- વાત-વિચાર-શિશિર રામાવત
- ત્રણ નિર્દોષ દીકરીઓના સામાહિક આપઘાતની સાથે જ કોરિયન ઓનલાઇન ગેમિંગ ખલનાયક બનીને સ્ફોટ સાથે ઉછળ્યું. કોરિયન લવર ગેમની પચાસેક જેટલી ટાસ્કમાં શું શું કરાવવામાં આવે છે અને આખો મામલો વાત કેવી રીતે ખતરનાક બનતો જાય છે તે વિશે વાલીઓ અને વડીલોને જાણકારી જરૂર હોવી જોઈએ
ગાઝિયાબાદની બાર-ચૌદ-સોળ વર્ષની બહેનોના સામૂહિક આપઘાતે જે સ્તબ્ધતા પેદા કરી છે તે હજુ સુધી તૂટી નથી. ચિત્ર હજુય પૂરેપૂરું સ્પષ્ટ થયું નથી. દેવામાં દટાયેલા પિતાની નાણાભીડ, ઘરકંકાસ અને બીજી ઘણી બાબતો સામે આવી રહી છે, પણ છોકરીઓ જેની બંધાણી થઈ ચૂકી હતી તે ઓનલાઇન વીડિયો ગેમની ભૂતાવળ પશ્ચાદ્ભૂમાં સતત નાચ્યા કરે છે.
સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આ 'કોરિયન લવર્સ' કે 'કોરિયન લેવ ગેમ' અથવા 'કોરિયન લવર ગેમ' એ કોઈ સીધીસાદી એપ નથી જેને એપ સ્ટોરમાં જઈને મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાય. આ એક ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ગેમ છે, જેનું જાળું સંભવત: પ્રાઇવેટ ચેટ્સ, સોશિયલ મીડિયા ગુ્રપ્સ, જુદાં જુદાં ફોરમ, મેસેજિંગ એપ્સ આ સઘળામાં ફેલાયેલું છે. કોઈ મુગ્ધ છોકરો, છોકરી કે કોઈ પણ વ્યક્તિ ચેલેન્જ પ્રકારની આ ગેમ રમવાની શરૂ કરે એટલે કોઈ અજ્ઞાાત 'હેન્ડલર' અથવા 'ક્યુરેટર' એની સામે વર્ચ્યુઅલ પ્રેમી કે સાથી બનીને ઉપસ્થિત થાય. હવે તો વીડિયો ગેમ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો એટલો બધો ઉપયોગ થવા લાગ્યો છે કે સ્ક્રીન પર દેખાતો માણસ સાચો છે કે ડિજિટલ છે તે પહેલી નજરે પકડી ન શકાય. આ ડિજિટલ લવર પાર્ટિસિપન્ટને મેસેજ મોકલે, એની સાથે ચેટિંગ કરે, એને વીડિયો કૉલ કરે. એ પાર્ટિસિપન્ટને એને એક પછી એક ટાસ્ક એટલે કે કામ સોંપવાનું શરૂ કરે. આ સિલસિલો કેટલાંય અઠવાડિયાં સુધી ચાલે. આ સમયગાળામાં પાર્ટિસિપન્ટનું રીતસર સાઇકોલોજિકલ ગુ્રમિંગ કરવામાં આવે.
