Get The App

તેઓ બરાબર જાણતા હતા કે સોશિયલ મીડિયા પર અકુંશ નહીં મૂકાય તો...

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
તેઓ બરાબર જાણતા હતા કે સોશિયલ મીડિયા પર અકુંશ નહીં મૂકાય તો... 1 - image


- વાત-વિચાર - શિશિર રામાવત

- કેવિન સિસ્ટ્રોમે કહેલું : હું મારી ઇન્સ્ટાગ્રામ એપ તમને 

એક બિલિયન ડોલરમાં વેચવા તૈયાર છું, પણ એક શરત છે. હું કામ સ્વતંત્રપણે કરીશ. એમાં કોઈએ વચ્ચે ડબ-ડબ નહીં કરવાનું. માર્ક ઝકરબર્ગ જવાબ આપેલોઃ ડન! 

અમેરિકામાં અત્યારે ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી) અને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ પર માલિકી ધરાવતી માર્ક ઝુકરબર્ગની કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક વચ્ચે ઘમાસાણ કાનૂની યુદ્ધ ચાલી રહ્યું છે. એફટીસી એ અમેરિકન સરકારની એક સ્વતંત્ર એજન્સી છે, જે ગ્રાહકોની સુરક્ષા કરવાનું અને માર્કેટમાં કોઈ કંપની દાદાગીરી કરતી હોય તો તેને રોકવાનું કામ કરે છે. ફેસબુકના ધણી ઝકરબર્ગે ૨૦૧૨માં  ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધું, ને પછી ૨૦૧૪માં વોટ્સએપ પણ અંકે કરીને પોતાની કંપનીમાં ભેળવી દીધું. એફટીસીનો આક્ષેપ છે કે મેટા કંપનીએ આ વ્યુહાત્મક પગલાં ભર્યા, કારણ કે તે પર્સનલ સોશિયલ મીડિયા નેટવર્કિંગ માર્કેટમાં હરીફોને ખતમ કરીને મોનોપોલી ઊભી કરવા માગે છે. સામે પક્ષે, મેટા કહે છે કે ખોટી વાત. આજની તારીખે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દુનિયાભરના લોકો એટલા માટે વાપરી શકે છે કે અમે તેની પાછળ પુષ્કળ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રીસોર્સીસ કામે લગાડયાં છે... અને કોણ કહે છે કે સોશિયલ મીડિયા પર અમારી મોનોપોલી છે? એક્સ (ટ્વિટર), યુટયુબ, ટિકટોક, ટેલિગ્રામ, સ્નેપચેટ વગેરે જેવાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ જબરદસ્ત લોકપ્રિય નથી શું? 

૧૪ એપ્રિલથી અદાલતમાં સુનાવણી શરુ થઈ છે. થોડાં અઠવાડિયામાં કોર્ટનો ચુકાદો આવી જશે એવી ધારણા છે, પણ આ આખી કાનૂની કાર્યવાહી દરમિયાન કેટલીક રસપ્રદ બાબતો બહાર આવી છે. એમાંની મુખ્ય એ કે ઇન્સ્ટાગ્રામ એપ બનાવનાર અને આ બ્રાન્ડના મૂળ માલિક એવા કેવિન સિસ્ટ્રોમે વર્ષો પહેલાં, કે જ્યારે ઇન્સ્ટાગ્રામ આજ જેટલું પોપ્યુલર નહોતું, ત્યારે જ માર્ક ઝકરબર્ગને ચેતવ્યા હતાઃ ઇન્ટાગ્રામ પર અત્યારથી જ લગામ રાખજો, કારણ કે જો એને છુટ્ટો દોર આપી દેશો તો તેના પર ખૂબ જ ગંદું, ઝેરીલું અને હાનિકારક કોન્ટેન્ટ વાઇરલ થઈ શકે છે, સમાજમાં ખોટાં મૂલ્યો પ્રસ્થાપિત થઈ શકે છે અને બાળકો - તરુણો તો ઠીક, વયસ્ક લોકોની મેન્ટલ હેલ્થ પર એની ખરાબ અસર પડી શકે છે... પણ ઝકરબર્ગભાઈ માન્યા નહીં. એમને તો ઇન્સ્ટાગ્રામને દુનિયાભરમાં બને એટલું વધારે ફેલાવી દેવામાં રસ હતો. એમણે આલ્ગોરિધમ પર કોઈ લગામ રાખી નહીં, લેવાં જોઈતાં હતાં એવાં સેફ્ટી મેઝર્સ લીધાં નહીં. પરિણામ આપણી સામે છે. સોશિયલ મીડિયા આજે અત્યંત ટોક્સિક બની ચૂક્યું છે ને લોકોને એનું ભયાનક બંધાણ થઈ ગયું છે એની પાછળ ઇન્સ્ટાગ્રામ-ફેસબુક-વોટ્સએપ આ ત્રણેયનો ખૂબ મોટો ફાળો છે.  

