતિ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધતા બતાવે.' અમેરિકા સહિતના ઘણા દેશો પેલેસ્ટાઈનને આંશિક માન્યતા આપે છે. ઈઝરાયલનો ગાઝા પર જે દાવો છે તેને અમેરિકા, બ્રિટન ઉપરાંત યુરોપના મોટા ભાગના દેશો માન્યતા આપતા નથી, પરંતુ ગાઝાની ઈઝરાયલે જે ભયાવહ સ્થિતિ કરી છે તેનાથી યુરોપના દેશોનો મત બદલાઈ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના મૂળ પ્રસ્તાવ પ્રમાણે જેરૂસલેમ આંતરરાષ્ટ્રીય અંકુશ હેઠળ રહેવાનું હતું. જેરૂસલેમમાં યહૂદી, ઈસ્લામ અને ખ્રિસ્તી એમ ત્રણેય ધર્મનાં પવિત્ર સ્થળ હોવાથી સંઘર્ષ ટાળવા આ ગોઠવણ થઈ હતી, પરંતુ એના પર ઈઝરાયલે અંકુશ મેળવી રાખ્યો હોવાથી વિવાદ ક્યારેય ઉકેલાયો નહીં. ટ્રમ્પ ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે અમેરિકાએ સત્તાવાર રીતે જેરૂસલેમને ઈઝરાયલનો ભાગ ગણીને અમેરિકી એમ્બેસીની શરૂ કરી હતી. તે મુદ્દે ભારે વિરોધ થયો હતો. ટૂંકમાં, ગાઝા પટ્ટી અને જેરૂસલેમના મુદ્દે ઈઝરાયલ-પેલેસ્ટાઈન ક્યારેય સહમત થઈ શક્યા નહીં એટલે યુદ્ધની આગ ક્યારેય શાંત થઈ નહીં.
પણ જો ફ્રાન્સ-બ્રિટન જેવા દેશો પેલેસ્ટાઈનને સત્તાવાર દેશ તરીકે માન્યતા આપી દેશે તો ઈઝરાયલને મોટો ફટકો પડશે. ગાઝા અને જેરૂસલેમ પરથી દાવો જતો કરવો પડે. ફ્રાન્સ-બ્રિટનના આ નિવેદન પછી ઈઝરાયલે પણ તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પેલેસ્ટાઈનને માન્યતા આપવી એટલે આતંકવાદી સંગઠન હમાસને માન્યતા આપવી. આતંકવાદને સમર્થન કરવું એટલે ઈઝરાયલના નાગરિકોની સુરક્ષા સાથે બાંધછોડ કરવી. ફ્રાન્સ-બ્રિટનના આ નિવેદનનો અમેરિકાએ વિરોધ કરીને ઈઝરાયલનું સમર્થન કર્યું છે, પરંતુ ફ્રાન્સ-બ્રિટનની વાતમાં યુરોપના દેશો સહમત જણાઈ રહ્યા છે. મેક્રોંએ દલીલ કરી કે મિડલ ઈસ્ટમાં કાયમ શાંતિ સ્થાપવી હશે તો બે રાષ્ટ્રની થિયરીને માન્યતા આપ્યા વગર છૂટકો નથી. એ વાતમાં નેધરલેન્ડ જેવા દેશનું પણ સમર્થન મળ્યું છે. નેધરલેન્ડે તો ગાઝાના નરસંહારના અહેવાલો પછી પેલેસ્ટાઈનના લોકો સામે હિંસક-ઉશ્કેરણીજનક નિવેદનો આપનારા નેતન્યાહૂ સરકારના બે મંત્રીઓ પર પ્રતિબંધ મૂકી દીધો. ઈઝરાયલના વિદેશ મંત્રી બેજાલેલ સ્મોટ્રિક અને સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વિર નેધરલેન્ડની મુલાકાત લઈ શકશે નહીં.
યુરોપિયન સંઘ ઈઝરાયલને રિસર્ચ ફંડ આપે છે. એમાં ઘટાડો કરવાની જાહેરાત પણ થઈ છે. પહેલી વખત યુરોપના દેશો ઈઝરાયલના વિરોધમાં દેખાઈ રહ્યા છે. યુરોપિયન સંઘનાં સત્તાવાર નિવેદનમાં તો ગાઝામાં થયેલા નરસંહાર માટે ઈઝરાયલની ઝાટકણી કાઢવામાં આવી. યુરોપિયન સંઘે ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં ટ્રમ્પના એક તરફી આક્રમક વલણની પણ આડકતરી ટીકા કરી. યુરોપના દેશો એવું માની રહ્યા છે કે ટ્રમ્પ નેતન્યાહૂને નરસંહાર માટે છૂટો દોર આપી રહ્યા હોવાનું ચિત્ર ઉપસે છે.
યુરોપના દેશોના આ મત વચ્ચે જો કોઈનો ઓપિનિયન સૌથી મહત્ત્વનો હોય તો એ છે ઈઝરાયલી નાગરિકોનો. ઈઝરાયલના ઈતિહાસમાં પહેલી વખત યુદ્ધ સામે વિરોધ ઉઠયો છે. ઈઝરાયલી સૈન્યના હુમલા સામે ઈઝરાયલના નાગરિકો પાટનગરમાં દેખાવો કરી ચૂક્યા છે. આ નરસંહાર જોઈને ઈઝરાયલના લોકોની આંતરડી કકળી ઉઠી છે. કદાચ આ ફેક્ટર ઈઝરાયલ-પેલેસ્ટાઈનના સંઘર્ષમાં નવો વળાંક લાવશે.