થોડાં વર્ષો પહેલાં બ્લ્યુ વ્હેલ ચેલેન્જ નામની આવી ટાસ્ક-બેઝ્ડ ઓનલાઇન સિરીઝ ખૂબ બદનામ થઈ હતી, કેમ કે તેના પ્રભાવમાં નાદાન ટીનેજરોના આપઘાતના બનાવો બન્યા હતા. આ ભમરાળી કોરિયન લવર ગેમ લગભગ એ જ પ્રકારની રમત છે. તેમા જુદી જુદી ૫૦ ટાસ્ક આપવામાં આવે છે તેવું કહેવાય છે. શરૂઆત નિર્દોષ જણાતી ટાસ્કથી થાય, પણ એનો અંત પાર્ટિસિપન્ટના જીવનનો આઘાતજનક અંત પર આવી શકે. કઈ છે આ પચાસ ટાસ્ક? તેમાં એક્ઝેક્ટલી શું કરવાનું કહેવાનું હોય? દેખીતું છે કે કોરિયન લવર ગેમની ટાસ્કનું અધિકૃત લિસ્ટ ઉપલબ્ધ ન જ હોય, હોવું પણ ન જોઈએ. અલબબત્ત, આ ટાસ્કમાં શું કરવાનું હોય છે અને તે કેવી રીતે ખતરનાક બનતી જાય છે તેનું એક ચિત્ર જરૂર ઊભું થયું છે. યાદ રહે, અહીં જે વાત થઈ રહી છે તેનો ઉદ્દેશ ઓનલાઇન ગેમ્સનાં ઘાતક પરિણામો વિશે વાલીઓ અને વડીલોમાં જાગૃતિ ફેલાવવાનો છે, ઉત્તેજના ફેલાવવાનો નહીં.
આ પ્રકારની ગેમમાં પાર્ટિસિપન્ટને આપવામાં આવતી ટાસ્કને પાંચ હિસ્સામાં વહેંચી શકાય. સૌથી પહેલો તબક્કો, અગાઉ કહ્યું તેમ, બિલકુલ નિર્દોષ અને રમતિયાળ હોય (એન્ગેજમેન્ટ, ઉત્સુકતા). ડિજિટલ લવર દ્વારા પાર્ટિસિપન્ટને કહેવામાં આવે કે, દાખલા તરીકે, 'તને આજે સાંજે પાંચ વાગે હું એક મેસેજ કરીશ, તારે એક કલાકની અંદર મને રિપ્લાય આપી દેવાનો.' પછી કહેવામાં આવે કે, 'તારી એક મસ્તમજાની સેલ્ફી મોકલને.' પછી કહેવામાં આવે કે, 'હું તારો બોયફ્રેન્ડ છું તો મને હાર્ટવાળું એક ઇમોજી મોકલનેે!' (જો પાર્ટિસિપન્ટ છોકરો હોય તો એની સામે રૂપકડી ડિજિટલ કન્યા લવર બનીને વાતચીત કરે.) 'તારી બારીમાંથી શું દેખાય છે? એક ફોટો પાડ અને મને મોકલ.' 'તેં કેટલાય મહિનાઓથી એકનું એક પ્રોફાઇલ પિક્ચર રાખ્યું છે. એ બદલી નાખ.' 'તારું નામ બોરિંગ છે. ચાલ, તારું એક હુલામણું નામ પાડીએ. હું તને આજ પછી એન્જલ કહીને બોલાવીશ, ઓકે?'
ત્યાર બાદ, 'આવતી કાલે તું તારા ઇન્સ્ટાગ્રામ પર મારા માટે એક રોમેન્ટિક મેસેજ પોસ્ટ કરજે. મારું નામ નહીં લખતી. કોઈ પૂછે તો કહેવાનું પણ નહીં કે આ મેસેજ કોના માટે લખ્યો છે. ઇટ્સ અ સિક્રેટ, ઓકે?' પછી કહેવામાં આવશે: 'તારી હવે પછીની ટાસ્ક એ છે કે તારી આખી રાત જાગવાનું છે. સહેજ પણ મટકું નહીં મારવાનું. હું વચ્ચે વચ્ચે તને મેસેજ કરતો રહીશ. તારે તરત સામો રિપ્લાય કરવાનો કે જેથી મને ખબર પડે કે તું જાગે છે. સવારે છ વાગ્યા પછી જ તને સૂવાની છૂટ. બોલ આટલું કરીશ મારા માટેે?' ચૌદ-પંદર-સોળ વર્ષની કન્યાને આવું બધું કરવાની મજા આવે, એને ગુલાબી ગુલાબી રોમાંચ થાય.