સોશિયલ મીડિયા એક એવો ભસ્માસૂર છે, જેના પર હવે લગામ તાણવી મુશ્કેલ છે. આ તો ઘોડા છૂટા ગયા પછી તબેલાને તાળાં દેવા જેવી વાત થઈ. સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લેવું જેવું ખાસ હોતું નથી તે વાત સાચી, પણ ઇન્સ્ટાગ્રામને જન્મ આપનાર કેવિન સિસ્ટ્રોનની ખુદની કહાણી મજાની છે.

તો ચાલો, જવાબ આપોઃ અઢાર મહિનામાં માણસ શું શું કરી શકે? કોલેજનું દોઢ વર્ષ પૂરું કરી શકે. નવી કરીઅરની શરૂઆત કરી શકે. પ્રેમમાં પડી, પરણી શકે,બચ્ચું પેદા કરી શકે. નવી ભાષા શીખી શકે. તોતિંગ કોથળા જેવી ઘાટઘૂટ વગરની કાયા પરથી ચરબીનાં થર ઉતારી શકે. પણ જો તમે કેવિન સિસ્ટ્રોમ હો તો ઈન્સ્ટાગ્રામ બનાવી, માર્ક ઝકરબર્ગને વેચી, દોઢ જ વર્ષમાં એક બિલિયન ડોલર એટલે કે આજની તારીખના લગભગ ૮૩ અબજ કરતાંય વધારે રૂપિયા કમાઈ શકો!

કેવિન સિન્ટ્રોમ નામના આ અમેરિકન જુવાનિયાએ ૨૦૧૨માં માર્ક ઝકરબર્ગને ઇન્સ્ટાગ્રામ વેચ્યું ત્યારે એ માંડ ૨૮ વર્ષનો હતો. બોસ્ટનના એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલો કેવિન સ્ટેનફર્ડ યુનિવસટીમાં મેનેજમેન્ટ સાયન્સ અને સોફ્ટવેર એન્જિનીયરીંગનું ભણ્યો. પછી ઓડિઓ (આ કંપની પછી ટ્વિટર તરીકે ઓળખાઈ)માં ઇન્ટર્ન તરીકે અનુભવ લીધા બાદ એણે ત્રણેક વર્ષ ગૂગલમાં અને થોડો સમય નેક્સ્ટ-સ્ટોપ નામની ટ્રાવેલ સંબંધિત વેબસાઇટમાં કામ કર્યું. મનમાં ખુદનું કંઈક કરવાનો કીડો સળવળ સળવળ થયા કરે એટલે નોકરી છોડીને એણે બરબન (Burbn) નામની સ્વતંત્ર કંપની સ્થાપવાની મથામણ શરૂ કરી.

એક દિવસ એનો ભેટો માઈક ક્રિગર નામના ઔર એક ટેકનો-બહાદુર સાથે ગયો. માઈક એના કરતાં એક વર્ષ મોટો. એણે કેવિનની કોલેજમાંથી જ સોફ્ટવેર એન્જિનીયરીંગ કર્યું હતું. એક સાંજે બિયરની કેટલીય બોટલો ગટગટાવ્યા પછી કેવિને એકાએક પૂછયુંઃ 'હેય માઇક, હું મારી કંપની શરૂ કરવાની કડાકૂટમાં પડયો છું. બોલ, જોઇન થવું છે મારી સાથે? મિલાવવો છે હાથ?' માઈક તરત તૈયાર થઈ ગયો. આમ, માઈક બરબનનો કો-ફાઉન્ડર બન્યો.

