Get The App

ઓનલાઇન ભોગવટો: માણસની વિકૃતિની ખરેખર કશી સીમા નથી...

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ઓનલાઇન ભોગવટો: માણસની વિકૃતિની ખરેખર કશી સીમા નથી... 1 - image

- વાત-વિચાર-શિશિર રામાવત

- સામાન્યપણે સ્ત્રીએ ઘરની બહાર પોતાની સલામતીના મામલે સતર્ક રહેવાનું હોય, પણ અહીં તો પોતાના જ ઘરમા, પોતાના જ ગઢમાં, જેના પર સૌથી વધારે ભરોસો કર્યો છે એવા પતિએ જ દ્રોહ કર્યો હતો અને એ પણ આટલી ભયાનક રીતે! 

'ડ્રગ્ડ, રેપ્ડ, એન્ડ ઓનલાઇન.' 

સીએનએનનો આ હેબતાવી મૂકે આ લેટેસ્ટ રિપોર્ટ વાંચ્યો તમે? આ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટની વાત કરતાં પહેલાં થોડું ફ્લેશબેકમાં જવું પડશે. તમને યાદ હોય તો થોડાં વર્ષ પહેલાં ગિઝેલ પેલિકોટ નામની એક કમનસીબ ફ્રેન્ચ મહિલાના કિસ્સાએ તીવ્ર તરંગો સર્જ્યા હતા. ગિઝેલનો પતિ ડોમિનિક પેલિકોટ એને છૂપી રીતે બેેહોશીની દવા આપતો હતો. એ બેભાન થઈ જાય એટલે એના પર બળાત્કાર કરતો. વાત અહીં અટકતી નથી. આ માણસ એટલો વિકૃત હતો કે એ બહારથી અજાણ્યા પુરુષોને ઘરે તેડી લાવતો. પછી પોતાની બેભાન પત્નીને દેખાડીને કહેતો- જા, આની સાથે તારે જે કરવું હોય તે કર. એક-બે નહીં, પણ કંઈકેટલાય પુરૂષો દ્વારા એણે પોતાની સગી ધર્મપત્નીનો બળાત્કાર કરાવ્યો. જ્યારે પરપુરૂષો પત્ની સાથે કુકર્મ કરતો હોય ત્યારે ડોમિનિક બેઠો બેઠો જોયા કરે, એટલું જ નહીં, એનો વીડિયો બનાવે, પોતાના કમ્પ્યુટરમાં સેવ કરી લે. આ સિલસિલો દસ વર્ષ સુધી ચાલ્યો. 

બાપડી સ્ત્રીને કશી ખબર જ નહીં કે એના શરીર સાથે કેવા કેવા ખેલ થઈ રહ્યા છે. એ તો એવું જ માનતી રહી કે મારું લગ્નજીવન સુખી છે, સ્થિર છે, ને મારો વર મને પ્રેમ કરે છે... પણ શરીર તો પોતાનું કામ કરેને? એને ખૂબ બધી ડ્રગ્ઝ આપવામાં આવી હતી ને એના શરીરને અનેક પુરૂષોએ પીખ્યું હતું એની અસર ધીમે ધીમે વર્તાવા માંડી. એને યાદશક્તિ કમજોર થવા માંડી, વજન ઘટવા માંડયું. એને તોય શંકા સુધ્ધાં ન ગઈ કે એ જાતીય શોષણ ભોગ બની છે. એ તો એમ જ વિચારતી રહી કે આજકાલ મારી તબિયત ઠીક રહેતી નથી, આવું બધું તો ચાલ્યા કરે. એનો પતિદેવ એના મનમાં એવું ઠસાવવા સુધ્ધાંનો પ્રયાસ કર્યો કે તને અલ્ઝાઇમર્સ (સ્મૃતિદોષ) લાગુ પડયો છે! 

આખરે ૨૦૨૦માં આ નરાધમ પાપનો ઘડો ભરાઈ ગયો. આ માણસની વિકૃતિ ઘર પૂરતી સીમિત નહોતી. એ એક શોપિંગ મૉલમાં સ્કર્ટ પહેરીને આવતી છોકરીઓના સાથળો અને અંત:વસ્ત્રોના વીડિયો ચોરીછૂપીથી બનાવતા પકડાઈ ગયો. પોલીસે એનાં ઉપકરણો કબ્જે કર્યા... ને એના લેપટોપ અને પેન ડ્રાઇવ્ઝમાંથી મળલો 'ખજાનો' જોઈને પોલીસ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. દવા આપીને બેહોશ કરી નાખેલી પત્ની પર ડોમિનિકે અને અન્ય પુરૂષોએ જે બળાત્કારો કરેલા એના હજારો, હા, હજારો વીડિયો જડી આવ્યા. કમસે કમ ૭૦ પુરૂષોએ બેભાન અવસ્થામાં પડેલી ગિઝેલનું શરીર ભોગવ્યું હતું. સચ્ચાઈ સામે આવી ત્યારે ગિઝેલ આઘાતથી મૂઢ થઈ ગઈ. મામલો કોર્ટમાં ગયો. ૨૦૨૪માં ડોમિનિકને વીસ વર્ષની સખત જેલની સજા થઈ. 