ટાસ્કના બીજા તબક્કાને 'આઇસોલેશન એન્ડ ંકંટ્રોલ' કહેવામાં આવે છે, જેમાં ટીનેજરને ધીમે ધીમે એના ફ્રેન્ડ્ઝ અને ફેમિલીથી દૂર કરવાની કોશિશ શરૂ થાય, તેના પર માનસિક રીતે કબ્જો જમાવવાનો પ્રયત્ન થાય. જેમ કે, એક ટાસ્ક એવી કરવાની આવે કે, 'તું કાલે ત્રણ કલાક માટે ઓફલાઇન થઈ જજે. તું કોઈના મેસેજ ખોલીશ નહીં એટલે તારા ફ્રેન્ડ્ઝને કેવી નવાઈ લાગશે!' પછી એવીય ટાસ્ક મળી શકે કે, 'તું કાલે બહાર હોય ત્યારે ચાર કલાક તારો મોબાઇલ સ્વિચ ઓફ કરી નાખજે. ભલે મમ્મી-પપ્પા ચિંતા કરે!' 'તારું એક એવું સિક્રેટ મને કહે જે તેં મને કોઈની સાથે શેર કર્યું ન હોય. હું કોઈને નહીં કહું. પ્રોમીસ!''કાલે તું ફલાણા મૉલમાં (કે ગાર્ડન કે બીજી કોઈ જગ્યાએ) જજે અને ત્યાંનો આખો માહોલ દેખાય તે રીતે ફોટો પાડી ફલાણી વેબસાઇટ પર અપલોડ કરજે. તારે એકલાં જ જવાનું છે હં, કોઈને સાથે લઈને નહીં!'
છોકરી એને જે કંઈ કહેવામાં આવે તે કર્યા કરે એટલે આ ઓનલાઈન ગેમ ઓપરેટ કરનારી ટીમ કે એઆઈ સિસ્ટમને ખાતરી થઈ જાય કે છોકરી હવે જાળમાં ફસાઈ ગઈ છે. તેથી હવે પછીની ટાસ્ક આકરી થતી જાય. જેમ કે, 'કાલે આખો દિવસ તું તારા તમામ ફ્રેન્ડ્ઝથી દૂર રહેજે.' 'કાલે આખો દિવસ તું તારો રૂમ અંદરથી લૉક કરી રાખજે. કોઈને અંદર આવવા દેતી નહીં. મમ્મીને પણ નહીં.' 'ચાલ, હું તને એક હોરર ફિલ્મનું નામ આપું છું. તે તારે રાત્રે એકલા જોવાની છે... અને હા, તારા રૂમમાં એક પણ લાઇટ ચાલુ ન હોવી જોઈએ...' 'મેં તને એક લવલેટર મોકલ્યો છે. વાંચ, અને સામો રિપ્લાય કર.' 'તને મારા મસલ્સ પસંદ છેને? હું તને મારો એક શર્ટલેસ ફોટો મોકલું છું. શરત એટલી કે તારે પણ મને તારો ટોપલેસ ફોટો શેર કરવો પડશે! બોલ, છે હિંમત?'
ચોથો તબક્કો - ડીસેન્સિટાઇઝેશન. અહીં પાર્ટિસિપન્ટ ડિસ્ટર્બ થઈ જાય એવી તસવીરો દેખાડવામાં આવે (કોહવાઈ ગયેલી લાશ, લોહીલુહાણ થઈ ગયેલાં - કપાઈ ગયેલાં અંગો), એનું મન ચકરાવે ચડી જાય તેવી વાતો તેની સાથે કરવામાં આવે. ટાસ્કમાં શારીરિક પીડા ઉમેરાતી જાય. ('વીડિયો કેમેરા ચાલુ કરીને તારી હથેળીમાં કાપો પાડ. મારે તારું લોહી જોવું છે.') ધીમે ધીમે ટાસ્ક એવી બનતી જાય કે પાર્ટિસિપન્ટ માટે શારીરિક પીડા, ઉજાગરા, દોસ્તો-પરિવારના સભ્યોથી દૂર-દૂર રહેવું આ બધું સામાન્ય થતું જાય. એને થાય કે જીવનનો ખરો આનંદ તો મારો ડિજિટલ પ્રેમી મારી પાસે જે કરાવે છે એમાં જ છે!