બરબન એક પ્રકારની ટ્રાવેલિંગ સંબંધિત મોબાઈલ એપ્લિકેશન હતી, જેમાં તસવીરો વૈકલ્પિક રહેતી. કેવિન અને માઈક બન્નેને થયા કરતું હતું કે આ કંઈ જામતું નથી. કુછ ઔર સોચતે હૈ. ખૂબ બ્રેઈન સ્ટોમગ પછી એક દિવસ યુરેકા મોમેન્ટ આવીઃ આપણે ફોટો-શેરિંગ અને સોશિયલ નેટવર્કના કોમ્બિનેશન જેવું કંઈક બનાવીએ તો?

કેવિનને આમેય ફોટોગ્રાફીનો બહુ શોખ હતો. જુનિયર કોલેજમાં હતો ત્યારે સ્ટુડન્ટ-એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એક આખી ટર્મ માટે એ ઈટાલી ભણવા ગયેલો. ત્યાં ફોટોગ્રાફી એનો મુખ્ય વિષય હતો. એક વાર ટીચરે એને નિકોનના કેમેરાને બદલે હોલ્ગા કેમેરા વાપરવાની સલાહ આપેલી, જેમાં લંબચોરસ નહીં પણ ચોરસ ફોટા પડતા. ઈન્સ્ટાગ્રામની નવું નવું હતું ત્યારે એમાં શેર થતી તસવીરો ચોરસ રહેતી તેનું કારણ આ જ.

કશુંક નવું બનાવવાની માથાફોડી ચાલતી હતી એ દિવસોમાં માઇકની ગર્લફ્રેન્ડે એક વાર વાતવાતમાં કહ્યુંઃ 'હની, તું જે મોબાઈલ એપ્લિકેશન ડેવલપ કરી રહ્યો છે એમાં મને તો રસ પડતો નથી, કારણ કે મોબાઈલથી ફોટા પાડવા મને આમેય ગમતા નથી. એના કરતાં ફલાણાએ પાડેલી તસવીરો જો. એ કેમેરામાં અલગઅલગ ફિલ્ટર વાપરે છે એટલે એના ફોટાઓનું રિઝલ્ટ બહુ જ મસ્ત આવે છે.' 

માઈકના દિમાગમાં તરત બત્તી થઈઃ અપુન કી મોબાઈલ એપ મેં ફિલ્ટર્સ તો હોના હી ચાહિએ! (સારઃ ગર્લફ્રેન્ડ એવી શોધવી કે જે અજાણપણે તો અજાણપણે, પણ ઈન્ટેલિજન્ટ સૂચનો કરી શકતી હોય!) 

આ બધા આઇડિયાઝનો સરવાળો કરવામાં આવ્યો અને બની ગઈ હાઇક્લાસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર. ઓળીઝોળી પીપળ પાન કરીને નામ પાડવામાં આવ્યું - 'ઈન્સ્ટાગ્રામ'. ઈન્સ્ટન્ટ વત્તા ટેલિગ્રામ!

૬ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ ઈન્સ્ટાગ્રામ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. પહેલા જ દિવસે ૨૫,૦૦૦ યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી. આંકડો વધતો ગયો. દોઢ વર્ષમાં તો પ્રત્યેક સેકન્ડે ૫૮ ફોટા અપલોડ થઈ રહ્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર કુલ તસવીરોનો આંકડો એક અબજને વટાવી ચૂક્યો હતો. આવી તીરઝડપે થઈ રહેલી પોપ્યુલર સાઇટ જોઈને ફેસબુકના સ્થાપક તેમજ સીઈઓ માર્ક ઝકરબર્ગની દાઢ ન સળકે તો જ આશ્ચર્ય! એણે કેવિનને બોલાવ્યો અને તોતિંગ ઓફર મૂકીઃ એક બિલિયન (અબજ) ડોલરમાં તારી કંપની મને વેચી નાખ! ટ્વિટરવાળાએ મૂકેલી ઓફર કરતાં માર્કની ઓફર લગભગ બમણી હતી. તે વખતે ઈન્સ્ટાગ્રામમાં ફક્ત તેર માણસોનો સ્ટાફ હતો. સાન ફ્રાન્સિસ્કોની ટચૂકડી ઓફિસમાં સૌ સાંકડમાંકડ બેસીને કામ કરતા. તે અરસામાં ફેસબુકનો ઈનિશિયલ પબ્લિક ઈશ્યુ પણ આવવાનો હતો. 