સામાન્યપણે સ્ત્રીએ ઘરની બહાર પોતાની સલામતીના મામલે સતર્ક રહેવાનું હોય, પણ અહીં તો પોતાના જ ઘરમા, પોતાના જ ગઢમાં, જેના પર સૌથી વધારે ભરોસો કર્યો છે એવા પતિએ જ દ્રોહ કર્યો હતો અને એ પણ આટલી ભયાનક રીતે! 

ના, વાત અહીં પૂરી થતી નથી. સીએનએનની કંપાવી મૂકે એવી સ્ટોરીની એન્ટ્રી હવે થાય છે. સીએનએનની ઇન્વેસ્ટિગેટિવ ટીમના પત્રકારોએ મહિનાઓ સુધી છાનબીન કર્યું, ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું, ડિજિટલ રિપોર્ટિંગ કર્યું, છદ્મવેશે કેટલાય લોકો સાથે વાતચીત કરી.. અને જે કાળી હકીકત સામે આવી તે આ હતી: 

ગિઝેલ પેલિકોટનો કિસ્સો તો માત્ર ટીઝર સમાન છે. સચ્ચાઈ એ છે કે એક આખી ડિજિટલ ઇકોસિસ્ટમ ધમધમે છે, જ્યાં ગિઝેલ જેવી હજારો નિર્દોષ યુવતીઓ પર બેહોશીમાં બળાત્કાર થઈ રહ્યા હોય તેના વીડિયો જોવાય છે, શૅર થાય છે અને ખરીદ-વેચાણ પણ થાય છે. ઇન્ટરનેટ પર એવા કેટલાય પ્લેટફોર્મ્સ છે, જ્યાં આ રીતે દવા આપીને બેહોશ કરી દીધેલી સ્ત્રીઓના શરીરનો ભોગવટો થઈ રહ્યો હોય તેવા ગણ્યા ગણાય નહીં એટલા વીડિયોેને 'સ્લીપ કોન્ટેન્ટ' કે 'પાસ્ડ આઉટ' નામની કેટેગરી હેઠળ મૂકવામાં આવ્યા છે. એક 'આઇ ચેક'  ટેગવાળા વીડિયો હોય છે, જેમાં સ્ત્રીની આંખો બળજબરીથી ખોલીને ખાતરી કરાવવામાં આવે છે એ ખરેખર બેશુદ્ધ છે. આ વીડિયો બનાવનારાઓ તો છે જ, તે જોનારાઓની સંખ્યા લાખો નહીં કરોડોમાં છે. આ પ્રકારનું કોન્ટેન્ટ ધરાવતા એક ચોક્કસ વેબસાઇટને એકલા ફેબુ્રઆરી મહિનામાં જ ૬૨ મિલિયન (એટલે કે છ કરોડ ૨૦ લાખ) વ્યુઝ મળ્યા છે! 

અરે, ટેલિગ્રામ જેવા મેસેજિંગ એપ્સ પર આ પ્રકારનું કોન્ટેન્ટ ખૂબ શૅર થાય છે. ફ્રાન્સના એક કાનૂની નિષ્ણાતે તો ટેલિગ્રામને 'ઓનલાઇન રેપ એકેડેમી' તરીકે આળખાવી છે. અહીં પુરૂષો એકબીજાને ટિપ્સ આપતા હોય છે: સ્ત્રીને એક્ઝેક્ટલી કઈ ડ્રગ્ઝ આપવી? કેટલી માત્રામાં અને કેવી રીતે આપવી? કેવી રીતે સુનિશ્ચિત કરવી કે સ્ત્રી અધવચ્ચે ભાનમાં નહીં આવી જાય? કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી? શૂટિંગ કેવી રીતે કરવું? સ્ત્રીને ભોગવી રહ્યા હોઈએ ત્યારે કેમેરા ક્યાં મૂકવાનો? વીડિયો બની જાય પછી એને ક્યાં પ્લેટફોર્મ પર અપલોડ કરવાનો? કેટલા વ્યુઝમાંથી કેટલા પૈસા મળે? કોઈ વળી ટેલિગ્રામની ચેનલ પર 'સ્લીપિંગ લિક્વિડ' વેચતું હોય. આ એવું ગંધ અને સ્વાદ વગરનું પ્રવાહી હોય, જેને ખાવામાં કે ચા-કૉફી-કોલ્ડ ડ્રિન્કમાં ભેળવી દેવામાં આવે તો ખાનાર કે પીનારને સહેજે શંકા ન જાય. ઘરાકના સ્વાંગમાં ઓનલાઇન ચેટ કરી રહેલા સીએનએનના રિપોર્ટરને એક વેપારીએ ખાતરી આપી કે, 'સાહેબ, આ લિક્વિડ લઈ જાઓ. એક બોટલના ૧૫૦ પાઉન્ડ. તમારી વાઇફને કશી ખબર પણ નહીં પડે, ને એને કશું યાદ પણ નહીં રહે...'   