ચોથો તબક્કો ડર (ફિયર)નો. કન્યાને ધમકી આપવામાં આવે: હું કહું એટલું તારે કરવું જ પડશે, નહીંતર તારો મોબાઇલ હેક કરી નાખીશ, તારી સિક્રેટ વાતો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ, તારી ટોપલેસ સેલ્ફી મારી પાસે પડી છે, યાદ છેને? તારા પર સતત મારી નજર છે. આવું બધું થાય એટલે છોકરી ભયભીત થઈને ગેમમાંથી બહાર થઈ જવાની કોશિશ કરે કે તરત એને મેસેજ મળે: 'તું હવે આ ગેમ અધૂરી મૂકીને જઈ નહીં શકે. જો તું ગેમ અધૂર છોડી દે ને પછી તારા ભાઈ-બહેનને એક્સિડન્ટ-બેક્સિડન્ટ જેવું કશુંક થઈ જાય તો મારો વાંક ન કાઢતી.'
ઇમોશનલ બ્લેકમેઇલ પછી છેલ્લે સૌથી ખતરનાક પાંચમો તબક્કો આવે (ફાઇનલ હાર્મ ફેઝ). હવે વાત આત્મહત્યા સુધી પહોંચી જાય. અપૂરતી ઊંઘને કારણે છોકરી કે છોકરાનું દિમાગ આમેય પૂરું કામ કરતું ન હોય, એ ઝોમ્બીની જેમ વર્તતા હોય, એનામાં કોઈને કશુંય કહી શકવાની હિંમત બચી ન હોય, પાર્ટિસિપન્ટ પોતાના ડિજિટલ પ્રેમી પર સાઇકોલિજકલી નિર્ભર થઈ ચૂક્યા હોય. છેલ્લી ટાસ્ક એટલે આત્મહત્યા. એને કહેવામાં આવે કે, 'તને જે જીવન મળ્યું છે એમાં શંુ દાટયું છે? તને અસલી આનંદ તો ફક્ત હું જ આપી શકું તેમ છું, પણ મારી અદભુત દુનિયામાં આવવું હોય તો તારે તારી દુનિયા છોડવી પડશે...'
પોતાના પ્રેમીને મળવા ઉતાવળી થઈ ગયેલી છોકરી આ દુનિયા છોડવા તૈયાર થઈ જાય... ને બીજા દિવસે આપણા પર ન્યુઝ ત્રાટકે કે ગાઝિયાબાદની એક નહીં, ત્રણ ટીનેજ બહેનોએ નવમા માળેથી એકસાથે કૂદીને આત્મહત્યા કરી લીધી છે.
કોરિયન ગેમિંગનો ગાઢ સંબંધ કોરિયન કલ્ચર અથવા કે-કલ્ચર સાથે પણ છે. ત્રણેય મૃતક બહેનો ખુદને કોરિયન પ્રિન્સેસ સમજતી હતી. એમના ડિજિટલ પ્રેમીઓ કોરિયન વેબ સિરીઝના હીરો જેવા દેખાતા હશે એ તો નક્કી. કોરિયન કલ્ચરે એમના પર ભૂરકી છાંટી દીધી હતી. એવું તે શું આ કોરિયન કલ્ચરમાં? કે-પોપ, કે-ડ્રામા, કે-બ્યુટી... શું છે આ બધું? હવે પછી જોઈશું.