કેવિને પોતાના દોસ્તાર માઈક સાથે મસલત કરીને ઓફર સ્વીકારી લીધી. સાથે શરત પણ મૂકીઃ અમે ફેસબુકનો હિસ્સો બનીશું, પણ કામ સ્વતંત્રપણે કરીશું. એમાં કોઈએ વચ્ચે ડબ-ડબ નહીં કરવાનું. માર્ક કહેઃ ડન! સોદો પાર પડયો અને સિલિકોન વેલીની સૌથી રસપ્રદ રેગ્ઝ-ટુ-રિચીઝ (રોડપતિમાંથી કરોડપતિ) કહાણીઓમાં ઈન્સ્ટાગ્રામની કથા અંકિત થઈ ગઈ. કેવિન ઇન્સ્ટાગ્રામનો સીઈઓ બન્યો અને માઇક સીટીઓ (ચીફ ટેકનોલોજી ઓફિસર) બન્યો. ૨૦૧૩માં 'ટાઈમ' મેગેઝિને દુનિયાની સૌથી વગદાર ૧૦૦ વ્યક્તિઓની સૂચિમાં કેવિન સિસ્ટ્રોમનું નામ સામેલ કર્યું. 

મેટામાં જોડાયા એના છ વર્ષ પછી, ૨૦૧૮માં, કેવિન અને માઇક બન્નેએ રાજીનામાં આપી દીધાં. કેમ? કેમ કે માર્ક ઝકરબર્ગ એમના સ્વતંત્રપણે કામ કરવા દેતા નહોતા! કેવિન-માઇકે ઝકરબર્ગ સાથે હાથ મિલાવ્યા ત્યારે ઇન્સ્ટાગ્રામના એક્ટિવ યુઝર્સ ત્રણ કરોડ હતા, પણ એમણે મેટા કંપની છોડી ત્યાં સુધીમાં આ એક્ટિવ યુઝર્સની સંખ્યા એક અબજને પાર કરી ગઈ હતી. આજે ૨૦૨૫માં, ઇન્સ્ટાગ્રામના એક્ટિવ યુઝર્સનો આંકડો બે અબજને પાર કરી ચૂક્યો છે. 

ઓકે, તો ઇન્સ્ટાગ્રામ સંપૂર્ણપણે માર્ક ઝકરબર્ગને સોંપી દીધા પછી કેવિન સિસ્ટ્રોમે શું કર્યું? એ જ વર્ષે એટલે કે ૨૦૧૮માં, કેવિને આર્ટિફેક્ટ નામની પર્સનલાઇઝ્ડ ન્યુઝ એગ્રીગેટર એપ્લિકેશન બનાવી, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે સંચાલિત હતી. આ એપ ચાલી નહીં એટલે જાન્યુઆરી ૨૦૨૪માં કેવિને તેના પર તાળાં મારી દીધાં. જોકે યાહૂએ કેવિન પાસેથી આર્ટિફેક્ટની ટેકનોલોજી ખરીદી લીધી છે. કેવિન હાલ એઆઇની મદદથી શી રીતે માહિતીનું પ્રસારણ સુધારી શકાય અને લોકોનો ન્યુઝ કન્ઝ્યુમ કરવાનો અનુભવ બહેતર બનાવી શકાય તેના પર કામ કરી રહ્યા છે. 

કેવિન સિસ્ટ્રોમે ભલે ઇન્સ્ટાગ્રામ પછી એ જ કક્ષાની બીજી કોઈ સુપરડુપર હિટ વસ્તુ બનાવી નથી, પણ સિલિકોન વેલીમાં આજની તારીખે પણ એ વગદાર માણસ ગણાય છે. 

Tags :