અમુક પ્લેટફોર્મ પર આ પ્રકારની સેક્સ એક્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ચાલતું હોય. જો બેહોશ સ્ત્રી પર થઈ રહેલો બળાત્કાર લાઇવ જોવો હોય તો ૨૦ ડોલર ઓનલાઇન ભરી દેવાના. એક તરફ બળાત્કાર ચાલતો હોય ને બીજી બાજુ વિકૃત પુરૂષો સ્ક્રીન પર તે જોતાં જોતાં કમેન્ટ કરતા હોય, સૂચના આપતા હોય. 

મગજ કામ કરતું બંધ થઈ જાય એટલી હીન કક્ષાની આ હરકતો છે. આપણને થાય કે માણસની વિકૃતિની કોઈ સીમા જ નહીં હોય? આ વિકૃતિનું આખેઆખું બજાર ધમધમે છે, જેના કેન્દ્રમાં એક જ વાત છે: બેહોશ સ્ત્રીનો દેહ એક 'વસ્તુ' છે, એની સાથે કંઈ પણ કરી શકાય છે. આ બાપડી સ્ત્રીઓને ખબર પણ નથી કે એમના વીડિયો ઉતરી રહ્યા છે, લાખો-કરોડો લોકોએ તે જોઈને કુત્સિત આનંદ માણ્યો છે, અને આ વીડિયો ઉતારનારા બીજું કોઈ પણ એનો ખુદનો પતિ અથવા પ્રેમી છે. સ્ત્રી જ્યારે થાકની ફરિયાદ કરે, યાદશક્તિ ઘટી ગયાની કે ગૂંચવાયેલી-મૂંઝાયેલી હોવાની ફરિયાદ કરે ત્યારે પુરૂષ 'ના ના, આ તારા મનનો વહેમ છે' એમ કહીને વાત ઉડાવી દે. ક્યારેક સ્ત્રીને પોતાના શરીર પર ડાઘા દેખાય, ઘાના નિશાન દેખાય ને એને સમજાય જ નહીં કે આ કેવી રીતે આવ્યા.  

ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર આ પ્રકારના ધંધા કરનારા અને તેને માણનારા પુરૂષોનો તૂટો નથી. તેઓ એકબીજાને પાનો ચડાવતા રહે છે, જેને કારણે આ આપત્તિજનક વર્તન જાણે નોર્મલ છે એવું તેમને લાગતું રહે છે. ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડરમાં આ વર્તનને પેરાફિલિક ડિસઓર્ડર (સામેના પાત્રની મંજૂરી ન હોવાને કારણે જાતીય ઉત્તેજના અનુભવવી) તરીકે ઓળખવામાં આવે છે. સૂતેલા કે બેહોશ વ્યક્તિને જોઈને થતા જાતીય ઉશ્કેરાટ માટે સોમ્નોફિલિયા શબ્દ વપરાય છે. આપણે જે ચર્ચા કરીએ છીએ તે નોન-કન્સેન્સ્યુઅલ સોમ્નોફિલિયા છે, જે જાતીય હિંસાનો જ એક પ્રકાર છે. નિષ્ણાતો જોકે કહે છે કે અહીં મેન્ટલ ડિસઓર્ડર ઓછો છે અને 'મારી વાઇફ કે ગર્લફ્રેન્ડના શરીર પર મારી સંપૂર્ણ માલિકી છે' તેવો ભાવ વધારે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક અહેવાલ કહે છે કે વૈશ્વિક સ્તરે દર ત્રણમાંથી એક સ્ત્રી પોતાના પતિ કે બોયફ્રેન્ડ દ્વારા શારીરિક માર અથવા સેક્સ્યુઅલ વાયોલન્સનો ભોગ બની હોય છે. દર ત્રણમાંથી એક સ્ત્રી!

સીએનએન 'એઝ ઇક્વલ્સ' સિરીઝ હેઠળ આ રિપોર્ટ છાપીને સીધો સવાલ કરે છે: આજના સમાજમાં ડિજિટલ એકાઉન્ટેબિલિટી જેવું કશું છે કે નહીં? આ પ્રકારનું મોટા ભાગનું ઘટિયા કોન્ટેન્ટ ડાર્ક વેબ પર નહીં, પણ જેને એક ટીનેજર પણ સરળતાથી એક્સેસ કરી શકે એવી વેબસાઇટ્સ પર અપલોડ થાય છે. જાણીતાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ્સ પર તે સરક્યુલેટ થાય છે. પોર્નોગ્રાફીનું ભયાનક વિશાળ માર્કેટનું કદ ડિજિટલ ટેકનોલોજીના વિકાસ પછી ઔર ભયાનક બન્યું છે, ને એના ખપ્પરમાં સૌથી અંગત ગણાતા સંબંધોની સુધ્ધાં બલિ ચડી જાય છે. 

આ બધી વિગતો મનને ક્ષુબ્ધ કરી નાખે છે: શું છે લગ્નસંબંધની પવિત્રતા? ક્યાં ગઈ પ્રેમસંબંધની ગરિમા? માણસની ફૂંફાડા મારતી આદિમ વૃત્તિઓ બધું જ ભસ્મ કરી નાખે છે... બધું જ.